તરોતાઝા

વેર- વિખેર -પ્રકરણ ૩૫

કેટલીક વાર મૃત્યુનો ડર હટી જાય તો કેવી હિંમત આવી જતી હોય છે અને એક વાર હિંમત ખૂલી જાય ત્યારે કેટલા બધા રસ્તા ખૂલી જતા હોય છે…!

કિરણ રાયવડેરા

‘પરણીશ તો રુપાને ..અમારી વચ્ચે આવનારને હું કદી માફ નહીં કરઉં!’ એમ કહીને કરણ મમ્મીના રુમમાંથી સડસડાટ બહાર નીકળી ગયો હતો.

પોતે રુપાને ચાહતો હતો,પણ મમ્મી કહેતી હતી:
‘મારી વાત જવા દે,ખુદ તારા પપ્પા આ સંબંથ નહીં સ્વિકારે…’ એ વાતને લઈને કરણને એની મમ્મી સાથે ગરમાગર્મી થઈ ગઈ હતી.

ધૂંધવાયેલો કરણ વિચારતો હતો: પોતે આવ્યો હતો રિવોલ્વર શોધવા. રિવોલ્વર તો ગાયબ હતી, પણ કોણ જાણે કેમ એવું લાગતું હતું કોઈએ એને ગોળીથી વીંધી નાંખ્યો છે. માથું ગુસ્સાથી ધમધમ થતું હતું. એક વાર તો ઈચ્છા થઈ આવી કે પપ્પાને ફોન કરીને કહી દે કે તમારે અમારા સંબંધને સ્વીકારવો પડશે.

એણે મોબાઈલ કાઢ્યો.:
‘પપ્પા…’


કરણને આટલી વાર કેમ લાગી? જગમોહન વિચારતો હતો. ગાયત્રીના મકાનની સીડી ઊતરતી વખતે એણે કરણને ફોન કરીને ડ્રોઅરમાં પડેલી એની રિવોલ્વરને લઈ લેવા કહ્યું હતું. ફોન કર્યા બાદ જગમોહન બહાર ફૂટપાથ પર આવ્યો. આજુબાજુ એક નજર આજુબાજુ ફેંકતાં જ ખ્યાલ આવી ગયો કે લગભગ ચારેક શંકાસ્પદ માણસો મકાન પર અને એની હિલચાલ પર નજર રાખી રહ્યા છે.

જગમોહન ડાબી બાજુ ચાલવા માંડ્યો. હમણાં જો કરણનો ફોન આવી જશે તો આ લોકોને શંકા જશે કે એ કોઈ પ્લાન ઘડી રહ્યો છે. એ ગાયત્રીના મકાનથી દૂર જવા માંગતો હતો. એણે ત્રાંસી આંખે જોયું કે બે માણસો એની પાછળ પાછળ આવી રહ્યા હતા.

બિચારી ગાયત્રી,એ નિર્દોષ છોકરી તો કારણ વિના બૂરી ફસાઈ ચૂકી છે.

જગમોહનને બે દિવસ પહેલાંની ઘટના યાદ આવી ગઈ જ્યારે એ આત્મહત્યા કરવાનો નિર્ણય લઈ રહ્યો હતો.

હજી પરમ દિવસે રાતના તો એ સ્યૂસાઈડ નોટ લખી રહ્યો હતો. એના ઘરના લોકો કેટલા બેદરકાર છે કે હજી સુધી એમના હાથમાં
મારી ડાયરી આવી નથી કે પછી એને વાંચવાની તસ્દી સુધ્ધાં નથી લીધી.

આખી રાતના ઉજાગરા બાદ એ આપઘાત કરવા મેટ્રો સ્ટેશન આવ્યો હતો અને પછી… ગાયત્રીએ તો એને બચાવી લીધો.

પણ એ ખુદ ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ, વગર વાંકે. આ બે દિવસમાં કેટલું બધું ઘટી ગયું, હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, કિડનેપિંગ, પોલીસ, ગાયત્રીનું ઘર, બબલુ, રિવોલ્વર…
જગમોહન અટકી ગયો. રિવોલ્વર યાદ આવતાં જ એને કરણ યાદ આવી ગયો.: કરણે કેમ ફોન ન કર્યો!

શું પ્રભાને ખબર પડી ગઈ હશે?

એક વાર એના હાથમાં રિવોલ્વર આવી જાય તો ફરી એક વાર હિંમત દેખાડવાની તક મળી જશે.
એ જ પળે જગમોહનનો સેલ ફોન રણક્યો.

‘પપ્પા’ સામે છેડે કરણનો અવાજ સંભળાયો.

‘બોલ, કરણ, કેમ વાર લાગી? હું તો ડરી ગયો હતો કે શું થયું, તને રિવોલ્વર ન મળી!

‘પપ્પા’ કરણ આગળ બોલી ન શક્યો.

‘શું થયું કરણ? ડોન્ટ વેસ્ટ માય ટાઈમ. મારી પાસે ખૂબ જ ઓછો સમય છે ’
‘પપ્પા, તમારા ખાનામાં રિવોલ્વર નહોતી. લાગે છે કે કોઈએ ત્યાંથી લઈ લીધી છે જગમોહન ચોંકી ઊઠ્યો. રિવોલ્વર એના ડ્રોઅરમાં છે એ વાત ફક્ત પ્રભા અને જગમોહન ખુદ જાણતાં હતાં. તો પછી કોણે ગાયબ કરી પ્રભાએ? પણ પ્રભા રિવોલ્વરનુળ શું કરે?
હવે?
‘કરણ, ઘરમાં કોઈ આવ્યું છે? આઈ મીન, બે દિવસમાં કોઈ બહારનું આવ્યું છે?

‘ના પપ્પા, કોઈ આવ્યું નથી પછી અચાનક યાદ આવતાં એ બોલી ઊઠ્યો: ‘અરે, વફફખ. રેવતી અને જતીનકુમાર આપણે ત્યાં રહેવા આવ્યાં છે. પપ્પા, તમે જલદી આવોને, આ બનેવીલાલ તો લોહી પી જાય છે.’ કરણે ફરિયાદ કરવા માંડી.

‘જગમોહન વિચારવા લાગ્યો. જતીનકુમાર અને રેવતી રહેવા શું કામ આવ્યાં હશે? જરૂર પ્રભાએ આગ્રહ કરીને એમને રોકી લીધાં હશે, પણ આ પાગલ જમાઈનું ભલું પૂછવું. ચિત્તભ્રમ થઈને રિવોલ્વર સેરવી લીધી હોય તો…’

‘પપ્પા, હવે શું કરશો?’ કરણ ચિંતિત સ્વરે પૂછી રહ્યો હતો.

‘કંઈ નહીં કરણ, યુ ડોન્ટ વરી, હું આવીને કોઈ રસ્તો કાઢીશ. સમય મળે તો એક વાર ફરી વોર્ડરોબમાં ચેક કરજે. મેં કાલે સવારના જ ત્યાં ગનને જોઈ હતી. આડીઅવળી થવાનો સવાલ જ નથી, સિવાય કે કોઈએ એને ગાયબ કરી હોય… એની વે, હું તને પછી ફોન કરીશ.’
એને યાદ આવ્યુ: અત્યારી તો ગાયત્રીને
બચાવવાની છે. અત્યારે શિંદે તેમ જ ડોક્ટર પટેલને છોડાવવાના છે.

પાછળ કોઈ ફોલો નથી કરતું એની ખાતરી કરી લીધા બાદ જગમોહને સેલ પર નંબર જોડ્યો.

‘કબીર, ફસાઈ ગયો છું, કોઈ રસ્તો કાઢ.’
‘હું જાણું છું, જગ્ગે, તારી રિવોલ્વર ચોરાઈ ગઈ છે એ પણ મને ખબર છે.’
જગમોહન અવાક થઈ ગયો. કબીર, પૂણેમાં બેઠાં બેઠાં કેવી રીતે બે મિનિટ પહેલાં થયેલી વાતચીતની રજેરજની માહિતી રાખે છે.

‘જગ્ગે, આશ્ચર્ય પામવાની જરૂર નથી. જેમ બબલુના માણસો તારી આજુબાજુ મંડરાઈ રહ્યા છે તેમ મારા માણસો પણ તારી આસપાસ જ છે. ઈનફેક્ટ, હું એ જ વિચારું છું કે હવે આ મુશ્કેલીમાંથી કેવી રીતે રસ્તો કાઢવો? પેલો બબલુ એટલો ભયંકર છે કે ઈરફાન અને બાબુને નહીં જુએ તો એ બર્બર થઈ જશે. બની શકે તને પાઠ ભણાવવા એ એકાદને પતાવી પણ દે!

જગમોહન ધ્રૂજી ઊઠ્યો. એ ગાયત્રીને મારી નાખવાની ચેષ્ટા કરે તો ? જગમોહન આગળ વિચારી ન શક્યો.

‘જગ્ગે, બબલુ શું કરી શકશે એ વિચારવાને બદલે તું શું કરી શકે છે એના વિશે વિચાર કબીર સાચું કહેતો હતો.

‘જગ્ગે, એક આઈડિયા છે.’ કબીરના અવાજમાં ઉત્સાહ ભળ્યો હતો.

જગમોહન ટટ્ટાર થઈ ગયો. જગમોહનનો તોડ સટીક જ હશે એવી એને ખાતરી હતી.

‘જગ્ગે, આજે કોર્ટ બંધ છે એટલે ઈરફાન અને બાબુ હજી પોલીસ લોક-અપમાં જ છે. જો, તું ઈન્સ્પેક્ટર પરમાર અને એના સિનિયર ઑફિસર-ઈન-ચાર્જને સમજાવી શકે તો એ બંનેને એકાદ કલાક માટે ગાયત્રીના ઘરે લઈ આવ !’

જગમોહન બોલવા જતો હતો: આર યુ મેડ- તારું માથું ખરાબ છે ?! ’

જોકે, એ જાણતો હતો કે કબીર કદી વગર વિચાર્યે બોલતો નથી એટલે એ ચૂપ રહ્યો.

‘જગ્ગે, તું સમજે છે એટલો ઈમ્પોસિબલ આઈડિયા નથી. આજકાલ ઘણા અપરાધીઓ આખા દિવસ દરમિયાન લોક-અપની કે જેલની બહાર આંટા મારે અને રાત પડે કે ડાહ્યાડમરા થઈને પાછા ફરી જાય એ વિશે વાંચ્યું જ હશે. ઘણા તો પોતાની જગ્યાએ કોઈ ડમીને બેસાડીને ૬-૭ દિવસ સુધી બહારની દુનિયામાં લટાર મારી આવે છે ’
જગમોહન કહેવા જતો હતો કે પોલીસ ખાતામાં ચાલતા ભ્રષ્ટાચારને લીધે જ આ શક્ય બને છે, પણ અત્યારે કબીરને હર્ટ કરીને કોઈ ફાયદો નથી.

‘જગ્ગે, આજે પહેલી વાર પોલીસનો ભ્રષ્ટાચાર તારા કામમાં આવશે. બની શકે કે ઈન્સ્પેક્ટર પરમાર તારી મદદ કરવા રાજી થઈ જાય.’
‘માની લે કે હું બાબુ અને ઈરફાનને ગાયત્રીના ઘરે લઈ પણ આવું, પણ પછી શું? એ ત્રણેય તો ત્યાંથી છટકી જશે. ઈન્સ્પેક્ટર પરમાર તો સસ્પેન્ડ થશે અને પોલીસ અને છાપાવાળા આપણી પાછળ પડી જશે એ લટકામાં…
‘જગ્ગે, એક વાર તું બાબુ અને ઈરફાનને ગાયત્રીને ત્યાં પહોંચાડ પછી બધું મારા પર મૂકી દે.’
જગમોહન વધુ દલીલ કરે એ પહેલાં કબીરે લાઈન કટ કરી ગજબ છે આ માણસ… પૂરી વાત સમજાવતો પણ નથી કે એ શું કરવા ધારે છે! ખેર, એ એની સ્ટાઈલ છે.
કબીર જે બોલે છે એ કરીને બતાવે છે. હજુ સુધી એ ફેઈલ થયો નથી. તો હવે ઑપરેશન બાબુ-ઈરફાન’ શરૂ થશે. જગમોહને ઈન્સ્પેક્ટર પરમારનો ફોન જોડ્યો.


શિંદેને ખબર ન પડી એને ઊંઘ આવી ગઈ. એનો દુખાવો ઓછો કરવા ડોક્ટરે એને ઘેનનું ઈન્જેક્શન આપ્યું હતું. આંખ ઊઘડી ત્યારે એને અચાનક ભાન થયું કે એ ગાયત્રીના ઘરમાં બંદી થઈને પડ્યો હતો. દુખાવો ઓછો હતો પણ અશક્તિ જણાતી હતી.

ડોક્ટર પટેલ એમની પડખે જ બેઠા હતા.

‘હવે કેમ લાગે છે?’ ડોક્ટરે મૃદુતાથી પૂછ્યું.

‘બેટર’ શિંદે બોલવા ગયો પણ અવાજ ગળામાંથી નીકળ્યો નહીં. એને થાક લાગતો હતો.

ગાયત્રી બારી પાસે ઊભી હતી. કદાચ એ જગમોહન દીવાનની રાહ જોતી હતી.

શિંદેએ બબલુને શોધવા રુમમાં નજર દોડાવી, બબલુ બારણા પાસે ઊભો હતો. એની હાથમાં રિવોલ્વર હતી અને ચહેરા પર વ્યગ્રતા છવાયેલી હતી.

શિંદેએ પડખું ફેરવવાની કોશિશ કરી પણ દુખાવો થતાં ફરી સીધો સૂઈ ગયો. એને અચાનક ખ્યાલ આવ્યો કે પડખું ફેરવવા જતાં ખિસ્સામાંથી એક વસ્તુ બહાર સરી પડી.

શિંદેએ એ વસ્તુ પર હાથ ફેરવ્યો. એની આંગળીઓને મેટલની વસ્તુનો ઠંડો સ્પર્શ થયો. ઈન્સ્પેક્ટર શિંદેના ચહેરા પર સ્મિત ફરી વળ્યું.એ રિવોલ્વર હતી. ઈન્સ્પેક્ટર શિંદેની સર્વિસ રિવોલ્વર તો એના ખિસ્સામાં જ હતી. એને ગોળી વાગી પછી એ પોતાના હથિયારને જ ભૂલી ગયો હતો. શિંદેએ આસ્તેથી નીચે સરકી ગયેલી ગનને ફરી ખિસ્સામાં સેરવી દીધી.

‘હાશ…! એના મોઢામાંથી હાશકારો નીકળી ગયો. હવે ગાયત્રીને બચાવી શકાશે. હાથમાં હથિયાર સલામત છે તો પછી બીજું બધું સંભાલી લેવાશે.
એણે જોયું બબલુ એની તરફ આવતો હતો.

‘કેમ ઈન્સ્પેક્ટર, બહુ જ છટપટાય છે? કોઈ તકલીફ છે? ’ બબલુએ કરડાઈથી પૂછ્યું.
‘ના, થોડો દુખાવો છે એટલે.. ’ બોલીને શિંદેએ આંખ મીંચી દીધી.

‘મારો આભાર માન કે મેં એ ગોળી તારા પેટમાં ન દાગી. મારું નિશાન સચોટ છે. મારે તો ફક્ત ઘાયલ કરવો હતો, જેથા તારા પેલા બોસ કબીરને ભાન થઈ જાય કે હું કોણ છું?’
ઓહ, તો બબલુ અમારા કબીર સરને પણ ઓળખે છે.

‘તને શું લાગે છે બબલુ, જગમોહન દીવાન તારા માણસોને છોડાવી શકશે?’ શિંદે ઈરાદાપૂર્વક બબલુને વાતચીતમાં વ્યસ્ત રાખવા માંગતો હતો. ગુનેગાર વાતચીતમાં વ્યસ્ત હોય ત્યાં સુધી એનું દિમાગ પ્લાન ન ઘડી શકે.

‘જો મારા માણસો નહીં છૂટે તો જગમોહનના માણસો પણ નહીં છૂટે. બાબુ અને ઈરફાન તો કદાચ થોડા મહિના કે વરસો બાદ જેલમાંથી છૂટી પણ જાય. પણ તમને લોકોને તો ચિરવિદાય લેવી પડશે.!
બબલુની વાતમાં કોઈ અતિશયોક્તિ નહોતી. એ જે બોલે છે એ કરી બતાવશે એ રુમમાં હાજર રહેલાં બધા જાણતા હતા.

‘પણ તમે લોકો ચિંતા નહીં કરતા. હું સૌ પહેલાં તો આ છોકરીને મારીશ, જેથી જગમોહનને ખબર પડશે કે બબલુનું નુકસાન કરનારની શું વલે થાય છે’ બોલતો બોલતો ગાયત્રી તરફ આગળ વધ્યો.
‘કેમ છોકરી, તારા બુઢ્ઢા આશિકની રાહ જોઈ રહી છો?’

ગાયત્રીએ કંઈ જવાબ ન આપ્યો.
‘બબલુ, તું મોં સંભા..!

‘ઓહ, તો તુમ ભી મજનૂ બનના ચાહતે હો… હા, કેમ નહીં, તું તો યંગ છો, દેખાવડો પણ છો બબલુ ત્ત્વરાથી શિંદે તરફ ધસી આવ્યો.
‘અરે, તમે લોકો મહેરબાની કરીને ઝઘડા નહીં કરો. જગમોહન હમણાં આવતા જ હશે’ ડોક્ટર વચ્ચે પડ્યા.

‘ડોક્ટર, તમે વચ્ચે નહીં પડો, નહીંતર તમે નકામા કુટાઈ જશો.’ કહીને બબલુએ ડોક્ટરને હાથ પકડીને બેસાડી દીધા અને પછી શિંદે તરફ ફર્યો :
‘ક્યા, મજનૂ કી ઔલાદ, મુંબઈ સે ક્યોં આયે હો? જગમોહનને બચાવવા કે પછી આ હીરોઈનને મેળવવા?’
‘શટ અપ બબલુ, તારામાં તમીઝ નથી બોલવાની!

‘ઓહ, તો હવે મારે તારી પાસેથી આ બધું શીખવું પડશે? તારી તો.’ કહીને શિંદેની કમરમાં બબલુ એ લાત ફટકારી. બુલેટ્ના જખમ પર જ બબલુની લાત લાગતાં શિંદે બેવડ વળી ગયો. એ દરમિયાન શિંદેની રિવોલ્વર ખિસ્સામાંથી બહાર સરકી ગઈ. બબલુની નજર શિંદેની રિવોલ્વર પર પડી ચૂકી હતી. શિંદેએ પણ જોયું કે બબલુ એની રિવોલ્વરને જોઈ ચૂક્યો હતો.
બબલુએ ગન પર તરાપ મારી, પણ એ પહેલાં શિંદેએ એની હથેળી વડે ફર્શ પર પડેલી રિવોલ્વરને ઢાંકી દીધી.

બબલુએ એનઓ હાથ જકડી રાખ્યો અને બીજા હાથથી શિંદેના ઘાવ પર પ્રહાર કરવા લાગ્યો.
બબલુ એના હાથમાંથી ગન ખેંચી લેવા મરણિયો બન્યો હતો.

એ બન્નેની ઝ્પાઝપી જોઈને ડોક્ટર પટેલ અને ગાયત્રી બંનેને સમજાતું નહોતું કે હવે શું કરવું.


‘ઈન્સ્પેક્ટર પરમાર? ’
જગમોહને ફોનમાં પૂછ્યું. :
ત્યાં બધુ બરાબર છે ને ?
‘અરે, શું ખાક બરાબર છે? સાહેબ, હું તમને જ ફોન કરવા જતો હતો ત્યાં તમારો ફોન આવ્યોસાહેબ, સમાચાર સારા નથી જગમોહનને ફાળ પડી: હવે શું થયું ?
‘જગમોહન સર ,હવે તમે સંભાળજો. બાબુ અને ઈરફાન અમારા પોલીસ લોક-અપમાંથી ભાગી ચૂક્યા છે.!’


જગમોહને ગાયત્રીના ઘરની જગમોહને કોલબેલ દબાવી.
ઈરફાન અને બાબુ લોક-અપમાંથી ભાગી ચૂક્યા છે એ રીતે જુવો તો બબલુનું કામ તો થઈ ગયું હતું. કોલબેલના જવાબમાં દરવાજો ન ખૂલ્યો . જગમોહને ફરી કોલબેલ દબાવી : કોઈ દરવાજો કેમ નથી ખોલતું?

ત્યાં ગાયત્રીએ બારણું ખોલ્યું.
રુમમાં દાખલ થયીલ જગમોહને જોયું તો બબલુ પર ડોક્ટર પટેલ ઝૂકીને શું કરી રહ્યા છે બબલુ કેમ ચત્તોપાટ પડ્યો છે?
જગમોહનને પ્રશ્ર્નાર્થ નજર સાથે ડોકટરને પૂછ્યું: ‘શું થયું ?’
જગમોહન તરફ ડોકટરે ફરીને કહ્યું :
‘જગમોહન, બબલુ ઈઝ ડેડ બબલુ મરી ગયો!’
(ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…