Top Newsવેપાર

સ્થાનિક- વૈશ્વિક ઈક્વિટી માર્કેટની નરમાઈ સાથે ડૉલર સામે રૂપિયો 98 પૈસાનો સૌથી મોટો એક દિવસીય કડાકોઃ 89ની પાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર અંગે પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાને કારણે આજે ભારત સહિતના વૈશ્વિક બજારોમાં નરમાઈનું વલણ જોવા મળતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે સત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયો સૌથી મોટા એકદિવસીય 98 પૈસાના કડાકા સાથે 89ની સપાટી કુદાવીને 89.66ની ઐતિહાસિક નીચી સપાટીએ બંધ રહ્યો હતો.

ફોરેક્સ વિશ્લેષકોના મતાનુસાર આજે વૈશ્વિક સ્તરે આઈટી શૅરોમાં વ્યાપક વેચવાલીનું દબાણ રહ્યું હોવાથી તેમ જ અમેરિકા-ભારત વચ્ચે ટ્રેડ ડીલની અસ્પષ્ટતાને કારણે રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હતો.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 88.68ના બંધ સામે સાધારણ સુધારા સાથે 88.67ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં 88.59 સુધી મજબૂત થયો હતો, પરંતુ ત્યાર બાદ નીચામાં 89.66 સુધી ગબડીને અંતે ગઈકાલના બંધ સામે 98 પૈસાના કડાકા સાથે 89.66ના મથાળે બંધ રહ્યો હતો.

આપણ વાચો: ડૉલર સામે રૂપિયો વધુ છ પૈસા નરમ

નોંધનીય બાબત એ છે કે ગત 30મી સપ્ટેમ્બરના રોજ ડૉલર સામે રૂપિયાએ સત્ર દરમિયાન 88.85ની નીચી સપાટી દાખવી હતી, જ્યારે ગત 14મી ઑક્ટોબરનાં રોજ 88.81ની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આ પૂર્વે 30મી જુલાઈએ પણ ડૉલર સામે રૂપિયામાં સૌથી મોટો એકદિવસીય 89 પૈસાનો કડાકો નોંધાયો હતો.

એકંદરે ગઈકાલે ક્રિપ્ટોકરન્સી અને અએઆઈ સંલગ્નિત ટેકનોલૉજી શૅરોમાં પ્રબળ વેચવાલીના દબાણે ઈક્વિટી માર્કેટમાં બોલાયેલા કડાકાની કરન્સી બજાર પર અસર જોવા મળી હોવાનું કોટક સિક્યોરિટીઝનાં કરન્સી, કૉમૉડિટીઝ અને ઈન્ટરેસ્ટ રેટ ડેરિવેટીવ્સ વિભાગના રિસર્ચ હેડ અનિન્દ્ય બેનરજીએ જણાવ્યું હતું. રોકાણકારો અચાનક જોખમી અસ્ક્યામતોમાંથી દૂર થવાની સાથે ડૉલર તરફ વળ્યા હોવાથી રૂપિયા પર પણ અસર જોવા મળી છે.

તેમ જ ભારત અને અમેરિકા વચ્ચેની પ્રસ્તાવિત ટ્રેડ ડીલ અંગેની સ્પષ્ટતાના અભાવને કારણે આર્થિક ભવિષ્ય પણ અનિશ્ચિત જણાતા ગબડતા રૂપિયાને ઢાળ મળ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

આપણ વાચો: ડૉલર સામે રૂપિયો 12 પૈસા તૂટ્યો

રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ ગઈકાલે જણાવ્યું હતું કે રિઝર્વ બૅન્કે ડૉલર સામે રૂપિયાની સપાટી અંગે કોઈ લક્ષ્યાંક રાખ્યો નથી અને ડૉલર સામે રૂપિયામાં થઈ રહેલો ઘસારો મુખ્યત્વે અમેરિકાએ ભારત પર લાદેલી ટૅરિફને કારણે સર્જાયેલી વેપારની અનિશ્ચિતતાને આભારી છે.

આથી ડૉલર સામે રૂપિયાનું મૂલ્ય માગ બજાર આધારે આંકવામાં આવી રહ્યું છે. જોકે, તેમણે પણ અનુકળ ટ્રેડ ડીલ સાથે ચાલુ ખાતાની ખાધ પરનું દબાણ હળવું થવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

દરમિયાન આજે વિશ્વ બજારમાં બે્રન્ટક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 2.18 ટકા ઘટીને બેરલદીઠ 62 ડૉલર આસપાસ અને ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.09 ટકા ઘટીને 100.17 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 400.76 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 124 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. જોકે ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 283.65 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના અહેવાલ હતા.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button