તરોતાઝા

સફેદ ડાઘ જાણીતો છતાંય અજાણ્યો રોગ

સમજણ -અપરાજિતા

અત્યારે દુનિયાની વસતિ આઠ અબજ બસ્સો કરોડ છે. અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ અનુસાર દુનિયાની પૂરી વસતિના ૧ થી ૧.૫ ટકા લોકો હાલ સફેદ ડાઘ કે વિટિલિગો નામક બીમારીથી પીડિત છે, જેનાથી ખબર પડે છે કે આ કેટલી આમ બીમારી છે. જોકે, હેરાન કરનારી વાત એ છે કે આ બીમારી વિશે લોકોને તો ઘણી ઓછી સાચી જાણકારી છે, પણ તબીબી ક્ષેત્રે જોડાયેલા લોકોમાં પણ ઘણી અજ્ઞાનતા પ્રવર્તે છે. ભારત જ નહીં, પણ પૂરી દુનિયામાં અત્યારે પણ આ બીમારીને લઇ અનેક જાતની દંતકથાઓ કે ભ્રામક હકીકતો ફેલાઇ છે. જો તમે હૈદરાબાદમાં હોવ અને ઑટો રિક્સા પકડીને રેલવે સ્ટેશન જઇ રહ્યા હોવ તો દસમાંથી પાંચ વાર એવું થઇ શકે કે રિક્સા ડ્રાઇવર વાતચીતની શરૂઆત થયા બાદ થોડી જ વારમાં એક પેમ્ફલેટ અને વિઝિટિંગ કાર્ડ પકડાવીને એમ કહેશે કે તમારી ઓળખાણમાં કોઇને સફેદ ડાઘ સંબંધિત બીમારી હોય તો એન આ સરનામે લેતા આવજો અહીં એક વૈદજી છે જે આ બીમારીને ગેરંટીથી દૂર કરી દેશે.

આનાથી એટલી તો ખબર પડે છે કે આજનું મેડિકલ ક્ષેત્ર ભલે અણજાણ હોય પણ સામાન્ય લોકોમાં ન ફક્ત આ વિષય પર ચિંતા હોય છે, પરંતુ સામાજિક દબાણને વશ અનેક ગેરમાન્યતાઓ કે દંતકથાઓ પણ જોડાયેલી હોય છે જેમ કે, તમને ઘણા લોકો એવું કહેતા જોવા મળશે કે માછલી ખાધા પછી ફલાણાભાઇએ દૂધ પી લીધું હતું એટલે તેમને સફેદ ડાઘની બીમારી થઇ છે. ઘણી જગ્યાએ સફેદ ડાઘ દૂર કરવાના પ્રયાસરૂપે વિધવિવિધ ટોટકા અજમાવવામાં આવે છે, પણ હકીકત એ છે કે આ એક એવી બીમારી છે જેમાં શરીરની મેલેનિન બનાવતી કોશિકાઓ વિરુદ્ધ એન્ટિબોડિઝ તૈયાર થાય છે. મતલબ કે આપણી રોગપ્રતિકારક શક્તિ આ રંગ બનાવતી કોશિકાઓને જબરદસ્તીથી રોકવાનું કામ કરવા લાગે છે જેથી શરીરના કેટલાક ભાગોનો રંગ ચાલ્યો જાય છે.

કહેવાનું તાત્પર્ય એટલું જ કે શરીરમાં મેલેનિનની ઊણપ સર્જાય છે. શરીરના જે પણ અંગોમાં આ ઊણપ વર્તાય ત્યાં સફેદ ડાઘ પડી જાય છે. જો આપણે કોઇ પ્રખ્યાત વ્યક્તિની વાત કરીએ તો હાલના આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ પણ આ બીમારીથી પીડિત છે. ગયા વર્ષે મલયાલી અભિનેત્રી મમતા મોહનદાસે પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને બતાવ્યું હતું કે તેને સફેદ ડાઘ અર્થાત્ વિટિલિગોની બીમારી થઇ છે. આ બીમારી દુનિયાના દરેક ખૂણે અને દરેક જાતિ-પ્રજાતિમાં જોવા મળે છે. હા કાળા લોકોમાં એ વધુ પ્રમાણમાં જોવા મળે છે. કારણ કે આ બીમારીને લીધે જે ભાગ સીધા સૂર્યકિરણોના સંપર્કમાં આવે છે તેનું ડિ-પિગમેન્ટેશન થઇ જાય છે. આ ભાગોમાં સફેદ ચકતા દેખાવા લાગે છે. આ બીમારીથી વાળ પણ બાકાત નથી રહેતા. પૂરી રીતે સફેદ થઇ જાય છે. આંખની પાંપણ પણ શ્ર્વેત થઇ જવાથી પ્રભાવિત વ્યક્તિની મોટી મોટી આંખો જાણે મિંચાયેલી હોય તેવી લાગે છે.

આ એક ક્રોનિક અર્થાત્ લાંબો સમય ચાલનારી બીમારી છે. એક સમય પછી તો એે ઠીક ન થાય એવી સ્થિતિ બની જાય છે. વાસ્તવમાં ચામડીમાં મેલેનિન ખતમ થાય ત્યારે શરીરમાંથી મેલાનોસાઇટ્સ પણ ખતમ થાય છે અને આ જ એક એવું તત્ત્વ છે જે ન માત્ર ચામડીને રંગ આપે છે, પણ તેને સૂર્યકિરણોથી પણ બચાવે છે. આ બીમારી શરીરના કોઇ પણ ભાગમાં થઇ શકે છે, પરંતુ સામાન્યપણે શરીરના જે ભાગ સૂર્યકિરણોના સીધા સંપર્કમાં આવે છે જેમ કે ચહેરો, ગરદન, હાથ, માથું, વાળ કે પછી આંખો ત્યાં વધુ દેખાય છે. આ બીમારી ચેપી નથી. મતલબ કે તમે આ બીમારી ધરાવતી કોઇ વ્યક્તિ સાથે રહો છો. ઉઠો-બેસો છો. ખાઓ -પીઓ છો તો તમારે એ ચિંતા કરવાની જરૂર નથી કે તમને પણ ચેપ લાગશે.

આ બીમારી બે પ્રકારની હોય છે. પહેલા પ્રકારની બીમારી મોટેભાગે નાનાં બાળકોમાં દેખા દે છે અને શરીરના કોઇ એક હિસ્સામાં હોય છે. જેમ કે, એક પગ, એક તરફનો ચહેરો કે શરીરનો કોઇ પણ એક તરફનો ભાગ આ બીમારીથી પીડિત થાય છે. બીજા પ્રકારના સફેદ ડાઘની બીમારી એવી હોય છે જેમાં શરીરના કોઇ પણ ભાગમાં ડાઘ પડી જાય છે અને એ પોતાનો પેચ બનાવવા લાગે છે. આ બીમારી નૉન સિગમેન્ટલ વિટિલિગો તરીકે પણ ઓળખાય છે.

વિટિલિગો સોસાયટી મુજબ દુનિયામાં સાત કરોડથી વધુ લોકો આ બીમારીથી પીડિત છે. આમાંથી ૨૦ થી ૩૦ ટકા હિસ્સો વિટિલિગોથી પીડિત લોકોનાં બાળકોનો હોય છે. આનાથી એક વાત તો પ્રતીત થાય છે કે આ રોગ ભલે ચેપી ન હોય પણ આનુવાંશિક તો છે જ. મોટા ભાગના લોકોને આ બીમારી ૨૦ વર્ષની ઉંમરમાં જ દેખા દેવા લાગે છે. જોકે આ કોઇ પણ ઉંમરે થઇ શકે છે અને દેખાઇ પણ શકે છે. મેડિકલ સાયન્સે ઘણા પ્રયાસો કર્યા છતાંય અત્યાર સુધી એ શોધી નથી શક્યું કે આ બીમારી આખરે કયા કારણસર થાય છે? આથી આ બીમારીથી બચાવનાર સો ટકા ખાતરીદાયક ઉપાય કોઇ આપી શકતું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button