યોગ મટાડે મનના રોગ રાજયોગ એક વિકસિત અને સમૃદ્ધ તત્ત્વજ્ઞાન – મનોવિજ્ઞાન
તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
૫. રાજયોગ
રાજયોગ એટલે પતંજલિ – પ્રણીત અષ્ટાંગયોગ. રાજયોગનું પોતાનું એક વિકસિત અને સમૃદ્ધ તત્ત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન છે, જેનો વિચાર આપણે આગળ કરીશું. અહીં આપણે રાજયોગના સાધનપથનો અર્થાત્ અષ્ટાંગયોગનો વિચાર કરીશું.
હઠયોગ પ્રાણજ્ય દ્વારા ચિત્તજયની સાધના છે. રાજયોગ ચિત્તજ્ય દ્વારા પ્રાણજ્યની સાધના છે. આપણે પ્રારંભમાં જ નોંધી ગયા છીએ કે ચિત્તવૃત્તિના નિરોધ દ્વારા દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં સ્થિર થાય, તે યોગ છે.
(્રૂयो. सू.ः 1-2/3)
પરંતુ આ ચિત્તવૃત્તિનિરોધ સાધવો કેમ ? તે માટેનો જે સાધનપથ તે જ રાજયોગ કે અષ્ટાંગયોગ.
હવે આપણે ભગવાન પતંજલિએ ‘યોગસૂત્ર’માં દર્શાવેલ આ અષ્ટાંગયોગને સંક્ષેપમાં સમજીએ.
(૧) યમ: – અહિંસા – મન, વાણી અને કર્મથી કોઈ જીવને દુ:ખ ન દેવું તે અહિંસા છે.
- સત્ય – અધ્યાત્મ સત્યની શોધ છે. અસત્યને માર્ગે સત્યને પામી શકાય નહીં. સાધક મન, વચન અને કર્મથી સત્યનું પાલન કરે તે આવશ્યક છે.
- અસ્તેય – અસ્તેય એટલે ચોરી ન કરવી તે.
- બ્રહ્મચર્ય – આચાર અને વિચાર દ્વારા સર્વ ઈન્દ્રિયોનો સંયમ તે બ્રહ્મચર્ય છે.
- અપરિગ્રહ – અપરિગ્રહ એટલે સંગ્રહવૃત્તિનો ત્યાગ.
(૧) નિયમ: * શૌચ – શૌચ એટલે સ્વચ્છતા અને પવિત્રતા. આંતર અને બાહ્ય બંને શૌચ
આવશ્યક છે.
- સંતોષ જે છે તેનાથી પ્રસન્ન રહેવું તે
સંતોષ છે. - તપ – તપ એટલે તિતિક્ષાયુક્ત સંયમી સાધનપરાયણ જીવનપદ્ધતિ.
- સ્વાધ્યાય – સ્વાધ્યાય એટલે શાસ્ત્રોનું અધ્યયન.
- ઈશ્ર્વરપ્રણિધાન – ઈશ્ર્વરપ્રણિધાન એટલે ઈશ્ર્વરને સમર્પણ.
(૩) આસન:
स्थिरसुखमासनम् ।
- यो. सू.ः 2-46
- (શરીરની) સુખપૂર્વકની સ્થિર અવસ્થાને આસન કહે છ
પતંજલિની આસનની આ વ્યાખ્યાથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે રાજયોગના આસનનું સ્વરૂપ હઠયોગના આસનના સ્વરૂપથી ભિન્ન છે. હઠયોગમાં અનેકવિધ કઠિન આસનોનો પણ સમાવેશ થાય છે. રાજયોગમાં સિદ્ધાસન, પદ્માસન આદિ ધ્યાનોપયોગી આસનોનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
(૪) પ્રાણાયામ: શ્ર્વાસોચ્છ્વાસની સામાન્ય ગતિમાં પરિવર્તન કરીને કુંભક સિદ્ધ કરવો તેને પતંજલિ પ્રાણાયામ કહે છે. કુંભક ચાર પ્રકારના છે – બાહ્યકુંભક, આંતર કુંભક, સ્તંભવૃત્તિ અને કેવલકુંભક.
પ્રાણાયામના અભ્યાસથી ચિત્તની જ્ઞાનવૃત્તિ પર ચડેલાં આવરણો નષ્ટ થાય છે, જ્ઞાનની કળા ખીલે છે અને ધારણા વગેરે ઉચ્ચ યોગાભ્યાસ માટે ચિત્તની યોગ્યતાનું નિર્માણ થાય છે.
(૫) પ્રત્યાહાર: જ્યાં સુધી સાધકનું ચિત્ત બાહ્ય જગતના વિષયોમાં રમમાણ હોય છે, ત્યાં સુધી તે અધ્યાત્મપથ પર યથાર્થ પ્રગતિ કરી શકતો નથી. આપણાં ચિત્તનો વિષય સાથેનો સંપર્ક ઈન્દ્રિયો દ્વારા થાય છે. ઈન્દ્રિયો સામાન્ય સ્વરૂપે વિષયોન્મુખ હોય છે. જ્યારે આ સામાન્ય પ્રક્રિયા ઊલટી બને અને ઈન્દ્રિયો વિષયોન્મુખ મટીને ચિત્તસ્વરૂપાકાર ધારણ કરે ત્યારે પ્રત્યાહારની અવસ્થા સિદ્ધ થાય છે અને સાધક માટે ધારણા, ધ્યાન, સમાધિ આદિ અંતરંગ યોગની સાધનાનો માર્ગ મોકળો બને છે.
પ્રાણાયામ, પ્રણવ, જપ, આદિ સાધનના અભ્યાસથી સાધકની વૃત્તિ અંદર વળવા માંડે છે. ઈન્દ્રિયો વિષયોમાંથી પાછી હટે છે. વૃત્તિઓને અંદર વાળવાનો અભ્યાસ વિકસતાં પ્રત્યાહાર વિકસે છે. અંદરના શાંતિ અને આનંદનો અનુભવ થતાં બાહ્ય વિષયો ફિક્કા લાગે છે અને પ્રત્યાહાર સિદ્ધ થાય છે.
યમ, નિયમ, આસન અને પ્રાણાયામ તે બહિરંગ સાધન છે. ધારણા, ધ્યાન અને સમાધિ અંતરંગ સાધન. પ્રત્યાહાર બંનેને જોડતી વચલી કડી સમાન છે. પ્રત્યાહાર અંતરંગ યોગમાં પ્રવેશવા માટેનું દ્વાર છે.
પ્રત્યાહાર સિદ્ધ થતાં સાચો ઈન્દ્રિયસંયમ સિદ્ધ થાય છે.
(૬) ધારણા:
देशबन्धश्चित्तस्य धारणा ।
- यो. सू.ः 3-1
- “ચિત્ત કોઈ એક વિષય પર સ્થિર થાય તે અવસ્થાને ધારણા કહે છે.
સામાન્ય સ્વરૂપે માનવનું ચિત્ત ચંચળ હોય છે અને અનેક વિષયો પર ફરતું રહે છે. આ પ્રક્રિયાનો અંત આવે અર્થાત્ અન્ય વિષયોનો ઈનકાર કરતાં-કરતાં જ્યારે સાધકનું ચિત્ત પોતાના ઈષ્ટ વિષય પર સ્થિર થાય ત્યારે તે અવસ્થાને ધારણા કહે છે.
ધારણા માટેના વિષયો પાંચ પ્રકારના હોય છે.
- બાહ્ય – ઈષ્ટદેવની મૂર્તિ, ચિત્ર વગેરે.
- મનોમય – બાહ્ય વિષયો જ ધારણા વિકસતાં મનોમય સ્વરૂપ ધારણ કરે છે.
- સ્વશરીર પર – નાસાગ્ર ભ્રૂમધ્ય વગેરે.
- શરીરાન્તવર્તી – હૃદય, આજ્ઞાચક્ર વગેરે.
- અતીન્દ્રિય અનુભવો – નાદશ્રવણ, જ્યોતિદર્શન, દિવ્યસ્પર્શ વગેરે.
(૭) ધ્યાન :
तत्र प्रत्यैकतानता ध्यानम्।
- यो.सू. ः 3-2
- “ત્યાં (ધ્યાન માટે પસંદ કરાયેલ વિષય અર્થાત્ ધ્યેય પ્રત્યે) પ્રત્યયની એકતાનતા એટલે ધ્યાન.
ચિત્તની સામાન્ય અવસ્થામાં ચિત્તના પ્રત્યય ભિન્નભિન્ન વિષયો પરત્વે બદલાતા રહે છે. ધારણામાં સાધક કોઈ એક વિષય પર એકાગ્ર બને છે. આમ છતાં ધારણામાં અન્ય વિષયના પ્રત્યયનો સદંતર અભાવ નથી. ધારણામાં સાધક સામાન્ય મન:સ્થિતિની જેમ અન્ય વિષયોમાં ઘસડાતો નથી. સાધક પોતાની એકાગ્રતા જાળવી શકે છે અને અન્ય વિષયને ટાળવા સક્ષમ બને છે, છતાં વિક્ષેપોનો તેમાં સર્વથા અભાવ નથી.
જ્યારે અન્ય વિષયોના પ્રત્યયનો સદંતર અભાવ સિદ્ધ થાય અને ધ્યેયવિષય પ્રત્યે પ્રત્યયની એકતાનતા સિદ્ધ થાય ત્યારે તે અવસ્થાને ધ્યાન કહે છે.
(૮) સમાધિ: ધ્યાનમાં સાધકની અન્યવિષયશૂન્યતા અને સ્વવિષય-એકાગ્રતા સિદ્ધ થાય છે. પરંતુ ધ્યાનાવસ્થામાં પણ સ્વકેન્દ્રી ચેતના (self-consciousness)નો અભાવ નથી. આ સ્વકેન્દ્રી ચેતના જ વિષય-વિષયી (subject-object)ના દ્વૈતનું કારણ છે. જ્યારે આ સ્વકેન્દ્રી ચેતના વિલીન થાય ત્યારે સાધકનો સમાધિમાં પ્રવેશ થાય છે. આ જ હકીકત ’ શબ્દથી સૂચિત કરવામાં આવે છે.
સમાધિ-અવસ્થા દરમિયાન ચિત્તવૃત્તિઓનો સર્વથા નિરોધ થાય છે અને સાધક પોતાના આત્મસ્વરૂપ સાથે એકાકાર બની જાય છે.
સમાધિમાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની ત્રિપુટી વિલીન થાય છે. સમાધિમાં બાહ્ય જગત સાથેનો સંપર્ક અને બાહ્ય જગતનું ભાન લુપ્ત થાય છે, પરંતુ આંતરિક જાગૃતિ પૂર્ણત: રહે છે, યથાર્થ સમાધિની આ કસોટી છે.
‘યોગસૂત્ર’માં ભગવાન પતંજલિએ સમાધિનાં અનેકવિધ સ્વરૂપોની સમજણ આપી છે.
સંપ્રજ્ઞાત સમાધિ – અસંપ્રજ્ઞાત સમાધિ – સબીજ સમાધિ – નિર્બીજ સમાધિ – ધર્મમેઘ સમાધિ – કૈવલ્ય – આવો સોપાનક્રમ છે. આ ક્રમને જ ઉચ્ચતર અંતરંગ યોગ કહે છે.
કૈવલ્ય યોગનું પરમ પ્રાપ્તવ્ય છે, જે સમાધિના દીર્ઘ અભ્યાસથી સિદ્ધ થાય છે.
૬. ઉપસંહાર: યોગનો અભ્યાસ ત્રણ દૃષ્ટિકોણથી થઈ શકે છે.
(૧) આધ્યાત્મિક દૃષ્ટિકોણ: આ દૃષ્ટિકોણ યોગાભ્યાસનો પ્રધાન, કેન્દ્રસ્થ અને મૂળભૂત દૃષ્ટિકોણ છે. આ દૃષ્ટિકોણ પ્રમાણે કૈવલ્યપ્રાપ્તિ જ યોગાભ્યાસનો હેતુ છે.
(૨) માનસિક દૃષ્ટિકોણ: આ દૃષ્ટિકોણના ત્રણ સ્વરૂપો છે.
(શ) મનના સામર્થ્ય અને કાર્યક્ષમતાના વિકાસ માટે.
(શશ) મનના સ્વાસ્થ્યની જાળવણી માટે.
(શશશ) માનસિક રોગોની ચિકિત્સા માટે.
(૩) શારીરિક દૃષ્ટિકોણ: આ દૃષ્ટિકોણના ત્રણ સ્વરૂપો છે.
(શ) શરીરના સામર્થ્ય અને કાર્યક્ષમતાના વિકાસ માટે.
(શશ) શરીરના સ્વાસ્થ્યની જાળવણી માટે.
(શશશ) શારીરિક રોગોની ચિકિત્સા માટે.
આપણે યોગના બે અર્થો જોયા છે.
(૧) વ્યાપક અર્થમાં યોગ એટલે પરમ સત્યની પ્રાપ્તિનો પથ. આ અર્થમાં કોઈ પણ અધ્યાત્મપથ યોગ જ ગણાય.
(૨) પરંપરાગત અને વ્યવહારગત અર્થમાં યોગ એટલે હઠયોગ, રાજયોગ અને તેમના સમન્વયમાંથી નિષ્પન્ન થયો સાધનપથ.
હવે પછીની આપણી વિચારણામાં આપણે બે મુદ્દાઓ દૃષ્ટિ સમક્ષ રાખવાના છે.
(૧) આપણે આ ગ્રંથમાં એ શોધવાનો અને નિર્ધારિત કરવાનો પ્રયત્ન કરીશું કે યૌગિક સાધનનો ઉપયોગ મનના સ્વાસ્થ્યની જાળવણી માટે અને મનના રોગોની સારવાર માટે કેવી રીતે કરી શકાય?
(૨) આપણે અહીં યોગના દ્વિતીય અર્થનો સ્વીકાર કરીએ છીએ. અર્થાત્ યોગ એટલે હઠયોગ, રાજયોગ અને તેમના સમન્વયમાંથી નિષ્પન્ન થતી સાધનપદ્ધતિ.
આ નિષ્કર્ષને આપણે ટૂંકમાં આ રીતે મૂકશું, જે હવે પછીની વિચારણા દરમિયાન આપણો પ્રધાન માર્ગદર્શક સિદ્ધાંત છે:
“યૌગિક સાધનાનો ઉપયોગ મન:સ્વાસ્થ્ય અને માનસચિકિત્સા માટે કેવી રીતે કરવો, તે શોધી કાઢવાનો આપણો હેતુ છે.