તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

વેર- વિખેર -પ્રકરણ -૯૩

-કિરણ રાયવડેરા
હવે આ બુલેટના આધારે આપણે કોણ ખૂની છે એ તો પુરવાર નહીં કરી શકીએ પણ કોણે ખૂન કરવાનો પ્રયાસ નથી કર્યો એ સાબિત કરી શકશું… ‘કબીર, કહાનીમાં ટિવસ્ટ હવે આવે છે. ગાયત્રીએ પણ રિવોલ્વર ચલાવી હતી એ ખરું , પણ એ ગોળી જગમોહનને વાગી જ નથી..! .’ ‘એટલે?’ કબીર ચિલ્લાયો. ‘યસ… જગમોહન દીવાનના શરીરમાંથી જે ગોળી નીકળી છે એ કોઈ ત્રીજી જ રિવોલ્વરમાંથી છૂટી છે. એટલે કે એકસાથે ત્રણ રિવોલ્વર ફાયર થઈ એમાં જગમોહનને જે બુલેટ વાગી એ ત્રીજી રિવોલ્વરમાંથી છૂટી હતી…! ’ કબીરના કાનમાં કમિશનર રવિ શ્રીવાસ્તવના આ શબ્દો : ‘જગમોહન દીવાનના શરીરમાંથી જે ગોળી નીકળી છે એ કોઈ ત્રીજી જ રિવોલ્વરમાંથી છૂટી છે. એટલે કે એક સાથે ત્રણ રિવોલ્વર ફાયર હએ હતી!’ થોડી ક્ષણો સુધી પડઘાતા રહ્યા… કબીરનું મગજ ઝડપથી કામ કરવા લાગ્યું. ‘શું થયું કબીરભાઈ… ઓહ કબીરસાહેબ?’ જતીનકુમારે પૂછ્યું. કબીર જતીનકુમારના પ્રશ્ર્નને અવગણીને વિચારતો રહ્યો : સૌથી પહેલાં કુમાર ચક્રવર્તી જગમોહનના કમરામાં દાખલ થયો. એની પાછળ ગાયત્રી પ્રવેશી. હવે કાં તો ત્રીજી વ્યક્તિ પહેલાંથી જ જગમોહનના કમરામાં સંતાયેલી હતી અથવા એ ગાયત્રીની પાછળ પાછળ પ્રવેશી. પહેલાં કુમારે જગમોહનને ગોળી મારવા રિવોલ્વર ચલાવી. રિવોલ્વર ચાલી પણ બુલેટ સામેની દીવાલમાં ખૂંપી ગઈ.

કમિશનરે આ વાતનું સમર્થન આપ્યું. કુમાર જ્યારે રિવોલ્વર ચલાવતો હતો ત્યારે જ ગાયત્રીએ જગમોહનને બચાવવા પોતાના હાથમાં રહેલી ગનથી ગોળી છોડી. ગાયત્રીને એમ કે એની બુલેટ જગમોહનને વાગી છે, પણ હકીકતમાં ગાયત્રીની પાછળ રહેલી અથવા કમરામાં છુપાયેલી કોઈ વ્યક્તિએ પણ ગોળી છોડી હતી. આ ત્રીજી વ્યક્તિની બુલેટ જગમોહનને વાગી હતી. તો પછી ગાયત્રીની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી ક્યાં ગઈ? એ તો ચોક્કસ હતું કે ત્રણે રિવોલ્વર ચલાવવામાં આવી હતી. બે બુલેટનો તાળો મળતો હતો.ગાયત્રીએ છોડેલી બુલેટ ક્યાં? કબીર દોડ્યો. એની પાછળ જતીનકુમાર, કરણ, રેવતી, પૂજા અને પ્રભા પણ દોડ્યાં. ‘અરે, આ કબીરભાઈ શેના દોડે છે કોઈ કહેશો? ઓ કબીરભાઈ, તમે શું કોઈનું ભૂત જોયું?’ જગમોહનના બેડરૂમમાં દોડીને અટકેલા કબીર પાછળ હાંફતાં હાંફતાં જતીનકુમારે પૂછ્યું. ‘આ ઘરમાં હું કોઈનો વિશ્ર્વાસ કરતો નથી. મારે મન બધા ભૂત જ છે.’ કબીરના અવાજમાં ખિન્નતા અને કડવાશ હતાં. ‘ભ’ઈસાબ, આ ઘરની સ્ત્રીઓને ભૂત કહીને તમે એમનું અપમાન ન કરો. મારા ખ્યાલ મુજબ મર્યા બાદ સ્ત્રીઓ ભૂત નથી થતી.’ જતીનકુમારથી બોલ્યા વિના ન રહેવાયું.

કબીરને જોકે જતીનકુમારની વાત સાંભળવામાં રસ નહોતો. એ જગમોહનના બેડરૂમની સામેની દીવાલ ઝીણવટથી તપાસવા લાગ્યો હતો. ગાયત્રીની બુલેટ અહીં જ ક્યાંક દીવાલમાં લાગી હશે. ગાયત્રી શિખાઉ છે, અગાઉ ક્યારેય રિવોલ્વર ચલાવી નહોતી. એવું બને કે રિવોલ્વર ચલાવતી વખતે એનો હાથ ધ્ર્જી ગયો હોય અને ગોળી બારીની બહાર નીકળી ગઈ હોય…. તો? જો એવું બન્યું હોય તો બુલેટને શોધવી મુશ્કેલ થઈ જાય, પણ સામેની દીવાલ અને બારી વચ્ચે સોફો રાખવામાં આવ્યો હતો એટલે કે જ્યાં જગમોહન ઊભો હતો ત્યાંથી બારી વચ્ચેનું અંતર આશરે આઠથી દસ ફૂટ હતું. ‘શું ગાયત્રીનું નિશાન આટલું બધું ચૂક્યું હોય એ શક્ય છે?’ ગાયત્રીનો ઇરાદો કુમારને મારવાનો હતો, જેથી એ જગમોહનનું ખૂન ન કરી શકે. એનું નિશાન એટલું ફંટાઈ ન શકે કે આઠ-દસ ફૂટ દૂર આવેલી બારીની બહાર ગોળી નીકળી જાય. જો ગોળી દીવાલમાં ન હોય તો… કબીરના મગજમાં બત્તી થઈ… તો ગોળી સોફામાં ખૂંપી ગઈ હશે. એણે સોફો પહેલાં પણ ચકાસ્યો હતો, છતાંય એ ફરી સોફાની કિનારીઓ તપાસવા લાગ્યો.

‘કબીર અંકલ, શું થયું એ અમને પણ જણાવશો? અમે તો બાઘાની જેમ ઊભા છીએ, કંઈ સમજાતું જ નથી.’ કરણે ફરિયાતના સૂરમાં કહ્યું. ‘તમે બધાં આટલાં અધીરાં થાઓ છો તો સાંભળો, જગમોહન પર ગોળી ગાયત્રીએ નથી છોડી. જગમોહનને કુમારની ગોળી પણ નથી વાગી…’ ‘તો શું સસરાએ સાચે જ ફરી આપઘાત કરવાની કોશિશ કરી?’ જતીનકુમારના શબ્દો કોઈને રૂચ્યા નહીં પણ એમની સાથે જીભાજોડીમાં ઊતરવા કોઈ તૈયાર નહોતું. ‘ના, જતીનકુમાર, પહેલીવાર જગમોહને આત્મહત્યા કરવાની કોશિશ કરી ત્યારે ગાયત્રીએ એને બચાવી લીધો હતો. આ વખતે પણ એનો જીવ જોખમમાં લઈને ગાયત્રીએ જ એને બચાવવાની કોશિશ કરી.’ કબીર બોલ્યો. ‘ઓહ… ઓહ… બિચારી, એણે તો બચાવવાની કોશિશ કરી પણ એના કમનસીબે એ બુલેટ પપ્પાને વાગી ગઈ.’ પૂજાએ મમરો મૂક્યો. ‘ના, ગાયત્રીએ જગમોહનને બચાવવાની કોશિશ કરી એ વાત સાચી પણ એની બુલેટ જગમોહનને વાગી જ નથી.’ ‘તો પછી?’ કરણ પૂછતાં પૂછતાં અટકી ગયો. બધાંના મોઢાં ખુલ્લાં રહી ગયાં હતાં. ‘જગમોહનને તો કોઈ ત્રીજી જ વ્યક્તિની ગોળી વાગી છે ! .’ ‘કોની?’ બધાંએ એકસાથે પ્રશ્ર્ન કર્યો. ‘એ કેમ કહી શકાય?’ કબીરે કહ્યું. પછી સહેજ અટકીને ઉમેર્યું : ‘એ તમારામાંથી કોઈ એક વ્યક્તિ પણ હોઈ શકે….! ’ બધાં સ્તબ્ધ થઈ ગયાં. પળભર તો જતીનકુમારને પણ શું બોલવું એ સૂઝ્યું નહીં. ‘કેમ જતીનકુમાર, કોઈ કોમેન્ટ નહીં કરો?…’ કબીર હસ્યો. ‘હું એ જ વિચારું છું કે અમારામાંથી કોની પાસે રિવોલ્વર છે. એટલિસ્ટ, મારી પાસે તો નથી એ બધા જાણે છે. એટલે મેં તો સસરાની હત્યા કરવાનો પ્રયાસ ન જ કર્યો હોય.’ જતીનકુમાર ગેલમાં આવી ગયા. ‘તમે થાપ ખાઓ છો , જતીનકુમાર. કુમાર ચક્રવર્તીએ કદાચ રિવોલ્વર ખરીદી હોય, પણ ગાયત્રી પાસે પોતાની રિવોલ્વર નહોતી. પોતાની માલિકીનું હથિયાર ન હોય, તો માણસ ખૂની ન હોઈ શકે એવું કંઈ જરૂરી નથી.

ખૂન કરવા માટે કોઈનું હથિયાર પણ ચાલે, ઉધાર લીધેલું કે પછી ચોરલું.’ જતીનકુમારના ચહેરા પર ઝડપથી પલટાતા ભાવને જોવાની કબીરને ગમ્મત પડતી હતી. ‘કબીરભાઈ, આપણો કોઈ હિસાબ બાકી છે?’ જતીનકુમારે પૂછ્યું. ‘કેમ? આમાં હિસાબની વાત ક્યાં આવી?’ કબીરે નિર્દોષભાવે પૂછ્યું. ‘ના… ના… જો આપણો કોઈ જૂનો હિસાબ બાકી ન હોય તો પછી મારી પાછળ શા માટે પડી ગયા છો? મેં તો તમને ભાઈ કહેવાનું પણ છોડી દીધું છે.’ કાકલૂદી કરતા હોય એવા સ્વરે જતીનકુમાર બોલ્યા. ‘જતીનકુમાર,’ કબીરનો સ્વર ગંભીર થઈ ગયો, મારે તમારી સાથે કોઈ નિસ્બત નથી. મારું કામ હત્યારાને શોધવાનું છે અને એને હું શોધીને રહીશ અને હું ક્યાં કહું છું કે તમે હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. કદાચ કરણ પણ હોઈ શકે, વિક્રમ પણ હોઈ શકે…’ કબીરનો ચહેરો હજી ગંભીર હતો. ‘હું પણ એ જ કહેતો હતો.’ જતીનકુમાર ફરી ગેલમાં આવી ગયા. ‘હત્યાનો પ્રયાસ ઘરની કોઈ સ્ત્રીએ પણ કર્યો હોઈ શકે.’ કબીરે પ્રભા સામે જોઈને કહ્યું. ‘શું કબીરભાઈ’ પ્રભાનો અવાજ ગળગળો થઈ ગયો: શું હું મારા ધણીનું ખૂન કરવાની હિંમત કરી શકું?’ ‘પ્રભાભાભી , ધણીનું ખૂન કરવાની હિંમત ન કરી શકો, પણ ધણીનું ખૂન કરવાની ઇચ્છા તો કરી શકો કે નહીં?’ ‘ના… ના… એવું નથી, ધણી-ધણિયાણી વચ્ચે તો આખી દુનિયામાં રકઝક ચાલતી હોય, તો શું એનો અર્થ એવો થાય કે પત્ની પતિને ગોળી મારી દે?’ પ્રભાના અવાજમાં ગુસ્સો હતો. દુનિયાભરમાં પતિ-પત્ની વચ્ચે ખટરાગ હોય એ વાત સાચી. બંને વચ્ચે વિખવાદ ચાલતો હોય એ પણ એટલું જ સાચું. પણ ભાભી, મને જણાવશો દુનિયાના કેટલા પતિદેવોએ ઘરથી કંટાળીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોય?’ પ્રભા નીચું જોવા લાગી. ‘મને છેલ્લાં કેટલાંક વરસોથી જગમોહનમાં ઘણું પરિવર્તન દેખાતું હતું. એના વર્તનમાં, એના અભિગમમાં, એના સમગ્ર વ્યક્તિત્વમાં પરિવર્તન હતું. યુવાનીમાં ખડખડાટ હસી શકતો માણસ એક મામૂલી સ્મિત કરતાં પણ ભૂલી ગયો હતો.’ કબીરના અવાજમાં ખેદ પ્રગટ થતો હતો. એ જ પળે વિક્રમ રૂમમાં દાખલ થયો : ‘ડોક્ટરે કહ્યું કે અહીં રહેવાની જરૂર નથી. જરૂર પડશે તો અમે ખબર કરી દેશું એટલે જયને હોસ્પિટલ રાખીને આવ્યો છું.’ વિક્રમે કહ્યું. એનો ચહેરો જગમોહનની સ્થિતિમાં કોઈ ફરક નથી પડ્યો એ વાતની ચાડી ખાતો હતો. કબીરે એ પછી વિક્રમને ટૂંકમાં ત્રણ પિસ્તોલ થિયરીની વાત કરી. વિક્રમ ચોંકી ઊઠ્યો. ‘ઓહ માય ગોડ… તો તો ખૂની કોઈ ત્રીજી જ વ્યક્તિ છે?’ વિક્રમના મોઢામાંથી ઉદ્ગાર સરી પડ્યા.

‘હા, સાળાબાબુ, અને આ પોલીસ ઑફિસર એમ માને છે કે એ ત્રીજી વ્યક્તિ આપણામાંથી એક છે.’ જતીનકુમારે સાળાને આ માહિતી આપવાની તક જતી ન કરી. વિક્રમ મૌન રહ્યો. એ ફક્ત કબીર સામે જોતો રહ્યો. ‘હું હમણાં તમારાં મમ્મીને એ જ વાત કરતો હતો કે ખૂની કોઈ પણ હોઈ શકે. ઘરના પુરુષ કે ઘરની સ્ત્રી.’ ‘કોઈ દીકરી એના બાપનું ખૂન કરે એવું સાંભળ્યું છે?’ રેવતીના ગળામાં ડૂસકું અટવાયું હતું. ‘દીકરી હત્યા ન કરે પણ દીકરીનો વર કરી શકે.’ જતીનકુમાર સામે જોઈને કબીરે કહ્યું. ‘હવે છાનીમાની મરને… બધાને ખબર છે કે દીકરી બાપનું ખૂન ન કરે, પણ જોતી નથી… ફરીફરીને લિસોટો મારી તરફ જ ખેંચાય છે!’ જતીનકુમાર ખિજાઈ ગયા. ‘ના… ના… જતીનકુમાર, આ તો અમસ્તું જ…’ કબીરને જતીનકુમારની અકળામણ જોઈને હસવું આવતું હતું. ‘અંકલ,’ વિક્રમે પૂછ્યું, જો ત્રણ રિવોલ્વર ચાલી હોય તો ગાયત્રીએ છોડેલી બુલેટ ક્યાં ગઈ?’ ‘યસ, અમે એને જ શોધવા આ રૂમમાં આવ્યાં હતાં. મને લાગે છે કે બુલેટ આ સોફામાં જ…’ બોલતાં બોલતાં કબીર અટકી ગયો. સોફાની સાઈડની કિનારી પાસે એક છિદ્ર પર એની આંગળી અટકી ગઈ. ઘટ્ટ નીલા રંગના સોફામાં પડેલું છિદ્ર દૂરથી દેખાતું નહોતું. અરે, આ રહી બુલેટ… કોઈ ચાકુ લઈ આવો ! રેવતી દોડીને ચાકુ લઈ આવી. ‘હવે ધ્યાન રાખ, આ ચાકુ પર તારા હાથનાં નિશાન પડ્યાં હશે એને ભૂંસી નાખ, નહીંતર આ પોલીસના માણસ તો તને વગર મફતની ફાંસીએ લટકાવી દેશે…’ રેવતીના હાથમાંથી ચાકુ લેતાં કબીરે કહ્યું: ‘ડોન્ટ વરી, જતીનકુમાર, હવે ચાકુ પર મારી આંગળીનાં પણ નિશાન છે. એની વે, ખૂન રિવોલ્વરથી થયું છે. આઈ મીન… ખૂનનો પ્રયાસ…’ સોફામાં પડેલા છિદ્રની આસપાસ કપડાને સાવચેતીથી કાપીને કબીરે છિદ્ર પહોળું કર્યું અને ચાકુની નોક વડે જ અંદર ખૂંપી ગયેલી ગોળીને બહાર કાઢી. હથેળીમાં બુલેટ લઈને કબીરે ચારેતરફ બધાંને દેખાડી… ‘આ છે ગાયત્રીની રિવોલ્વરમાંથી નીકળેલી બુલેટ. હવે આ બુલેટના આધારે આપણે કોણ ખૂની છે એ તો પુરવાર નહીં કરી શકીએ પણ કોણે ખૂન કરવનો પ્રયાસ નથી કર્યું એ સાબિત કરી શકશું.’

‘એટલે ?’ કરણની જિજ્ઞાસા ઊછળી પડી. એટલે કે ગાયત્રી આ ખૂન કેસમાં સંડોવાયેલી નથી એ આપણે કોર્ટમાં પુરવાર કરીને એને આવતીકાલે જામીન અપાવી શકશું…’ ‘લ્યો… તો તો તમારું કામ થઈ ગયું…’ જતીનકુમાર ઊછળી પડ્યા. ‘ના… મારું કામ ખૂનીને પકડવાનું છે અને આમેય જગમોહન હોંશમાં આવશે ત્યારે તો અસલી ખૂનીનો પત્તો લાગી જ જશે…’ કબીર બોલ્યો. ‘એ કેવી રીતે?’ પૂજાએ પૂછ્યું. ‘જ્યારે ખૂનીએ ગોળી છોડી હશે ત્યારે જગમોહને તો એને જોઈ જ લીધો હશે.’ કહીને કબીરે હાજર રહેલા સર્વના ચહેરાનું નિરીક્ષણ કર્યું. દરેક જણ અસ્વસ્થ થઈ ગયાં. ‘અંકલ, તમે તો સિરિયસલી એમ માની બેઠા છો કે ખૂનનો પ્ર્યાસ્ અમારામાંથી જ કોઈએ કર્યું હશે. શું હત્યારો બહારની વ્યક્તિ ન હોઈ શકે?’ વિક્રમ નારાજ થઈ ગયો. ‘ઘરમાં જેનાં આટલાં દુશ્મનો હોય એને બહાર શત્રુ શોધવાની શી જરૂર પડે?’ કબીરના અવાજમાં ભારોભાર કટુતા હતી. ‘તું આવ્યો એ પહેલાં જ હું એ જ વાત તારાં મમ્મીને કહેતો હતો. મને ખબર નથી તમારામાંથી કોણે જગમોહનનું કાટલું કાઢવાનું કાવતરું કર્યું છે. જગ્ગેનું વસિયતનામું હું જોઈ ચૂકયો છું. દરેકના ભાગે કંઈક ને કંઈક તો આવે જ છે. છેલ્લે છેલ્લે ગાયત્રીના નામનો પણ ઉમેરો થયો છે…’ દરેક જણના કાન સરવા થઈ ગયા. ‘હા, એક વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી… અને બની શકે કે એ વ્યક્તિને વેર વાળવા…’ કબીરે વાક્ય અધૂરું મૂકીને જતીનકુમાર સામે જોયું. (ક્રમશ:)

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker