Top Newsશેર બજાર

હેં! બીએમસીની ચૂંટણી બીસીસીના લિસ્ટિંગને નડી? જાણો શું છે વિગત!

નિલેશ વાઘેલા
મુંબઇ: સરકારી માલિકીની કંપની કોલ ઇન્ડિયાની સબ્સિડરી ભારત કોકિંગ કોલ લિમિટેડ (બીસીસીએલ)ના આઇપીઓને જોરદાર વિક્રમી પ્રતિસાદ મળ્યો છે અને રોકાણકારો તેના લિસ્ટિંગની રાહ જોઇ રહ્યા છે ત્યારે એવા સમાચાર આવ્યા છે કે તેનું લિસ્ટિંગ નિર્ધારિત દિવસે, ૧૬મી જાન્યુઆરીએ નહીં થશે!

બીસીસીએલના રૂ. ૧,૦૭૧ કરોડના પ્રારંભિક જાહેર ભરણાંને જબરદસ્ત સબ્સ્ક્રિપ્શનનો પ્રતિસાદ મળ્યો છે અને તેમાં રૂ. ૧.૧ લાખ કરોડથી વધુની બિડ તેમ જ વિક્રમી ૯૦.૩૧ લાખ અરજીઓ મળી છે. વાસ્તવમાં બીએમસી ચૂંટણીઓને કારણે ભારત કોકિંગ કોલના આઇપીઓના લિસ્ટિંગને ૧૯ જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવ્યું છે, જ્યારે ભારતીય શેરબજાર પણ ૧૫ જાન્યુઆરીએ મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે બંધ રહેવાનું છે..

આપણ વાચો: કવર સ્ટોરીઃ આઇપીઓના ઘોડાપૂરમાં તણાતા પહેલાં સાવધાન!

મહારાષ્ટ્રમાં લોકલ બોડી ઇલેકશનને કારણે જાહેર ક્ષેત્રની ઉપક્રમ મહારત્ન કોલ ઇન્ડિયાની પેટાકંપની, ભારત કોકિંગ કોલ લિમિટેડનું લિસ્ટિંગ અગાઉની નિર્ધારિત તારીખ, ૧૬ જાન્યુઆરીથી બદલીને ૧૯ જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છે.

વધુમાં, મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓને કારણે ગુરુવાર, ૧૫ જાન્યુઆરીએ ભારતીય શેરબજાર ટ્રેડિંગ માટે બંધ રહેશે.બીએસઇ અને એનએસઇ બંનેએ સુધારેલા પરિપત્રો જારી કરીને પુષ્ટિ આપી છે કે ગુરુવારે વિવિધ સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. એક પરિપત્રમાં, બીએસઇએ જણાવ્યું હતું કે ઇક્વિટી સેગમેન્ટ, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ, કોમોડિટી ડેરિવેટિવ્ઝ અને ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સમાં ટ્રેડિંગ ૧૫ જાન્યુઆરીના રોજ બંધ રહેશે.

ભારત કોકિંગ કોલના રૂ. ૧,૦૭૧ કરોડના આઇપીઓને તાજેતરના વર્ષોમાં ભારતના પ્રાથમિક બજારમાં સૌથી મજબૂત સબસ્ક્રિપ્શન પ્રતિસાદ મળ્યો હતો, જેમાં રૂ. ૧.૧ લાખ કરોડથી વધુની બિડ મળી હતી. એક્સચેન્જ ડેટા દર્શાવે છે કે રોકાણકારોએ રૂ. ૨૩ના પ્રાઇસ બેન્ડના અપર એન્ડમાં ૫૦,૯૩,૧૬,૭૫,૬૦૦ શેર માટે બિડ મોકલી હતી, જે કુલ રૂ. ૧.૧૭ લાખ કરોડના બિડ મૂલ્યમાં રૂપાંતરિત થાય છે. રોકાણકારોની ભાગીદારીની દ્રષ્ટિએ, આ ઇશ્યૂએ ૯૦.૩૧ લાખ અરજીઓ સાથે એક નવો રેકોર્ડ પણ બનાવ્યો છે.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button