ઘોડા છૂટ્યા પછી તબેલાંને તાળાં, વિદ્યાર્થીના મોતના ત્રણ દિવસ પછી સંચાલકો સામે કેસ

અમદાવાદઃ શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દેનારો અને માતા-પિતાને વિચારતા કરી મૂકતા અમદાવાદની સેવન્થ ડેઝ સ્કૂલ હત્યા કેસમાં મોડી મોડી પોલીસ જાગી છે. ઘટનાના ત્રણ દિવસ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સ્કૂલ સંચાલકો સામે એફઆઈઆર નોંધી છે. અમદાવાદની આ ઘટનાએ જે બાળકો સ્કૂલે જાય છે તેમના મતા-પિતાને એક પ્રકારના ભયમાં મૂકી દીધા છે. એક તો સ્કૂલમાં વિદ્યાર્થી કિચન કટર લઈને ફરતો હતો, તેણે બીજા વિદ્યાર્થીને મોત આવે તે રીતે માર્યો અને છતાં પણ સ્કૂલ સ્ટાફ કે સંચાલકોએ કોઈપણ જવાબદારી ન લીધી. આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકોની સુરક્ષા સામે પ્રશ્નો ઊભા કર્યા છે તો સાથે બાળકોમાં જોવા મળતી હિંસક વૃત્તિ મામલે પણ સમાજની આંખ ખોલી છે.
સેવન્થ ડે સ્કૂલમાં સિડી પરથી ઉતરતા સમયે થયેલી ધક્કામુક્કીનો મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો. નયન નામનો એક વિદ્યાર્થી આ મામલે સગીર આરોપી સાથે વાત કરી રહ્યો હતો ત્યારે આરોપીએ કિચન કટર કાઢી તેના પેટમાં ભોંકી દીધું હતું અને ત્યાથી ભાગી નીકળ્યો હતો. સ્કૂલના ગાર્ડ અને સ્ટાફે ઘટનાને રોકવાના પ્રયાસો ન કર્યા અને ઘાયલ નયનને સમયસર હૉસ્પિટલે પહોંચાડયો ન હોવાનો આક્ષેપ પણ પરિવારે સ્કૂલ સંચાલકો પર કર્યો છે.
આ વિદ્યાર્થી પહેલેથી હિંસકવૃતિનવાળો હતો અને પહેલા પણ આ રીતે ઝગડો થયો હતો, પરંતુ સ્ટાફે પરિવારોને જાણ ન કરી હોવાનું પણ બહાર આવ્યું છે. તેની બેગમાં કિચન કટર રહેતું હતું તો સ્કૂલ સ્ટાફ શું કરતો હતો તે પણ એક મોટો સવાલ છે. આવી ઘણી બાબતો સ્કૂલ સંચાલકો વિશે બહાર આવી છે, આથી આખરે ઘટનાના ત્રીજા દિવસે સ્કૂલ સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ત્રણ દિવસથી મણિનગરમાં આવેલી આ સ્કૂલ બંધ છે ત્યારે અન્ય વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર થઈ રહી છે.
આ પણ વાંચો…હવે અમદાવાદ મ્યુનિસિપાલિટી સેવન્થ ડે સ્કૂલની જમીનના મામલે કરશે તપાસ