તરોતાઝા

નારી સુરક્ષાની વાતો વચ્ચે… આજે પણ પ્રસૂતિમાં ગૃહિણીઓ પ્રાણ ગુમાવે છે


ફોકસ પ્લસ -કવિતા યાજ્ઞિક

એક સમય હતો જ્યારે ભારતના અધિકાંશ ભાગમાં ઘરમાં થતી સુવાવડ, કસુવાવડ, હૉસ્પિટલનો અભાવ અને અન્ય કારણોસર પ્રસૂતિ મહિલાઓના મૃત્યુનું કારણ બનતી હતી. સમય જતાં દેશમાં ડૉક્ટરો સુધી પહોંચ વધી, હૉસ્પિટલો વધી, આધુનિક સુવિધાઓ વધી, સાક્ષરતાની સાથે પ્રસૂતિને લઈને જાગૃતિ પણ વધી તેમ છતાં, કમનસીબે આજે પણ પ્રસૂતિ દરમિયાન સ્ત્રી અને પ્રસૂતિ બાદ અનેક માતા પ્રાણ ગુમાવે છે. પ્રસૂતિ વખતે થતાં મહિલાઓનાં મૃત્યુને માપવા ખખછ અર્થાત્ માતૃ મૃત્યુ દર (મેટરનલ મોર્ટાલિટી રેટ) જોવામાં આવે છે, જેમાં પ્રતિ 1 લાખ પ્રસૂતિ દરમિયાન થતાં મૃત્યુની નોંધ લેવાય છે.

સામાન્યપણે આપણે એવું માનીએ છીએ કે શહેરમાં વધુ સારી સુવિધાઓ હોવાથી પરિસ્થિતિ બહેતર હશે, પરંતુ વાસ્તવિકતા વરવી છે. આપણાં મોટા ભાગનાં શહેરોની અડધા જેટલી વસતિ તો ઝૂંપડપટ્ટીમાં રહે છે. એમની પાસે રહેવાલાયક મકાન નથી હોતું. ગંદકીનું સામ્રાજ્ય હોય છે. એમની આવક પણ ઓછી હોય છે. પશ્ચિમ ભારતનાં શહેરોમાં અસ્થાયી વસાહતોમાં રહેતી મહિલાઓને આવી પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે, જ્યાં 49 ટકા સગર્ભા સ્ત્રીઓને ભલામણ કરી હોય એવી જરૂરી આરોગ્ય સંભાળ સુવિધાઓ પણ મળતી નથી. એમના ખોરાકમાં જરૂરી પોષક તત્ત્વોનો અભાવ પણ સમસ્યામાં વધારો કરે છે.

ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા રૂપિયા એમના ખાતામાં મોકલાવી શકો, પરંતુ એમની ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ વખતે જરૂરી સુવિધા કેટલી સુલભ છે તેના ઉપર કોઈનું ધ્યાન હોતું નથી. 2021માં પ્રગટ થયેલા એક અહેવાલ અનુસાર ભારતમાં લગભગ 26.66 % ગર્ભવતી મહિલાઓમાં લોહતત્ત્વોની ખામી જોવા મળે છે, જેના કારણે પ્રસૂતિ પછીના રક્તસ્ત્રાવનું જોખમ 11% જેટલું ઊંચું હોય છે. પરિણામે હજારો માતાઓના જીવ જાય છે. આ જોખમ શહેરોના ગરીબ વિસ્તારમાં પણ એટલું જ ઊંચું છે.

હા, એ પણ નોંધવું જરૂરી છે કે વર્ષ 2000 થી 2020ની વચ્ચે માતૃ મૃત્યુ દરમાં સારો એવો ઘટાડો પણ નોંધાયો છે. છેવાડાના ગામડાઓમાં જ્યાં તબીબી સુવિધાઓ તો ઠીક, પ્રસવ પીડા ઊપડે તો મહિલાને હૉસ્પિટલ પહોંચાડવા વાહન પણ ઉપલબ્ધ નથી હોતાં. કેટલેક ઠેકાણે તો રસ્તા ન હોય. નદીઓ પર દોરડાથી બાંધેલા પુલ હોય…અહીં સગર્ભાને યોગ્ય મદદ અને સારવાર મળવાની શક્યતાઓ અત્યંત ક્ષીણ હોય છે. સમગ્રપણે જોઈએ તો આજે પણ કયાં કયાં કારણોસર પ્રસૂતા કે તાજી માતાનાં મૃત્યુ થાય છે?

હેમરેજ: બાળજન્મ દરમિયાન અથવા પોસ્ટપાર્ટમ સમયગાળા દરમિયાન અતિશય રક્તસ્રાવ એ માતાના મૃત્યુનું મુખ્ય કારણ છે. તે પ્લેસેન્ટા પ્રિવિયા, પ્લેસેન્ટલ એબ્રેશન અથવા ગર્ભાશયની અટોની જેવી ગૂંચવણોમાંથી પરિણમી શકે છે.

ચેપ: ભારત જેવા દેશમાં, જ્યાં તબીબી સેવાઓ દુર્લભ છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, નબળી સ્વચ્છતા, અપૂરતી પ્રિનેટલ કેર અને અશુદ્ધ પ્રસૂતિ પ્રથાઓ સીધું કારણ બની શકે છે. જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે મહિલાને ચેપ લાગવાની શક્યતા વધુ હોય છે. સગર્ભાવસ્થા અને પોસ્ટપાર્ટમ સમયગાળા દરમિયાન ચેપ ફેલાઈ શકે છે અને માતાને મૃત્યુ તરફ દોરી જાય છે.

અન્ય સ્વાસ્થ્ય સમસ્યા… જો કોઈ સ્ત્રી પહેલેથી જ એનિમિયા, કુપોષણ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અથવા ગર્ભાવસ્થાના કોઈ પણ હાયપરટેન્સિવ ડિસઓર્ડર જેવી કોઈ પણ પૂર્વ-અસ્તિત્વમાં રહેલી બીમારીથી પીડિત હોય તો ઘણીવાર ગર્ભાવસ્થા અને બાળજન્મ વખતે જોખમ વધી જાય છે. મોટી વયે માતૃત્વ વધતી ઉંમર સાથે ગર્ભાવસ્થામાં જોખમ વધી શકે છે. 35 વર્ષથી વધુ ઉંમરની અસંખ્ય સ્ત્રીઓ તંદુરસ્ત ગર્ભાવસ્થા ધરાવે છે, જ્યારે પ્રસૂતિશાસ્ત્રમાં, આવી ગર્ભાવસ્થાને આગળની માતૃત્વ વય તરીકે ઓળખવામાં આવે છે.

સાંસ્કૃતિક-સામાજિક કારણ આજે પણ, સાંસ્કૃતિક પ્રથાઓ, પરંપરાગત માન્યતાઓ અને સામાજિક ધોરણો માતાની સંભાળને પ્રભાવિત કરી શકે છે. કૌટુંબિક દબાણ અને સંસાધનોનો અભાવ પણ સ્ત્રીને તબીબી સહાય મેળવવાથી રોકી શકે છે. ગરીબી અને શિક્ષણ અને જાગરૂકતાનો અભાવ યોગ્ય આરોગ્ય સંભાળની પહોંચને વધુ અવરોધે છે અને માતા મૃત્યુદરમાં ફાળો આપે છે. આ તો માત્ર પ્રસૂતિ વેળાની સમસ્યાઓ છે. તે ઉપરાંત તો કંઈ કેટલીય મુશ્કેલીઓ સામે સ્ત્રી ઝઝૂમે છે. ઘણીવાર માતાના પ્રાણ બચી જાય તો સંતાન ખોવાનો વારો આવે છે. સરકારે વર્ષ 2030 સુધીમાં માતૃ મૃત્યુ દર 70 ટકા જેટલો નીચે લાવવાનું લક્ષ્ય રાખ્યું છે. તે માટે દેશને ખૂણે ખૂણે તબીબી સુવિધાઓ અને જાગૃતિ પહોંચાડવાનું કામ હિમાલય જેવડું મોટું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button