ગીર સહિત દેશના મોટા નેશનલ પાર્કમાં ‘બ્લેક’માં સફારી ટિકિટ વેચવાનું કૌભાંડ ઝડપાયું

અમદાવાદ/નવી દિલ્હી: ગુજરાતના ગીર નેશનલ પાર્ક સહિત દેશના અનેક મોટા રાષ્ટ્રીય ઉદ્યાનોની સફારી ટિકિટો સત્તાવાર વેબસાઇટ્સનો દુરુપયોગ કરીને ઊંચા ભાવે વેચવાના આંતર-રાજ્ય કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ગાંધીનગર સ્થિત સીઆઈડી-ક્રાઇમની સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે દિલ્હીમાંથી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી તેમને ગુજરાત લાવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ અજયકુમાર ચૌધરી (મૂળ બિહાર, હાલ દિલ્હી) અને અરવિંદ ઉપાધ્યાય (મૂળ ઉત્તર પ્રદેશ, હાલ દિલ્હી) હતા. આ બંને શખ્સોએ નકલી ઓળખ ઊભી કરીને સત્તાવાર પોર્ટલ પરથી મોટી સંખ્યામાં સફારી સ્લોટ એડવાન્સમાં બુક કરી લીધા હતા. આનાથી પરમિટની કૃત્રિમ અછત ઊભી થઈ હતી.
આપણ વાંચો: અમદાવાદમાં પાણીના મીટર કૌભાંડનો પર્દાફાશઃ કરોડોની વસૂલાત છતાં એકેય મીટર ઇન્સ્ટોલ ન થયું
કૌભાંડીઓએ આ પરમિટોને સત્તાવાર સરકારી પોર્ટલ જેવી દેખાતી ખાનગી વેબસાઇટ્સ દ્વારા ઊંચા ભાવે ફરીથી વેચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, “આરોપીઓ ગુજરાતમાં ગીર, રાજસ્થાનમાં રણથંભોર, મહારાષ્ટ્રમાં તાડોબા, ઉત્તરાખંડમાં જિમ કોર્બેટ, આસામમાં કાઝીરંગા અને મધ્યપ્રદેશમાં બાંધવગઢ સહિતના નેશનલ પાર્ક્સની સફારી પરમિટો સરકારી માન્ય દર કરતાં અનેકગણા ઊંચા ભાવે વેચતા હતા.”
પોલીસે તપાસ દરમિયાન આશરે ૧૨,૦૦૦ થી વધુ અનધિકૃત સફારી પરમિટો, ૮,૬૫૦ બુકિંગ કન્ફર્મેશન ઇમેઇલ્સ અને ૧૦,૨૭૮ સંબંધિત પીડીએફ જપ્ત કરી હતી. સીઆઈડી ક્રાઇમે બંને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.