'મેક ઇન ઇન્ડિયા'માં ગુજરાત મોખરે: 15 વર્ષમાં ઑટો ઉત્પાદનમાં 22 ગણો વધારો, ₹ 71,425 કરોડનું રેકોર્ડ ઉત્પાદન! | મુંબઈ સમાચાર
Top Newsગાંધીનગર

‘મેક ઇન ઇન્ડિયા’માં ગુજરાત મોખરે: 15 વર્ષમાં ઑટો ઉત્પાદનમાં 22 ગણો વધારો, ₹ 71,425 કરોડનું રેકોર્ડ ઉત્પાદન!

ગાંધીનગરઃ 7 ઓક્ટોબર 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ લઈને જાહેર સેવાની ઐતિહાસિક યાત્રાની શરૂઆત કરી હતી, જેને આ વર્ષે 24 વર્ષ પૂર્ણ થયા છે. ગુજરાતની આ વણથંભી વિકાસની ગાથા જનજનમાં ઉજાગર કરવા માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર સાતથી 15 ઓક્ટોબર સુધી રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે.

આ અંતર્ગત 10 ઓક્ટોબરે ‘ઉદ્યોગ સાહસિક દિવસ’ મનાવવામાં આવશે, જે ગુજરાતના ઔદ્યોગિક કૌશલ્ય અને નવીનતાની ભાવનાને સમર્પિત છે.

છેલ્લા 24 વર્ષમાં વડા પ્રધાનના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાત દેશના ઔદ્યોગિક વિકાસ એન્જિન તરીકે ઉભરી આવ્યું છે. ખાસ તો, 2009માં તત્કાલીન મુખ્ય પ્રધાન તરીકે તેમના કાર્યકાળમાં ઑટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં શરૂ થયેલી વિવિધ પહેલોના પરિણામે ગુજરાત ભારતનું અગ્રણી ઑટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે.

આપણ વાંચો: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળના ચાર વર્ષ: સેવા, સુશાસન અને વિકાસની ગાથા

15 વર્ષમાં 24.84 ટકાના CAGR સાથે ગુજરાતની હરણફાળ

ભારત સરકારના વાર્ષિક ઉદ્યોગ સર્વેક્ષણ (ASI) મુજબ, ગુજરાતમાં મોટર વ્હીકલ્સ, ટ્રેલર અને સેમી-ટ્રેલરનું ઉત્પાદન 2008-09માં લગભગ ₹3,200 કરોડ હતું, જે 2022-23માં 22 ગણું વધીને ₹71,425 કરોડ નોંધાયું છે, જે અત્યારસુધીનું સૌથી વધુ ઉત્પાદન છે. આ સિદ્ધિએ 24.84%નો નોંધપાત્ર ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) નોંધાવ્યો છે, જે ઑટોમોબાઇલ ક્ષેત્રમાં ગુજરાતની સફળતાનો પુરાવો છે.

‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’થી ગુજરાતને મળી ઉડાન

2014માં શરૂ કરાયેલા મેઇક ઇન ઇન્ડિયાના વિઝનને ગુજરાતે અતૂટ પ્રતિબદ્ધતા સાથે સાકાર કર્યું છે. 2015-16 અને 2022-23 દરમિયાન ગુજરાતના મોટર વાહન, ટ્રેલર અને સેમી-ટ્રેલર ઉત્પાદન ક્ષેત્રમાં 12 ગણી વૃદ્ધિ થઈ છે. આ સમયગાળા દરમિયાન મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન ₹5,836 કરોડથી વધીને ₹71,425 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે, જે રાજ્યની ઔદ્યોગિક ક્ષમતા, રોકાણને અનુકૂળ વાતાવરણ અને મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ દર્શાવે છે.

આપણ વાંચો: ગુજરાતના એક ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ક્યારેય યોજાઈ નથી, જાણો શું છે ખાસિયત?

કોવિડ પછી ગુજરાતની ઑટો ઉદ્યોગમાં મજબૂત વાપસી

કોરોના મહામારી બાદ ગુજરાતે ઑટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં મજબૂત વાપસી કરતાં માત્ર બે વર્ષમાં બમણું ઉત્પાદન નોંધાવ્યું હતું. મોટર વાહન, ટ્રેલર અને સેમી-ટ્રેલર શ્રેણીના તાજેતરના આંકડા અનુસાર, 2020-21ના કોવિડ-અસરગ્રસ્ત સમયગાળામાં ઉત્પાદન ₹34,107 કરોડ હતું, જે 2022-23માં ₹71,425 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું, જે 109 ટકાની અભૂતપૂર્વ વૃદ્ધિ દર્શાવે છે.

નિકાસમાં ગયા વર્ષની તુલનામાં 31.54 ટકાનો વધારો થયો

ગુજરાતનું વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાન અને વિશ્વ કક્ષાના પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે વૈશ્વિક ઓટોમોબાઈલ નિકાસમાં તેની સ્થિતિ મજબૂત બની છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડીજીસીઆઈએસના ડેટા અનુસાર, રાજ્યએ નાણાકીય વર્ષ 2024-25માં લગભગ ₹2,628 કરોડના ઑટો કમ્પોનન્ટ્સ/પાર્ટ્સ અને ₹11,172 કરોડના મોટર વાહનો/કાર એમ કુલ ₹13,799.79 કરોડની નિકાસ કરી હતી, જે પાછલા વર્ષની સરખામણીમાં 31.54 ટકાની પ્રભાવશાળી વૃદ્ધિ દર્શાવે છે.

નાણાકીય વર્ષ 2024-25માં ગુજરાતે દક્ષિણ આફ્રિકા, જાપાન, સાઉદી અરેબિયા, ચિલી, યુએઈ, મેક્સિકો અને કોલંબિયા સહિત 102 દેશોમાં 1,77,924 મોટર વાહનો/કારની નિકાસ કરી છે. નાણાકીય વર્ષ 2023-24માં ₹ 2,764 કરોડના ઑટો કમ્પોનન્ટ્સ/પાર્ટ્સ અને ₹ 8,493 કરોડના વાહન નિકાસ થઈ હતી, તેની સરખામણીમાં આ વૃદ્ધિ દર્શાવે છે કે ગુજરાતની વૈશ્વિક ઑટો નિકાસ નવી ઊંચાઈએ પહોંચી છે.

આપણ વાંચો: કૉંગ્રેસ નેતા સવારે ભાજપમાં ગયા, સાંજે ઘરવાપસી કરી….

સાણંદ અને માંડલ-બેચરાજી: ગુજરાતના બે ‘ઑટોમોટિવ હાર્ટલૅન્ડ’

છેલ્લા દોઢ દાયકામાં ગુજરાતમાં ઑટોમોબાઈલ ઉત્પાદન, ઑટો કમ્પોનન્ટ્સ, લોજિસ્ટિક્સ અને રિસર્ચ-ડેવલપમેન્ટમાં નોંધપાત્ર વિકાસ થયો છે. સુઝુકી, ટાટા, હીરો કૉર્પ અને હોન્ડા જેવી કંપનીઓ સાથે સાણંદ અને માંડલ-બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન રાજ્યના મુખ્ય ઑટો હબ બન્યા છે.

સાણંદમાં ટાટા મોટર્સ અને જેબીએમ જેવી અગ્રણી કંપનીઓ સાથે એક મજબૂત ઑટો કમ્પોનન્ટ ઇકોસિસ્ટમ છે, જ્યારે માંડલ-બેચરાજી તેની અત્યાધુનિક માળખાગત સુવિધાઓ અને નિકાસલક્ષી સુવિધાઓ સાથે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સને આકર્ષિત કરી રહ્યું છે.

આ કેન્દ્ર ગુજરાતને ભારતનું “ઑટોમોટિવ હાર્ટલૅન્ડ” બનાવવામાં અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના “મેક ઇન ઇન્ડિયા” અને “મેક ફોર ધ વર્લ્ડ” વિઝનને સાકાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button