PM મોદીની મુલાકાત પહેલાં કમલમમાં યોજાયેલી બેઠકમાં પાટીલે આપ્યો મોટો સંકેત, જાણો શું? | મુંબઈ સમાચાર
Top Newsઅમદાવાદ

PM મોદીની મુલાકાત પહેલાં કમલમમાં યોજાયેલી બેઠકમાં પાટીલે આપ્યો મોટો સંકેત, જાણો શું?

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદીના પ્રવાસ પહેલા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કમલમમાં બેઠક યોજી હતી. જેમાં તેમણે ટૂંક સમયમાં પ્રધાનમંડળનું વિસ્તરણ થશે તેવો સંકેત આપ્યો હતો.

સૂત્રો મુજબ તેમણે બેઠકમાં કહ્યું કે પ્રધાનમંડળમાં સ્થાન મેળવનારા નસીબદાર હશે. આ ઉપરાંત તેમણે આપણે ટૂંક સમયમાં બે વખત મળીશું તેવી ટકોર પણ કરી હતી. તેમણે નજીકના સમયમાં નવા પ્રદેશ પ્રમુખ આવશે તેવો ઈશારો કર્યો હતો.

આપણ વાંચો: સાબરકાંઠા ભાજપમાં અસંતોષ યથાવત, સી આર પાટીલે પાટીલે મોડાસામાં કાર્યકરોને કરી આ ટકોર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર ફોક્સ

રાજકીય નિષ્ણાતોના કહેવા પ્રમાણે, ગોવા અને ઉત્તર પ્રદેશમાં પ્રધાન મંડળના વિસ્તરણને લીલી ઝંડી આપવામાં આવ્યાની ચર્ચા છે. બે રાજ્યો બાદ પીએમ મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં પણ વિસ્તરણની ચર્ચા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત નિકોલમાં સભા કરવાનું કારણ પાટીદાર વોટ બેંક જાળવી રાખવાનું ગણિત પણ હોઇ શકે છે.

આપણ વાંચો: પુરુષોત્તમ રુપાલાના નિવેદન પછી ભાજપનો ડેમેજ કંટ્રોલનો પ્રયાસઃ સી આર પાટીલે કહી મોટી વાત

ભાજપના હાલ કેટલા ધારાસભ્યો છે?

ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 182માંથી 156 સીટ જીતી હતી. પરંતુ હવે આ સંખ્યા 162 પર પહોંચી ગઈ છે. ભાજપના ધારાસભ્યોની સંખ્યામાં પાંચનો વધારો થયો છે. આ પાંચ નેતા કોંગ્રેસમાંથી આવ્યા છે અને ભાજપમાંથી જીતીને ફરી ધારાસભ્ય બન્યા છે. તેમાંથી બે ધારાસભ્યને પ્રધાન બનાવી શકાય છે.

એટલું જ નહીં અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ વાઘેલા પણ હાલ ભાજપમાં છે, હાલ વડોદરામાંથી કોઈ પ્રધાન નથી તેથી તેમનો પ્રધાનમંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે. રાજકીય નિષ્ણાતોના કહેવા પ્રમાણે, નબળું પ્રદર્શન કરનારા અને ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગ્યા છે તેવા કેટલાક વિવાદાસ્પદ પ્રધાનોને પડતાં મૂકવામાં આવી શકે છે. ગુજરાતમાં વિપક્ષ પાસે કુલ 18 ધારાસભ્ય છે.

આપણ વાંચો: બિલાવલ ભુટ્ટોની ધમકીનો સી.આર. પાટીલે આપ્યો જવાબ, સિંધુ જળ સંધિને લઈને કરી મોટી વાત

‘જમ્બો કેબિનેટ’ મળવાની સંભાવના

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 8 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ સ્થિતિમાં રાજ્યમાં પ્રધાન મંડળનું વિસ્તરણ થવાની શક્યતા છે. ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં મુખ્ય પ્રધાન પદની જવાબદારી 13 સપ્ટેમ્બર, 2022ના રોજ સંભાળી હતી.

આગામી મહિને તેમના કાર્યકાળને ચાર વર્ષ પણ થશે. આ સ્થિતિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ પૂરો કરીને જાય તે પછીના થોડા જ દિવસોમાં રાજ્યમાં પ્રધાનમંડળનું વિસ્તરણ થાય તેવી સંભાવના રાજકીય નિષ્ણાતોએ વ્યક્ત કરી હતી.

વિધાનસભામાં ધારાસભ્યોની કુલ સંખ્યા 182 છે. આ અનુસાર તેના 15 ટકા પ્રધાનોની સંખ્યા સુનિશ્ચિત કરવામાં આવી હોવાથી ગુજરાતમાં 27 સભ્યો સાથેનું પૂર્ણ કદનું પ્રધાનમંડળ ગણવામાં આવે છે. પરંતુ પ્રધાન મંડળની સંખ્યા 22થી 23 જ હોઈ શકે છે, એટલે કે પૂર્ણ કદનું પ્રધાન મંડળ ન બને તેવી પણ શક્યતા છે.

2022 વિધાનસભાની ચૂંટણીનું પરિણામ

ગુજરાતમાં 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 સીટ જીતીને ઇતિહાસ રચ્યો હતો. જ્યારે કૉંગ્રેસને 17 બેઠક મળી હતી. આમ આદમી પાર્ટીને 5 તથા અન્યને 4 સીટ મળી હતી. 2017માં ભાજપને 108 સીટ, કૉંગ્રેસને 68 સીટ તથા અન્યને 6 સીટ મળી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button