ગુજરાતમાં દિવસભર લોકો ગરમ કપડાંમાં લપેટાઈને રહ્યા, જાણો મહારાષ્ટ્ર સહિત દેશનું હવામાન

અમદાવાદ/નવી દિલ્હીઃ રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ઉત્તર પૂર્વના પવનોના કારણે કાતિલ ઠંડીનો નાગરિકો અનુભવ કરી રહ્યા છે. દિવસભર લોકો ગરમ કપડાંમાં લપેટાઈને રહ્યા હતા. વનોની ગતિ પ્રતિ કલાક 15 થી 20ની રહેતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે અને નલિયામાં 7 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું, આગામી દિવસોમાં હજી ઠંડી વધી શકે છે.
ગુજરાતમાં ક્યાં કેટલું નોંધાયું તાપમાન
અમદાવાદમાં 12.8 ડિગ્રી, ડીસામાં11.3 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી, વડોદરામાં 13.8 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 10.5 ડિગ્રી, ભાવનગર 15.1 ડિગ્રી તાપમાન, કેશોદમાં 10.4 ડિગ્રી, મુન્દ્રામાં 14 ડિગ્રી તાપમાન, ભુજમાં 11.2 ડિગ્રી, પોરબંદરમાં 12.5 ડીગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં 12.6 ડીગ્રી, દીવમાં 11.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
મહારાષ્ટ્રમાં કેવું રહેશે હવામાન
મહારાષ્ટ્રના મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રના છ જિલ્લાઓ માટે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ ભાગોમાં વાદળછાયા વાતાવરણને કારણે લઘુત્તમ તાપમાનમાં વધ-ઘટ જોવા મળી હતી અને આજે ) લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા વર્તાવવામાં આવી છે. મરાઠવાડાના છત્રપતિ સંભાજીનગર, જાલના અને પરભણી, જ્યારે ઉત્તર મહારાષ્ટ્રના ધૂળે, નંદુરબાર અને જળગાંવ જિલ્લાઓને ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે વ્યક્ત કરેલી સંભાવના મુજબ, આ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ તેમજ કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં અને કલાકના 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર
ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી વચ્ચે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના કારણે પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષા અને દિલ્હી-NCR સહિતના મેદાની વિસ્તારોમાં વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. IMD મુજબ, આ ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરશે. જેના કારણે પશ્ચિમ હિમાલયના વિસ્તારો (જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ) માં 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી છૂટાછવાયાથી લઈને વ્યાપક વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. ખાસ કરીને 1 ફેબ્રુઆરીએ ગાજવીજ સાથે 30-40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને કેટલાક સ્થળોએ ભારે હિમવર્ષાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30 જાન્યુઆરીની રાતથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારતને પ્રભાવિત કરવાનું શરૂ કરશે. તેની અસરથી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 1 અને 2 ફેબ્રુઆરીએ ભારે હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. ચંબા, કુલ્લુ અને લાહૌલ-સ્પીતિ જેવા જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હિમાચલ પ્રદેશના ચંબા, કુલ્લુ, કિન્નૌર અને લાહૌલ-સ્પીતિ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં યલો એલર્ટ છે. આ જિલ્લાઓના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષાને કારણે રસ્તાઓ બંધ થવા, વીજળી-પાણીનો પુરવઠો ખોરવાઈ જવા અને પ્રવાસીઓ માટે મુશ્કેલીઓ વધી શકે છે. ઉત્તરાખંડમાં પણ ઉત્તરકાશી, ચમોલી, પિથોરાગઢ અને રુદ્રપ્રયાગ જેવા ઉચ્ચ હિમાલયના વિસ્તારોમાં ભારે હિમવર્ષાની આશંકા છે, જેનાથી ચારધામ યાત્રાના માર્ગો પ્રભાવિત થઈ શકે છે.
દિલ્હી-NCR માં વરસાદ
રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારો (નોઈડા, ગુરુગ્રામ, ગાઝિયાબાદ) માં 31 જાન્યુઆરીની સાંજથી હવામાન પલટાશે. 1 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ અને 30-40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન છે, જેનાથી તાપમાનમાં મોટો ઘટાડો આવશે.
યુપી અને હરિયાણામાં શીતલહેર
ઉત્તર પ્રદેશ અને હરિયાણાના મેદાની વિસ્તારોમાં ધુમ્મસનો પ્રકોપ યથાવત રહેશે. હવામાન વિભાગે પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં 1 ફેબ્રુઆરીએ વરસાદ અને કરા પડવાની આગાહી કરી છે.



