તરોતાઝા

ગરમીમાં કસરત કરો પણ આ રીતે….

વિશેષ – વિવેક કુમાર

ગરમીમાં યુવાનો કસરત કરવાનું ટાળશે તો
તેઓ તમામ યુવાનોનું જે સપનું હોય છે તેવું કસાયેલું શરીર નહીં બનાવી શકે. હા, વધુ ગરમી હોય ત્યારે ગાંડાની જેમ આડેધડ કસરત પણ ન કરવી

જોઈએ.

વધારે પડતી ઠંડીની જેમ જ વધારે પડતી ગરમીમાં પણ આપણે કાયમ કસરત કરવાનું ટાળીએ છીએ. જો તમે વરિષ્ઠ નાગરિક કે કિશોરવયના હો તો આ બાબતમાં તમને સંપૂર્ણ નહીં તો ચોક્કસ હદ સુધી છૂટ મળી શકે છે, પરંતુ જો તમે યુવાન હો તો તમારે આવી છૂટછાટ લેવાથી જાતે જ બચવું જોઈએ કેમ કે ભારે ગરમીમાં યુવાનો કસરત કરવાનું ટાળશે તો તેઓ તમામ યુવાનોનું જે સપનું હોય છે તેવું કસાયેલું શરીર નહીં બનાવી શકે. હા, વધુ ગરમી હોય ત્યારે ગાંડાની જેમ આડેધડ કસરત પણ ન કરવી જોઈએ. જો તમે ફિટનેસ સેન્ટર કે જિમમાં ન જતા હો તો પણ સવાર-સાંજ પરસેવાથી લથપથ કરતા આ દિવસોમાં પણ કસરત કરવી જરૂરી છે. કસરત કરવાની સાથે સાથે અન્ય બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. ભારે ગરમીના દિવસોમાં કસરત કરતી વખતે યુવાનોએ કઈ કઈ બાબતો પર ધ્યાન રાખવું જોઈએ તે જાણીએ.

સમય અને રીત
મે-જૂનની ભારે ગરમીના દિવસોમાં કસરત કરવા માટે વહેલી સવાર અથવા સાંજનો સમય પસંદ કરવો જોઈએ કેમ કે મોટાભાગે આ સમયે દિવસ કરતા તાપમાન પાંચથી સાત કે આઠ ડિગ્રી જેટલું ઓછું થઈ જતું હોય છે. માત્ર તાપમાનનો જ સવાલ નથી, વહેલી સવારે કે સાંજે હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોવાથી તે સમયે કસરત કરવી વધુ હિતાવહ છે. ગરમીના દિવસોમાં કસરત કરતી વખતે વચ્ચે વચ્ચે બ્રૅક લેવો જરૂરી છે કેમ કે એને કારણે શરીરને રાહત અને ગરમીથી પણ છુટકારો મળે છે. સાથે સાથે એ ધ્યાન રાખવું પણ જરૂરી છે ભલે તમે કસરત જિમમાં કે ઘરમાં કરો. ભોજન કર્યાના ઓછામાં ઓછા ત્રણ કલાક બાદ જ કસરત કરો. બિલકુલ ખાલી પેટ કે ભરપેટ ભોજન કર્યા બાદ કસરત કરવી યોગ્ય નથી-ખાસ કરીને ગરમીની સિઝનમાં.

હળવી કસરત પર ભાર આપો
ગરમીની સિઝનમાં વાતાવરણ તેમ જ શરીર બંનેનું તાપમાન વધેલું હોય છે એટલે લૂ (હિટ સ્ટ્રોક) લાગવાનો કે શરીરમાં પાણી ઓછું થઈ જવા (ડીહાઈટે્રશન)નું જોખમ પણ વધુ રહે છે એટલે આ મોસમમાં હળવી કસરત કરવી અને ઘરમાં એવી જગ્યાએ કસરત કરો જ્યાં સ્વચ્છ હવાની અવરજવર થતી હોય. કસરત કરવા માટે આનાથી વધુ સારી જગ્યા હોઈ ન શકે. ગરમીની સિઝનમાં જો જિમમાં જતા હોય તો ટે્રડમિલનો સતત ઉપયોગ કરવાથી દૂર રહેવું. જિમમાં સાઈક્લિંગ, ઍબ્સ કે સાઈડ ડંબલ કરવું વધુ લાભકારક રહેશે. ગરમીની મોસમમાં ખભા, છાતી, પેટ અને જાંઘ અંગે સજાગ રહેવું જોઈએ કેમ કે આ સિઝનમાં જરા પણ વધુ વજન કસરત માટે જોખમી પુરવાર થઈ શકે છે. જો તમે કસરત કર્યા વિના રહી ન શકતા હો તો ગરમીના દિવસોમાં દરરોજ કસરત કરો, પરંતુ કસરત માટે શિયાળામાં લો તેના કરતા પચીસ ટકા ઓછો સમય લો. મતલબ શિયાળામાં કસરત માટે તમે દરરોજ
એક કલાક સમય લેતા હો તો ઉનાળામાં 45 મિનિટ લો.

રિલેક્સ થવું છે જરૂરી
ગરમીની સિઝનમાં કસરત કરતા કરતા વચ્ચે વચ્ચે રિલેક્સ થવું ખૂબ જ જરૂરી છે. એક વાત ખાસ ધ્યાન રાખવી જે રીતે કસરત કરતા પહેલા બૉડી વૉર્મઅપ કરવું જરૂરી હોય છે તે જ રીતે કસરત બાદ બૉડી કુલડાઉન પણ એટલું જ જરૂરી છે. વૉર્મઅપ માટે જો તમે પચીસ મિનિટ લેતા હો તો કુલડાઉન માટે 20 મિનિટથી ઓછો સમય ન રાખવો. આ કારણે શરીરને કસરત માટે સારી રીતે તૈયાર કરવામાં મદદ મળશે. કસરત બાદ શરીર યોગ્ય રીતે સામાન્ય બને તે લાભદાયી રહેશે.

પાણી પીઓ પણ વધુ નહીં
ઘણા લોકો એમ માને છે કે ગરમીની સિઝનમાં શિયાળા
કરતા અનેકગણુ પાણી પીવું જોઈએ. ગરમીની સિઝનમાં
શિયાળાની સરખામણીએ 40થી 50 ટકા વધુ પાણી પી શકાય, પરંતુ બેગણુ, અઢીગણુ કે તેનાથી વધારે પાણી પીવું જોખમી પુરવાર થઈ શકે છે.
કસરત કરનારાઓએ થોડું વધુ પાણી પીવું જોઈએ, પરંતુ આડેધડ પાણી પીવું નુકસાનકારક છે. એ વાત પણ ધ્યાનમાં રાખો કે ગરમીની સિઝનમાં અન્ય સિઝનની સરખામણીએ પરસેવો વધુ થાય છે, પરંતુ વધારે પડતો પરસેવો થાય તો ચકાસી લેવું જોઈએ કે આનું કારણ ગરમી છે કે કંઈ બીજું. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમે જ્યાં કસરત કરતા હો એ જગ્યાએ સ્વચ્છ હવાની અવરજવર સરળતાપૂર્વક થતી હોવી જોઈએ. જોકે વધારે પડતી ઠંડી કે ત્રાસ આપતી ગરમી પણ શરીર માટે સારી નથી. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જે દિવસે તમારું શરીર કસરત માટે માનસિક રીતે તૈયાર ન હોય તે દિવસે કસરત કરવાને બદલે આરામ કરવો વધુ સારું રહેશે.

ફાસ્ટફૂડથી દૂર રહો
માત્ર ઉનાળામાં જ નહીં, કોઈપણ સિઝનમાં ફાસ્ટફૂડથી દૂર રહેવું આરોગ્ય માટે લાભકારક છે. વધુમાં વધુ કુદરતી ખોરાક
આપણે લેવો જોઈએ. ફાસ્ટફૂડ, તળેલું તેમ જ વાસી ખાવાનું ખાવાથી દૂર રહેવું જોઈએ. ઘર, ઑફિસ કે જિમમાં સુવિધા હોય તો 28-29 કે ઓછામાં ઓછા 27 ડિગ્રી તાપમાનથી ઓછામાં ન રહેવું જોઈએ.
જો તમે 20 ડિગ્રી કરતા ઓછા તાપમાનમાં રહેશો તો શરીર જકડાઈ જવાની, ચક્કર આવવાની શક્યતા વધુ રહેશે. ‘

વધારે પડતી ઠંડીને કારણે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે કેમ કે ત્યાંથી નીકળીને તમે બીજી જગ્યાએ જશો તો તમને વધારે ગરમી કે ઠંડીને કારણે ચેપ લાગવાની શક્યતા વધુ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button