ચોમાસાની બદલાઈ પેટર્નઃ રાજ્યના ચાર મોટા શહેરોમાં સાત દિવસમાં જ સિઝનનો અડધો વરસાદ વરસ્યો | મુંબઈ સમાચાર
Top News

ચોમાસાની બદલાઈ પેટર્નઃ રાજ્યના ચાર મોટા શહેરોમાં સાત દિવસમાં જ સિઝનનો અડધો વરસાદ વરસ્યો

અમદાવાદ: આ વર્ષે ચોમાસાની અનિયમિત પેટર્ન જોવા મળી છે, જેમાં ગુજરાતના ચાર મોટા શહેરોમાં તેમના સિઝનલ વરસાદનો અડધાથી વધુ ભાગ માત્ર સાત દિવસમાં જ નોંધાયો હતો. આખા રાજ્યમાં 13 દિવસના ભારે વરસાદ દરમિયાન કુલ સિઝનલ વરસાદનો 51 ટકા વરસાદ થયો હતો. મંગળવારે દેવભૂમિ દ્વારકા તાલુકામાં સાંજે 6 વાગ્યા સુધીમાં 138 મિલીમીટર વરસાદ પડ્યો હતો, જેમાંથી 120 મિલીમીટર માત્ર બે કલાકમાં પડ્યો હતો. આ વરસાદે તાલુકાના કુલ સિઝનલ વરસાદ (483 મિલીમીટર) નો 25 ટકા હિસ્સો કવર કર્યો હતો.

વરસાદની પેટર્ન પાછલા વર્ષો કરતાં થોડી અલગ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ વર્ષની વરસાદની પેટર્ન પાછલા વર્ષો કરતાં થોડી અલગ છે. સામાન્ય રીતે જુલાઈ અને ઓગસ્ટમાં સૌથી વધુ વરસાદ થાય છે. પરંતુ આ વખતે અનુકૂળ વાતાવરણ અને મજબૂત ચોમાસાના કારણે મોટાભાગનો વરસાદ જૂન મહિનામાં થયો હતો.

નિષ્ણાતો મુજબ ટૂંકા ગાળામાં થતા આવા ભારે વરસાદથી માળખાગત સુવિધાઓને મોટું નુકસાન થઈ શકે છે અને પાકને પણ અસર થઈ શકે છે. ઉદાહરણ તરીકે, 28 જુલાઈના રોજ નડિયાદમાં 265 મિલીમીટર, દસ્ક્રોઈમાં 263મિલીમીટર અને મહેમદાબાદમાં 238 મિલીમીટર વરસાદ પડ્યો હરતો. જે દરેક શહેરમાં તેમના કુલ વાર્ષિક વરસાદના 40 ટકા થી વધુ હતો.

કયા શહેરોમાં 50 ટકાથી વધુ વરસાદ પડ્યો

આ પેટર્ન એકલ-દોકલ નથી. ગુજરાતમાં જૂન અને જુલાઈ મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ થયો હતો. સુરત શહેરમાં સિઝનનો 61 ટકા વરસાદ માત્ર સાત દિવસમાં નોંધાયો હતો. જેમાં 24 જૂનના રોજ પડેલો 346 મિલીમીટર વરસાદ પણ સામેલ છે. આ જ સમયગાળામાં રાજકોટમાં 59 ટકા, અમદાવાદમાં 55 ટકા અને વડોદરામાં 51 ટકા વરસાદ પડ્યો હતો.

ઓગસ્ટમાં કેટલા ટકા વરસાદ વરસ્યો

15 જૂનના રોજ ચોમાસાના સત્તાવાર આગમન પછી, ગુજરાતમાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદ 17 જૂનના રોજ 41 મિલીમીટર નોંધાયો હતો. મંગળવાર સુધીમાં, રાજ્યમાં વાર્ષિક સરેરાશ વરસાદના 70 ટકાથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે, જેમાં જૂન મહિનાનો 34 ટકા, જુલાઈનો 29 ટકા અને ઓગસ્ટનો અત્યાર સુધીનો 7 ટકા હિસ્સો છે. ભારતીય હવામાન વિભાગે ગુરુવાર સુધી કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button