તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

નિવૃત્ત જીવનમાં ક્યાં કરવો વસવાટ?

ગૌરવ મશરૂવાળા

ઘરમાં જેને શાંતિ મળે એ સૌથી વધુ સુખી માણસ કહેવાય, પછી તે રાજા હોય કે રંક. દરેક વ્યક્તિ માટે એનું ઘર મહેલ સમાન જ હોય છે. એ આપણો ગઢ હોય છે.

નિવૃત્તિ પછી જે ઘરમાં રહેવાનું નક્કી થાય એ ઘર મનખાદેહ માટેનું છેલ્લું ઘર હોય એવી શકયતા વધારે હોય છે. પાછલાં વર્ષોમાં સુખી રહેવા માટે આપણે નિવૃત્તિ બાદના ઘરની પસંદગી સમજી વિચારીને કરવી જરૂરી છે. નિવૃત્ત વ્યક્તિ સંતાનો સાથે કે પૌત્રો સાથે રહેવાની હોય તો વાત જુદી છે, અન્યથા મેટ્રો શહેરમાં રહેવાનું વ્યવહારું નથી. આવતાં વર્ષોમાં મહાનગરોમાં રહેવાનો ખર્ચ ઘણો જ વધી જવાનો છે. આ શહેરોમાં જીવનની ગતિ પણ ઘણી જ ઝડપી હોય છે. સામાન્ય સંજોગોમાં નિવૃત્ત વ્યક્તિઓએ એવા શહેર કે નગરની પસંદગી કરવી જ્યાંથી સગાંસંબંધીઓ સુધી જલદીથી પહોંચી શકાય અથવા તો જ્યાં એ લોકો રહેતા હોય. પોતાનું વતન પણ રહેવા માટેની સારી જગ્યા બની શકે છે.

એમ ન હોય તો સંતાનો જ્યાં રહેતાં હોય ત્યાંથી નજીકના કોઈ નાના શહેરમાં રહેવા જવું. મિત્રો અને સંગાસંબંધીનો સાથ મળે એવી રીતે ઘરની પસંદગી કરવી. આ ઉપરાંત એ પણ ધ્યાન રાખવું કે ઘર જ્યાં હોય ત્યાં આરોગ્ય સેવાઓ સારી હોય. વરિષ્ઠ નાગરિકો સામેના ગુનાઓ વધી રહ્યા હોવાથી કાયદો – વ્યવસ્થાની સારી સ્થિતિ ધરાવતી જગ્યાની પસંદગી કરવી. નિવૃત્તિ પછીની પ્રવૃત્તિઓને લીધે પ્રવાસ કરવો પડવાનો હોય તો પરિવહનના સાધનો સહેલાઈથી મળે એવા સ્થળે ઘર પસંદ કરવું અને ત્યાં વસવાટ રાખવો..

રહેવા માટે શહેર કે નગર પસંદ કરી લીધા બાદ ત્યાંના વિસ્તારની પસંદગી પર ધ્યાન આપવું. બજારના ઘોંઘાટની આજુબાજુ રહેવું છે કે શાંત જગ્યા જોઈએ છે એ પસંદગી દરેક વ્યક્તિ અનુસાર બદલાતી હોય છે. તમે શાંત જગ્યામાં રહીને ખરીદી એકસામટી કરવા માટે જ બજારે જવાનું નક્કી કરી શકો છો. આસપાસ લીલોતરી, બગીચો કે શાંતિપૂર્ણ વાતાવરણ હોય એવો વિસ્તાર પસંદ કરવો. કોઈ વિસ્તારમાં વરિષ્ઠ નાગરિકો માટેની પ્રવૃત્તિઓ ચાલતી હોય તો એ વિસ્તારને પ્રાથમિકતા આપવી.

ઘરની નજીક બેન્ક, પોસ્ટ ઑફિસ, કેમિસ્ટ જેવી સંસ્થાઓ હોય અને સાથે સાથે ઈલેક્ટ્રિશિયન, પ્લમ્બર, વગેરે જેવા વ્યવસાયીઓની સેવા મળી રહે એવા સ્થળે રહેવા જવું. શક્ય હોય ત્યાં સુધી ઘર ભોંયતળિયે હોવું જોઈએ. જો મોટું બિલ્ડિંગ હોય તો લિફટની વ્યવસ્થા હોવી જરૂરી છે. વતનમાં પોતાનું મોટું ઘર હોય તો પણ બધી વસ્તુઓ ભોંયતળિયે જ રાખો, જેથી ચડઊતર કરવાની જરૂર ન પડે. ક્યાંક દાદરા ચડવા પડે એમ હોય તો પકડીને ચાલવા માટેની રેલિંગ હોવી જોઈએ.

ઘરમાં કોઈ વોકર, વોકિંગ સ્ટિક કે વ્હિલચેર વાપરતું હોય તો એમના ચડવા-ઊતરવા માટે ઢાળવાળો માર્ગ પણ હોવો જોઈએ. આ બધી વસ્તુઓ કહેવા માટે ઘણી જ સામાન્ય લાગતી હોય છે, પરંતુ તેનું ઘણું જ મહત્ત્વ હોય છે. નિવૃત્તિ પછીનું ઘર નક્કી થઈ ગયું હોય તો નિવૃત્તિના થોડા વખત પહેલાથી જ ત્યાં રહેવા જવું. નિવૃત્તિ એ મોટું સંક્રમણ હોય છે. એકથી બીજા ઘરમાં રહેવા જવું એ પણ મોટું સંક્રમણ હોય છે. આમ, બે સંક્રમણ ભેગાં થઈ જાય તો તકલીફ પડી શકે છે.

Also Read – કેવું નઇ? આપણા બેસણામાં બધા હાજર ને આપણે જ ગેરહાજર?

મોટાભાગના દંપત્તિને આ બંને સંક્રમણને એકસાથે પહોંચી વળવામાં તકલીફ પડતી હોય છે. નિવૃત્તિ પહેલાનું અને પછીનું ઘર એક જ શહેરમાં હોય તો નિવૃત્તિનાં ઓછામાં ઓછાં બે વર્ષ પહેલાંથી જ નવા ઘરમાં રહેવા ચાલ્યા જવું. આમ, નિવૃત્તિ વખતે બન્ને સંક્રમણ ભેગાં નહીં થાય. આજકાલ તો અનેક પ્રતિષ્ઠિત બિલ્ડરો નિવૃત્ત દંપત્તિઓ માટે વસાહતોનું નિર્માણ કરવા લાગ્યા છે.

આવી કોઈ વસાહતમાં ઘર ખરીદવાનો વિચાર કરવા જેવો છે. ખાસ વરિષ્ઠ નાગરિકો માટેની વસાહતો હોવાને લીધે તેમાં એ ઉંમરની વ્યક્તિઓ માટે આવશ્યક સુખ-સુવિધાઓ હોય એ સ્વાભાવિક છે. આખરે, ધરતીનો છેડો ‘ઘર’ એ કહેવત સાચી જ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button