તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

બધા જ પ્રકારના માનસિક રોગીઓને યૌગિક પરામર્શ આપી શકાય તેમ નથી

યોગ મટાડે મનના રોગ

તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
(૧) યૌગિક પરામર્શક તે જ બની શકે જે પોતે યોગવિદ્યાના સારા જાણકાર હોય જેને તરતાં જ ન આવડે તે તરણવિદ્યાના શિક્ષક ન જ બની શકે.

(૨) યૌગિક પરામર્શક માત્ર યોગવિદ્યાના જાણકાર હોય તેટલું પર્યાપ્ત નથી. પરામર્શક પોતે યોગાભ્યાસી હોજ તે આવશ્યક છે. યોગના વિદ્વાન જ્યારે યોગાભ્યાસી બને ત્યારે જ અભ્યાસી સમક્ષ યોગવિદ્યાનાં રહસ્યો પ્રગટ થાય છે. આવા યોગવિદ્યાના વિદ્વાન અને યોગાભ્યાસી યૌગિક પરામર્શક બને.

(૩) યોગવિદ્યાનું જ્ઞાન યોગનો અભ્યાસ- આ બંને ઉપરાંત પરામર્શક માટે એક ત્રીજું તત્ત્વ પણ જોઇએ અને તે છે- દષ્ટિ (insight)ં પરામર્શક પાસે પરામર્શની એક વિશિષ્ટ દષ્ટિ જોઇએ. આવા દષ્ટિમંત પરામર્શક જ અસ્વસ્થ માનવીને સ્વસ્થતા પ્રત્યે દોરી શકે છે. આવા દષ્ટિમંત પરામર્શક ચિત્તની ગૂંચને સમજી શકે છે, સમજાવી શકે છે અને ઉકેલી શકે છે.

(૪) આધુનિક પરામર્શવિદ્યામાં પણ કેટલાંક મૂલ્યવાન તત્ત્વો છે. યૌગિક પરામર્શક આધુનિક પરામર્શવિદ્યાનાં આ મૂલ્યવાન તત્ત્વો સમજે અને યૌગિક પરામર્શમાં તેમનો વિનિયોગ કરે તે ઇચ્છનીય છે. તેમ કરવાથી યૌગિક પરામર્શવિદ્યા વધુ સમૃદ્ધ બનશે.

૪. યૌગિક પરામર્શ કોને આપી શકાય?

માનસિક રોગોનાં અનેક સ્વરૂપો છે. બધા જ પ્રકારના માનસિક રોગીઓને યૌગિક પરામર્શ આપી શકાય તેમ નથી. આપણે હવે સમજીએ કે યૌમિક પરામર્શને પાત્ર કોણ છે?

(૧) તીવ્ર મનોવિકૂતિ (Psychosis)ના દર્દીઓને યૌગિક પરામર્શની પદ્ધતિથી સારવાર આપી શકાય તેમ નથી, કારણકે તીવ્ર મનોવિકૃતિ ગંભીર મનોવિકૃતિ ગંભીર મનોવિકૃતિ છે. આ પ્રકારની વિકૃતિમાં વ્યક્તિત્વનું વિઘટન થાય છે. આ વિકૃતિથી પીડાતાં દર્દીને પોતાના માનસિક રોગની સમજ હોતી નથી. આવા દર્દીઓને વાસ્તવિકતા સાથેના બધા જ સંપર્કો ગુમાવી દીધા હોય છે. તેઓ ગંથીર પ્રકારના વિભ્રમો અને મતિભ્રણોથી પીડાતા હોય છે. આ પ્રકારના દર્દીઓની વાસ્તવિક જગત સાથેનો સંપર્ક લગભગ સર્વથા લુપ્ત થઇ ગયો હોય છે.

આમ, તીવ્ર મનોવિકૃતિઓનો ભોગ બનેલાં દર્દીઓ યૌગિક પરામર્શ માટે યોગ્ય નથી તેમ સમજવું જોઇએ.

વિચ્છિન્ન ચિત્તવિકાર (Schizophrenia), બુદ્ધિવિમુખતાનો રોગ (Paranoia), ઉન્મત્ત ખિન્ન મનોવિકૃતિ (Manic Dpressive Paychoasis આદિ મનોવિકૃતિઓ તીવ્ર મનોવિકૃતિઓ ગણાય છે.

(૨) સૌમ્ય મનોવિકૃતિ (Neurosis)ના દર્દીઓેને મહદંશે યૌગિક પરામર્શની પદ્ધતિથી ચિકિત્સા આપી શકાય છે.
દરેક વ્યક્તિ થોડેઘણે અંશે માનસિક વિટંબણાઓ અનુભવે જ છે. જ્યારે આ વિટંબણાઓ અતિરેકભર્યું સ્વરૂપ ધારણ કરે ત્યારે તે સૌમ્ય મનોવિકૃતિઓ કહેવાય છે.

સૌમ્ય મનોવિકૃતિઓમાં સામાન્યત: આટલી વિકૃતિઓનો સમાવેશ થાય છે:
(i) વિકૃત ચિંતા (Anxiety)
(ii) વિકૃત ભીતિ (Phobia)
(iii) મનોદબાણ અને કૂતિદબાણ (Obsession and Compulsion)
(iv) વિષાદ (Depression)
(v) હિસ્ટીરિયા (Hysteria)


આ ઉપરાંત સૌમ્ય મનોવિકૃતિઓનાં અન્ય સ્વરૂપો પણ છે.
સૌમ્યમનોવિકૃતિઓના દર્દીઓ વાસ્તવિક જગત સાથેનો સંબંધ ગુમાવી દેતાં નથી. વળી તેઓ પોતાની બીમારી વિશે કાંઇક અંશે સભાન પણ હોય છે, તેથી જ તેઓ મહદંશે યૌગિક પરામર્શને પાત્ર બની શકે છે.

(૩) યૌગિક પરામર્શક અને દર્દી વચ્ચે હ્રદયગત સંબંધ સ્થાપિત થાય તે આવશ્યક છે. વળી દર્દીના મનમાં યૌગિક પરમાર્શપદ્ધતિ અને પરામર્શક પ્રત્યે શ્રદ્ધાનો ભાવ હોય તે આવશ્યક છે. તો જ આ પદ્ધતિ કારગત નીવડે છે. અન્યથા પરામર્શ ઉપરઉપરથી છરકી જાય છે. આને દર્દીની ‘અભિમુખતા’ કહેવામાં આવે છે. દર્દી અભિમુખ હોય તો ઘણું કામ થઇ શકે છે. પરંતુ દર્દી અભિમુખ ન હોય તો કશું ન થઇ શકે.

વિમુખ દર્દીને અભિમુખ બનાવી શકાય કે નહીં? હા, તે શક્ય છે. ડાહ્યો પરામર્શક સમજ અને સ્નેહના બળથી વિમુખ દર્દીને અભિમુખ બનાવી શકે છે અને પછી કામ સરળ છે.

૫. સમાપન:
યૌગિક પરામર્શ કોઇ વિકસિત નથી. યોગ મૂલત: અધ્યાત્મવિદ્યા છે. એ સાચું છે કે યોગ દ્વારા શારીરિક અને માનસિક વિકૃતિઓની ચિકિત્સા થઇ શકે તેમ છે, યોગમાં તેવી ક્ષમતા છે, પરંતુ આમ કરવા માટે ઘણાં સંશોધન, ઘણા પ્રયોગ,
ઘણા અભ્યાસ અને ઘણી વિચારણાની આવશ્યકતા છે.

સમગ્ર યૌગિક માનસચિકિત્સાની જેમ યૌગિક પરામર્શ પણ પા-પાપગલી કરતું બાળક છે. યૌગિક પરામર્શમાં વિકાસની ઘણી ક્ષમતા છે, પરંતુ આ વિષયમાં ઘણું ઓછું કામ થયું છે અને ઘણું કામ બાકી છે.

યૌગિક પરામર્શ દ્વારા માનસિક વિકૃતિઓની ચિકિત્સા કરતી વખતે આ વાતને ખ્યાલમાં રાખવી જોઇએ કે યૌગિક પરામર્શને એક સ્વતંત્ર ચિકિત્સા તરીકે ગણવાને બદલે તેની સાથે અન્ય યૌગિક સાધનો/યોગાસન, પ્રાણાયામ, શોધનકર્મ, ધ્યાન, જપ, પ્રણવ આદિને પણ લેવામાં આવે તો યૌગિક ચિકિત્સા વધુ કારગત બનશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button