તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસઃ શિયાળો લાવ્યો વાયરલ બીમારીઓ…

-રાજેશ યાજ્ઞિક

સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. તાપમાન ધીમે ધીમે ઘટી રહ્યું છે અને હવામાં ઠંડકનો ચમકારો વતાર્ય છે. આ ઋતુ મુસાફરી અને ખાવા-પીવા માટે સારી માનવામાં આવે છે.

જોકે, આ સિઝનમાં સ્વસ્થ રહેવું પણ પડકારજનક બની જાય છે. લોકો પર વાયરસ અને બેક્ટેરિયાનો હુમલો થવા લાગે છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે ઠંડું હવામાન ખૂબ કઠિન સાબિત થાય છે. એમને અનેક શારીરિક સમસ્યાઓ ઘેરી વળે છે.

નિષ્ણાતો કહે છે કે જ્યારે હવામાનમાં ફેરફાર થાય ત્યારે વાયરલ અને બેક્ટેરિયલ ચેપ ફેલાવાનું જોખમ વધી જાય છે. શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે જોવા મળતાં અનેક દર્દ છે, જેમકે… શરદી-ખાંસી-ગળામાં ઈન્ફેક્શન-તાવ-અસ્થમા- ન્યુમોનિયા-સાંધાના દુખાવા-કાનમાં દર્દ-ચામડીમાં સમસ્યા ઇત્યાદિ…

વાસ્તવમાં, આ ઋતુમાં વાયરસ અને બેક્ટેરિયા ઝડપથી વધવા લાગે છે, જેનાથી લોકો સંક્રમિત થાય છે. તમામ ચેપ એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે, જેના કારણે દર્દીઓની સંખ્યા ઝડપથી વધે છે.

શિયાળાની ઋતુમાં રોગોથી બચવા માટે દરેક વ્યક્તિએ ફ્લૂની રસી લેવી જોઈએ. તેને ‘ફ્લૂ શોટ’ પણ કહેવામાં આવે છે. આને વર્ષમાં એક વાર લઈ શકાય છે. આ રસી લોકોની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને બદલાતી મોસમમાં ઈન્ફલ્યુએન્ઝા વાયરસના ફેલાવાને રોકવામાં મદદ કરે છે.

બાળકોને પણ ફ્લૂની રસી આપી શકાય છે. સામાન્ય રીતે, ફ્લૂ શોટ મોસમી ફ્લૂના જોખમને ૪૦થી ૬૦ ટકા ઘટાડી શકે છે. ફલૂની રસી મોટા ભાગના લોકો માટે સલામત માનવામાં આવે છે. જોકે, જો તમને કોઈ ગંભીર બીમારી હોય તો તમે પહેલાં ડૉક્ટરની સલાહ લઈ શકો છો.

શરદી-ઉધરસ: શિયાળમાં સૌથી પરેશાન કરતી સમસ્યા એટલે શરદી-ઉધરસ. શિયાળાનું શુષ્ક અને ઠંડું હવામાન રાઇનો વાયરસના ઉછેર માટે એકદમ અનુકૂળ વાતાવરણ પૂરું પડે છે. ૨૦૦થી વધુ પ્રકારના વાયરસ છે, જે સામાન્ય શરદીનું કારણ બની શકે છે, જેમાં રાઇનો વાયરસ શરદી-ઉધરસનો સૌથી સામાન્ય વાયરસ ગણાય છે, જે શિયાળમાં વિશેષ તકલીફ આપે છે. બધાનો અનુભવ છે કે એકવાર શરદી-ઉધરસ થાય એટલે ઓછામાં ઓછું ૪-૫ દિવસ તો હેરાન કરે જ છે.
શું ધ્યાન રાખશો?

વાયરલ બીમારીઓમાં વાયરસને ફેલાતો રોકવો એ સૌથી ચોક્કસ ઉપાય છે. વારંવાર હાથ ધોવા જોઈએ. શરદી-ઉધરસ થઈ હોય તેવા દર્દીઓના સંપર્કમાં ન અવાય તેની કાળજી રાખવી જોઈએ. જો પરિવારના કોઈ સભ્યને શરદી-ઉધરસ હોય તો એમણે બને તેટલું અન્ય સભ્યોથી અલગ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી બીજાને ચેપ ન લાગે. વીજાણુ સાધનોની સ્વિચ વગેરે પર જંતુનાશક દ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએ.

ન્યુમોનિયા: શિયાળામાં પરેશાન કરતી એક પ્રાણઘાતક બની શકે તેવી બીમારી એટલે ન્યુમોનિયા. આ બીમારીમાં વાયરલ અને બેક્ટેરિયલ ચેપ ફેફસાંની થેલીમાં ફેલાઈ જાય છે અને તરલ પદાર્થથી ભરાઈ જાય છે. ન્યુમોનિયામાં શ્ર્વાસ લેવાની સમસ્યા પણ સર્જાય છે. ન્યુમોનિયાનો ચેપ ઉધરસ, છીંક અથવા ચેપી વસ્તુઓના સંપર્કમાં આવવાથી, અથવા નાક-મોં ને સ્પર્શ કરવાથી પણ ફેલાય છે.

કેવી રીતે બચીશું?: શરદી ન થાય તેનું ધ્યાન રાખવું. ખાસ કરીને જેમને શરદીનો કોઠો હોય એમણે સાંભળવું જરૂરી છે. વેક્સિન લેવાથી રક્ષણ મળી શકે છે.ઓછામાં ઓછી ૩૦ મિનિટ સુધી શારીરિક પ્રવૃત્તિ કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે અને શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓથી બચી શકાશે.

શિયાળામાં ધ્યાનમાં રાખવા જેવી કેટલીક વાત

  • જ્યારે હવામાન ખૂબ ઠંડું હોય, ત્યારે વ્યક્તિએ શક્ય તેટલું ઓછું ઘરની બહાર નીકળવું જોઈએ
  • તાપમાન અનુસાર યોગ્ય ગરમ કપડાં પહેરવાં જોઈએ.
  • દરરોજ કસરત કરવી જોઈએ.
  • ગરમ પાણી પીવું હિતાવહ છે.
  • આ ઋતુમાં જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. ઘરમાં બનાવેલો તાજો ખોરાક જ ખાવો જોઈએ. તમારા આહારમાં વિટામિન-સીથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. નારંગી અને આમળા સહિતનાં ખાટાં ફળો દ્વારા રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. આ સિઝનમાં પુષ્કળ ફળો અને શાકભાજી ખાઓ. ડ્રાય ફ્રૂટ્સ ઓછી માત્રામાં નાસ્તા તરીકે લઈ શકાય છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે.

    આ બધા વચ્ચે, સ્વચ્છતાના ઉપાય હંમેશાં બીમારીથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button