તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

ફોકસ: હાર્ટ-અટૅક ને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચે શું છે તફાવત?

-સ્મિતા સોલંકી પરમાર

હાર્ટ-અટૅક અથવા તો કાર્ડિયાક અરેસ્ટ આવે તો બન્નેના કારણે જીવ પર જોખમ તો તોળાય જ છે. હંમેશાં લોકો હાર્ટ-અટૅક અને કાર્ડિયાક અરેસ્ટને લઈને ક્ધફ્યુઝ હોય છે. તેમને આ બન્ને એક જ લાગે છે, પરંતુ બન્ને અલગ છે. આજે ફાસ્ટલાઇફ સ્ટાઇલને કારણે લોકોને વિવિધ બીમારીઓ ઘેરી વળે છે. દર વર્ષે હાર્ટ-અટૅક અથવા તો કાર્ડિયાક અરેસ્ટને કારણે લાખો લોકોના અવસાન થાય છે.

આ બન્ને વચ્ચેનો તફાવત આજે આપણે સમજીશું
હાર્ટ-અટૅક
બ્લડ જ્યારે હાર્ટ તરફ વહેતા અટકી જાય છે, ત્યારે પૂરતા પ્રમાણમાં ઑક્સિજન હાર્ટ સુધી ન પહોંચતાં હાર્ટ-અટૅક આવે છે. એને કારણે શરીરનાં અવયવોને જરૂરી પ્રમાણમાં ઑક્સિજન મળતો નથી.

હાર્ટ-અટૅકના લક્ષણો
હાર્ટ-અટૅકની શરૂઆત છાતીમાં દુખાવા સાથે થાય છે, એ દુખાવો ધીમે-ધીમે શરૂ થાય છે, જે કલાકો સુધી સતત રહે છે. દરકેમાં હાર્ટ-અટૅકના લક્ષણો જુદા હોય છે. સ્ત્રી-પુરુષોમાં પણ એના લક્ષણો અલગ જોવા મળે છે. શ્ર્વાસ લેવામાં તકલીફ થવી, ઉલટીઓ આવવી અને પીઠમાં કાં તો જડબામાં પીડા ઊભી થાય છે.

હાર્ટ-અટૅક થવાનું કારણ
કોરોનરી ધમનીઓમાં અવરોધ આવતાં હાર્ટ-અટૅક આવે છે. એને કારણે હૃદય સુધી લોહી પહોંચી નથી શકતું અને ઑક્સિજન નથી મળતો. એ સ્થિતિ જીવલેણ બની શકે છે. હાર્ટ એક પમ્પ જેવુ કામ કરે છે તે જ્યારે સંકોચાઈ જાય છે ત્યારે ઑક્સિજન અને પોષક તત્ત્વોથી ભરેલા લોહીને શરીરના અન્ય અવયવોમાં પહોંચાડે છે. હૃદયની માંસપેશીઓને પમ્પના રૂપમાં અસરકારક ઢબે કામ કરવા માટે એને કોરોનરી ધમનીઓ દ્વારા પહોંચાડનારા લોહીના પુરવઠાની જરૂર હોય છે. એવામાં જો આ ધમનીઓમાં કોઈ બ્લૉકેજીસ આવે તો હાર્ટને લોહી નથી મળતું. એનાથી હૃદયની માંસપેશીઓ ઘાયલ થઈ શકે છે, એને કારણે હાર્ટ બરાબર રીતે પમ્પ નથી થતું.

કારણો
અનહેલ્ધી ડાએટ, સ્મોકિંગ, હાઇ કોલેસ્ટ્રોલ, હાઇ બ્લડપ્રેશર, હાઇ બ્લડ શુગર, એક્સરસાઇઝનો અભાવ અને વધારે પડતું વજન

નિદાન
અમુક ટેસ્ટ દ્વારા હાર્ટ-અટૅકનું સમયસર નિદાન થઈ શકે છે. ડૉક્ટર ફિઝિકલ એક્ઝામિનેશન અને ઇસીજી મારફતે હાર્ટની ઍક્ટિવિટી જાણી શકે છે. ઇકો-કાર્ડિયોગ્રામ વડે પણ હાર્ટની સ્ટ્રેન્ગ્થ જાણી શકાય છે. સાથે જ બ્લડના સેમ્પલ દ્વારા પણ હાર્ટના મસલ ડૅમેજ થયા છે કે નહીં એ જાણીને યોગ્ય સારવાર શરૂ કરી શકાય છે.

કાર્ડિયાક અરેસ્ટના લક્ષણો
કાર્ડિયાક અરેસ્ટ હંમેશાં એવા લોકોને જ થાય છે જેમને જાણ નથી હોતી કે તેમને હાર્ટની સમસ્યા છે. કાર્ડિયાક અરેસ્ટ આવતા વ્યક્તિ ઢળી પડે અને બેભાન થઈ જાય છે. શ્ર્વાસ લેવાનું બંધ થઈ જાય અથવા તો શ્ર્વાસ લેવામાં તકલીફ ઊભી થાય છે.

કાર્ડિયાક અરેસ્ટ થવાનું કારણ
કેટલીક ચોક્કસ સ્થિતિઓ અને પરીબળો કાર્ડિયાક અરેસ્ટનું જોખમ વધારે છે. હૃદયની પ્રણાલી ઠીક રીતે કામ ન કરે ત્યારે આવી સ્થિતિ સર્જાય છે. એવે વખતે છાતીમાં દુખાવો, હૃદયની ધડકનોમાં અનિયમિતતા અથવા ચક્કર આવી જાય છે. નિષ્ણાતોનું કહેવુ છે કે જો પીડિતને સમયસર સીપીઆર આપવામાં આવે તો તેનો જીવ બચાવી શકાય છે. સીપીઆર એક એવી ટૅક્નિક છે કે જેમાં હાર્ટને ધબકતું રાખવા માટે છાતીને જોરથી દબાવવામાં આવે છે. સાથે જ જેમ બને એમ વહેલાસર વ્યક્તિને ઇમરજન્સી સારવાર પૂરી પાડવામાં આવે. જે લોકોને હાર્ટની સમસ્યા છે, તેમણે એ સંદર્ભે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

કારણો
સ્મોકિંગ
હાઇ કોલેસ્ટ્રોલ
આલ્કોહોલ
હાઇ બ્લડપ્રેશર
કેફી દ્રવ્યોનું સેવન
હાઇ બ્લડ શુગર
એક્સરસાઇઝનો અભાવ
પરિવારમાં હાર્ટ સંબંધી બીમારી
અગાઉ હાર્ટ-અટૅક આવ્યો હોય

નિદાન
કાર્ડિયાક અરેસ્ટનો અર્થ તમારું હૃદય કામ કરતું બંધ થઈ જવું. એવામાં ડૉક્ટર જો તમારા હાર્ટને ફરીથી ધબકતું કરવામાં સફળ થાય અને રક્તસંચાર ફરીથી શરૂ થાય તો ડૉક્ટર જરૂરી ટેસ્ટ્સ કરાવીને સારવાર શરૂ કરી શકે છે. એમાં તેઓ ઇકો-કાર્ડિયોગ્રામ, બ્લડ ટેસ્ટ્સ અને છાતીનો એક્સ-રૅ કઢાવીને ચોક્કસ નિદાન કરી શકે છે.

સામાન્ય રીતે ઠંડી અને ફૂલુના લક્ષણ દિલ પર એક જોખમની ઘંટી સમાન છે. એવામાં જો તમે મેદસ્વી હોવ અને ડાયાબિટીસના દર્દી હોવ તો તમારે વધુ સચેત રહેવાની જરૂર છે. વધુ પડતાં કેફી દ્રવ્યોનું સેવન અને નિંદર પૂરી ન થવું પણ એક મુખ્ય કારણ હોઈ શકે છે. જો તમને
એમ લાગે કે તમારા દિલના ધબકારા સામાન્યથી અમુક સેક્ધડ માટે ઝડપથી ધબકે છે તો સમય વેડફ્યા વગર તરત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
એક રિસર્ચ મુજબ મહિલાઓની સરખામણીએ પુરુષોમાં બેથી ત્રણ ગણા હાર્ટ-અટૅકનું જોખમ રહે છે.

આહારમાં ફાસ્ટ ફૂડ અને તળેલા પદાર્થોને બદલે સ્વસ્થ ખોરાકનો સમાવેશ કરવો જરૂરી છે. શાકભાજી, ફળો અને ડ્રાયફ્રૂટ્સનો
આહારમાં ઉમેરો કરવો. કસરત કરવાથી શરીરને તંદુરસ્ત રાખી
શકાય છે. દરરોજ યોગ, પ્રાણાયામ કરવાથી તણાવને ઘટાડવામાં મદદ મળે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button