
અમદાવાદઃ બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત ભાજપે તેના નેતાઓને ખાસ જવાબદારીઓ સોંપી હતી. બિહારમાં દરેક મતદારો સુધી પહોચી શકાય તે માટે ભાજપે રાજ્યના તેના આશરે 8 ધારાસભ્યો અને સાંસદોને બિહાર જવા સૂચના આપી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બિહારમાં ભાજપના પ્રચારને વધુ અસરકારક બનાવવા માટે, દરેક નેતાને બે વિધાનસભા મતવિસ્તારોની જવાબદારી સોંપવામાં આવી છે. સ્થાનિક કાર્યકરો સાથે માઈક્રો મેનેજમેન્ટ પર કામ કરવા માટે ધારાસભ્ય અને સાંસદ સાથે 20 થી વધુ પક્ષના કાર્યકરો બિહાર જશે.
આપણ વાંચો: બિહારમાં ક્યારે યોજાશે વિધાનસભાની ચૂંટણીઃ ઈલેક્શન કમિશનરે ચિત્ર ક્લિયર કરી નાખ્યું…
આ ઉપરાંત જે મતવિસ્તારોમાં ભાજપનું ગઠબંધન છે તે વિસ્તારની જવાબદારી ગુજરાતના નેતાઓને સોંપવામાં આવી હતી. સૂત્રો મુજબ અમુલ ભટ્ટ,દિનેશ કુશવાહા,દિનેશ મકવાણા,અમિત ઠાકર,પ્રવિણ માલી,અનિરુદ્ધ દવે,દેવુસિંહ ચૌહાણ,ગણપત વસાવા બિહારમાં ચૂંટણી પ્રચાર કરશે અને ભાજપની લોકો સુધી પહોંચ વધારશે.
થોડા દિવસો પહેલા બિહાર વિધાનસભા ચૂંટણી માટે ગુજરાત ભાજપના પૂર્વ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલને બિહાર ચૂંટણી માટે સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સી.આર. પાટીલની સંગઠનાત્મક કુશળતા અને ચૂંટણી વ્યૂહરચનામાં તેમની માસ્ટરી જાણીતી છે.
આપણ વાંચો: ગુજરાત-બિહાર સહિત 13 રાજ્યોમાં વિધાનસભાની પેટા-ચૂંટણી
ગુજરાતમાં ભાજપને સતત સફળતા અપાવવા અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરવાના તેમના રેકોર્ડને કારણે કેન્દ્રીય નેતૃત્વએ તેમના પર વિશ્વાસ મૂક્યો હતો. બિહારમાં ચૂંટણી પ્રચારની રણનીતિ ઘડવા, સ્થાનિક નેતાઓ સાથે સંકલન સાધવા અને ચૂંટણીના મેનેજમેન્ટની જવાબદારીમાં તેઓ મુખ્ય પ્રભારીને મદદ કરશે.
બિહારમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બરે 121 બેઠકો માટે અને બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે 122 બેઠકો માટે થશે. 14 નવેમ્બર, 2025 ના રોજ મતગણતરી પછી રાજ્યનું રાજકીય ભવિષ્ય નક્કી થશે.



