ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડમાં 142 તાલુકામાં મેઘમહેર, સિઝનનો સરેરાશ ૯૨ ટકાથી વધુ વરસાદ , | મુંબઈ સમાચાર
Top Newsઅમદાવાદ

ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડમાં 142 તાલુકામાં મેઘમહેર, સિઝનનો સરેરાશ ૯૨ ટકાથી વધુ વરસાદ ,

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી.. દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.

હવામાન વિભાગ મુજબ,આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે અને પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આગામી 5 દિવસ સુધી પવન 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. માછીમારોને દરિયો નહીં ખેડવા પણ આઈએમડી દ્વારા જણાવાયું હતું.

આપણ વાંચો: ગુજરાતને એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ ધમરોળશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી…

રાજ્યમાં હાલમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેમાં પૂર્વ ભાગમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ સાથે સાઇક્લોનિક સર્ક્યુલેશન, અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ લાઈન અને મોન્સૂન ટ્રફનો સમાવેશ થાય છે.

આ સિસ્ટમ્સને કારણે ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. આ દરમિયાન રાજ્યમાં સવારે 6 થી સાંજના 6 કલાક સુધીમાં 142 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 5.24 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સોનગઢમાં 3.86 ઇંચ, શિંગવડમાં 3.5 ઇંચ, નેત્રંગમાં 3.43 ઇંચ, ખંભાતમાં 2.99 ઇંચ, ધોલેરામાં 2.95 ઇંચ, સંજેલીમાં 2.95 ઇંચ, અંકલેશ્વરમાં 2.80 ઇંચ, ઝઘડિયામાં 2.80 ઇંચ, સુરતના માંડવીમાં 2.52 ઇંચ વરસાદ વરસ્યો હતો.

આપણ વાંચો: આ જિલ્લામાં ગાજવીજ સાથે ખાબકી શકે છે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી…

રાજ્યમાં એક તાલુકામાં પાંચ ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં ત્રણ ઇંચથી વધારે, 14 તાલુકામાં બે ઇંચથી વધારે, 31 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો. 93 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજાએ તમામ વિસ્તારમાં મેઘમહેર કરી છે. ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યમાં સરેરાશ ૯૨.૬૪ ટકા વરસાદ નોંધાયો છે.

જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં ૯૬.૯૪ ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ૯૬.૯૧ ટકા, પૂર્વ-મધ્યમાં ૯૩.૭૯ ટકા, કચ્છમાં ૮૫.૧૪ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં ૮૪.૭૪ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવાયું હતું.

સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૧૧૩ ડેમ હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં ૮૨ ડેમ ૧૦૦ ટકા, ૬૮ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે, ૨૪ ડેમ ૫૦ થી ૭૦ ટકા વચ્ચે જ્યારે ૧૭ ડેમ ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના ૮૯ ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.

ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત‌‌ એવા ખેડૂતો દ્વારા તા. ૦૧ સપ્ટેમ્બર-૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ કુલ ૯૬.૨૯ ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ૨૨ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં ૨૦ લાખ હેક્ટરમાં કપાસ જ્યારે ત્રીજા ક્રમમાં ૦૮ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button