ગરમીમાં તાજગીસભર રહેવા માટે નાહતા સમયે આ ભૂલ ન કરશો
વિશેષ – પ્રતિમા અરોડા
ગરમીની સીઝનમાં એવું કોણ નહીં ઈચ્છતું હોય કે એ ઘણા સમય સુધી શાવર નીચે સ્નાન કરે, પણ લાંબા સમય સુધી નાહવું એ ન તો તમારી ત્વચા માટે સારું છે, ન તો શરીરથી ગરમી ભગાવવા અને તાજગીસભર રહેવા માટે આ સારું છે. ખરેખર તો વધુ સમય સુધી નાહવું સ્વાસ્થ્ય માટે અનેક રીતે હાનિકારક છે.
અમુક લોકો ગરમીમાં તરત તાબડતોબની તાજગી અને સંતુષ્ટ થવા માટે એકદમ ઠંડા પાણીથી નાહવા માટેની કોશિશ કરતા હોય છે, પણ એ એટલું જ ખતરનાક છે, જેટલું ઠંડીની સીઝનમાં ખૂબ ગરમ પાણીથી નાહવું. આનાથી પણ એવી જ સમસ્યાઓ ઊભી થતી હોય છે. શરીરની ત્વચા શુષ્ક થઇ જાય છે. કસમયે શરીરમાં કરચલીઓ પડી જતી હોય છે અને નાહવાથી તાજગીમયની ફીલિંગ આવતી નથી.
સામાન્ય રીતે હંમેશાં ઠંડીમાં હલકા હૂંફાળાં અને ગરમીમાં હલકા ઠંડાંને બદલે ઉત્તમ હોય એવા રૂમ ટેમ્પરેચરવાળાં પાણીમાં નાહવું જોઇએ. આનાથી શરીરનું બ્લડ સર્ક્યુલેશન વધે છે અને ઉધરસનો ભય નથી રહેતો તથા નાહવા બાદ ભરપૂર તાજગીનો અનુભવ થાય છે. જો બ્લડ સર્ક્યુલેશન વધે તો શરીરમાં દરેક જગ્યાએ ઓક્સિજન સારી રીતે પહોંચે છે, જેનાથી શરીર પૂરી રીતે તાજગીસભર રહે છે. ગરમીમાં હંમેશાં લોકો આ ભૂલ કરતા હોય છે કે જ્યારે બહારથી એટલે કે તડકો અને ગરમીમાંથી આવીને તરત જ નાહવા બેસી જાય છે.
આ સ્વાસ્થ્યની નજરે ઘણી ખરાબ રીત છે. જ્યાં સુધી બહારથી આવ્યા બાદ તમારા શરીરનું તાપમાન ઘરની અંદરના તાપમાન જેટલું ન થાય ત્યાં સુધી બિલકુલ નાહવું ન જોઇએ. હવામાન કોઇ પણ હોય, ક્યારે પણ નાહવામાં પાંચ-સાત મિનિટથી વધુ સમય ન લેવો જોઇએ. આનાથી વધુ સમય સુધી નાહવાનો મતલબ એ છે કે તમે તમારી ત્વચા સાથે કંઇ સારું નથી કરી રહ્યા.
અમુક લોકો સાબુ અને શેમ્પૂ શરીરમાં એટલાં બધાં લગાવતાં હોય છે કે જાણે ફીણનું આખું તોફાન ઊભું થયું હોય. આ તો ઠીક છે, પણ જો શરીરમાં શેમ્પૂ અને સાબુ ધોયા વિનાનાં રહી જતાં હોય છે તો તેને કારણે અનેક સમસ્યાઓ ઊભી થઇ જતી હોય છે. જો આ સાબુ કે શેમ્પૂથી ત્વચાનો ભાગ ઢંકાઈ જતો હોય તો શરીરમાં પિમ્પલ્સ કે પછી ફોલ્લીઓ નીકળવાનું કારણ બની જતું હોય છે.
શરીરમાં પોતાનું કુદરતી તેલ હોય છે. જો આપણે વધુ સમય સુધી નાહીએ શરીરમાંનું તેલ નષ્ટ થઇ જતું હોય છે. આ માટે પણ વધુ સમય સુધી નાહવું ન જોઇએ અને હા, વધુ એક વાત ધ્યાન રાખવા જેવી છે કે ક્યારેય ખાવાનું ખાધા પછી નાહવું નહીં અને રાતે તો બિલકુલ આવું નહીં કરતા. તમારા પાચનતંત્રમાં ગોટાળો ઊભો થઇ શકે છે. ઘણા લોકો પોતાને વધુ સાફસૂથરા દેખાવા માટે અનેક વાર નાહી લેતા હોય છે, તો અમુક લોકો ધાર્મિક કારણોથી વારંવાર નાહતા હોય છે.
જોકે દિવસમાં સરેરાશ બે વાર તો નાહવું જ જોઇએ. બે વારથી વધારે ક્યારે પણ નાહવું નહીં. કોઇક જ વાર બહુ ઈમરજન્સી ઊભી થઇ હોય તો ત્રણ વાર નાહવું, આનાથી વધુ વાર નાહવું કે પછી શરીરના કોઇ પણ ભાગને વારંવાર પાણીથી ધોવું, ત્વચાના એ ભાગના ઈમ્યુનને ઓછી કરવા સમાન છે. આનાથી ત્વચામાં બળતરા અને સોજા પણ આવી જવાની સંભાવના રહેલી છે.
બીજી એક વાત, જ્યારે પણ નાહવા જાવ ત્યારે ત્વચાના મોઈશ્ચરાઈઝ કરી લો. નાહીને આવ્યા બાદ ભીના વાળને ડ્રાયરથી સૂકવવાની કોશિશ ન કરવી જોઇએ. આને કારણે માથામાં દુખાવો થઇ શકે છે. કેમ કે આ રીત ખરી રીતે સારી નથી. જો તમને તરસ લાગી હોય તો નાહીને આવ્યા બાદ પાણી પીઓ. આનાથી શરીરનું તાપમાન અનુકૂળ બની જશે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે પણ ગરમીમાં તાજગીસભર રહેવા માટે નાહવા માટે જાવ તો પહેલાં એ જાણી લો કે આ રીતભાત તાજગી લાવશે કે કેમ, કે પછી નુકસાનકારક સાબિત થશે. આમાં માત્ર અને માત્ર તમારી ભૂમિકા છે, જેવું તમે વિચારો અને જો કરવા માગો તો કરો.