Top Newsવેપાર

વિશ્વ બજાર પાછળ ચાંદી રૂ. 40,638ના કડાકા સાથે 3.40 લાખની અંદર, સોનું રૂ. 9545 તૂટ્યું

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના અનુગામી તંગ નાણાનીતિ અપનાવતા હોય તેવી રોકાણકારો અટકળો ંમૂકી રહ્યા હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદી સહિતની તમામ કિંમતી ધાતુઓમાં રોકાણકારોની વેચવાલીનું દબાણ રહેતાં એકતરફી તેજીનો અંત આવ્યો હતો, જેમાં સોનાના ભાવ એક તબક્કે ઘટીને આૈંસદીઠ 5000 ડૉલરની અંદર અને ચાંદીના ભાવ આૈંસદીઠ 95.79 ડૉલર સુધી ગબડીને પાછા ફર્યા હતા.

આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 40,638ના કડાકા સાથે 3.40 લાખની અંદર ઉતરી ગયા હતા અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 9507થી 9545 ઘટી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે 999 ટચ ચાંદીમાં વિશ્વ બજાર પાછળ ભાવમાં કિલોદીઠ રૂ. 40,638નો કડાકો બોલાઈ ગયો હતો અને વેરારહિત ધોરણે ભાવ રૂ. 3,39,350ની સપાટીએ બંધ રહ્યા હતા. જોકે, આ કડાકા સાથે રોકાણકારોની નફારૂપી વેચવાલીનું દબાણ રહ્યું હતું,

આપણ વાચો: અમેરિકાના શટડાઉનના અંત સાથે સોના અને ચાંદીમાં તેજીનો ચમકારો

જ્યારે ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી માગ રહી હતી, પરંતુ જ્વેલરી ઉત્પાદકોની વધુ ભાવઘટાડાના આશાવાદ હેઠળ માગ શાંત હતી. વધુમાં આજે વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 9507ના ઘટાડા સાથે રૂ. 1,65,131 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 9545 ઘટીને રૂ. 1,65,795ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વધુ ભાવઘટાડાના આશાવાદે રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પાંખી રહી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

દરમિયાન ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ એક તબક્કે આૈંસદીઠ 5000 ડૉલરની સપાટીની અંદર ઉતરીને 4957.54 ડૉલર સુધી ઘટીને પાછા ફર્યા હતા.

વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે પાંચ ટકા ઘટીને આૈંસદીઠ 5124.37 ડૉલર આસપાસ અને ફેબ્રુઆરી વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 3.9 ટકા ઘટીને 5118.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલે ન્યૂયોર્ક ખાતે ઘટીને આૈંસદીઠ 100 ડૉલરની અંદર ઉતરીને 95.79 ડૉલર સુધી ઘટીને પાછા ફર્યા હતા તે આજે ગઈકાલના બંધ સામે 11.7 ટકા ઘટીને આૈંસદીઠ 102.57 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ ફેડરલ રિઝર્વના નવા અધ્યક્ષ તરીકે કેવિન વૉર્શની નિયુક્તિ કરશે અને તેઓ અન્ય ઉમેદવાર કરતાં વધુ તંગ નાણાનીતિ અપનાવે તેવા હોવાની શક્યતાએ કિંમતી ધાતુઓના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું કેપિટલ ઈકોનોમિક્સનાં વિશ્લેષક હમાદ હુસેને જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે તંગ નાણાનીતિના આશાવાદને ધ્યાનમાં લેતા આજે ડૉલર ઈન્ડેક્સમાં પણ સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું.

એકંદરે આજે સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હોવા છતાં વર્તમાન પરિબળોને ધ્યાનમાં લેતા વર્ષ 2026માં સોનાના વૈશ્વિક સરેરાશ ભાવ આૈંસદીઠ 5375 ડૉલર આસપાસ રહેશે અને ચોથા ત્રિમાસિકગાળામાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 6400 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા અગ્રણી વિશ્લેષક રોસ નોર્મને વ્યક્ત કરતાં ચાંદીની તેજીને સટ્ટાકીય તેજી લેખાવી હતી.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button