વેર- વિખેર -પ્રકરણ -૪૭
લેણદારોમાંથી કોઈ માથાફરેલે એને ધમકી આપી કે ૪૮ કલાકમાં રૂપિયા નહીં પહોંચાડે તો તારી બૈરીને ઉઠાવી લઈશ…!
કિરણ રાયવડેરા
‘ઓકે ડાર્લિંગ… હું હવે રજા લઉં’ વિક્રમ શ્યામલીના વાળમાં આંગળી પરોવતાં બોલ્યો.
‘થોડી વાર રહી જા ને, તારે ક્યાં ઑફિસે જવું છે?’ શ્યામલી જાણે રિસાઈ ગઈ હોય એમ બોલી.
‘ના, શ્યામલી, મારી ઈચ્છા છે કે એક વાર ઑફિસે આંટો મારીને પછી ઘરે પહોંચું.’
‘ઓકે ડિયર હું તારી પત્ની હોત તો તને હથેળીમાં રાખ્યો હોત અને સવાર- સાંજ તને પ્રેમ કર્યા કરત…’ શ્યામલીએ એની મોટી આંખોને ગોળ ગોળ ઘુમાવતાં કહ્યું.
‘શ્યામલી, પ્લીઝ…તું એવી વાત નહીં કર. હજી હું પોતે મારા નવા રોલમાં ફીટ નથી થઈ શક્યો. અહીં જ્યારે જ્યારે આવું છું ત્યારે આનંદ થાય છે પણ સાથે ગુનાનો બોજ વધી જાય છે. સાચું કહું છું.’ વિક્રમ મૂંઝાઈ ગયો હતો.
‘એ તો તું ભલો માણસ છો એટલે તું આવા વિચાર કરે છે. આમેય તેં મારો કેટલો ખ્યાલ રાખ્યો છે. તું ખોટું કરી રહ્યો છે એવું શા માટે વિચારે છે? તું તો કોઈની મદદ કરી રહ્યો છે.’ શ્યામલીએ વિક્રમને સમજાવ્યો. વિક્રમ ચૂપ રહ્યો. એ જાણતો હતો કે શ્યામલી જે કહે છે એ સત્ય નથી.
‘ઓકે શ્યામલી, હમણાં તો હું નીકળું. આવતા અઠવાડિયે ફોન કરીશ.’ વિક્રમ ઊભો થયો.
‘ફોન નહીં કરતો, સીધો આવી જજે.’ વિક્રમનો હાથ પકડીને શ્યામલીએ ઉષ્માભેર દબાવ્યો.
વિક્રમ ફ્લેટની બહાર નીકળી ગયો.
શ્યામલીએ દરવાજો બંધ કર્યો . પલંગ પર પડેલી બેગને ખોલી.અંદર પાંચ લાખ રૂપિયા પડ્યા હતા.
શ્યામલીના ચહેરા પર એક પહોળું હાસ્ય ફેલાવા લાગ્યું.એણે ફોન ઊંચક્યો, એક નંબર ડાયલ કર્યો:
‘હલ્લો, રૂપિયા મળી ગયા છે, હવે તું
આવી શકે છે!’
‘હલ્લો, રૂપિયા મળી ગયા છે, હવે તું આવી શકે છે.’ શ્યામલીએ ફોન મૂકી દીધો.
શ્યામલીને ખબર હતી કે રૂપિયાના સમાચાર મળતાં કુમાર દોડ્યો દોડ્યો આવશે.
કુમાર…!
શ્યામલી ટેબલના આયના પાસે ઊભી રહી. કોરા કપાળને થોડી પળ સુધી તાક્યા બાદ એણે ખાનું ખોલીને સિંદૂરની ડબ્બી કાઢી ને કપાળમાં ચાંદલો કર્યો.
કુમાર એનો પતિ હતો.
મ્યુનિસિપાલિટી- પોલીસ સ્ટેશન અને લગભગ બધી સરકારી એજન્સીના ચોપડે કુમાર ચક્રવર્તીને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો.
બે વરસ પહેલાં એક કાર અકસ્માતમાં કુમારનું ‘શબ’ મળી આવ્યું હતું. જો કે,
કુમાર અને શ્યામલી સિવાય કોઈને જાણ નહોતી કે એ શબ કુમારનું નહોતું. કુમાર – શ્યામલી ચક્રવર્તી માટે છેલ્લાં ત્રણેક વરસથી નાણાકીય સમસ્યા એટલી વધી ગઈ હતી કે કુમારને ‘મરી’ જવા સિવાય છૂટકો નહોતો. મરવાને બદલે કુમાર ગાયબ થાત તો પણ એના લેણદારો એનો પીછો ન છોડત . દુનિયાના કોઈ પણ ખૂણે કુમાર છુપાયો હોત તો એને શોધીને લાવી શકે એટલા વગદાર આ શાહુકારો હતા.
શ્યામલીને એ રાત યાદ આવી ગઈ જ્યારે કુમાર એના ખોળામાં માથું મૂકીને રડ્યો હતો:
‘શ્યામલી, એક તક આપ… ફક્ત એક મોકો. તું તારા ભગવાનને પ્રાર્થના કર કે મને એક તક આપે. હું બધાના રૂપિયા ચૂકવીને શાંતિથી જીવવા માગું છું. બહુ જ થાકી ગયો છું કૂતરા જેવી જિંદગી જીવતાં જીવતાં. ડોરબેલ વાગે છે અને મને ધ્રાસકો પડે છે. દરેકને નવી વાર્તા કહીને હું કંટાળી ગયો છું. પ્લીઝ, શ્યામલી, ડુ સમથિંગ’ શ્યામલી કુમારના વાળમાં આંગળી ફેરવતી રહી. કુમારની વાત સાચી હતી.
એ પોતે પણ આ રીતે જીવતાં કંટાળી ગઈ હતી. જે પણ મુલાકાતી આવે કે ફોન આવે એની સામે વારંવાર જુઠ્ઠું બોલવું પડે – ‘એ તો ઑફિસે ગયા છે’ અથવા ‘એ તો બહાર નીકળી ગયા.’ ઘણી વાર તો મુલાકાતીઓ એલફેલ શબ્દો બોલે ત્યારે શ્યામલી સમસમી જાય. છેલ્લે છેલ્લે તો અમુક લેણદારો એને ઉપરથી નીચે એવી રીતે જોયા કરે કે શ્યામલી તમાચો મારી દેવાની ઇચ્છાને માંડ માંડ દબાવી રાખે. એણે તો કુમારને કહ્યું પણ નહોતું કે એક શાહુકાર તો એટલે સુધી બોલી ગયો હતો કે ‘કુમારભાઈથી પહોંચી ન વળાતું હોય તો તમે કામ કરવાનું શરૂ કરી દો ને, અમે કામ શોધી આપશું.’
ત્યારે શ્યામલી ખૂબ રડી હતી.
એ ઘણી વાર કુમારનો પક્ષ લઈને લેણદારોને સમજાવવાનો પ્રયત્ન કરતી :
‘ભાઈ, તમે થોડી ધીરજ રાખો, એક વાર અમારા દિવસ ફરવા દો પછી તમારા રૂપિયા ત્યારે એક મહાજન વિફરીને તાડૂક્યો હતો : ‘પહેલાં એ તો નક્કી કરો કે દૂધ લેવાના પૈસા છે કે નહીં.’
ત્યારે પણ શ્યામલી ખૂબ રડી હતી.
આ બંને પ્રસંગની વાત એણે કુમારને નહોતી કરી. વાત કરીને કોઈ અર્થ પણ સરવાનો નહોતો.
ગરીબ હોવું એ શ્રાપ હોઈ શકે, પણ શ્રીમંતમાંથી ગરીબ થઈ જવું એ વધુ ભયંકર અભિશાપ છે. જિંદગીમાં એ જ વસ્તુને, એ જ વ્યક્તિને, એ જ સંબંધોને જાણે જુદાં ચશ્માં પહેરીને જોવા પડે, ગરીબીનાં ચશ્માં. અચાનક પરિચિત માણસો જુદી રીતે જોવા લાગે, જાણે ઓળખતા ન હોય. ઘણા સલાહ પણ ફટકારી જાય –
‘બહેન, કુમારભાઈને કહો કે નાનીમોટી નોકરી સ્વીકારી લે એટલે જિંદગીનું ગાડું તો ચાલે. આમ ક્યાં સુધી બેઠાં બેઠાં ચાલશે ?’ વણમાગી સલાહ આપનારા ફક્ત સલાહ જ આપી જાય, બીજું કંઈ જ નહીં. ત્યારે એણે મનોમન ગાંઠ વાળી હતી :
‘શ્યામલી, જિંદગીમાં પૈસા સિવાય કંઈ જ નથી. રૂપિયા માટે જે કરવું એ બધું માફ છે.’
અને એ રાતના કુમાર એના ખોળામાં માથું મૂકીને રડતો હતો. લેણદારોમાંથી કોઈ માથાફરેલ માણસે એને ૪૮ કલાકની મહેતલ આપી હતી. એણે ધમકી આપી હતી કે બે દિવસની અંદર રૂપિયા નહીં પહોંચાડે તો તારી બૈરીને ઉઠાવી લઈશ!
ત્યારે કુમાર ચક્રવર્તી ડરી ગયો હતો એટલે એ રાતના બિલકુલ ભાંગી ગયો હતો :
‘શ્યામલી, હું તારો ગુનેગાર છું. ધંધામાં મને નુકસાન પહોંચ્યું અને તારા હિસ્સાના પૈસા પણ ગુમાવી બેઠો.. હવે શું કરવું ? શ્યામલી ? …’
ત્યારે શ્યામલીના હોઠ ફફડયા હતા :
‘મરી જા… કુમાર મરી જા..! .’
‘વ્હોટ ?’ કુમાર સફાળો બેઠો થઈ ગયો અને પછી થાકેલા સ્વરે બોલ્યો : ‘હું સમજી શકું છું શ્યામલી કે તું પણ મારાથી કંટાળી જાય એવા કપરા દિવસો આવ્યા છે… એટલે તું આવું બોલે એ સમજી શકું છું…’
‘કુમાર, આપણાં શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે સૌથી ગરીબ અને દયાજનક વ્યક્તિ એ છે જેના માથે દેણું છે. કર્જનો બોજ લઈને જીવતો માણસ ખૂબ જ વિષમ પરિસ્થિતિમાંથી પસાર થતો હોય છે. કોઈને માગવું ગમે નહીં, અને જ્યારે અનિચ્છાએ માગવું પડે ત્યારે એનું થોડું થોડું મૃત્યુ થતું હોય છે. કુમાર, આ જિંદગીમાં રૂપિયા સિવાય બીજું કંઈ નથી. એટલે જ તને કહું છું કે તું મરી જા… કંઈક એવું કર કે દુનિયા તને મરેલો સમજે – મૃત વ્યક્તિ પાસે કોઈ કર્જ વસૂલવા નથી આવતું. મૃત લેણદારના ઘરે કોઈ આવતું નથી રૂપિયા માગવા. કુમાર, વિચારી જો…’
શ્યામલીને જોઈ રહ્યો કુમાર .
પત્નીનું આવું સ્વરૂપ તેણે પહેલી વાર જોયું હતું :
‘શ્યામલી, મરવાને બદલે હું ભાગી જાઉં તો… જ્યારે રૂપિયા ભેગા થશે ત્યારે પાછો આવીને ચૂકવી દઈશ.’
‘કુમાર, તું આખી જિંદગી મજૂરી કરીને કમાઈશને તો પણ એટલા રૂપિયા નહીં કમાઈ શકે. વળી તું ગાયબ થાય તો વાત પોલીસ સુધી પહોંચે અને એ લોકો મને હેરાન કર્યા કરે. માટે તું ‘મરી’ જા તો જ એ લોકો આપણો કેડો મૂકે… વીમાની રકમ હાથમાં આવશે એ નફામાં…’
‘બ્રિલિયન્ટ… શ્યામલી… બ્રિલિયન્ટ’ શ્યામલીને ગળે એ વળગી પડ્યો.
શ્યામલી ચૂપ બેઠી રહી સ્થિતપ્રજ્ઞ.
પાંચમા દિવસે હાવડા પારના બેલિયસ રોડ પર એક કારનો ગોઝારો અકસ્માત થયો. કારના ડ્રાઇવરના ખિસ્સામાંથી ડ્રાઇવિંગ લાઇસન્સ અને આધાર-પેન કાર્ડ જેવાં બીજા અગત્યના કાગળો પરથી લાશ કુમાર ચક્રવર્તીની છે એ ખબર પડી. શ્યામલીને છૂંદાયેલી લાશની ઓળખવિધિ માટે બોલાવવામાં આવી.
શ્યામલીને લાશની ઓળખવિધિ કરતાં એક મિનિટ પણ ના લાગી. એ તો પોલીસ મોર્ગમાં જ ભાંગી પડી અને બેહોશ થઈ ગઈ.
એ પછીના દસેક દિવસમાં બધું નોર્મલ થવા માંડ્યું. લેણદારો ઘરે આવતા બંધ થઈ ગયા. બે-ત્રણ શાહુકારો તો સહાનુભૂતિભર્યા સ્વરે ‘રૂપિયાની જરૂર હોય તો જણાવજો.’ એવું પણ કહી ગયા. એક લેણદાર તો ‘આખી જિંદગી એકલા કેમ કરીને કાઢશો’ એની ચિંતામાં પડી ગયો.
બધાને રવાના કર્યા બાદ એ દિવસે શ્યામલીએ દરવાજો બંધ કર્યો ત્યારે અંદરના રૂમમાંથી બહાર નીકળીને શ્યામલીને આલિંગનમાં લઈ લીધી કુમારે
‘આખી જિંદગી એકલાં કેવી રીતે નીકળશે…’ બંને જણ ખડખડાટ હસી પડ્યાં હતાં.
એકાદ મહિનામાં વીમાની તગડી રકમ પણ આવી ગઈ હતી. વીમા એજન્ટ પણ ‘કંઈક જરૂર પડે તો કહેજો’ બોલતો ગયો હતો. શ્યામલીએ હસતાં હસતાં વિચાર્યું હતું કે દુનિયા કેટલી માયાળુ છે, એક જુવાન ‘વિધવા’નું લોકો કેટલો ખ્યાલ રાખે છે.
‘કુમાર, આપણો એક પ્લાન તો કામિયાબ રહ્યો – તને મારી નાખવાનો, પણ હજી બીજો પ્લાન બાકી છે, એને ભૂલતો નહીં. !’
કુમારે આશ્ચર્યથી શ્યામલી તરફા જોયું ત્યારે શ્યામલીએ ખુલાસો કર્યો :
‘કુમાર, રૂપિયા, રૂપિયા… ફક્ત લેણદારોને દૂર રાખવાથી કંઈ નહીં વળે. હાથમાં રૂપિયા હશે તો તારે ફરી ‘જીવતા’ થવું હશે તો થઈ શકાશે.’
શ્યામલીએ આ વાત કર્યા બાદ અઠવાડિયા પછી કુમાર એક પ્લાન લઈને આવ્યો હતો :
‘શ્યામલી, જગમોહન દીવાન, દીવાન ગ્રૂપ ઑફ ઇન્ડસ્ટ્રિઝ’ ના સર્વેસર્વા છે. એમના મોટા પુત્રને હું ઓળખું છું. એક દલાલ સાથે હું એમની ઑફિસે ગયો હતો ત્યારે મેં વિક્રમ દીવાનને જોયો હતો. શ્યામલી, આવો એકાદ ‘બકરો’ ફસાવી લઈએ તો જિંદગીભરની રાહત થઈ જાય.’
-અને બંનેએ ગંભીરતાથી પ્લાન ઘડવાનું શરૂ કરી દીધું
-અને એક સાંજે જ્યારે ધોધમાર વરસાદ પડ્યો ત્યારે શ્યામલીએ એ વરસાદમાં પલળાતાં -ભીંજાતાં વિક્રમ દીવાનની ગાડીના કાચ પર ટકોરા માર્યા હતા…..
એમનો પ્લાન બરોબર ક્લિક થયો હતો.
આજે એણે કુમારને ફોન કરીને કહ્યું હતું…
‘કુમાર, રૂપિયા મળી ગયા છે. હવે તું આવી
શકે છ ! .’
માણસ મરે છે ત્યારે એના શરીરમાંથી પ્રાણ જ નથી જતો. એની ચિતામાંથી નીકળતા ધુમાડા સાથે એની પ્રકૃતિ પણ હવામાં વિલીન થઈ જતી હોય છે. માણસનો સ્વભાવ એના મૃત્યુ સાથે જ જતો હોય છે એ હકીકત છે.
જતીનકુમાર જ્યારે બોલ્યા કે, ‘સારું થયું સાળાબાબુ કે જગમોહન દીવાન જેવી મોટી વ્યક્તિ આત્મહત્યા કરવા ઈચ્છે છે એ બધાને નથી ખબર, નહીંતર સમાજમાં આબરૂના કાંકરા થઈ જાય’ ત્યારે કરણના મનમાં કંઈક આવા જ વિચારો રમી રહ્યા હતા.
આ માણસ ક્યારનો મને કંઈક કહેવા ઇચ્છતો હતો. એને આજ વાત કરવી હતી પણ ક્યારનો આડીઅવળી વાત કરીને સમય વેડફતો હતો. ભલે આ માણસે તંબાકુ ખાવાનું છોડી દીધું હોય કે પછી એના મિત્રો પાસેથી નાણાં ઉછીનાં લઈ આવવા બદલ ક્ષમા માગતો હોય, એનો સ્વભાવ બદલાવાનો નથી.
કરણનું મોઢું કડવાશથી ભરાઈ ગયું. એના પપ્પાની એક કમજોર કડી આ દૂર્જન પાસે આવી ગઈ હતી પણ એને કેવી રીતે જાણ થઈ કે મારા પપ્પા આત્મહત્યા કરવા ઇચ્છે છે.
‘સાળાબાબુ, હવે આ રીતે બાઘાની જેમ મને જોયા ન કરો, મને સંકોચ થાય છે. તમે એ જ વિચારો છો ને કે મને કેમ સસરાની હરકત વિશે જાણ થઈ ?’
કરણે ધારદાર નજરે જતીનકુમાર સામે જોયે રાખ્યું.
‘સીધી વાત છે. કરણભાઈ, તમારા હાથમાં ડાયરી આવી અને તમે વાંચી. એમ મારા હાથમાં ડાયરી આવી ત્યારે મેં વાંચી !’
ઓહ તો આ માણસની આંખ કમજોર છે એ નર્યું જુઠ્ઠાણું હતું પણ જતીનકુમાર પાસેથી ખુલાસો માગીને કંઈ ફાયદો નહોતો. એ ક્યારે સાચું બોલે અને ક્યારે જૂઠું એ કળવું મુશ્કેલ હતું.
‘સાળાબાબુ, તમારી બહેન સામે બેઠી હોય એ સમયે તમારા પપ્પાની નબળી વાત કહું તો તમારી બહેનને અને તમને કેવું લાગી આવે ? આ જ વિચાર કરીને હું ત્યારે ચૂપ રહ્યો હતો. બાકી નજર ખરાબ હોય તો પણ ડાયરી એ કોઈ ખજાનાનો નકશો નથી કે એને વાંચતાં વાર લાગે.’
‘હવે શું કરવા ઇચ્છો છો ?’ કરણે પૂછી નાખ્યું.
‘આ મોંઘવારીના જમાનામાં કામ કર્યા સિવાય ક્યાં કોઈ છૂટકો છે. કામ તો કરવું પડશે ને, નહીંતર પૈસા ક્યાંથી આવશે ?’
‘ઠીક છે, જતીનકુમાર, તમે તમારું મોઢું બંધ રાખજો. મમ્મીની સામે પણ બોલતા નહીં…’
કરણ વાક્ય પૂરું કરે એ પહેલાં જતીનકુમાર બોલી ઊઠ્યા : ‘ઓહ, બિચારાં સાસુજીને પણ ખબર નહોતી… ઠીક મારે શું ! પણ, હવે શું નક્કી કર્યું છે શ્વસુરજીએ ?’ ચહેરા પર નિર્દોષ ભાવ લઈને જતીનકુમાર બોલ્યા જતા હતા.
કરણ પગથી માથા સુધી સળગી ગયો. બહેનનો વિચાર ન હોત તો હમણાં જ એક થપ્પડ મારી દીધી હોત.
(ક્રમશ:)