તંદુરસ્તી-મનદુરસ્તી : યોગ એટલે કર્મોમાં કુશળતા

- ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
સૌથી મહત્ત્વપૂર્ણ હકીકત એ છે કે યોગ આવી સિદ્ધિઓની પ્રાપ્તિ માટે નથી. યોગાભ્યાસનો હેતુ આધ્યાત્મિક વિકાસ છે, સિદ્ધિઓની પ્રાપ્તિ નહિ. સિદ્ધિઓ તો યોગવિદ્યાનાં મળમૂત્ર છે. આમ યોગવિદ્યા ગુહ્યવિદ્યા નથી, પરંતુ અધ્યાત્મવિદ્યા છે.
(7) યોગ વિશિષ્ટ વ્યક્તિઓ માટે જ છે, તેવું નથી:
યોગાભ્યાસ માત્ર વિશેષ યોગ્યતાવાન વ્યક્તિઓ માટે જ છે, તેવું નથી. યોગ સર્વજન સુલભ વિદ્યા છે.
કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ સાચી નિષ્ઠાથી, યોગ્ય માર્ગદર્શક પાસેથી માર્ગદર્શન મેળવીને યોગાભ્યાસ કરી શકે છે.
પ્રત્યેક અભ્યાસ માટેની એક શિસ્ત હોય છે. યોગવિદ્યાના અભ્યાસ માટે પણ શિસ્ત છે જ. યોગાભ્યાસીઓ આ શિસ્તનું પાલન કરવું જોઈએ, તો જ યોગાભ્યાસ ફલદાયી બની શકે છે. શરાબનું સેવન કરવું અને પ્રાણાયામનો અભ્યાસ કરવો, તે બંને એક સાથે થઈ શકે નહિ.
આનો અર્થ એમ કે સાચી નિષ્ઠા હોય તો કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ, યોગ્ય માર્ગદર્શક પાસેથી શીખીને, યોગમાર્ગ માટે આવશ્યક શિસ્તનું પાલન કરીને યોગાભ્યાસ કરી શકે છે.
આ પણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તી: મનોચિકિત્સા માટે યોગનો વિનિયોગ માન્ય ને આવકાર્ય છે
(8) યોગ વિજ્ઞાન છે?

આધુનિક ભૌતિક વિજ્ઞાનો, જે અર્થમાં વિજ્ઞાન છે, તે અર્થમાં યોગને વિજ્ઞાન ગણી શકાય તેમ નથી. અને યોગને તે અર્થમાં વિજ્ઞાન સિદ્ધ કરવાની જરૂર પણ નથી. યૌગિક ક્રિયાઓ અને તેમની અસરોને આધુનિક શરીરવિજ્ઞાનની પરિભાષામાં અમુક હદ સુધી જ સમજાવી શકાય તેમ છે. બધી જ યૌગિક ક્રિયાઓને અને ખાસ કરીને અંતરંગ યોગાભ્યાસને આધુનિક શરીરવિજ્ઞાનની પરિભાષામાં સમજાવી શકાય તેમ નથી. વળી યોગને આધુનિક મનોવિજ્ઞાનની પરિભાષામાં સમજાવી શકાય તો જ તે પ્રમાણિત થાય કે મૂલ્યવાન ગણાય એમ માનવાની પણ જરૂર નથી.
આધુનિક વિજ્ઞાન ઈન્દ્રિયગમ્ય જગતનો વિચાર કરે છે. પ્રકૃતિ એના અભ્યાસનું ક્ષેત્ર છે, જ્યારે યોગ અતીન્દ્રિય જગતના અનુભવોનો વિચાર કરે છે. પ્રકૃતિ નહિ, પરંતુ ચૈતન્યની અનુભૂતિ યોગનો હેતુ છે. તેથી આધુનિક વિજ્ઞાનની સંશોધન પદ્ધતિઓ અને હકીકતોને પ્રમાણિત કરવાની પદ્ધતિઓ, યોગને તેના તે જ સ્વરૂપે અને હંમેશાં લાગુ પાડી શકાય તેમ નથી.
આમ છતાં યોગ એક સુવ્યવસ્થિત અને શાસ્ત્રીય સાધન પદ્ધતિ છે, એટલું જ નહિ પણ સાંખ્ય પર આધારિત તેની દાર્શનિક પરંપરા પણ ઘણી વ્યવસ્થિત અને શાસ્ત્રીય છે. આ અર્થમાં યોગ માટે `વિજ્ઞાન’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો એમાં કશુ ખોટું નથી.
આ પણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તી: સ્વાસ્થ્યની જાળવણી માટે યોગનો પણ વ્યાપક ઉપયોગ થાય છે
(9) યોગ માત્ર તત્ત્વજ્ઞાન નથી:
યોગ ભારતીય ષડ્દર્શનમાંનું એક દર્શન છે અને યોગસૂત્ર તેનો પ્રમાણભૂત ગ્રંથ છે. યોગની એક સુવ્યવસ્થિત અને શાસ્ત્રીય દાર્શનિક પરંપરા છે. આમ છતાં યોગ અન્ય દર્શનોની જેમ માત્ર એક તત્ત્વજ્ઞાન નથી. યોગમાં તાત્ત્વિક બાબતોની વિચારણા હોવા છતાં તે વિશેષ કરીને સાધન પદ્ધતિ છે.
સાંખ્ય અને યોગ જોડિયા દર્શન ગણાય છે. યોગ મહદ્ અંશે, થોડા ફેરફાર સાથે સાંખ્યની તાત્ત્વિક વિચારણા સ્વીકારી લે છે. અને તે તત્ત્વજ્ઞાન જે ધ્યેય સૂચિત કરે છે, તે ધ્યેય સુધી પહોંચવાનો સાધનમાર્ગ, તે યોગનું મૂળ સ્વરૂપ છે.
(10) યોગ ભાગેડુ વૃત્તિ નથી:
યોગ અને સમગ્ર અધ્યાત્મ માર્ગ વિશે એવી ગેરસમજ પ્રવર્તે છે કે આ માર્ગ જીવનથી વિમુખ થવાનો માર્ગ છે; ભાગેડુ વૃત્તિ છે; જીવનથી હારેલા-થાકેલા લોકો આ માર્ગે જાય છે. વસ્તુત: આ ખ્યાલ સાચો નથી. યોગ કે અધ્યાત્મપથ જીવનથી વિમુખ થવાની વૃત્તિ નથી, પરંતુ જીવનની પરિપૂર્ણતાનો માર્ગ છે. યોગ જીવનની સાચી અને મૂલગામી સમૃદ્ધિની પ્રાપ્તિનો માર્ગ છે.
પોતાના આંતરિક ખાલીપાને જોવાની હિંમતના અભાવે સતત સાંસારિક પ્રવૃત્તિઓમાં રમમાણ રહેવું, તે ભાગેડુ વૃત્તિ છે, યોગ નહિ. યોગ તો આ દુ:ખદ ખાલીપાના કાયમી નિરાકરણનો માર્ગ છે. ચૈતન્યના ઉન્મેષ દ્વારા જીવનને આનંદયુક્ત, પરિપૂર્ણ અને સાર્થક બનાવવાની કળા યોગના અભ્યાસથી હસ્તગત કરી શકાય છે.
આ પણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તી : માનવ પોતાની સતત ચાલતી શોધ દ્વારા શું ઈચ્છે છે?
- યોગ એટલે શું?

યોગવિષયક ગેરસમજોનું નિરાકરણ કરીને અર્થાત્ યોગ શું નથી, તે સમજીને હવે આપણે યોગ શું છે, તે સમજવાનો પ્રારંભ કરીએ છીએ.
આપણી ચારે બાજુ વિસ્તીર્ણ ભૌતિક જગત જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રતીત થાય છે, તેથી આપણે તેનો નિ:શક સ્વીકાર કરી શકીએ છીએ, પરંતુ આ દૃશ્યમાન જગતમાં જ સમગ્ર અસ્તિત્વ આવી જતું નથી. અસ્તિત્વ આ દૃશ્યમાન ભૌતિક જગતથી પર ચેતનાનાં અનેક સ્તરો સુધી વિસ્તરેલું છે. તે બધાથી પર અને છતાં તે બધામાં ઓતપ્રોત ચૈતન્ય તત્ત્વ પણ છે જ. આ ચૈતન્યનો સંપર્ક, તેની સાથે તાદાત્મ્ય અને તેની સંપ્રાપ્તિમાં જીવનની કૃતાર્થતા છે. પરમ સત્યની પ્રાપ્તિ જીવનનું ધ્યેય છે અને તે જ ભગવત-પ્રાપ્તિ, આત્મપ્રાપ્તિ, બ્રાહ્મીસ્થિતિ, જીવનમુક્તિ, મોક્ષ કે નિર્વાણ દ્વારા સૂચિત થાય છે.
જેમ ભૌતિક જગતના અભ્યાસ માટે અનેક વિજ્ઞાનશાખાઓનું નિર્માણ થયું છે, તેમ આ પરમ ચૈતન્યના અનુભવ માટે, તેની સંપ્રાપ્તિ માટે કોઈ સાધન છે, કોઈ ઉપાય છે? હા, તે લક્ષ્ય સુધી પહોંચાડનાર સાધનપથને જ `યોગ’ એવું નામ આપવામાં આવે છે. આમ યોગ એટલે પરમ સત્યની પ્રાપ્તિ માટેની સાધનપદ્ધતિ. યોગ એટલે અધ્યાત્મનું વિજ્ઞાન.
આપણાં પ્રાચીન શાસ્ત્રોમાં યોગના સ્વરૂપને સમજાવતી અનેક વ્યાખ્યાઓ આપવામાં આવી છે. આ વ્યાખ્યાઓનો અભ્યાસ આપણને યોગના યથાર્થ સ્વરૂપને સમજવામાં સહાયરૂપ બનશે, તેથી એમાંની કેટલીક વ્યાખ્યાઓ આપણે નહીં જોઈએ.
- योग: कर्मसु कौशलम् । – ભગવદ્ ગીતા
`યોગ એટલે કર્મોમાં કુશળતા.’
કર્મયોગને ખ્યાલમાં રાખીને આ વ્યાખ્યા આપવામાં આવી છે. કુશળતાનો અર્થ અહીં કર્મ કરવાની બહિરંગ કુશળતા (efficiency) નથી. અહીં કુશળતા દ્વારા કર્મયોગ માટેનું ઉપયુક્ત આંતરિક મનોવલણ
સૂચવાયું છે.
- समत्वं योग उच्यते । – ભગવદ્ ગીતા
`સમત્વને યોગ કહેવામાં આવે છે.’
ચિત્તની સમતાયુક્ત અવસ્થાને અહીં યોગ કહેવામાં આવેલ છે. વૃત્તિઓમાંથી મુક્તિની અવસ્થાને સાચા અર્થમાં સમત્વ કહેવાય. એટલે આ વ્યાખ્યામાં ચિત્તવૃત્તિનિરોધની જ વાત બીજી રીતે કહેલ છે.
- दु:खसंयोगवियोगं योगसंज्ञितम् । – ભગવદ્ ગીતા
`દુ:ખ સાથેના સંયોગમાંથી મુક્તિને યોગ કહેવાય છે.’
દુ:ખમાંથી આત્યંતિક મુક્તિને અહીં યોગ ગણવામાં આવેલ છે. સાંસારિક સુખો અને દુ:ખો – બંને વિવેકી જન માટે દુ:ખ જ છે. दु:खमेव सर्वं विवेकिन: । દુ:ખનો આત્યંતિક ક્ષય કૈવલ્ય પ્રાપ્તિમાંથી જ થાય છે. એ રીતે જોતાં આ વ્યાખ્યામાં સુખ-દુ:ખની પારની અવસ્થામાં સ્થિત થવાને યોગ ગણવામાં આવેલ છે.
- योग: संनहनोपाय: ध्यान: संगति युक्तिषु। – અમરકોશ
`યોગ શબ્દનો ઉપયોગ તૈયારી, ઉપાય, ધ્યાન, સંગતિ અને યુક્તિના અર્થમાં થાય છે.’
અહીં અમરકોશકાર `યોગ’ના પર્યાયવાચક શબ્દો આપે છે. તૈયારી (અધ્યાત્મની તૈયારી), ઉપાય (અધ્યાત્મિક વિકાસનો ઉપાય), ધ્યાન, સંગતિ (સંવાદિતા) અને યુક્તિ (આધ્યાત્મિક વિકાસની યુક્તિ). આ વ્યાખ્યા પ્રમાણે આધ્યાત્મિક વિકાસ માટે શરીર, પ્રાણ, મન અને બુદ્ધિથી જે કાંઈ કરવામાં આવે તેને યોગ કહેવામાં આવે છે.
- योग: समाधि:- યોગસૂત્ર – વ્યાસભાષ્ય
આ પણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તી : શરીર ને મન બંને પર વારસાની અસર તો થાય…
`યોગ એટલે સમાધિ’

યોગસૂત્ર પરના વ્યાસભાષ્યમાં આ વ્યાખ્યા ભગવાન વ્યાસજી આપે છે. યોગ એટલે સમાધિ અવસ્થા અને યોગ એટલે સમાધિ અવસ્થાની પ્રાપ્તિ માટેનો સાધનમાર્ગ, એમ બંને અર્થો આ વ્યાખ્યાથી સૂચવાય છે. એટલે કે યોગનો સાધ્યલક્ષી અને સાધનલક્ષી, એમ બંને અર્થો આ વ્યાખ્યામાં આવરી લેવામાં આવેલ છે, એમ સમજવું જોઈએ. કેટલાક વિદ્વાનો ‘युज्यते असौ योग:’ એવી વ્યુત્પત્તિ લઈને, યોગ એટલે આત્મા અને પરમાત્માનું મિલન, એવો અર્થ કરે છે, પરંતુ યોગદર્શનના તત્ત્વદર્શન સાથે આ અર્થ બંધ બેસતો નથી. તેથી `યોગ’ શબ્દનો અર્થ જોડનાર, એમ લેવાને બદલે યોગ એટલે સમાધિ, એમ લેવો વધુ ઉપયુક્ત છે, એમ બીજા વિદ્વાનો માને છે. પોતપોતાની દૃષ્ટિથી બંને અર્થો બરાબર છે.
- योगश्चित्तवृत्ति निरोध: । – યોગસૂત્ર
`યોગ એટલે ચિત્તની વૃત્તિઓનો નિરોધ.’
અહીં પણ યોગ એટલે ચિત્તની વૃત્તિઓના નિરોધની અવસ્થા અને તે અવસ્થા સુધી પહોંચવાનો સાધનમાર્ગ, એમ બંને અર્થો સમજવાના છે. પ્રથમ અર્થ સાધ્યલક્ષી છે અને બીજો અર્થ સાધનલક્ષી છે.
રાજયોગનું સ્વરૂપ
- પ્રસ્તાવ:
ભારતીય દર્શનની ત્રણ પ્રધાન ધારાઓ છે – વૈદિક દર્શન, બૌદ્ધ દર્શન અને જૈન દર્શન. વૈદિક દર્શનમાં છ દર્શનોનો સમાવેશ થાય છે, જેમને ષડ્દર્શન કહેવામાં આવે છે. આ ષડ્દર્શન આ પ્રમાણે છે – પૂર્વમીમાંસા અર્થાત્ વેદાંત દર્શન, ન્યાય, વૈશેષિક, સાંખ્યા અને યોગ.
આ વર્ગીકરણ પ્રમાણે યોગ ષડ્દર્શનમાંનું એક દર્શન છે. આમ છતાં આપણે એ પણ સમજી લેવું જોઈએ કે યોગ માત્ર દર્શન અર્થાત્ – તત્ત્વજ્ઞાન જ નથી. યોગ પ્રધાનત: એક અધ્યાત્મ સાધનપથ અર્થાત્ સાધનમાર્ગ છે.
પ્રત્યેક સાધનમાર્ગને તેના પાયામાં એક તત્ત્વજ્ઞાન પણ હોય છે, સાધનપથ દર્શન પર પ્રતિષ્ઠિત હોય છે અને હોવો જોઈએ. આ જ રીતે યૌગિક સાધનપથ યોગદર્શન પર પ્રતિષ્ઠિત છે. યોગના સાધનપથને સમજવા માટે એ આવશ્યક છે કે આપણે પહેલાં યોગદર્શનની પાયાની સમજ સંક્ષેપમાં મેળવી લેવી જોઈએ.
આ પણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તી દમિત ઇચ્છાઓ અજાગૃત મનમાં સ્થાન લે છે
- યોગ – દર્શન:
સાંખ્ય અને યોગ જોડિયાં દર્શનો છે. યોગ મહદ્ અંશે સાંખ્યનું તત્ત્વજ્ઞાન સ્વીકારે છે, જો કે તેમાં પોતાની સાધનપદ્ધતિને અનુરૂપ કેટલાક ફેરફારો પણ કરે છે.
સાંખ્યની જેમ યોગ દ્વૈતવાદી દર્શન છે. પ્રકૃતિ અને પુરુષ, બે અનાદિ અને અનંત, મૂળભૂત તત્ત્વો છે. પુરુષ ચેતન, ગુણાતીત અને અનેક છે. પ્રકૃતિ ત્રિગુણાત્મિકા અને જડ છે. જડ પ્રકૃતિમાં ચૈતન્ય પુરુષના સંપર્કથી સર્ગનો પ્રારંભ થાય છે. મૂળ ત્રિગુણાત્મક જડ પ્રકૃતિ પુરુષના સંપર્કથી વ્યાપારવાન બને છે. મૂળ પ્રકૃતિમાંથી મહત્ અને મહત્માંથી અહંકાર ઉત્પન્ન થાય છે. સાત્ત્વિક અહંકારમાંથી પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને મન – એમ એકાદશ ઈન્દ્રિયો અને તેમાંથી પાંચ મહાભૂતોની ઉત્પત્તિ થાય છે. રાજસિક અહંકાર દ્વારા સાત્ત્વિક અને તામસિક અહંકારની પ્રવૃત્તિઓને ધક્કો મળે છે. આમ પ્રકૃતિનાં ચોવીશ તત્ત્વો બને છે.
પુરુષ દૃષ્ટા હોવા છતાં પોતાને ભોક્તા માને છે અને બંધાય છે. અષ્ટાંગયોગથી સમાધિ પ્રાપ્ત થતાં અને સમાધિના અભ્યાસથી પુરુષ પોતાને દૃષ્ટારૂપે અનુભવે છે અને કૈવલ્યને પામે છે.
આપણી દર્શન પરંપરામાં સાંખ્ય નિરીશ્વરવાદી દર્શન ગણાય છે, પરંતુ યોગદર્શન ઈશ્વરનો સ્પષ્ટ સ્વીકાર કરે છે અને સાધકને ઈશ્વર-પ્રણિધાન માટે ભલામણ કરે છે.
- રાજયોગ શું નથી?
લગભગ બધા જ સાધનપથ વિશે બને છે, તેમ રાજયોગની આજુબાજુ પણ ગેરસમજનાં જાળાં છે. આપણે અહીં રાજયોગ શું છે, તે સમજતાં પહેલાં રાજયોગ શું નથી, તે સમજવાનો પ્રયત્ન કરીએ. (ક્રમશ:)