
અમદાવાદ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે Combined Competitive Examination ટૂંકમાં CCE વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ભરતી માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા ચાલી રહી છે. આ પરીક્ષામાં લાખો ઉમેદવારો ઓનલાઇન અરજી કરે તેવી શક્યતા છે. ત્યારે CCEની તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર છે. GSSSB દ્વારા આજે CCEની પ્રાથમિક પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાતીમાં કયા વિષય પર ધ્યાન આપશો?
આ પરીક્ષાના પ્રાથમિક અભ્યાસક્રમમાં અંગ્રેજી 15 માર્ક, ગુજરાતી 15 માર્ક, જનરલ અવેરનેસ અને કરેન્ટ અફેર્સ 30 માર્ક, અંકગણિત અને તાર્કિક ગણતરીઓ 30 માર્ક અને રિઝનિંગ 60 માર્ક મુજબનો ગુણભાર રહેશે. 15 માર્કના ગુજરાતીમાં રૂઢિપ્રયોગનો અર્થ, કહેવતનો અર્થ, સમાસનો વિગ્રહ અને તેની ઓળખ, છંદ, અલંકાર, શબ્દસમૂહ માટે એક શબ્દ, જોડણીશુધ્ધિ, લેખનશુધ્ધિ/ભાષાશુધ્ધિ, સંધિ જોડો કે છોડો, સમાનાર્થી શબ્દ, વિરુધ્ધાર્થી શબ્દ, વિભક્તિ, ધ્વનિ, વ્યંજન-સ્વર જોડી શબ્દ બનાવો, શબ્દોને શબ્દકોષનાં ક્રમમાં ગોઠવો, વાકયપરિવર્તન અને ગુજરાતી-અંગ્રેજી ભાષાંતરના પ્રશ્નો રહેશે.
અંગેજીમાંથી શું પૂછશે?
૧૫ માર્કસના અંગ્રેજી વિભાગમાં સફળતા મેળવવા માટે વ્યાકરણના પાયાના સિદ્ધાંતો અને શબ્દભંડોળ (Vocabulary), કાળ (Tenses), એક્ટિવ-પેસિવ વોઇસ, ડાયરેક્ટ-ઇનડાયરેક્ટ સ્પીચ, આર્ટિકલ્સ, નામના પ્રકારો (Noun, Pronoun), વિશેષણ, ક્રિયાવિશેષણ, પ્રીપોઝિશન અને સંયોજકો (Conjunctions), સમાનાર્થી (Synonyms), વિરોધાર્થી (Antonyms), શબ્દસમૂહ માટે એક શબ્દ (One word substitution), રૂઢિપ્રયોગો (Idioms), સાથે જ હોમોનીમ્સ જેવા મૂંઝવણ પેદા કરતા શબ્દો, જંબલ સેન્ટેન્સ દ્વારા તાર્કિક ગોઠવણી અને અંગ્રેજી-ગુજરાતી ભાષાંતર દ્વારા ભાષાંતરના પ્રશ્નો રહેશે.
અંકગણિતમાં આટલા ટૉપિક
અંકગણિતથી લઈને ભૂમિતિમાં સંખ્યા પદ્ધતિ, લ.સા.અ.-ગુ.સા.અ., વર્ગ-વર્ગમૂળ, ઘન-ઘનમૂળ, ઘાત-ઘાતાંક, ટકાવારી, ભાગીદારી, નફો-ખોટ, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, ગુણોત્તર-પ્રમાણ, સમય-કાર્ય-વેતન, સમય-ઝડપ-અંતર. કૌંસ-વિસ્તરણ, બહુપદીઓ, અવયવીકરણ, દ્વિઘાત સમીકરણો, મધ્યક, મધ્યસ્થ, બહુલક, ક્ષેત્રફળ-ઘનફળના પ્રશ્નો રહેશે.
રિઝનિંગમાં કયા વિષયો પૂછાશે?
રિઝનિંગના ભાગમાં કોડિંગ-ડિકોડિંગ, લોહીનો સંબંધ, ઊંમર અને ઊંચાઇ સંબંધિત પ્રશ્નો, દિશાઓ,, ઘડીયાળ અને કેલેન્ડર, વેન ડાયાગ્રામ ક્રમ અને સ્થાન, સમાંતર શ્રેણી, શબ્દોની તાર્કિક ગોઠવણી, ખૂટતી કડી (સંખ્યા) શોધો, શબ્દ, આંકડાકીય તથા સામાન્ય સામ્યતા, ચિત્ર આધારિત સામાન્ય તાર્કિક પ્રશ્નો, સંભાવના, માહિતીનું અર્થઘટન અને માહિતીની પર્યાપ્તતા, સંમિતિ, ગાણિતિક ક્રિયાઓ, ગાણિતિક મોડેલીંગ, ગણિતમાં સાબિતીઓ, તાર્કિક અને ગાણિતિક વિશ્લેષણાત્મક ક્ષમતા અને નિવેદન અને અનુમાનના પ્રશ્નો રહેશે.
5000+ કરતાં વધુ જગ્યાઓ પર ભરતી
ઉલ્લેખનીય છે કે , ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વર્ગ-3 (ગ્રુપ-A અને ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) માટે સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ગ્રુપ-A માં કુલ 2365 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં સૌથી વધુ કલેક્ટર કચેરીઓ હેઠળ 1600 મહેસૂલી ક્લાર્કની જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિવિધ ખાતાના વડાની કચેરીઓમાં 503 સિનિયર ક્લાર્ક, 134 હેડ ક્લાર્ક, 125 સમાજ કલ્યાણ નિરીક્ષક અને 3 કાર્યાલય અધિક્ષકની જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે.
બીજી તરફ, ગ્રુપ-B હેઠળ સૌથી વધુ 3005 જુનિયર ક્લાર્કની જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આમ, ગ્રુપ-A અને ગ્રુપ-B મળીને કુલ 5370 પદો પર પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 5 ફેબ્રુઆરી 2026થી 20 ફેબ્રુઆરી 2026 સુધીમાં OJAS ની સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકશે.
આપણ વાંચો: જનતાના પ્રશ્નોનું પોટલું ખોલવા AAPના આટલા નેતાઓએ રાજ્યપાલને પત્ર લખી કરી આ માંગ….



