Top Newsવેપાર

ડૉલરની મજબૂતી સાથે વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી ટકેલું વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
ગત શુક્રવારે ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવમાં બે ટકા જેટલો કડાકો બોલાઈ ગયા બાદ આજે લંડન ખાતે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું અને વાયદામાં 0.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

જોકે, ચાંદીના ભાવમાડ્ઢ ઘટ્યા મથાળેથી 0.8 ટકાનો સુધારો દર્શાવાઈ રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં ગત શુક્રવારના વૈશ્વિક નિરુત્સાહી અહેવાલોને ધ્યાનમાં લેતા સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1862થી 1870નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 4434નો કડાકો બોલાઈ ગયો હતો.

આપણ વાચો: સોનાના ભાવમાં થયો મોટો ફેરફાર, જાણો આજના લેટેસ્ટ ભાવ

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ગત શુક્રવારના વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ સાથે 999 ટચ ચાંદીના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો. તેમ જ વધુ ભાવઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારોની માગ છૂટીછવાઈ જળવાઈ રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 4434ના ઘટાડા સાથે રૂ. 1,54,933ના મથાળે રહ્યા હતા.

વધુમાં સોનામાં પણ વિશ્વ બજાર પાછળ ભાવમાં નરમાઈનું વલણ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1862 ઘટીને રૂ. 1,22,432 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1870 ઘટીને રૂ. 1,22,924ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ઘટ્યા મથાળેથી જોવા મળેલી રોકાણકારોની છૂટીછવાઈ માગને બાદ કરતાં સ્ટોકિસ્ટો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આપણ વાચો: ટ્રેડ વોરની ચિંતા વચ્ચે સોનાના ભાવમાં જોરદાર ઉછાળો, જાણો આજના મુંબઈના લેટેસ્ટ ભાવ?

ગત શુક્રવારે ન્યૂયોર્ક ખાતે સોનાના ભાવમાં બે ટકા કરતાં વધુ માત્રામાં ઘટાડો જોવા મળ્યા બાદ આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આૈંસદીઠ 4079.48 ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા, જ્યારે ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 0.3 ટકા ઘટીને 4081.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 0.8 ટકા વધીને આૈંસદીઠ 50.96 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

ગત સપ્તાહે બજારની અનિશ્ચિતતાના માહોલમાં સોનામાં રોકાણકારોની હેજરૂપી માગ જોવા મળી હતી, પરંતુ અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર મહિનાની બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા ધૂંધળી થવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી ભાવમાં ટકેલું વલણ જોવા મળ્યું હોવાનું સ્વિસક્વૉટના વિશ્લેષક કાર્લો અલ્બર્ટો ડૅ કાસાએ જણાવતાં ઉમેર્યું હતું કે સતત બીજા સત્રમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહેતાં સોનાની પડતરોમાં વધારો થવાને કારણે પણ સોનામાં માગ રૂંધાઈ હતી.

હાલના તબક્કે રોકાણકારોની નજર આગામી ગુરુવારે જાહેર થનારા અમેરિકાના ગત સપ્ટેમ્બર મહિનાના નોન ફાર્મ પૅ રૉલ ડેટા પર સ્થિર થઈ હોવાથી બજારમાં અમુક અંશે સાવચેતીનો અભિગમ પણ જોવા મળ્યો હતો. જોકે, હવે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો આગામી ડિસેમ્બર મહિનાની ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદરમાં કપાતની શક્યતા જે ગત સપ્તાહે 62 ટકા સુધીની વ્યક્ત થઈ રહી હતી તે હવે ઘટીને માત્ર 44 ટકા થઈ રહી છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button