તરોતાઝા

વેર- વિખેર -પ્રકરણ -૧૦૫

કબીર લાલ,  તેં  અને આ છોકરી ગાયત્રી-  બંનેએ મારી બાજી ઊંધી વાળી દીધી છે… હવે જો હું તમને લોકોને જીવતાં છોડું તો તો હું બધી બાજુથી હારું ,જે  હું  બરદાશ્ત નહીં કરી શકું…માટે આજે તમને બંનેને પતાવી દઉં એટલે બાકીની જિંદગી ચેનથી જેલમાં ગાળી શકું… ! 

કિરણ રાયવડેરા

કબીરે પોતાની વાત આગળ વધારી :

‘……ગાયત્રી, તને યાદ છે તું એમ બોલી હતી કે તારી પાછળ કોઈ આવતું હતું. હક્કીતમાં એ પૂજા નહોતી…. એ વિનાયકભાઈ હતા. વિનાયકભાઈને ખબર નહોતી કે એમના પ્રવેશ પહેલાં કુમાર અને ગાયત્રી જગમોહનના રૂમમાં દાખલ થઈ ચૂક્યાં હતાં…’ 

કબીરે પ્રશ્ર્નાર્થ નજરે વિનાયકભાઈ તરફ જોયું.. 

વિનાયકભાઈએ ધીમા સ્વરે  બાકીની વાત કહેવાની શરુ કરી : 

‘હું રૂમમાં દાખલ થયો ત્યારે મેં જગમોહનને સામેની દીવાલ પાસે ઊભેલો જોયો. મને એવું લાગ્યું કે રૂમમાં બીજું કોઈ છે, પણ બારણું અડધું ખૂલેલું હોવાને કારણે હું એમને જોઈ જ ન શક્યો. બારણાં પાસે જ ઊભા રહીને મેં નિશાન તાક્યું અને જગમોહન પર ગોળી છોડી દીધી. પછી મેં બારણું બંધ કરીને ભાગવાની કોશિશ કરી પણ સામેથી પૂજાને આવતાં જોઈ. પૂજાને જોઈને સમજાઈ ગયું કે એ ઊંઘમાં ચાલે છે. એટલે આસ્તેથી એની પડખેથી નીકળી ગયો. પાછળ ફરીને જોયું તો પૂજા પણ જગમોહનના જ રૂમમાં દાખલ થતી હતી.’

‘માય ગોડ…’ ગાયત્રીએ બે હાથ વચ્ચે માથું દબાવી દીધું :  ‘અને હું સમજતી રહી કે મારી ગોળી કાકુને વીંધી ગઈ છે…. મને શું ખબર કે બુલેટ મારી પાછળથી છૂટી હતી…’

‘એ જ વખતે ઈન્સ્પેક્ટર પ્રામાણિક દાખલ થયા, યસ મિ. કબીર લાલ, હું આવી ગયો છું. આ ગુનો અલીપુર વિસ્તારમાં થયો છે એટલે મારે આરોપીની કસ્ટડી લેવી પડશે…’

‘યસ ઈન્સ્પેક્ટર  વિનાયકભાઈ અહીં જ હાજર છે. તું એમનો ચાર્જ લઈ લે…’ કબીરે કહ્યું.

‘એક મિનિટ…’ ઈન્સ્પેક્ટર પ્રામાણિકે વિક્રમને સંબોધીને કહ્યું : 

‘મિ. દીવાન, તમારાં નસીબ સારાં કે કુમાર ચક્રવર્તી મરી ગયો. હવે મારા ઘરનું સરનામું યાદ રાખવાની માથાકૂટ જ નહીં…’

વિક્રમ સમસમી ગયો.

ઈન્સ્પેક્ટર પ્રામાણિક અને ઈન્સ્પેક્ટર પરમાર વિનાયકભાઈને લઈને આગળ વધ્યા એ જ વખતે વિનાયકભાઈએ તરાપ મારીને પરમારની સર્વિસ રિવોલ્વર આંચકી લીધી: 

‘ખબરદાર, હેન્ડ્ઝ અપ,’ બંને ઈન્સ્પેક્ટર હાથ ઊંચા કરીને ઊભા રહી ગયા.

‘કબીર લાલ…’ વિનાયકભાઈએ ત્રાડ નાખી: 

‘મારા પ્લાન આડે બે વ્યક્તિ આવી છે. પહેલી ગાયત્રી અને બીજો તું…. આજે તમને બંનેને પતાવી દઉં એટલે બાકીની જિંદગી ચેનથી જેલમાં ગાળી શકું…’

‘વિનાયકભાઈ…’ કબીરનો અવાજ સ્વસ્થ હતો :

‘તમે જગમોહનના ખૂનનો પ્રયાસ કર્યો પણ જગમોહન બચી ગયો છે એટલે બની શકે કે તમને બહુ જ હળવી સજા થાય. દીવાન પરિવાર ઈચ્છે તો તમારી વિરુદ્ધ જુબાની ન આપે તો તમારી વિરુદ્ધ કેસ પણ નબળો પડી જાય… પણ જો હમણાં તમે બે ખૂન કરો તો તમને ફાંસીની જ સજા થાય…’

‘મને ડરાવ નહીં… કબીર લાલ… તમે અને આ છોકરી ગાયત્રી-  બંનેએ મારી બાજી ઊંધી વાળી દીધી છે… હવે જો હું તમને લોકોને જીવતાં છોડું તો તો હું બધી બાજુથી હારું ,જે  હું  બરદાશ્ત નહીં કરી શકું.!’ 

વિનાયકભાઈની આંખમાં એક ક્રૂર -ડરાવી મૂકે એવુ જનૂન  – ગાંડપણ ડોકાતું હતું.

‘નહીં, પપ્પા… હવે બીજી વાર આવી ભૂલ નહીં કરતા… કબીર અંકલને કે ગાયત્રીને કંઈ થશે તો અમે કોઈને મોઢું દેખાડવા લાયક નહીં રહીએ…’ જય ઊભો થઈને દોડ્યો ને વિનાયકભાઈની સામે આવીને ઊભો રહી ગયો, પણ આવેશમાં  આવી જઈને એ જ પળે વિનાયકભાઈએ ટ્રિગર દબાવી દીધું હતું…  

જય ફ્લોર પર ફસડાઈ ગયો…એને તરફ્ડતો જોઈને વિનાયકભાઈએ એ જ રિવોલ્વર પોતના લમણાં પર તાકી એ  આત્મહત્યા કરે એ પહેલાં જ  ઈન્સ્પેક્ટર પરમારે લપકીને એમના હાથમાંથી રિવોલ્વર આંચકી લીધી.

‘મેં જ મારા દીકરાનું મર્ડર કર્યું…’ વિનાયકભાઈ માથું કૂટવા લાગ્યા.

બધા જયની આસપાસ કૂંડાળું વળીને ઊભાં રહી ગયાં. કબીરે વળીને જયને તપાસ્યો. ગોળી જયના ખભા પર લાગી હતી,પણ ઘા  ઊંડો હતો.. ઘામાંથી પુષ્કળ લોહી વહેતું હતું.

‘એ માણસને અહીંથી લઈ જાવ …’ પૂજાએ ચીસ પાડી.

‘એક વાર મને મારા દીકરાને જોઈ લેવા દો…’ વિનાયકભાઈ કરગર્યા, પણ પૂજા એમની સામે ઊભી રહી ગઈ.

‘ઈન્સ્પેક્ટર, આને  અહીંથી લઈ જાઓ, નહીંતર હું એમનું ખૂન કરી બેસીશ.’

કબીરે ઈશારો કરતાં બંને ઈન્સ્પેક્ટર વિનાયકભાઈને બહાર લઈ ગયા. વિનાયકભાઈના ધ્રૂસકાનો અવાજ ક્રમશ : દૂર દૂર  થતો ગયો…

 ***

‘હાશ…’ હોસ્પિટલના કોરિડોરના બાંકડા પર કબીર ફસડાઈ ગયો         

થોડી વારમાં  જ  જયને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.  ડોક્ટર કરમાકર કહી ગયા હતા કે જય આઉટ ઑફ ડેન્જર છે અને  એના ખભામાં વાગેલી ગોળી કાઢી લેવામાં આવશે.

જતીનકુમાર અને વિક્રમ પણ કબીરની પડખે આવીને બેસી ગયા.

‘તમે માનો યા ન માનો… પણ આ કેસમાં હું તમને મદદરૂપ થયો છું. મેં જ તમને કહ્યું હતું  કે વિક્રમના સસરાએ પણ અગાઉ જગમોહન દીવાન એટલે કે મારા સસરા પાસેથી મોટી રકમ લીધી છે ત્યાર બાદ તમારા દિમાગમાં બત્તી થઈ… ખરું ને?’

‘હા, જમાઈબાબુ, તમે મને અજાણતાં જ એક મહત્ત્વની કડી આપી બેઠા. શરૂઆતમાં જગમોહન દીવાન પર જે ધમકીના ફોન આવતા હતા એ હાવડાના એક જ પબ્લિક બૂથથી ફોન આવતા હતા. પ્રિન્ટ આઉટ્સથી મને એ હાવડાના પી.સી.ઓના નંબરની ખબર પડી. પછી મને ખ્યાલ આવ્યો કે એ જ પી.સી.ઓથી વિનાયકભાઈના ઘરે એટલે કે નાગપુર પણ ફોન થયા હતા. તમે જ્યારે મને વાત કરી ત્યારે મારી શંકા ધીમે ધીમે વિશ્ર્વાસમાં પલટાતી ગઈ. મેં વિનાયકભાઈનો ફોટો એ પી.સી.ઓ.ના માલિકને પણ દેખાડ્યો. એણે પણ વિક્રમના સસરાને તરત જ ઓળખી કાઢ્યા.’ વિસ્તારપૂર્વક ખુલાસો કર્યો.

વિક્રમ તરફ ફરીને જતીનકુમાર બોલ્યા:    

‘વાહ, શું સસરો શોધ્યો છે…’

વિક્રમ કંઈક બોલવા જતો હતો એને અટકાવીને જતીનકુમાર બોલ્યા:

‘હવે મને નહીં કહેતા કે શું સસરો શોધ્યો છે, કેમ કે મારો સસરો તારો બાપ થાય.’

થોડી વારમાં ડોક્ટર કરમાકર કબીર પાસે આવ્યા. ડોક્ટર વિગતવાર વાત શરૂ કરે એ પહેલાં જ કબીરે પૂછી લીધું:  ‘હાઉ ઈઝ જગમોહન?’ 

એ જ સમાચાર  આપવા આવ્યો છું…

‘મિ. દીવાન હોશમાં આવી ગયા છે…’ 

ડોક્ટર વાક્ય પૂરું કરે પહેલાં કબીર દોડ્યો. એની પાછળ બધાં દોડ્યાં.

કેબિનમાં દાખલ થતાં જ કબીરે  જગમોહન સામે જોયું. આંખ બંધ હતી. નર્સ મરિના પાસે ઊભી હતી.

‘મિસ્ટર  દીવાન, મિસ્ટર કબીર આવ્યા છે…’

‘અરે, સિસ્ટર એને કહો કે તમારો દોસ્ત કબીર આવ્યો છે…દાર્જિલિંગ લઈ જવા-દારુ પીવરાવવા ! ’ 

જગમોહને આંખ ઉઘાડી. 

‘હાય, જગ્ગે… હું આવી ગયો છું. દાર્જિલિંગ જવું છે ને ? યાદ છે ને… દારૂ… ધમાલ…’

જગમોહને હાથ ઊંચો કરીને કબીરનો હાથ પકડી લીધો. એની આંખના ખૂણામાંથી આંસુ સરકી ગયા.

‘કબીર… વિનાયકભાઈ’ જગમોહનનો સ્વર ક્ષીણ હતો. 

‘હા, હા, અમને ખબર પડી ગઈ છે. એમને એરેસ્ટ કરી લેવામાં આવ્યા છે. ડોન્ટ વરી…’

‘કબીર, મને એની દયા આવે છે. એના પર ગુસ્સો નથી ચડતો. પ્લીઝ… એને વધુ સજા ન થાય એ જોજે.’

‘ઓ.કે. ઓ.કે…એ બધુ છોડ.. તું હવે જલદી જલદી સાજો થઈ જા…’

કબીરની પાછળ ઊભા રહેલા દરેક તરફ જગમોહને  નજર ફેરવી :

વિક્રમ-પૂજા- કરણ- પ્રભા- રેવતી- જતીનકુમાર ને ગાયત્રી…

જગમોહન દરેક સામે જોઈને મ્લાન હસ્યો પછી પછી વધુ શ્રમ પડતાં આંખ બંધ કરી દીધી.

***

એક અઠવાડિયા બાદ…

જગમોહન દીવાન ઘરે આવી ગયા હતા. જયને હજી દસ દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે એવું ડોક્ટરે કહ્યું હતું.

‘જગમોહન, હવે હું કંટાળી ગયો છું… મને અહીં કેટલા દિવસ થયા એ ખબર છે?’ કબીર ફરિયાદ કરતો હતો.

જગમોહન એને  સમજાવતો હતો: 

‘કબીર, તું વરસો બાદ આવ્યો છે અને આપણે આવતા અઠવાડિયે દાર્જિલિંગ જશું ને… બાકી તને તો અહીં બોલાવવા માટે તો મારે આત્મહત્યાનો પ્રયાસ કરવો પડે કે પછી મારા પર હુમલો થવો જોઈએ…’

‘ના… ભાઈ ના… હવે તું કહીશ તો દર મહિને આવીશ, પણ મારે હત્યા કે આત્મહત્યાના આવાં લફરાં ન જોઈએ… શું કહો છો પ્રભાભાભી…?’ કબીરે  પૂછ્યું.

‘મેં તમને પહેલાં જ કહ્યું છે કે હવે પહેલ મારી તરફથી નહીં થાય…’ પ્રભા બોલી.

‘તો શું હું જ દર વખતે  પહેલ કરું છું?’ જગમોહને કૃત્રિમ રોષ ઉછાળ્યો.

‘લો, હવે તમે બંને ફરી શરૂ થઈ ગયાં…’ કબીર હસતાં હસતાં બોલ્યો. ત્યારે જ કમરામાં વિક્રમ, પૂજા, કરણ, ગાયત્રી, જમાઈબાબુ અને રેવતી દાખલ થયાં.

‘કબીર અંકલ, ઈન્સ્પેક્ટર પ્રામાણિકનો ફોન હતો. કહેતા હતા તમને છેલ્લી ખબર આપી દઉં. કરણની ફ્રેન્ડ રૂપાનો બોયફ્રેન્ડ કૈલાશ પકડાઈ ગયો છે.   ‘ફેશન નાઈટ વીથ ફિલ્મ-સ્ટાર્સ’ શોની મોંઘી ટિકિટોમાં  રૂપિયાનો જબરો ગોટાળો કરવા બદલ પોલીસે એને એરેસ્ટ કર્યો છે…’  કરણ સામે જોઈને વિક્રમે કહ્યું.

જમાઈબાબુ બોલી ઊઠ્યા : 

‘અરેરે… બિચારી રુપાનો એ ફ્રેન્ડ તો કથીર નીકળ્યો ! એ તો બંને બાજુથી રહી ગઈ. કરણ, તેં શું વિચાર કર્યો?’

કરણ ચૂપ રહ્યો.

ગાયત્રી સામે હાથ ફેલાવીને જગમોહને કહ્યું : 

‘ગાયત્રી, એક ૪૭ વરસનો માણસ એક ૨૩ વરસની છોકરીને પ્રપોઝ કરે છે અલબત્ત,  એના દીકરા વતી…! ’

‘શરત એ જ કે મારો વર ઉપરાંત મારો સસરો પણ મારા કહ્યામાં રહે…’ પછી સ્મિત રેલાવતી  ગાયત્રીએ ઉમેર્યું  : 

‘મારા સસરા વારંવાર મેટ્રો સ્ટેશન દોડી ન જાય…બોલો છે, મંજૂર ? !’  

‘મંજૂર… ગાયત્રી, તું જે કહે તે બધું અમને  મંજૂર…! ’   

જગમોહનની સાથે કરણ અને દીવાન પરિવારના બધા એકસાથે   બોલી ઊઠ્યા…   

– અને  ઘરમાં એ બધાની સાથે  ગાયત્રીનું હાસ્ય પણ ક્યાંય સુધી ગૂંજતું રહ્યું…!

(સમાપ્ત) 

આ ધારાવાહિકના સર્જક……

પ્રત્યેક દિવસે -પ્રત્યેક પ્રકરણના અંતે ગજબની આતુરતા -ઉત્કંઠા જગાડનારી આ નવલના લેખક કિરણ રાયવડેરા  અને એમની બીજી કૃતિઓ  વિશે અનેક  વાચકોએ પૃચ્છા કરાવી છે તો ટૂંકમાં એટલું જ કહેવાનું કે નિયમિત રુપે ગુજરાતી 

સાપ્તાહિકોમાં અહેવાલ તથા કોલમ્સ લખતા મૂળ કોલકાતાના 

કિરણ રાયવડેરાની આ ‘વેર-વિખેર’  ઉપરાંત  ‘દ્રોહ – વિદ્રોહ’ નામક અન્ય એક ધારાવાહિક પણ પ્રગટ થઈ છે પણ, એમની આગવી અનુભવી કલમના વધુ લાભથી કમનસીબે વાચકો  વંચિત રહી ગયા, કારણ કે કોરોનાના કપરા કાળમાં કુદરતે એમને  અ-કાળે ચાહક – વાચકો પાસેથી ઝૂંટવી લીધા હતા.

આવતા સોમવારથી રોજિંદી ધારિવાહિક નવલકથા…

ભૂત-પ્રેત કથાના નિપુણ એવા લેખકની કલમે…!

વધુ વિગત હવે પછી..

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker