ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો, આજે પણ સાર્વત્રિક ભારે વરસાદની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદ અંતર્ગત છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી 81 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તેમજ હવામાન વિભાગે આજે પણ સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરી છે. રાજયમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે. રાજયમાં હાલ લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ, બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, મોરબી, અરવલ્લી, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તા. 22 થી 25 ઓગષ્ટ સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.
નર્મદા ડેમમાં પાણીની સપાટી વધી
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના ઉપરવાસમાં વરસાદને લીધે પાણીની જળસપાટીમાં વધારો થયો છે. જેમાં નર્મદા ડેમ 80.84 ટકા તેમજ અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 75. 74 ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે 73 ડેમને હાઇ એલર્ટ, 35 ડેમને એલર્ટ અને 16 ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.
આ પણ વાંચો…પહાડી વિસ્તારથી મેદાની વિસ્તાર સુધી સાંબેલાધાર વરસાદ, અનેક રાજ્યોમાં જનજીવન અસ્તવ્યસ્ત