Top Newsઆપણું ગુજરાત

ઓલા-ઉબેરને સીધી ટક્કર આપવા આવી રહી છે ‘ભારત ટેક્સી’: 10 દિવસમાં 51,000થી વધુ ડ્રાઇવરનું રજિસ્ટ્રેશન

પ્રથમ સહકારી રાઇડ-હેલિંગ એપ ‘ભારત ટેક્સી’નું પાયલટ ઓપરેશન દિલ્હી-ગુજરાતમાં શરૂ

નવી દિલ્હી/અમદાવાદઃ દેશમાં ઓલા-ઉબરને ટક્કર આપવા માટે ‘ભારત ટેક્સી’ મેદાનમાં આવી રહી છે, જે અંતર્ગત દેશની પ્રથમ સહકારી રાઇડ-હેલિંગ એપ દિલ્હી-ગુજરાતમાં લોન્ચ થઈ છે. મંગળવારે દિલ્હી અને ગુજરાતમાં તેનું પાયલટ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ સીધી રીતે ઓલા, ઉબેર અને રેપિડો વગેરે કંપનીઓને ટક્કર આપી શકે છે.

પ્રમોટરની રહેશે મહત્ત્વની ભૂમિકા

ભારત ટેક્સીનું સંચાલન સહકાર ટેક્સી કો-ઓપરેટિવ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેની સાથે દેશની આઠ મુખ્ય સહકારી સંસ્થાઓ જોડાયેલી છે. આના મુખ્ય પ્રમોટરમાં અમૂલ, ઇફકો, નાબાર્ડ અને એનડીડીબી જેવી સંસ્થાઓ છે, જે આ પ્રોજેક્ટને મોટા પાયે સમર્થન પણ આપશે.

આ પણ વાંચો : ઓલા-ઉબેરની દાદાગીરી રોકવા મોદી સરકાર શરૂ કરશે ‘ભારત ટેક્સી’ સર્વિસ; જાણો ખાસિયત

સૌરાષ્ટ્રના ડ્રાઇવરનું વધ્યું રજિસ્ટ્રેશન

પાયલટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં દિલ્હી અને ગુજરાતમાં રજિસ્ટ્રેશન શરૂ થયું છે. માત્ર 10 દિવસમાં 51,000થી વધુ ડ્રાઇવર આ એપ્લિકેશન સાથે જોડાઈ ચૂક્યા છે. દિલ્હીમાં પાયલટ ઓપરેશન હેઠળ હાલમાં કાર, ઓટો અને બાઇકટેક્સી સર્વિસ એક્ટિવ કરવામાં આવી છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ ડ્રાઇવરનું રજિસ્ટ્રેશન સતત વધી રહ્યું છે. આ સહકાર મોડેલનો હેતુ દેશભરના કમર્શિયલ વાહનચાલકોને ખાનગી કંપનીઓ પરની નિર્ભરતા ઘટાડીને તેમને વધુ સારો આર્થિક વિકલ્પ પૂરો પાડવાનો છે.

આ પણ વાંચો : ઓલા-ઉબરને ટક્કર: અમદાવાદ-ગાંધીનગરમાં ‘ભારત ટૅક્સી’ના શ્રીગણેશના સંકેત, મુસાફરોને સસ્તું ભાડું મળશે!

‘ભારત ટેક્સી’ની મુખ્ય વિશેષતાઓ

ભારત ટેક્સીનું સૌથી આકર્ષક પાસું તેનું ‘ઝીરો-કમિશન’ માળખું છે. આ મોડેલમાં દરેક રાઇડની સંપૂર્ણ કમાણી ડ્રાઇવરને મળશે. આ ઉપરાંત, સહકારી સમિતિનો જે પણ નફો થશે, તે સીધો સભ્યો એટલે કે ડ્રાઇવરમાં વહેંચવામાં આવશે. પ્લેટફોર્મ કોઈ છુપો ચાર્જ કે સર્વિસ ચાર્જ કાપશે નહીં.

આ પણ વાંચો : ભારતના 53માં CJI જસ્ટિસ સૂર્યકાંત શર્મા કોણ છે? જાણો તેમના વકીલથી જજ બનવાની સફર

પ્રવાસીઓને સૌથી વધુ ફાયદાનો ઉદ્દેશ

આ મોડેલ વર્તમાન એપ-આધારિત કંપનીઓના 20-30 ટકા કમિશન લેવાની પ્રણાલીથી તદ્દન અલગ છે તેમ જ ડ્રાઇવરને સારી આવક અને આર્થિક સુરક્ષાની ખાતરી પણ આપે છે. એપમાં ટ્રાન્સપરન્ટ ફેર સિસ્ટમ, લાઇવ વ્હીકલ ટ્રેકિંગ, મલ્ટી લેંગવેજ સપોર્ટ, 24 × 7 કસ્ટમર કેર, કેશલેસ/કેશ પેમેન્ટ વિકલ્પો અને સુરક્ષિત યાત્રા માટે દિલ્હી પોલીસ સાથે ટાઇ-અપનો સમાવેશ થાય છે. પ્રવાસીઓની સુવિધા વધારવા માટે એપને મેટ્રો અને અન્ય ટ્રાન્ઝિટ સેવાઓ સાથે પણ જોડવામાં આવી રહી છે, તેનાથી ડોર-ટુ-ડોર મોબિલિટી વધુ સરળ બનશે. ભારત ટેક્સીના સફળ પાયલટ બાદ તેને ધીમે ધીમે રાષ્ટ્રીયસ્તરે લોન્ચ કરવામાં આવશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button