તરોતાઝા

વેર- વિખેર -પ્રકરણ-૪૧

ભાભી, એક વ્યક્તિને તમે મળ્યા નથી. એના વિશે તમે આવી વાત કયા આધારે કરો છો? ઈટ ઈઝ નોટ ફેર..!

કિરણ રાયવડેરા

‘બાબુ, પ્લીઝ તું મને નામ આપી દે… તને એક તક મળી છે તારા પાપને ધોઈ નાંખવાની. તારા માટે એ નામની કોઈ કિંમત નથી જ્યારે એ માણસનું નામ મારી આખી જિંદગી બદલી નાખશે.’
ગોળીથી વિંધાઈને ફ્લોર પર તરફ્ફડતા બાબુ પર ઝિઇકીને જગમોહન એને સમજાવી રહ્યા હતા એ જ વખતે ઇન્સ્પેક્ટર પરમાર રુમમાં ઘૂસ્યા.

‘એ લોકો બે હતા. ગોળી ચલાવીને એ લોકો મોટરસાઈકલ પર નાસી છૂટ્યા.’
‘ઇન્સ્પેક્ટર, તમારા માણસો શું કરતા હતા ત્યારે ?’ જગમોહને રોષથી પરમારને પૂછ્યું.
‘મારા માણસો એનો પીછો કરે એ પહેલાં એ લોકો ફરાર થઈ ગયા, પણ એક બીજી મોટરસાઈકલ પર એક માણસે એ લોકોનો પીછો કર્યો છે. જોકે એ બીજી મોટરસાઈકલ કોની છે એ મને ખબર નથી.’
બીજી મોટરસાઈકલ પર કોણ હશે ? જગમોહને વિચાર્યું. કબીરનો માણસ ?

જગમોહને સેલ કાઢીને કબીરનો ફોન જોડ્યો. રિંગ વાગે એ પહેલાં એક વાર બાબુના શરીરને થપથપાવ્યું. બાબુ તરફડતો હતો. પણ હવે એના તરફડાટમાં પ્રતીકાર નહોતો, સ્વીકૃતિ હતી. કદાચ એ છેલ્લી લડત હારી રહ્યો હતો.
જગમોહનને લાગ્યું કે મોત કોઈ ગુંડાનું હોય તો પણ એ મોત જ છે, એટલું જ ભયાનક, એટલું જ કંપાવનારું, એટલું જ ક્રૂર.
‘કબીર, કોઈ રિપોર્ટ ?’ કબીર સાથે વાતચીત કરતાં પહેલાં જગમોહને કોઈ ભૂમિકા ન બાંધી..
‘મારો માણસ પેલા બેની પાછળ છે. બાબુના શું ખબર ?’ કબીરે પૂછ્યું.
‘હી ઇઝ સિન્કિંગ…બચવાના ચાન્સ બહુ ઓછા..’ જગમોહન ગણગણ્યો.
‘હાઉ સેડ…બાબુ, પાસેથી એ માણસનું નામ કઢાવવાની કોશિશ કરને !’
‘એ જ કરું છું, કબીર.’ જગમોહને જવાબ આપ્યો. એ જ પળે ઇન્સ્પેક્ટર પરમારનો ફોન રણક્યો.

‘યસ ઇન્સ્પેક્ટર પરમાર હિયર..’
સામેથી કોઈએ કંઈ ખબર આપ્યા, જેના જવાબમાં ઇન્સ્પેક્ટર ફક્ત એટલું જ બોલ્યા – ‘ઓહ નો.’
એમની વાતચીત પૂરી થતાં જ બધા ઇન્સ્પેક્ટર પરમાર સામે જોવા લાગ્યાં. બધાની આંખમાં એક જ પ્રશ્ન હતો – ‘શું થયું ?’
ઇન્સ્પેક્ટર પરમારે સેલ ખિસ્સામાં રાખતાં કહ્યું : ‘પેલા બંને ખૂનીની મોટરસાઈકલને એક ટ્રકે ઉડાવી દીધાબંને ઘટનાસ્થળ પર જ માર્યા ગયા !


‘વિક્રમભાઈ, મારે એક વાત કરવી છે.’ કરણે વિક્રમના રૂમમાં પ્રવેશતાં કહ્યું.
‘મારે પણ એક વાત કરવી છે. ઓ. કે. પહેલાં તું શરૂ કર.’ વિક્રમે નાના ભાઈને પહેલાં વાત કરવા કહ્યું . કરણને આશ્ચર્ય થયું, ભાઈને શું વાત કરવી હશે ! કદાચ ભાભીની બીમારી વિશે પૂછવું હશે ?
‘ભાઈ, આપણા ઘેર એક રિવોલ્વર હતી એ તને ખબર છે ?’

વિક્રમ ચોંકી ઊઠ્યો. દૂર ઊભેલી પૂજા પણ પાસે આવી ગઈ. ‘કરણ, શું કહે છે ? રિવોલ્વર અને આપણે ત્યાં ? અને તું ‘રિવોલ્વર હતી’ એમ શા માટે કહે છે ? યુ મીન ટુ સે, પહેલાં હતી અને હવે નથી ?’
‘એક્ઝેક્ટલી, ભાઈ, પહેલાં હતી અને હવે નથી. આઈ મીન, ગઈ કાલે સવાર સુધી હતી – પપ્પાના વોર્ડરોબના ડ્રોઅરમાં. આજે રિવોલ્વર ગાયબ છે. અને…’ કરણ અટકી ગયો.
‘અને… શું કહેવા માગે છે ? કોણે ગાયબ કરી રિવોલ્વર ?’

‘ભાઈ, મમ્મી કહે છે કે તમારા સિવાય વોર્ડરોબને કોઈ અડ્યું નથી.’ બોલીને કરણ નીચું જોઈ ગયો.
‘વ્હોટ ધ હેલ… કરણ, હવે તો મહેરબાની કરીને વહેલી તકે એ રિવોલ્વર તું મને શોધી આપ એટલે હું તને જ પહેલાં ગોળી મારી દઉં.’ પછી હસતાં હસતાં ઉમેર્યું,
‘અરે ગાંડા, હું રિવોલ્વરને લઈને શું કરું? હું તો ડોક્ટર પાસે જતો હતો એટલે પપ્પાનું શર્ટ લેવા વોર્ડરોબ પાસે ગયો હતો. મમ્મીએ મને વોર્ડરોબ પાસે જોયો હશે એટલે બિચારીએ તને કહ્યું હશે. મમ્મી એમ તો કદી ન બોલે કે મેં રિવોલ્વર ચોરી છે.’

ભાઈ પર શંકા કરતાં પહેલાં વિચાર કરવો જોઈએ… કરણને પસ્તાવો થતો હતો.
‘ભાઈ, આઈ એમ સોરી, મારું માથું ફરી ગયું છે. પપ્પાનો ફોન હતો. એમણે એ રિવોલ્વર મંગાવી છે !’

‘ઓહ ગોડ.. કરણ, પપ્પા કોઈ તકલીફમાં…’ પછી પૂજા સામે જોતાં વિક્રમે વાત અધૂરી મૂકી દીધી. હમણાં પૂજા વળે બીજી કોઈ અવળી ભવિષ્યવાણી ઉચ્ચારી દેશે તો બધાં માટે એક નવી ઉપાધિ ખડી થઈ જશે.
પૂજા ચૂપ રહી.

‘મેં પપ્પાને પૂછ્યું પણ એમણે કોઈ સ્પષ્ટતા ન કરી.’ કરણ બોલ્યો.
‘પપ્પા કમાલ છે. હું મોટો દીકરો છું. એમણે પહેલાં મને વાત કરવી જોઈએ.’ વિક્રમને માઠું લાગી ગયું હોય એમ એનો ચહેરો પડી ગયો.
‘ભાઈ, તમે શું કહેવા માગતા હતા ?’ કરણે વાત બદલવાની ચેષ્ટા કરી.

‘હા, એ જ કે આ તારી ભાભી તને કંઈક કહેવા માગે છે !’ વિક્રમે પૂજા સામે જોયું.
‘ભાભી, શું વાત છે ?’ કરણ ચિંતામાં પડી ગયો.

વિક્રમ સામે પૂજાઈ જોયું, જાણે કહેતી હોય કે મને શા માટે ફસાવી, તમે નથી કહી શકતા?
‘ભાભી, બોલોને, તમે જાણો છો તમે મને ગમે તે વાત કહી શકો છો. બાય ધ વે, ડોક્ટરે શું કહ્યું ?’ કરણે ભાઈને પૂછ્યું.
‘ડોક્ટર કહે છે આ સામાન્ય બીમારી છે અને બહુ જલદી ઠીક થઈ જશે.’ વિક્રમે ઉડાઉ જવાબ આપ્યો.

‘ઓકે ગુડ… ભાભી, જોકે ચાલવું એ સ્વાસ્થ્ય માટે સારું છે પણ ઊંઘમાં ચાલવું એ બધાના સ્વાસ્થ્ય માટે ખરાબ છે. એની વે, જસ્ટ કિડિંગ… હવે તમે મને કહો તો તમે શું કહેવા માગો છો ?’ કરણે વાત સાંભળવાની જીદ ચાલુ રાખી.

‘કરણભાઈ, તમારી આ રૂપા છે ને…’ પૂજા આગળ બોલી ન શકી.

કરણના પેટમાં જાણે પતંગિયાં ઊડવા માંડ્યાં. રૂપા જાણે એક છોકરી નહીં, સવારનું છાપું હોય એમ બધાં એની ચર્ચા કરે છે. આપણને ગમતી વ્યક્તિની વાત બીજું કોઈ કરે એ આપણને રૂચે નહીં. આજે કોઈ નહીં અને ભાભીએ વાત શરૂ કરી.
‘શું ભાભી… રૂપાની શું વાત છે ?’
‘કરણ, પૂજા તને કહીં નહીં શકે પણ હકીકત એ છે કે પૂજાનું માનવું છે કે રૂપા તારા-આપણા ઘરને યોગ્ય નથી.’ વિક્રમે ફોડ પાડ્યો.
કરણ અવાક થઈ ગયો.

કોઈ વ્યક્તિ આપણા ઘર માટે લાયક છે કે નહીં એનો નિર્ણય આટલો જલદી કેવી રીતે લઈ શકાય ? કરણે વિચાર્યું. પૂજા ભાભી તો કદી રૂપાને મળ્યાં નથી તો એમના વિશે પોતાનો અભિપ્રાય કેમ બાંધી શકે ?
કરણને ગુસ્સો ચડતો હતો, પણ પૂજા ભાભીને દુ:ખ લાગે એવું કંઈ કહેવું નથી.

‘ભાભી, તમે કયા આધારે કહો છો કે રુપા સારી છોકરી નથી ?’ કરણે પૂછીતો નાખ્યું પણ હવે એને જવાબ સાંભળવામાં રસ નહોતો.

કોઈને પ્રેમ કર્યા બાદ એવી ખબર પડે કે એ વ્યક્તિ યોગ્ય નથી તો શું પ્રેમ ઓછો થઈ જાય ? રૂપા તરફ હવે મારું એક કમિટમેન્ટ છે, મારે એ પૂરું કરવું જ છે
વિક્રમ પણ પૂજા સામે તાકી રહ્યો. એને પણ ખબર નહોતી કે પૂજા કયા આધારે પોતાનો મત દર્શાવતી હતી.

‘કરણભાઈ, રૂપાને તમારામાં રસ જ નથી. એને આપણી મિલકતમાં રસ છે. એને મોટા ઘરની વહુ બનીને માન-મરતબો મેળવવાં છે પણ એ એનો દુરુપયોગ કરશે.’
‘વ્હોટ નોનસેન્સ, ભાભી, એક વ્યક્તિને તમે મળ્યા નથી. એના વિશે તમે આવી વાત કયા આધારે કરો છો ? ઇટ ઇઝ નોટ ફેર, ભાભી!’ કરણ નારાજ થઈને ઊભો થવા ગયો.
‘અરે ભાઈલા, તું આમ અપસેટ નહીં થઈ જા… પહેલાં પૂરી વાત સાંભળી લે.’ કરણનો હાથ પકડીને વિક્રમે એને બેસાડી દીધો. :
‘છેલ્લે તારે રૂપાને જ પરણવાનું છે, કોઈ તને નહીં અટકાવે, પણ પૂજા શું કહેવા માગે છે એ સમજી તો લે…’
કરણ બેસી તો ગયો પણ એણે પૂજાભાભી સામે જોવાનું ટાળ્યું.

‘કરણભાઈ, તમને ખરાબ લાગશે પણ મને ખબર છે કે, રૂપા સારી છોકરી નથી, એટલિસ્ટ તમારે લાયક નથી…’ પૂજાએ આસ્તેથી કરણને સમજાવવાનો પ્રયાસ કર્યો.
‘તમને કેવી રીતે ખબર પડી ? તમે રૂપાને જોઈ છે ?’ કરણ ખિજાઈ ગયો.

પ્રેમમાં પડેલા માણસો પોતાના પ્રિય પાત્ર વિશે કોઈ ઘસાતું બોલે એ સાંભળી ન શકે. પ્રેમને આંખ ન હોય એ સાંભળ્યું હતું, પણ દિમાગ પણ ન હોય એ નહોતી ખબર. વિક્રમ વિચારીને હસતો હતો.
‘કરણભાઈ, હું રૂપાને મળી નથી પણ…’
‘શું પણ… કોઈને મળ્યાં નથી એને એના વિષે અભિપ્રાય બાંધી લ્યો ?!’ કરણ હવે વાત કરવાના મૂડમાં નહોતો.

‘કરણભાઈ, સાંભળો. રૂપાને ફિલ્મલાઇનમાં જવાનો જબરજસ્ત શોખ છે. એ બાહ્ય ઝાકઝમાળથી ખૂબ જ અંજાઈ જાય છે. એને રાતોરાત પ્રસિદ્ધિ જોઈએ છે. એને મોડેલ – એક સફળ મોડેલ બનવું છે અને છોકરાઓ સાથે હરવુંફરવું ખૂબ જ ગમે છે.’
કરણ સ્તબ્ધ થઈ ગયો. ભાભીને રુપની મોડેલિંગ અને ફિલ્મલાઇન વિશે કેવી રીતે ખબર પડી ? પૂજાભાભીએ જરૂર રૂપા પાછળ કોઈ જાસૂસ મૂક્યા હશે. કરણ ચૂપ રહ્યો.
‘કરણભાઈ, રૂપાનો એક મિત્ર છે. એ બંનેએ મળીને તમારી પાસે રૂપિયા પડાવવાનો પ્લાન બનાવ્યો છે.’
વ્હોટ ?! ? રૂપા એવી છોકરી નથી. એ મને પ્રેમ કરે છે.’ કરણે બચાવ તો કર્યો પણ એનો અવાજ ઢીલો પડી ગયો હતો.

‘એ તો પ્રેમ કરે જને ? ! તારી પાસે રૂપિયા ઓકાવવા હોય તો તારો ખ્યાલ તો રાખવો જ પડે ને !’ વિક્રમ બોલી ઊઠ્યો. કરણ કંઈ બોલ્યો નહીં.
‘કરણભાઈ, પેલા મિત્રનું નામ નથી જાણવું તમારે?’ પૂજાએ પૂછ્યું.

‘ભાભી, તમે રૂપા પાછળ ડિટેક્ટિવ છોડીને સારું કામ નથી કર્યું.’ કરણ નીચું જોઈને બોલ્યો.

‘અરે ગાંડા, આ તારી ભાભી હવે ડિટેક્ટિવ શોધવા જાય ? એની પાસે એ જ કામ બાકી રહી ગયું છે ?’
કરણની પીઠ પર વિક્રમે ધબ્બો માર્યો. પૂજા હસી પડી :
‘અરે, કરણભાઈ, હું તમને, તમારા પ્રિયજન પાછળ જાસૂસ છોડું એવી લાગું છું?’
પૂજા સામે કરણ આંખ મિલાવી ન શક્યો. થોડી પળ મૌન છવાઈ રહ્યું. જોકે એનું મન પૂજાની વાત માનવાનું ઇન્કાર કરતું હતું, રૂપા આવી છોકરી ન હોય..
‘કરણભાઈ, એ મિત્રનું નામ છે…
કરણે તરત જ પૂજા સામે જોયું, પૂજાભાભી કોનું નામ દેશે ?


‘ઇરફાન, હવે તારી પાસે કોઈ રસ્તો બચ્યો નથી.’ ઇરફાન પાસે આવતાં ઇન્સ્પેક્ટર પરમારે કહ્યું.

ઇરફાન જાણતો હતો કે હવે એને પોલીસને શરણે થઈ જવું પડશે. બાબુને ગોળી વાગ્યા બાદ ઇરફાન ઢીલો પડી ચૂક્યો હતો.
‘હાં, સાબ, આપકે સાથ રહેંગે તો સલામત તો રહેંગે.’ ઈન્સ્પેક્ટરે એના માણસને ઇરફાનને લઈ જવા ઇશારો કર્યો. જતાં જતાં ઇરફાને એક ધારદાર નજર જગમોહન તરફ ફેંકી:
‘શેઠ, યહ અપની આખરી મુલાકાત નહીં હૈ…’
જગમોહન કંઈ બોલ્યો નહીં. છેલ્લે ગમે તેવી વલે થાય પણ આ ટપોરીઓ શેખી મારવાનું ચૂકતા નથી. બાબુને આ સ્થિતિમાં પડેલો જોઈને પણ એને ડર નથી લાગતો.
ઇરફાનને પોલીસ લઈ ગયા બાદ જગમોહને ડોક્ટર પટેલને કહ્યું,

ડોક્ટર, મને લાગે છે કે આ રીતે સમય બગાડીને ફાયદો નથી. આપણે એમ્બ્યુલન્સ બોલાવીએ. બાબુને અહીંથી ખસેડીએ. બની શકે કે બાબુ જીવી જાય. એટલિસ્ટ, એ થોડા કલાકો પણ ખેંચી કાઢશે તો મને જોઈતી ઇન્ફોર્મેશન મળી જશે.’
‘ઓકે… પણ મને બહુ આશા નથી. લોહી બહુ જ વહી ચૂક્યું છે.’
ઇરફાનને નીચે પોલીસ જીપમાં રવાના કરીને ઇન્સ્પેક્ટર પરમાર પાછા આવી ગયા.

‘બાપરે, આ ઘરમાં તો હજી ઘણું કામ બાકી છે. એક માણસને જીવતો ગિરફતાર કર્યો, બીજો દમ તોડે છે અને ત્રીજો ક્યારનો મરી ચૂક્યો છે’ એણે બબલુની લાશ સામે જોઈને કહ્યું.
ગાયત્રી થથરી ગઈ : આ બધા જશે પછી એ આ ઘરમાં એકલી રહી શકશે?

‘ઇન્સ્પેક્ટર, તમે પોલીસ એમ્બ્યુલન્સ બોલાવો. આપણે આ માણસને અહીંથી હોસ્પિટલ લઈ જઈએ.’ જગમોહને ઇન્સ્પેક્ટરને સૂચના આપી.
ત્યારે બાબુએ હાથ ઊંચો કરીને ના પાડી અને જગમોહનને પાસે આવવા કહ્યું. બાબુએ હાથ ઊંચો કર્યો કે જગમોહન એની પાસે જઈને બેસી ગયો.
‘પરમાર, બાબુ કંઈક કહેવા માગે છે ?’ પરમારે માથું હલાવ્યું.

‘બાબુ, અમે તને હોસ્પિટલ લઈ જઈએ છીએ. બની શકે કે તું બચી જા.’ જગમોહન બોલ્યો.
બાબુએ નકારમાં માથું ધુણાવ્યું.
‘શેઠ…’ બાબુના હોઠમાંથી પીડાકારક અસ્પષ્ટ અવાજ નીકળ્યો.

‘યસ… યસ… બાબુ, તું નામ બોલ… જો હવે તું પણ જાણે છે કે તારી પાસે વધુ સમય નથી. એક સારું કામ કરતો જા.’ જગમોહન બોલ્યો.
બાબુએ હકારમાં માથું હલાવ્યું.
જગમોહન એના કાન બાબુના હોઠ સુધી લઈ ગયો. બાબુ બોલવાની કોશિશ કરતો હતો.
એક હાથ છાતી પર દબાવીને એણે મોઢું ખોલ્યું.. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button