
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ મુદ્દે વધુ એક મોટા સમાચાર છે. સૂત્રો મુજબ ભારતમાં હજુ પણ 300 કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટ છે. ફરીદાબાદ મોડ્યુલ અંતર્ગત અત્યાર સુધીના સર્ચમાં પોલીસ 2900 કિલોગ્રામ એમોનિયમ નાઇટ્રેટ ઝડપી ચુક્યું છે. હજુ પણ 300 કિલોગ્રામ એમોનિયમ નાઇટ્રેટની શોધખોળ ચાલી રહી છે. આ ઉપરાંત આ એમોનિયમ નાઇટ્રેટ બાંગ્લાદેશ અને નેપાળના માર્ગે ભારતમાં ઘુસાડવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષા એજન્સીઓ સામે અત્યારે સૌથી મોટો પડકાર બચેલા 300 કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટને જપ્ત કરવાનો અને જેમના કબજામાં આ વિસ્ફોટક છે, તેમના સુધી પહોંચવાનો છે. સૂત્રોનું માનીએ તો અત્યાર સુધી એજન્સીઓએ 2900 કિલોગ્રામ વિસ્ફોટક અલગ-અલગ જગ્યાઓ પરથી જપ્ત કરી લીધો છે. જોકે, હજુ પણ 300 કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટ જુદી-જુદી જગ્યાઓ પર છુપાયેલો છે. એટલે કે, ખતરો હજુ સંપૂર્ણપણે ટળ્યો નથી. દેશના ઘણા ભાગોમાં જે રેડ ચાલી રહી છે, તેમાં આ એક મોટો એજન્ડા છે.
વિસ્ફોટક ભારતમાં કઈ રીતે આવ્યો?
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ધરપકડ કરાયેલા આતંકવાદીઓ સુધી આ વિસ્ફોટક બાંગ્લાદેશના રસ્તે, નેપાળ અને ત્યાંથી ભારત પહોંચ્યો હતો. આતંકવાદીઓ દ્વારા કોઈ ફર્ટિલાઇઝર કંપનીમાંથી આ એમોનિયમ નાઈટ્રેટ ચોરીથી મેળવવામાં આવ્યો હતો. ભારતમાં કુલ 3200 કિલોગ્રામની ખેપ આવી છે. એજન્સીઓએ આ સમગ્ર રૂટને એલર્ટ કરી દીધો છે.
અયોધ્યા અને વારાણસી હતા નિશાન પર
અત્યાર સુધી આવેલી જાણકારી મુજબ, આતંકીઓ અયોધ્યામાં પણ વિસ્ફોટ કરવાના હતા. ધરપકડ કરાયેલા શાહીને અયોધ્યાના સ્લીપલ મોડ્યૂલને એક્ટિવ મોડ પર રાખ્યું હતું. આ ઉફરાંત લાલ કિલ્લો, ઈન્ડિયા ગેટ, ગૌરી શંકર મંદિર, શોપિંગ મોલ્સ વગેરે પણ નિશાન પર હતા. પોલીસ અનુસાર મોડ્યૂલે આશરે 200થી વધારે શક્તિશાળી આઈઈડી તૈયાર કરવાની યોજના બનાવી હતી. ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને સાંપ્રદાયિક હિંસા ભડકાવવાનું કાવતરું હતું.
આપણ વાંચો: 26 જાન્યુઆરીના લાલ કિલ્લા પર હુમલો કરવાની હતી યોજના, મુઝમ્મિલની તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા



