તરોતાઝા

શરીરને રબર જેવું સ્થિતિસ્થાપક બનાવવું છે?… તો રોજ કરો નટરાજાસન

યોગાસન -દિવ્ય જ્યોતિનંદન

એવી કોઇ વ્યક્તિ નહીં હોય જેને પોતાનું શરીર ચુસ્તી -સ્ફૂર્તિથી ભરપૂર અને રબર જેવુ લવચીક ન બનાવવું હોય. પરંતુ આજકાલ આપણી જે લાઇફ સ્ટાઇલ છે તેને કારણ ચાલીસી વટાવ્યા પછી મોટાભાગના લોકોનું શરીર અકક્ડ થતું જાય છે. એટલે તમારે શરીર મોટી ઉંમરે પણ લચીલું રાખવું હોય તો રોજ નટરાજાસન કરવું જોઇએ. આ યોગાસનને ભગવાન શંકર સાથે સીધો સંબંધ છે. નટરાજની મૂર્તિઓ વાસ્તવમાં શિવની યોગાસન કરતી હોય એવી પ્રતિમાઓ છે. આ આસન વિશે એક પૌરાણિક કથા પણ છે જે જાણવા જેવી છે. કહેવાય છે કે એક વાર એક ઋષિ જંગલમાં તેમની પત્નીઓ સાથે યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે અચાનક ભગવાન શિવ અને પાર્વતી પ્રગટ થયા. ભગવાન શિવને જોતાં જ ઋષિપત્નીઓ તેમને પ્રણામ કરવા ચાલી ગઇ, આનાથી ક્રોધિત થઇ ઋષિએ અપસ્માર નામક એક ઠીંગણા રાક્ષસને શિવ-પાર્વતી પર હુમલો કરવાનો આદેશ આપી દીધો. અપસ્મારે પાર્વતી પર હુમલો કરતાં જ તેઓ બેશુદ્ધ બની ગયા. પાર્વતીની આ હાલત જોઇ ભગવાન શિવને ગુસ્સો આવ્યો અને તેમણે ૧૪ વાર પોતાનું ડમરું વગાડ્યું. આને કારણે આ રાક્ષસ પણ બેભાન થઇ જમીન પર પડી ગયો. હવે ભગવાન શિવ પોતાના જમણો પગ આ ઠીંગણા રાક્ષસ પર રાખીને નૃત્ય કરવા લાગ્યા. આજે પણ આપણે નટરાજની મૂર્તિમાં ભગવાન શિવના ચરણોની નીચે પડેલા શખસને જોઇએ છીએ એ આ ઠીંગણો રાક્ષસ અપસ્માર છે.

એવું મનાય છે કે ભગવાન શિવના આવા રૂપને જોઇને ભરત મુનિએ ઇ.પૂર્વે અઢી હજાર વર્ષ પહેલાં નાટ્યશાસ્ત્ર અને ભરત નાટ્યમની રચના કરી હતી. આમ આ યોગાસન સાથે ધાર્મિક અને પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે. નટરાજાસન વાસ્તવમાં આપણા સ્ટ્રક્ચર(શરીરનું બંધારણ) અને મુવમેન્ટ(હલનચલન)નો ખૂબસૂરત યોગ છે. એ આપણને માત્ર શરીરથી જ નહીં દિમાગથી પણ મજબૂત બનાવે છે. આ આસનમાં શરીરને એક પગ પર સમતોલ રાખવાનું હોઇ એ આપણા શરીરને જબરદસ્ત સંતુલન સાધવાની શક્તિ આપે છે. આ આસનથી આપણને ઊંડી આંતરિક શાંતિની અનુભૂતિ થાય છે. આ ઉપરાંત પણ આ આસનના ઘણા ફાયદા છે, જેમ ક્ે, – આનાથી આપણને કોઇ તણાવથી છુટકારો મળે છે અને ધ્યાન કેન્દ્રિત કરવાની આપણી તાકાત વધે છે.

  • આ આસન નિયમિત કરવાથી આપણી છાતી, ઘૂંટણ, નિતંબ અને પગ મજબૂત બને છે.
  • આ આસન રોજ કરવાથી શરીર સ્થિતિસ્થાપક બને છે. શરીરને એક લય મળે છે.
  • આપણા પેટનાં અવયવો અને જાંઘને સારી કસરત મળે છે.
  • પાચન શક્તિ વધે છે, વજન ઓછું કરવામાં પણ મદદરૂપ થાય છે.

નટરાજાસન સારી રીતે કરવા માટે સૌપ્રથમ યોગ-મેટ પર તાડાસનની મુદ્રામાં ઊભા રહો. હવે શ્ર્વાસ અંદર લઇ ડાબો પગ પાછળની તરફ એવી રીતે ઉઠાવો કે એ ડાબા નિતંબને અડે અને એ દરમ્યાન ઘૂંટણ વળેલો રહે. આ મુદ્રામાં શરીરનું વજન જમણા પગ પર રહેશે. ત્યાર બાદ જમણી જાંઘનું દબાણ નિતંબના જોડાણ પર નાખો. હવે જમણા ઘૂંટણને ઉપર તરફ ખેંચતા એટલું જોર લગાડો કે મજબૂત અને સીધો બની રહે. આ દરમ્યાન શરીરને બિલકુલ ટટ્ટાર રાખી ડાબા હાથથી ડાબા પગને પકડવાની કોશિશ કરો. આ પૂરી પ્રક્રિયા દરમ્યાન ધડને બિલકુલ સીધું રાખી એ ખાતરી કરો કે નીચલી પીઠ દબાય નહીં પણ ડૂંટી તરફ ઊઠેલી હોય. શરૂઆતમાં આ આસન ૧૫થી ૩૦ સેક્ધડ સુધી કરો. બાદમાં તકલીફ ન પડે ત્યાં સુધી વધારો.

નટરાજાસન કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સવારે આ આસન કરવું બહેતર રહેશે. આ સમયે વાતાવરણ શુદ્ધ અને પ્રાણવાયુથી ભરપૂર હોય છે. જો સાંજે કરવું હોય તો એ વાતનું ધ્યાન રાખવું કે ઓછામાં ઓછા પાંચ-છ કલાક પહેલાં ભોજન કરી લીધું હોય. એ વાતનું પણ ધ્યાન રહે કે આસન કરતા પહેલાં શૌચકર્મ કરી લીધું હોય. નટરાજાસન ઘણું સારું આસન છે, પરંતુ જો આપને બ્લડ પ્રેશરની જરા પણ તકલીફ હોય તો આ આસન ભૂલથી પણ ન કરવું. શરૂઆતમાં આ આસન કોઇ પ્રશિક્ષકની દેખરેખ હેઠળ કરવું. જ્યારે પૂરું આવડી જાય ત્યારે જ એકલા કરવાની કોશિશ કરવી. કોઇ પણ પ્રકારની સમસ્યા ઊભી થતી જણાય તો યોગ નિષ્ણાત અને ફેમિલી ડૉક્ટર સાથે આ બાબતે પહેલા જરૂર વાત કરી લો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે