તરોતાઝા
સફેદ ચહેરો
કનુ ભગદેવ -પ્રકરણ-7
(ગતાંકથી ચાલુ)
લક્ષ્મી-ધન ઇન્સાન માટે સાચે જ શ્રાપરૂપ છે! જેની પાસે ધન છે એને તે સીધા દંડરૂપે છે, અને તેને આડકતરો દંડ છે. જેઓની પાસે છે તેઓ તેને સુખેથી ભોગવી નથી શકતા, અને જેઓની પાસે નથી તેઓ એક વખત પેટ ભરવા માટે પણ ફાંફાં મારે છે! બહરહાલ, આપણે હવે આપણી કથાને આગળ ધપાવીએ.
- રંગપુર હોસ્પિટલ…! ઇન્સ્પેક્ટર કદમ…! અને સરકારી ડૉક્ટર!
ડૉક્ટરે નિરાશાથી માથું ધુણાવ્યું.દર્દી ક્યારે ભાનમાં આવે એ વિષે હાલના તબક્કે હું કશુંય કહી શકું તેમ નથી ઇન્સ્પેક્ટર! તમે સ્ટેટમેન્ટ લેવા માગો છો, પરંતુ સોરી...! અત્યારે ચોક્કસ કહી શકાય નહીં. પહેલી વાત તો એ કે તે બચી જાય એવું લાગતું જ નથી, અને કદાચ બચી જાય તો પણ એને ભાનમાં આવતાં કેટલાયે દિવસો લાગશે. એનું મસ્તક ઠેકઠેકાણેથી ફાટી ગયું છે. મને તો એનો શ્વાસ કેવી રીતે ચાલુ રહ્યો એ જ સવાલ હેરત પમાડે છે. એના મગજ પર લોહીનું દબાણ એકદમ વધી ગયું છે, મસ્તકમાં ઠેકઠેકાણે ટાંકા લેવાના છે. સ્પેશિયલ ઓપરેશન માટે અમે મુંબઈથી મગજના ઓપરેશનના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને બોલાવ્યા છે.' ઇન્સ્પેક્ટર કદમનું આગમન એક ફોન સંદેશાને કારણે થયું હતું. ગઈ રાત્રે લગભગ દોઢ-બે વાગ્યે પોલીસ સ્ટેશનના ફોનની ઘંટડી રણકી અને પછી કોઇકે માહિતી આપી કે દેશાઈવાડામાં ગોળીઓ છૂટવાનો તથા ભયંકર મારામારીનો અવાજ સંભળાયો છે. માહિતી આપનારને ઈન્ચાર્જ ઓફિસર કશી પૂછપરછ કરે એ પહેલાં જ એણે રિસિવર મૂકી દીધું હતું. તાબડતોબ એક પોલીસ-પેટ્રોલવાન દેશાઈવાડામાં રવાના કરવામાં આવી. ત્યાં એક કમરાની હાલત જોતાં જ પોલીસ તથા ઇન્સ્પેક્ટર હેબતાઈ ગયા. જમીન પર ઠેકઠેકાણે લોહીનાં ધાબા અને ખાબોચિયાં જામ્યાં હતાં અને કમરો ખાલી હતો. ત્યાંથી એક ઉપયોગી વસ્તુ પોલીસને મળી આવી. એક ખૂબ જ ઉત્તમ બનાવટની રિવોલ્વર! લોહીના નિશાન પાછળ પોલીસ છેવટે ખાડી સુધી પહોંચી ગઈ અને ત્યાં પૂરી પોલીસપાર્ટીએ જોયું. દેશાઈ પરિવારના બે માણસો મોતના ખોળે ગહન શાંતિમાં સૂઈ ગયા છે. એ સાથે જ એક ત્રીજી વ્યક્તિ પણ મળી આવી. આ માનવી રંગપુરમાં અગાઉ ક્યારેય નહોતો દેખાયો. ટૂંકમાં રંગપુર માટે તે અજાણ્યો હતો. પહેલાં તો એને પણ મરી ગયેલો જ માનવામાં આવ્યો, પરંતુ તપાસ કરતા જણાયું કે તે ધીમાધીમા શ્વાસ લે છે. એ વ્યક્તિનું સમગ્ર શરીર લોહીથી ખરડાયેલું હતું. બંને લાશનો કબજો લેવામાં આવ્યો અને ઘાયલ માનવીને તાબડતોબ હોસ્પિટલ લઈ જવાયો. ત્યાર બાદ પોલીસ સ્ટેશનની મશીનરી પૂર ઝડપે આખી રાત ચાલુ રહી. ઘાયલ માનવીના ગજવામાંથી તેનું આઈડેન્ટિફિકેશન કાર્ડ મળી આવ્યું. એ ઓળખપત્રમાં તેનું નામ, સરનામું હતું. તાબડતોબ એનું વર્ણન મુંબઈ પોલીસને વાયરલેસથી જણાવવામાં આવ્યું. ફોન પર ફોન અને અરજન્ટ તેમજ લાઈનિંગ કોલ કરવામાં આવ્યા અને સવાર થતાં જ મુંબઈ પોલીસનો રિપોર્ટ આવી ગયો. ઘાયલ માનવીનું નામ દિવાકર જોશી અને તે દેશાઈ સ્ટિમ કુાં. પ્રા. લિમિટેડનો એક પાર્ટનર છે. બીજા પાર્ટનરનું નામ બાબુભાઈ દેશાઈ છે. પણ તે અહીં મુંબઈમાં દેશાઈભાઈના નામથી ઓળખાય છે. દેશાઈભાઈનું નામ સાંભળતા જ રંગપુર પોલીસના કાન ઊભા થઈ ગયા. મુંબઈ પોલીસનો રિપોર્ટ સાથે એક રીમાર્ક પણ હતો- "દેશાઈભાઈ એક દાણચોર હોવાની જબરદસ્ત શંકા છે. એનો પાર્ટનર દિવાકર જોશી પણ તે ધંધામાં સંકળાયેલો છે.” ઇન્સ્પેક્ટર કદમ પોતાના સાથી સબ-ઇન્સ્પેક્ટર આનંદ સાથે હોસ્પિટલમાંથી બહાર નીકળ્યો.
આનંદ!’ કદમ બોલ્યો,આ ઘાયલ માનવી પર પૂરેપૂરી નજર રાખવાનો મુંબઈ પોલીસનો સખત આદેશ છે. મામલો બેહદ ખતરનાક અને સંગીન લાગે છે.'
તમે શું માનો છો મિ. કદમ…?’ આનંદે પૂછયું,શું આ માણસને પણ મારીને નીચે ફેંકવામાં આવ્યો હશે?'
કંઈ જ કહી શકાય તેમ નથી. અલબત્ત એની સાથે ભયંકર મારામારી થઈ હતી એટલું તો સ્પષ્ટ જ છે. એનાં વસ્ત્રો વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. હું એમ માનું છું કે એનાં વસ્ત્રોમાં જે લોહીના ડાઘ છે, તે લોહી થોડું એનું પોતાનું અને બાકીનું કોઈક બીજાનું જ છે.શું દિવાકરે જ છનાભાઈ તથા વિદ્યાનાં ખૂનો કર્યાં હશે? એવી શક્યતા ખરી?'
કદાચ હોય…! ન પણ હોય’ હાલ તુરત કોઈપણ ચોક્કસ પરિણામ પર પહોંચી શકાય તેમ નથી. એક વાત તો ચોક્કસ છે કે દિવાકર આ પહેલાં ક્યારેય રંગપુરમાં દેખાયો નથી. અગાઉ કોઈએ એને જોયો નથી. એટલે એના અહીં આવવાનું કારણ તો શોધવું જ પડશે.’કદાચ તે ચોરી કરવા માટે આવ્યો હોય!'
એ બિચારા ફકીરો પાસે હતું પણ શું?’ કદમ હસ્યો, એ લોકોની સ્થિતિ દિવાકરથી અજાણી તો ન જ હોય. ગમે તેમ તો પણ તે મરનારના ભાઈ, દેશાઈભાઈનો પાર્ટનર છે અને એ નામે તે દેશાઈ ભાઈ-બહેનની સ્થિતિ જાણતો જ હોય! ખેર, હજુ આપણી સામે કેટલાએ સવાલો છે અને એ દરેકના જવાબો મેળવવાના બાકી છે અને તેમાંથી ઘણાખરા જવાબ આપણને દિવાકરના પાર્ટનર અને મરનારનાં નાના બંધુ દેશાઈભાઈ પાસેથી મળી આવશે. પૂછપરછ માટે એને અહીં બોલાવવામાં આવ્યો છે.
`આઈ સી.’ આનંદ માથું હલાવીને રહી ગયો.
- રંગપુર પોલીસ સ્ટેશન…!
દેશાઈભાઈ મુંબઈથી આવી પહોંચ્યો હતો. એનો ચહેરો સાવ નિર્વિકાર ભાવહીન અને સ્લેટ જેવો સ્વચ્છ, સાફ હતો. એનાં ભાઈ-બહેન મૃત્યુ પામ્યાં છે, એ સમાચાર જાણ્યા પછી પણ એના ચહેરા પર પહેલાં જેવી જ બેપરવાઈ છવાયેલી હતી અને આ જ તેની વિશેષતા હતી.કાનૂનના રક્ષકોને મારા જયહિંદ... જય ભારત! શું હું આપને પૂછી શકું છું કે જે કમીનાએ-સુવરની ઓલાદે અમારા જેવા ગરીબ પર સિતમનો આવો ભયાનક કોરડો વીંઝયો છે, એના કાંઈ સમાચાર કે પત્તો મેળવ્યો આપે?'
આપ તશરીફ રાખો જનાબ…!’ કદમ શિષ્ટાચારથી બોલ્યો…ઓહો...! તો તમે હજુ તશરીફની જ દુનિયામાં રાચો છો એમને? મારા સવાલ માટે હું ક્ષમા માગું છું ઈન્સ્પેક્ટર! મારે પોતાને ખુદને જ સમજી વિચારી લેવું જોઈતું હતું કે આ તમારા વશની વાત નથી. તમારા લોકોના વશમાં તો બસ, ફક્ત એટલું જ છે કે સાપ નીકળી ગયા પછી લિસોટા પીટવા...! હવે તમે લોકો શું ખાઈને એ કમીનાને ફાંસીએ પહોંચાડશો! એને તો હું પોતે જ પહોંચાડીશ! જે કંઈ કરવાનું છે તે હવે હું જ કરીશ.'
તમારી માનસિક સ્થિતિની કલ્પના અમે કરી શકીએ છીએ દેશાઈભાઈ!’તમારી કલ્પનાશક્તિને મારા હજાર હજાર અભિનંદન! પોલીસ થવાને બદલે તમારે સાઈકોલોજિસ્ટ એટલે કે માનસશાસ્ત્રી થવાની જરૂર હતી. પરંતુ ખૂનીએ પણ કલ્પના કરી લીધી હશે કે તમે લોકો એટલે કે પોલીસ કેટલી બધી બેવકૂફ અને નિષ્ક્રિય છે!'
જુઓ દેશાઈભાઈ!’ ઈન્સ્પેક્ટર કદમ સહેજ તીખા અવાજે બોલ્યા,તમે નાહકના જ આ બધી અર્થ વગરની વાતો કરો છો, પરંતુ તેથી કશું વળવાનું નથી. ખૂની પકડાઈ જાય એમ જ અમે બધા ઈચ્છીએ છીએ તમારી ફરજ અમને એ અંગે મદદ કરવાની છે, જ્યારે તમે તો અવળી જ વાતો કરો છો. આ યોગ્ય નથી.'
તમને તો હવે ભગવાન જ મદદ કરશે.’શું થોડા સવાલો અમે તમને પૂછી શકીએ?'
પૂછોને…! બેચાર શું?- બસો પૂછો.’તમે છેલ્લીવાર તમારાં ભાઈબહેનને ક્યારે જોયાં હતાં?'
આજથી પરમ દિવસે… હું અહીં આવ્યો હતો અને ગઈકાલે સવારે ચાલ્યો ગયો હતો. અહીંથી જતાં પહેલાં મેં તેમને જોયાં હતાં અને સાંભળ્યો, કોઈ ચાડિયો તમને ચાડી ખાય એ પહેલાં હું પોતે જ તમને કહી નાખું કે મારા ભાઈ સાથે મારે ભયંકર ઝઘડો થયો હતો.’એમ...?' ઈન્સ્પેક્ટર કદમ ખુરશી પર ટટ્ટાર થયો,
શા માટે…?’
(વધુ આવતી કાલે)