તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ
આરોગ્ય પ્લસ -ઃ મસા, હરસ ને ભગંદર… આ બીમારી કેટલી ત્રાસદાયક છે?
શું આપ જાણો છો?…
વિશ્વમાં મોટા ભાગના લોકોને મસા, હરસ કે ભગંદર થતાં હોય છે. 50 ટકા લોકો 50 વર્ષની ઉંમર પહેલાં કોઈ ને કોઈ રીતે આ રોગથી પીડાયેલા હોય છે.
50 વર્ષની ઉંમર પછી આ રોગની સંભાવના ખૂબ જ વધી જાય છે.
- મસા: મળમાર્ગ અને ગુદાની લોહીની નળીઓ પર દબાણ થતાં તે ફૂલે છે. આ દબાણ વારંવાર થતાં રક્તવાહિની સ્થિતિસ્થાપકતા ગુમાવે છે અને તે ભાગ ફૂલી જાય છે. મળદ્વારની અંદર અથવા બહાર આ ફૂલેલા ભાગને ‘મસા’ કહે છે.
મસાના બે પ્રકાર: (1) અંદરના મસા (2) બહારના મસા
સ્ટેજ 1: મસા ફૂલીને મળમાર્ગની અંદર જ રહે છે.
સ્ટેજ 2: મળત્યાગ સમયે બહાર આવે અને આપમેળે જ અંદર જતા રહે.
સ્ટેજ 3: મળત્યાગ સમયે બહાર આવે અને આંગળી દ્વારા દબાવવાથી અંદર જતા રહે.
સ્ટેજ 4: હંમેશાં બહાર જ રહે આંગળી દ્વારા દબાવી અંદર નાખવા છતાં તુરંત બહાર આવી જાય
મસાનાં લક્ષણ: મળત્યાગ સમયે કોઈકને લોહી પડે અને મસા બહાર આવે.
Also Read – તંદુરસ્તી-મનદુરસ્તી દમિત ઇચ્છાઓ અજાગૃત મનમાં સ્થાન લે છે
- મસા અંદર કે બહાર ફૂલે અને મસાની જગ્યાએ પીડા થવી.
- મળદ્વારમાં ખંજવાળ આવવી.
- લોહી પડતાં બંને પગમાં કળતર થાય અને કોઈક વાર બેચેની અને અશક્તિ અનુભવાય.
હરસ : કોઈ પણ કારણોસર મળ કડક થઈ જવાથી મળત્યાગ સમયે તે કડક મળ, મળદ્વાર સાથે ઘસાઈને બહાર નીકળે છે. આથી મળદ્વારમાં ચીરા પડી જાય છે. તે ચીરાને ‘હરસ’ કહે છે.
હરસના ત્રણ સ્ટેજ:
સ્ટેજ 1: ચીરા બહાર હોય છે. મળત્યાગ સમયે સામાન્ય બળતરા થાય.
સ્ટેજ 2: ચીરા પહોળા અને ઊંડા હોય છે.
સ્ટેજ 3: ચીરામાં ચેપ થતાં ગૂમડું થાય છે અને ગૂમડું ફૂટતાં ભગંદર થાય છે.
હરસનાં લક્ષણ: - મળત્યાગ સમયે કે પછી બળતરા કે દુ:ખાવો થાય અને કોઈક વાર લોહી પડવું. તેમ જ કોઈક વાર ખંજવાળ આવવી.
- અસહ્ય પીડા થતાં ચક્કર આવે, કમર દુ:ખે અને પેશાબ અટકે.
ભગંદર:
મળાશય અને બહારની ચામડીને જોડતી નળીમાં મળ અને પરુ ભરાઈને પીડા થાય તેને ભગંદર કહેવાય.
મસા – હરસ – ભગંદર થવાનાં કારણ: - જે કારણોથી કબજિયાત થાય, તે જ કારણો સમયાંતરે મસા, હરસ અને ભગંદર થવા માટેનાં જવાબદાર બને છે.
- એક જગ્યાએ લાંબા સમય સુધી બેસી રહેવાથી. (દા.ત. નોકરીમાં એક જગ્યાએ બેસી રહેવું, વારંવાર થતી મુસાફરી વગેરે)
- લાંબા સમયના ઝાડા થઈ જવાથી.
- શરીર વધારે સ્થૂળ રહેવાથી.
- વધારે વજન ઊંચકવાથી તથા વધુપડતી કરસતો કરવાથી.
- ઉંમર-50 વર્ષ પછી આ રોગ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.
- અમુક સમયે આ બીમારી વારસાગત પણ લાગુ પડી શકે છે.
આવા વખતે શું આહાર લેવો? - હંમેશાં હળવો, સાદો અને સહેલાઈથી પચે એવો જ આહાર લેવો.
- વધુ રેસાવાળો આહાર લેવો, જેમ કે પૉલિશ વગરનાં ઘઉં અને ભાત, જવ, પપૈયું, સફરજન, કેળાં, નારંગી, પેરુ, ગુલાબ, ફ્લાવર, ગાજર, ટમેટાં, મૂળા વગેરે
- તકલીફ વધી જાય ત્યારે અમુક દિવસો માટે આહારમાં અનાજ કરતાં ફળોનો તેમ જ દૂધ-છાશનો ઉપયોગ વધારી દેવો.
- આ રોગમાં ખાસ પાણીનું સેવન વધુ રાખવું.
- મેંદા તથા ચણાના લોટની વાનગીઓનો ઓછો ઉપયોગ કરવો.
- વધુપડતા મસાલેદાર અને ગરમ પદાર્થો ન જમવા.
મસા-હરસ-ભગંદરના ઉપચાર:
1) બપોરે તથા રાત્રે ભોજન બાદ 1 ચમચી હરડેનું ચૂર્ણ ફાકીને પાણી પીવું.
2) દિવસમાં 2થી 3 વાર બરફને કપડામાં બાંધી મસાના સ્થાને 10 મિનિટ સુધી મૂકી રાખવાથી મસાની પીડામાં ખૂબ જ રાહત થાય છે.
3.) ચારેક અંજીર રાત્રે પાણીમાં પલાળી, સવારે પાણી સહિત જમવા.
4) દિવસમાં 2 વાર 1 કપ ગરમ દૂધમાં અડધા લીંબુનો રસ નાખીને તરત જ પીવું.
5) સવારે નરણે કોઠે 1 મૂઠી જેટલા કાળા તલ અને થોડી સાકર માખણ સાથે ખૂબ ચાવીને ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.
6) મીઠા લીમડાના પાનને પાણી સાથે પીસી, ગાળી, પીવાથી હરસ-મસા મટે છે.
7) ધીમાં સૂરણ તળીને ખાવાથી હરસ-મસા મટે છે.
8) બે ચમચી ધાણાને રાત્રે પલાળી રાખી, સવારે ખૂબ મસળીને તેમાં સાકર મિલાવી તે પાણી પીવાથી અથવા કોથમીરનો રસ પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.
9) 1 ચમચી કારેલાના રસમાં સાકર મેળવી પીવાથી હરસ-મસા મટે છે.
10) 1-2 ચમચી દિવેલ ગરમ દૂધ સાથે પીવાથી હરસની પીડા મટે છે અને ગુદા પર થતાં ચીરા પણ દૂર થાય છે.
સાવધાની…
-આ રોગમાં પેટ સાફ રહે તેની ખાસ કાળજી રાખવી. - મળ-મૂત્રના વેગને રોકી રાખવાથી આ રોગ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.
- મળત્યાગ કરતી વખતે ક્યારેય બળ ન કરવું.
- મળદ્વારને હંમેશાં વ્યવસ્થિત સાફ કરવો, નહીંતર ચેપ લાગતાં અન્ય રોગ થવાની સંભાવના વધી જાય છે.
- ઉજાગરાઓથી ખાસ બચવું. વહેલા સૂવાના આદતી બનવું.
- નશીલા પદાર્થોનું સેવન ન કરવું, કેમ કે તેનાથી કબજિયાત થવાની પૂરી સંભાવના છે.
- બેસવા માટે બને ત્યાં સુધી નરમ અને પોચા આસનનો ઉપયોગ કરવો, કેમ કે તેનાથી મળદ્વારના વિસ્તારમાં લોહીનું પ્રરિભ્રમણ સહેલાઈથી થઈ શકે છે.
- એક જગ્યાએ લાંબા સમય સુધી બેસી રહેવાનું કામ હોય તો સમયાંતરે ઊભા થઈને થોડું ચાલવું
Taboola Feed