Top Newsનેશનલ

ઘૂસણખોરો PM/CM નક્કી નહીં કરે: અમિત શાહે સંસદમાં વિપક્ષ, રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહારો

‘તમારા હિસાબથી સંસદ ચાલશે નહીં’: રાહુલ ગાંધીને ગૃહ પ્રધાને આપ્યો જવાબ

નવી દિલ્હીઃ લોકસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે ચૂંટણી સંબંધિત સુધારા મુદ્દે વિપક્ષને આક્રમક જવાબ આપ્યો હતો. પોતાના ભાષણની શરુઆતમાં જ શાહે કહ્યું કે ચૂંટણી સુધારા મુદ્દે ચર્ચા કરવા મુદ્દે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ભાગતું નથી. વિપક્ષ એસઆઈઆર મુદ્દે જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે. દેશની જનતાને ગુમરાહ કરવાની કોશિશ કરી રહ્યા છે. દેશના વડા પ્રધાન અને રાજ્યના મુખ્ય પ્રધાન ઘૂસણખોરો નક્કી નહીં કરે. તેનો અધિકાર ફક્ત ભારતના નાગરિકોનો છે. વિપક્ષના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીને દેશની જનતાએ વડા પ્રધાન બનાવ્યા છે એ વિપક્ષની કૃપાથી નહીં. ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શકતાની જરુરિયાત અંગે પણ ભાર મૂક્યો હતો. આ મુદ્દે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પોતાની સીટ પરથી ઊભા થયા અને શાહને કહ્યું કે હું તમને ચેલેન્જ આપું છું.

રાહુલ ગાંધીએ અમિત શાહને કહ્યું કે હું તમને ચેલેન્જ કરું છું કે તમે મારી વોટ ચોરીની ત્રણ પ્રેસ કોન્ફરન્સની ચર્ચા કરો. આ મુદ્દે અમિત શાહે કહ્યું કે 30 વર્ષથી વિધાનસભા અને લોકસભામાં ચૂંટાઈને આવું છું. મને સંસદીય પ્રણાલીનો લાંબો અનુભવ છે. વિપક્ષના નેતા કહે છે કે પહેલા મારી વાતનો જવાબ આપો. તમારા હિસાબથી સંસદ ચાલશે નહીં. મારી બોલવાની વાત હું નક્કી કરીશ. તમારી રીતે સંસદ ચાલશે નહીં.

રાહુલ ગાંધીએ સંસદમાં એસઆઈઆરનો મુદ્દો ઉઠાવ્યો, આરએસએસ પર પણ પ્રહાર કર્યા

હું તમારી કોઈ ઉશ્કેરણીમાં આવીશ નહીં….

શાહે કહ્યું કે તમારે ધીરજપૂર્વક મારો જવાબ સાંભળો. એક-એક વાતનો જવાબ આપીશ પણ મારા ભાષણ અંગેનો ક્રમ એ નક્કી કરી શકે નહીં. એ તો હું નક્કી કરીશ કે તેનો જવાબ કઈ રીતે આપવો. હું તમામ જવાબ આપીશ પણ મારા ભાષણનો ક્રમ તો હું નક્કી કરીશ નહીં કે વિપક્ષના નેતા. તમારી ઉશ્કેરણીમાં આવીશ નહીં. સોનિયાજી અંગેનો જવાબ તમારે કોર્ટમાં આપવો પડશે અહીં શા માટે આપે છે.

કેસી વેણુગોપાલે કહ્યું ભ્રામક નિવેદનો આપે છે…

આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે આ ડરામણો પ્રતિભાવ છે. સાચી જવાબ નથી. અમિત શાહે કહ્યું કે એમના માથા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ જોવા મળે છે કે હું શું બોલીશ પણ તમારી ઉશ્કેરણીમાં આવીશ નહીં અને મારા ક્રમ પ્રમાણે જ બોલીશ. આ અંગે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે સોનિયા ગાંધીએ તો આ વખતની ચૂંટણીમાં મતદાન પણ કર્યું નહોતું. ભ્રામક નિવેદનો આપવામાં આવી રહ્યા છે. હું પડકાર ફેંકું છું કે તમે એને સિદ્ધ કરો.

સંસદમાં આવતીકાલે વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર થશે ચર્ચાઃ PM Modi લોકસભામાં કરશે શરૂઆત

એસઆઈઆર મુદ્દે રાહુલ ગાંધીનો ખુલ્લો પડકાર

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં ચૂંટણી સુધારા પરની ચર્ચામાં ભાગ લીધો હતો. તેમણે વિપક્ષના પ્રશ્નોના જવાબ આપ્યા અને કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) અંગે અમિત શાહે કહ્યું કે 2004 સુધી કોઈએ તેનો વિરોધ કર્યો નહોતો, પરંતુ હવે વિરોધ થઈ રહ્યો છે. રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં ગૃહમંત્રીને એસઆઈઆર પર ચર્ચા માટે પડકાર ફેંક્યો હતો.

આ પણ વાંચો : ઇન્ડિગો મુદ્દો સંસદમાં ગાજયો, સાંસદે કહ્યું મત વિસ્તારમાં પહોંચવામાં મુશ્કેલી

અમે લોકોએ ચર્ચા કરવાનો ઈનકાર કર્યો નથી

લોકસભામાં અમિત શાહે કહ્યું કે અમે લોકો ચર્ચા કરવાથી ભાગતા નથી. સંસદ દેશની સૌથી મોટી પંચાયત છે. અમે લોકોએ ક્યારેય ચર્ચા કરવા ઈનકાર કર્યો નથી, પરંતુ ઈનકાર કરવા માટે પણ કારણ હતું. વિપક્ષની માંગ હતી કે એસઆઈઆર મુદ્દે ચર્ચા થાય પણ એ વિષય ચૂંટણી પંચનો છે. આ મુદ્દે ચર્ચા થતી હોય તો જવાબ કોણ આપશે? વિપક્ષ જ્યારે ચર્ચા માટે તૈયાર થયો ત્યારે અમે બે દિવસ માટે ચર્ચા કરાવી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઘૂસણખોરો નક્કી કરી શકે નહીં કે મુખ્ય પ્રધાન કે વડા પ્રધાન કોણ બનશે.

 આ પણ વાંચો : સંસદના ચોમાસુ સત્ર વચ્ચે રાહુલ ગાંધીએ ગઠબંધનના પક્ષોની બોલાવી બેઠક, શું હશે એજન્ડા?

સુપ્રીમ કોર્ટના નિર્ણયથી એસઆઈઆરનું થયું ગઠન

સુપ્રીમ કોર્ટના નિર્ણયથી એસઆઈઆર ગઠન થયું છે. ચૂંટણી પંચની ફરજ છે કે એ નક્કી કરે કે મતદાર કોણ છે અને કોણ નહીં. મતદાર હોવાની પહેલી શરત તો એ છે કે સંબંધિત વ્યક્તિ ભારતની નાગરિક છે. રાહુલ ગાંધીનું નામ લઈને અમિત શાહે કહ્યું કે હરિયાણામાં એક મકાનનો નંબર બતાવીને દાવો કરે છે કે એ ઘરમાં અનેક વોટર છે એના અંગે પંચે પણ એ દવાને જુઠ્ઠો ગણાવ્યો હતો.

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »

સંબંધિત લેખો

Back to top button