તંદુરસ્તી-મનદુરસ્તી-ભાણદેવ
સ્મૃતિ એટલે જાગૃતિ સમ્યક્ સ્મૃતિ દ્વારા જ સમ્યક્ સમાધિકમાં પ્રવેશ થાય છે.
વિપશ્યના ધ્યાનપદ્ધતિ
સમ્યક્ સ્મૃતિની અર્થાત્ સમ્યગ્ જાગરણની જ એક વિશિષ્ટ સ્વરૂપે વિકસિત સાધના છે.
વિપશ્યના ધ્યાનપદ્ધતિનાં ચાર સોપાન છે.
(૧) કાયાનુપશ્યના :
કાયાનુપશ્યના એટલે શરીર પ્રત્યે જાગૃતિ. આ તબક્કા દરમિયાન સાધક પોતાના શરીરની અવસ્થા અને ક્રિયાઓ પ્રત્યે જાગ્રત રહેવાનો અભ્યાસ કરે છે.
શારીરિક ક્રિતાઓમાં શ્વાસોશ્વાસની ક્રિયા સૌથી વધુ મત્ત્વપૂર્ણ અને કેન્દ્રસ્થ ક્રિયા છે. તેથી શ્વાસોશ્વાસની ક્રિયા પ્રત્યે જાગ્રત રહેવાની સાધના કાયાનુપશ્યનાનું સર્વશ્રેષ્ઠ સ્વરૂપ છે. શ્વાસોશ્વાસની ક્રિયા પ્રત્યે જાગ્રત રહેવાની ધ્યાનપદ્ધતિને શ્વાસાનુપશ્યના કે પ્રાણાનુપશ્યના કહે છે. તેને જ બૌદ્ધધર્મની શાસ્ત્રીય પરંપરા પ્રમાણે અનાપાન સતિ કહે છે. અનાપાન સતિ એટલે શ્વાસોશ્વાસની ક્રિયા પ્રત્યે જાગ્રત રહેવાની સાધના.
પ્રથમ દષ્ટિએ સાદી અને સરૄ લાગતી આ અનાપાન સતિ ઘણી પ્રબળ સાધના છે અને ગંભીરતાથી આચરવામાં આવે તો વિપશ્યનામાં પ્રવેશ કરવાનું સમર્થ અને ક્રાંતિકારી સાધન બની શકે તેમ છે.
(૨) વેદનાનુપશ્યના:
વેદના એટલે સંવેદના.
શરીરમાં અનુભવાતી સુખદ, દુ:ખદ અને તટસ્થ સંવેદનાઓ પ્રત્યે પ્રતિક્રિયારહિત સમ્યગ્ જાગૃતિ રાખવી તે વેદનાનુપશ્યના છે.
સાધક પ્રારંથમાં સૂઇને અને પછી ગમે તે અવસ્થામાં અનુલોમ-પ્રતિલોમ- પદ્ધતિથી અર્થાત્ મસ્તકથી પગના અંગૂઠા સુધી અને પગના અંગૂઠાથી મસ્તક સુધી ધ્યાન ફેરવતો રહે છે અને તે દરમિયાન શરીરના કોઇ પણ ભાગમાં અનુભવાતી સંવેદના પ્રત્યે સમ્યગ્ જાગૃતિ રાખે છે.
સંવેદનાઓના તટસ્થ નિરીક્ષણ અર્થાત્ સંવેદનાઓ પ્રત્યેની સમ્યગ્ જાગૃતિ દ્વારા સાધકની જાગૃતિની કક્ષા ઊંચી આવે છે. જાગૃતિના વિકાસથી બેભાનાવસ્થાને કારણે વધેલા અને વિકસેલા રાગ-દ્ધેષાદિ ઓછા થવા માંડે છે.
(૩) ચિત્તાનુપશ્યના:
ચિત્તની અવસ્થા, ચિત્તની પ્રક્રિયાઓ, ચિત્તના રાગ-દ્વેષ, ચિત્તના આવેગો, ચિત્તનાં સુખ-દુ:ખ આદિ પ્રત્યે તટસ્થાભાવે જાગૃત રહેવાની સાધનાને ચિત્તાનુપશ્યના કહે છે.
પ્રથમ બે સોપનાનના પ્રમાણમાં ચિત્તાનુપશ્યના વધુ સૂક્ષ્મ છે. પ્રથમ બે સોપાનના અભ્યાસ દ્વારા જેવું સમ્યગ્ જાગરણ વિકસ્યું છે તેનો જ આ ચિત્તાનુપશ્યનામાં પ્રવેશ થઇ શકે છે.
જે સાધક ચિત્તાનુપશ્યનાની કળા હસ્તગત કરી લે છે તેના જીવનમાં યથાર્થ ક્રાંતિની પ્રારંભ થાય છે. સમ્યગ્ દર્શનના અભાવમાં જ ચિત્તની અને પરિણામે જીવનની અનેકવિધ સમસ્યાઓ ઉદ્ભવે છે અને વિકસે છે. રાગ-દ્વેશ, સુખ-દુ:ખ અને તજ્જજન્ય વિટંબણાઓ બેભાનાવસ્થાનાં સંતાનો છે અને સમ્યગ્ જાગરણથી તેમનું વિસર્જન થાય છે.
આ સાધનમાં સાધક તટસ્થ રીતે પોતાના ચિત્તની પ્રક્રિયાઓનું નિરીક્ષણ કરે છે. પ્રતિક્રિયા વિના માત્ર જોયા કરે છે. આ સાધનામાં દર્શન પ્રધાન છે. ક્રિયા નહીં.
(૪) ધર્માનુપશ્યના :
ધર્મ એટલે જે છે તે. ધર્મ એટલે આર્ય સત્ય. ધર્મ એટલે ઋત.
ચિત્તાનુપશ્યના દ્વારા પરિપક્વ થયેલા સાધકનો ધર્માનુપશ્યનામાં પ્રવેશ થાય છે. ધર્માનુપશ્યના ચિત્તાનુપશ્યાનાનું પરિણામ છે. સાધકની ચેતનામાં જીવનનું યથાર્થ સત્ય પ્રગટે છે. સાધક જે છે તે સનાતન સત્યનું દર્શન કરે છે. સાધકના પરિશુદ્ધ અને જાગ્રત ચિત્તમાં જીવનનો ધર્મ- જીવનનું સત્ય પ્રગટે છે તે છે ધર્માનુપશ્યના.
વિષશ્યનાના સમ્યગ્ અને પર્યાપ્ત અભ્યાસથી સાધકનો સમ્યક્ સમાધિમાં પ્રવેશ થાય છે અને સમ્યગ્ સમાધિ દ્વારા નિર્વાણમાં દ્વાર અનાવૃત થાય છે.
(૨) સુરતશબ્દયોગ (સોહમ્ સાધના):
સુરતશબ્દયોગ નિર્ગૃણ સંતપરંપરાની સાધના છે.
સુરત એટલે સુરતા અર્થાત્ અવધાન-જાગૃતિ.
શબ્દ એટલે મંત્ર અવધાનપૂર્વક મંત્રજપ કરવાની આ સાધના છે. આ ધ્યાનપદ્ધતિમાં શ્ર્વાસેશ્ર્વાસે જપ કરવાનો હોય છે. આ સાધનપદ્ધતિમાંચાર તત્ત્વોનું સુભગ મિલન છે- શ્ર્વાસ, મંત્ર, અવધાન અને ચિંતન સુરતશબ્દયોગ ધ્યાનપદ્ધતિને તબક્કાવાર નીચેની રીતે મૂકી શકાય.
(૧) પ્રથમ તબક્કામાં સાધક શ્ર્વાસો ચ્છજ્ઞવાસ પ્રત્યે જાગ્રત રહેવાનો અભ્યાસ કરે છે.
આ તબક્કો અનાપાન સતિને મળતો આવે છે.
(૨) દ્વિતીય તબક્કામાં શ્વાસોશ્વાસ સાથે મંત્રજપ (શબ્દ) જોડી દેવામાં આવે છે ભિન્નભિન્ન પરંપરામાં ભિન્નભિન્ન મંત્રો છે, પરંતુ સામાન્ય રીતે ‘સોહમ્’ મંત્રનો વિનિયોગ થાય છે. શ્ર્વાસ સાથે અર્થાત્ શ્ર્વાસ અંદર લેતી વખતે ‘સો (સ:)’ અક્ષરનું મનોમય ઉચચારણ (જપ) થાય છે. ઉચ્છ્વાસ અર્થાત્ શ્ર્વાસ બહાર કાઢતી વખતે ‘હમ્ (અહમ્)’ અક્ષરનું મનોમય ઉચ્ચારણ (જપ) થાય છે. આ રીતે પ્રત્યેક શ્વાસોશ્વાસ સાથે ‘સોહમ્’ -મંત્રનો માનસજપ કરવામાં આવે છે. સુક્ષ્મ દષ્ટિથી નિરીક્ષણ કરીએ તો, ‘સોહમ્’-મંત્રનો જપ આપણા શ્વાસોશ્વાસ સાથે સ્વાભાવિક રીતે જ ચાલતો હોય છે તેમ જોઇ શકાય છે. ‘સોહમ્’નું સુક્ષ્મ ઉચ્ચારણ પ્રાકૃતિક રીતે જ શ્ર્વાસેશ્ર્વાસે ચાલુ જ હોય છે. આપણે માત્ર તે ઉચ્ચારણ પ્રત્યે જાગ્રત થવાનું છે.
આ રીતે શ્ર્વાસેશ્ર્વાસે ‘સોડહમ્’-મંત્રના જાગૃતિપૂર્વક જપ થાય, તે સુરતશબ્દયોગની ધ્યાનપદ્ધતિ છે. આ જપને જ અજપાજય પણ કહેવામાં આવે છે.
(૩) દ્વિતીય તબક્કાની સાધના સારી રેતે હસ્તગત કર્યા પછી તૃતીય તબક્કામાં ‘સોહમ્’ -મંત્રના અર્થનું ચિંતન જોડી દેવામાં આવે છે. ‘સોહમ્’-મંત્રમાં બે પદ છે: ‘સ:’ અને ‘અહમ્’. ‘સ:’ એટલે ‘તે’ અર્થાત્ બ્રહ્મ (પરમાત્મા) અને ‘અહમ્’ એટલે ‘હું’. આ રીતે ‘સોહમ્’ એટલે ‘હું બ્રહ્મ છું.’ ‘સોહમ્’ ઉપનિષદ (છાં. ઉ. : ૪-૧૧થી ૧૩)નો મંત્ર છે. ઉપનિષદમાં મૂળ પાઠ ‘સોહમસ્મિ’ છે. મંત્રજપ માટે ‘અસ્મિ’ પદ છોડી દેવાયું છે, પરંતુ તે અધ્યાહાર છે તેમ માની લેવાનું છે. આ રીતે ‘સોહમ્’/ મંત્રનો અર્થ છે- ‘હું તે (બ્રહ્મ) છું.’ આ રીતે આ જ્ઞાનમાર્ગીય અર્થત્ અદ્વૈૈતપરક મંત્ર છે. મંત્રજપ સાથે જીવ-બ્રહ્મની એકતાનું ચિંતન પણ ચાલવું જોઇએ. આમ બને ત્યારે સુરતશબ્દયોગ ધ્યાનપદ્ધતિ સિદ્ધ થઇ ગણાય.
આ સાધનામાં શ્ર્વાસ, મંત્રજપ, અવધાન અને અદ્વતચિંતનનો સમન્વય થયો છે તેથી આ ઘણી સમર્થ સાધનાપદ્ધતિ છે. પ્રથમ દષ્ટિએ નાની અને સીધીસાદી લાગતી આ સાધનાનું તેજ થયું છે.
એક નાના અંગારામાંથી પ્રચંડ અગ્નિ ઉત્પન્ન થાય છે. ‘સોડહમ્’- સાધના એક નાનો અંગારો છે, પરંતુ જીવનમાં આમૂલાગ્ર ક્રાંતિ પ્રગટાવે તેવી તેનામાં ક્ષમતા છે.
(૩) કુંડલિની-ધ્યાન (ક્રિયાયોગ):
સુષુપ્ત અવસ્થાનાં કુંડલિનીશક્તિ મૂલાધારચક્રમાં અવસ્થિત હોય છે. તે શક્તિ જાગ્રત થઇને સહસ્ત્રારચક્રમાં પહોંંચે છે. કુંડલિની જાગ્રત થઇને સહસ્ત્રારમાં પહોંચે તો સાધકના જીવનમાં પરમ આધ્યાત્મિક ક્રાતિ ઘટે છે. તેથી કુંડલિનીનું જાગરણ, ઉત્થાન અને તેનું અહઅસ્ત્રાર સુધી પહોંચવું તે સાધક માટે અભીષ્ટ ગણાય છે. કુંડલિનીના જાગરણ માટે અનેકવિધ પદ્ધતિઓ શોધાઇ છે. કુંડલિની-ધ્યાન એવી જ એક પદ્ધતિ છે. કુંડલિની-ધ્યાનની પદ્ધતિ નીચે પ્રમાણે છે:
(૧) સાધક કોઇ એક ધ્યાનોપયોગી આસનમાં બેસે છે. યોગ્ય વિધિથી ધીમેધીમે પૂરક કરે છે. પૂરક દરમિયાન એવું ચિંતન કરે છે કે પૂરક ક્રિયાની સાથેસાથે કુંડલિનીશક્તિ મૂલાધારમાંથી જાગ્રત થઇને સહસ્ત્રામાં પહોંચે છે.
(૨) પૂરકાન્તે સાધક યથાશક્તિ, યથાવિધિ કુંભક કરે છે. કુંભક દરમિયાન સાધક એવું ચિંતન કરે છે કે કુંડલિની સહસ્ત્રારમાં જ રહે છે. એટલે કે કુંભક દરમિયાન જેટલો સમય વાયુનો નિરોધ થાય તેટલો સમય કુંડલિનીશક્તિ સહસ્ત્રારમાં જ અવસ્થિત રહે છે.
(૩) કુંભકાનો સાધક રેચક કરે છે. સાધક રેચક દરમિયાન એવું ચિંતન કરે છે કે સહસ્ત્રારમાં પહોંચીને કુંભક દરમિયાન ત્યાં અવસ્થિત રહેલી કુંડલિની રેચક-ક્રિયા સાથે, રેચકની ગતિથી ધીમેધીમે નીચે ઊતરી રહી છે અને રેચક પૂરો થાય ત્યાં સુધીમાં તે શક્તિ મૂલાધારમાં પહોંચી જાય છે.
આ રીતે પ્રાણાયામના પ્રત્યેક આવર્તન દરમિયાન કુંડલિનીશક્તિ મૂલાધારમાંથી ઉત્થિત થઇને સહસ્ત્રાર સુધી પહોંચે છે અને ત્યાં થોડો વધત અવસ્થિત રહીને પુન: મૂલાધારમાં નીચે ઊતરે છે.
આ જ પદ્ધતિથી પ્રાણાયામના અનેક આવર્તનો કરવામાં આવે છે અને પ્રત્યેક આવર્તન દરમિયાન કુંડલિનીનાં આરોહ, અવસ્થાન અને અવરોહનું ચિંતન કરવામાં આવે છે.
નોંધ: જેઓ પ્રાણાયામ યથાવિધિ શીખ્યા છે અને જેમણે પ્રાણાયામનો પર્યાપ્ત અભ્યાસ કર્યો છે, તેઓ જ આ કુંડલિની-ધ્યાનનું અનુષ્ઠાન કરી શકે છે.
(૪) આત્મસ્મતિ (જયહર-યિળયળબયશિક્ષલ):
જીવનની પ્રત્યેક ક્રિયા દરમિયાન-પ્રત્યેક અવસ્થા દરમિયાન પોતાની જાતને યાદ રાખવી, પોતાની જાતને વિસ્મૃત ન થવા દેવી તે આત્મસ્મૃતિ ધ્યાનપદ્ધતિનો આ પ્રધાન સિદ્ધાંત છે.
સામાન્ય રીતે આપણે બેભાન-અવસ્થામાં જીવતા હોઇએ છીએ. આપણે આપણા જીવનની અનેકવિધ ક્રિયાઓ અને અવસ્થાઓ દરમિયાન આત્મવિસ્મૃત હોઇએ છીએ, અર્થાત્ આપણે જાત વિશે જાગ્રત હોતા નથી.
પોતાની જાતનું વિસ્મરણ તે જ આપણી સમસ્યાઓનું મૂળ છે. આ આત્મવિસ્મૃતિને કારણે જ આપણે યંત્રવત્ એ બેભાનાવસ્થામાં જીવીએ છીએ.
આ પદ્ધતિના સિદ્ધાંત પ્રમાણે તાદાત્મ્ય તે જ આપણી સર્વ ભૂલો, અપરાધો અને પાપોનું મૂળ છે. આપણે જેના-જેના સંપર્કમાં આવીએ તે વ્યક્તિ, પરિસ્થિતિ, સમૂહ, ક્રિયા કે વસ્તુ સાથે આપણે તલ્લીનતા અનુભવીએ છીએ.
આ તલ્લીનતા તે જ તાદાત્મ્ય છે. આપણી સમસ્યાઓનું મૂળ આ તાદાત્મ્ય છે. આપણા આ અંધ તાદાત્મ્યના પાયામાં આપણી આત્મવિસ્મૃતિ છે.
પોતાની જાતનું સ્મરણ રાખવાથી સાધકની ચેતના એક નવા પરિમાણમાં પ્રવેશે છે. તેનાં કર્મો અને તેના સંબંધો તથા વ્યવહારનું સ્વરૂપ પણ બદલવા માંડે છે. સતત બહારની દિશામાં વહેતી આપણી ચેતના આત્મસ્મૃતિના ક્રીમિયા દ્વારા અંદરની દિશામાં વહેવા માંડે છે.
આ પદ્ધતિમાં આત્મસસ્મૃતિ જ પ્રારંભ છે. આત્મસ્મૃતિ જ સાધના છે અને આત્મસ્મૃતિ જ ફલશ્રુતિ છે. આત્મસ્મૃતિની અનવરતતા અને ગહનતા વધતી જાય છે તે જ વિકાસ છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને