વેર- વિખેર -પ્રકરણ ૨૯
આ જતીનકુમાર કયા ભાગની વાત કરે છે, રેવતી? સાચું પૂછ તો એમના હાથમાં એક ફૂટી કોડી પણ અપાય તેમ નથી…
કિરણ રાયવડેરા
આજે તો રૂપાને હિંમત કરીને કહી જ દેવું છે…!
કરણ વિચારતો હતો. કેટલા મહિનાઓથી પ્લાન બનાવ્યો હતો કે રૂપાનો હાથ પકડીને એ કહી દે કે ‘રૂપા આઈ લવ યુ…’ પણ કાં તો યોગ્ય તક ન મળે અને જ્યારે મળે ત્યારે હાથ પગ પાણી પાણી થવા માંડે. મોઢામાંથી ત… ત… ત… પ… જેવા અસ્પષ્ટ શબ્દો નીકળે અને છેવટે એ હિંમત હારી જાય.
કરણને ડર હતો કે એ રૂપાની સામે પ્રેમનો એકરાર નહીં કરે તો બીજું કોઈ એનો હાથ પકડીને લઈ જશે.
જોકે, મા-બાપનો રોજનો કંકાસ જોઈને તો એને થતું કે લાઈફ પાર્ટનર તો પૂરી ચકાસીને પસંદ કરવી જોઈએ. એના મનમાં જે જીવનસાથીની છાયા હતી, જે કલ્પના હતી એમાં રૂપા ફીટ બેસતી હતી. દેખાવડી, બુદ્ધિશાળી, વિવેકી અને આછકલાઈનો અણસાર સુધ્ધાં નહીં.
અત્યાર સુધી રૂપાને ખ્યાલ નહીં આવ્યો હોય કે એ એના ગળાડૂબ પ્રેમમાં છે? રૂપા પણ કેવી હસીહસીને, હાથ પકડીને એની સાથે વાતો કરે છે! શક્ય છે કે એ પણ એને ચાહતી હોય.
જો કે કૈલાસ ઘણી વાર કહેતો – બધી છોકરીઓ હસીહસીને જ વાત કરતી હોય, એવું જ લાગે જાણે એ આપણા વિના જિંદગી જીવી જ ન શકે. અને એક વાર એટલું જ હસતાં હસતાં પોતાના લગ્નની કંકોત્રી આપણા હાથમાં પકડાવી દે !
કરણ ધ્રૂજી ઊઠયો.
રૂપાને ખોવા એ તૈયાર નહોતો.એના પપ્પા માને કે ન માને, રૂપા વિના કરણ જીવી નહીં શકે.
કરણને ખબર પણ ન પડી કે એની કાર ક્યારે સેન્ટ ઝેવિયર્સ કોલેજની સામે આવીને ઊભી રહી ગઈ. એમાંથી ઊતરી એણે ડ્રાઈવરને કાર પાછી લઈ જવાનું કહીને એ કોલેજના મુખ્ય દ્વારમાં દાખલ થયો.
જમણી બાજુ સીડી પર જ રૂપા ચાર-પાંચ મિત્રો સાથે ઊભી હતી. કૈલાસ પણ સાથે જોડાયો હતો. બધાં કૈલાસની કોઈ જોક પર હસી રહ્યાં હતાં. રૂપા પણ ખડખડાટ હસી રહી હતી.
કરણના હૃદયમાં શૂળ ભોંકાતી હોય એવી પીડા થઈ. આપણને ચાહનારી વ્યક્તિ ફક્ત આપણી સાથે હસી કે રડી શકે એવી માલિકી ભાવના એના મનમાં ઉદ્ભવ્યો..
‘હાય, રૂપા…’ કરણે ગ્રુપમાં જોડાઈને પહેલા રૂપા સામે અને પછી બધા સામે સ્મિત કર્યું. ‘હાય એવરી બડી, શું વાત છે? સવાર સવારના કઈ વાત પર આટલું હસી રહ્યા છો? મેં કાઈ મિસ કર્યું?’ કરણે હસતાં હસતાં પૂછ્યું.
બધાં અચાનક ચૂપ થઈ ગયાં. રૂપા ફક્ત ક્ષીણ અવાજમાં બોલી – ‘હાય, કરણ.’
કરણને લાગ્યું કે કૈલાસ આંખના ઈશારાથી બધાને ચૂપ રહેવા કહી રહ્યો હતો. શું વાત હશે? કરણને ધ્રાસ્કો પડ્યો.
‘અરે, મને જોઈને જાણે કોઈ ભૂત જોયું હો્યા એવા ચહેરા કેમ થઈ ગયા બધાંના? વ્હોટ ઈઝ ધ મેટર…. ટેલ… મી!’
‘નથીંગ, યાર, આ વિકી પેલા પ્રોફેસર કાપડિયાની નકલ કરી રહ્યો હતો એટલે બધાં હસતાં હસતાં હતાં.’ કૈલાસે ખુલાસો કર્યો પણ કરણના ગળે વાત ઊતરી નહીં.
રૂપા સામે જોયું કરણેરૂપાએ મોઢું ફેરવી લીધું. સમથીંગ ઈઝ રોંગ…’ કરણે વિચાર્યું.
‘નાઉ… ટેલ મી યુ ગાઈઝ, તમે બધા ખૂબ જ પુઅર એક્ટર છોતમારા ચહેરા પરથી સમજાઈ જાય છે કે તમે મારાથી કંઈક છુપાવી રહ્યા છો…’ કરણે મિત્રોને ઉશ્કેર્યા.
વિકીથી રહેવાયું નહીં :
‘કરણ, અમે ભલે પુઅર એક્ટર હોઈએ પણ તારા તો ઘરમાં જ ફિલ્મ પ્રોડ્યુસર છે એટલે તને તો ફિલ્મમાં લીડ રોલ મળતાં રહેશે.’
‘વ્હોટ ધ હેલ આર યુ ટોકિંગ અબાઉટ?’ કરણે ગુસ્સા પર કંટ્રોલ કરવાની કોશિશ કરી પણ એના અવાજની બધા પર અસર થઈ.
‘ગુસ્સે થવાની જરૂર નથી…’ કૈલાસે બાજી હાથમાં લઈ લેતા ઉમેર્યું :
‘હું આ લોકોને જણાવતો હતો કે તારા જીજાજી એક ફિલ્મ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. એટલું જ નહીં, એમને એ ફિલ્મ માટે ફાઈનાન્સ તો મારા પપ્પાએ કરી આપ્યું છે. પણ હીરો- હીરોઈન તરીકે તારું અને રૂપાનું નામ સજેસ્ટ કર્યું છે. તારે તો ઘર બેઠે ગંગા છે. કરણ. હવે તારા જીજાજી રૂપાને મળવા માગે છે. એમનું ઓડિશન લેવા માગે છે એટલે અમે બધાં ભેગા મળીને રૂપાને ચીડવતાં હતાં.‘ કૈલાસે સ્પષ્ટતા કરી.
‘વ્હોટ રબ્બીશ…’ રૂપા ચિલ્લાઈ ઊઠી:
‘કરણ, તારા જીજાજીને કહી દેજે કે મને હીરોઈન બનવાનો કોઈ શોખ નથી. તારે હીરો બનવું હોય તો ગો અહેડ.’ કહીને પગ પછાડતી રૂપા ત્યાંથી ચાલી ગઈ.
‘અરે,રૂપા…. સાંભળ… રૂપા… મેં તો કંઈ કર્યું નથી, તો મારા પર નારાજ શા માટે?’ કહેતો રૂપાની પાછળ દોડ્યો કરણ, પણ પછી કોલેજના પ્રાંગણમાં તમાશો થઈ જશે એમ વિચારીને એ સહેજ આગળ જઈને થોહી ગયો.
એ રૂપાને કોલેજના મકાનમાં પ્રવેશતા જોઈ રહ્યો. એણે પાછળ જોયું. કોઈ હસતામ હસતાં કહી રહ્યું હતું: ’અરે, કરણ તો હીરો બનવાનો છે, પણ રૂપા એને વિલન સમજી રહી છે !’
કરણે હાથ મસળ્યા. ધારત તો એ બોલનારના મોઢા પર બે તમાચા ઝીંકી દે, પણ એમ કરવા જતાં કોલેજમાં એની અને રૂપાની બદનામી થવાનો ભય રહે.
કરણ પરવશ થઈને નીચેનો હોઠ કરડતો રહ્યો.
એને બે વાતનો આઘાત લાગ્યો હતો: રૂપાને હવે ‘આઈ લવ યુ’ નહીં કહી શકાય, હવે વાત થોડા દિવસ પાછળ ઠેલાઈ ગઈ.
બીજું, એના જીજાજી જતીનકુમારનો પડછાયો હવે એના અંગત જીવન પર પડી રહ્યો હતો.
રૂપાને એ ‘આઈ લવ યુ‘ નથી કહી શકતો.
જતીનકુમારને એ ‘આઈ હેટ યુ’ નથી કહી શકતો.
જગમોહન ક્યારે આવશે!
પ્રભાને હવે ઊંડે ઊંડે ડર લાગતો હતો. રહી રહીને એને જતીનકુમારનો ચહેરો યાદ આવતો હતો. જમાઈનો અવાજ હજી એના કાનમાં પડઘાતો હતો:
‘તમે મને મારો હિસ્સો આપી દો એટલે મારે વારંવાર બીજા પાસે બિઝનેસ લોન લેવી ન પડે.’
જમાઈ કયા હકની વાત કરતા હતા?
રેવતી અધિકાર માગી શકે, પણ જતીનકુમાર તો એવી રીતે હિસ્સો માગતા હતા જાણે એ ઘરના પુત્ર હોય. જુગુપ્સાપ્રેરક વાત તો એ હતી કે પોતાના ભાગ’ની માગણી કરતી વખતે એમના ચહેરા પર સતત એક નિર્લજ્જ હાસ્ય રમતું હતું, જાણે સસરાનો માલ પડાવી લેવાનું એમણે વ્યવસ્થિત કાવતરું કર્યું હોય.
જો કે આ વાત કરી લીધા બાદ જતીનકુમાર અચાનક ફરી સૂનમૂન થઈ ગયા હતા. એમની આંખો સપાટ થઈ ગઈ હતી. ચહેરા પર નફ્ફટાઈને બદલે ભાવવિહીનતા છવાઈ ગઈ હતી.
‘સારું થયું મમ્મી, એમને એટેક આવ્યો, નહીંતર તો કોણ જાણે ક્યાં સુધી એમનો લવારો ચાલતો જ રહેત.‘
રેવતી રડતાં રડતાં કહેતી હતી. પ્રભાએ દીકરીને બાથમાં લઈ લીધી. ‘દીકરા, તું શા માટે જીવને કોચવે છે! આ તો આપણાં કરમ હશે કે ભોગવવાં પડે છે, પણ આ જતીનકુમાર કયા ભાગની વાત કરે છે, રેવતી? સાચું પૂછ તો એમના હાથમાં એક ફૂટી કોડી પણ અપાય તેમ નથી.’
રેવતી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. જતીનકુમાર જાણે કોઈ બીજા ગ્રહમાં બેઠા હોય એમ નિર્લેપભાવે બેઠા રહ્યા. ચશ્માના જાડા કાચ પાછળ મોટી લાગતી એમની આંખો જાણે સામેની દીવાલમાંથી કંઈક ખોળતી હતી.
‘રેવતી, દીકરા, મારી વાતનું માઠું નહીં લગાડતી. હું જાણું છું કે આપણો વર નબળો હોય ત્યારે ગામ સામે કેવું નીચા જોવા જેવું નીચાજોણું થાય.’ માએ દીકરીના માથે હાથ પસરાવતાં કહ્યું.
‘ના, મમ્મી, તારી વાતનું ખોટું લાગે જ નહીં. તારી વાત સાચી છે. આજકાલ તો એ નવું શીખ્યા છે. ગલીના નાકે નાનાં બાળકો સાથે ક્રિકેટ રમવા લાગ્યા છે. રમત પતી ગયા પછી છોકરાઓની પાસે ૧૦ – ૨૦ રૂપિયાની માગણી કર્યા કરે. મમ્મી, સમજાતું નથી શું કરવું?’
‘તું મૂંઝાઈશ નહીં દીકરા, ઉપરવાળો છે ને…. બધું થાળે પડી જશે. આ વખતે તારા પપ્પાને વાત કરશું. એમનાથી જમાઈ હજી ડરે છે.’
‘એટલે જ કહું છું મમ્મી.’ રેવતીએ આંખ પોંછતાં કહ્યું, ‘મારા ઘરમાં તો એવું કોઈ નથી કે જેની એમને શરમ નડે, અહીં તો હજી પપ્પા અને તારા લીધે કંઈ પણ આડુંઅવળું કરતાં અચકાશે. એટલે જ કહું છું, મમ્મી, અમે અહીં આવીને તમારી સાથે રહીએ તો?’ રેવતીએ પ્રસ્તાવ મૂક્યો.
પ્રભાના મનમાં ફાળ પડી. દીકરી સાથે રહે એ તો ખુશીની વાત કહેવાય. પણ આ જમાઈ ઘર ભાળી જશે તો ઘર છોડવાનું નામ નહીં લે. લાંબો સમય મૌન રહેશે તો દીકરી ગેરસમજ કરી બેસશે એ વિચારીને પ્રભા બોલી ઊઠી, ‘હા, હા, કેમ નહીં, દીકરા, અહીં આવીને રહોને…. તમારું જ ઘર છે. જ્યારે ઈચ્છા થાય ત્યારે અહીં રહી શકો છો.’
‘થેન્ક યુ મમ્મી, અમે આજથી જ અહીં રહેવા આવી જશું. અહીં રહેશું તો મને એમની ફિકર તો નહીં.’ રેવતી રાજી રાજી થઈ ગઈ. પ્રભા દીકરીના ચહેરા પર અંકિત થતા ખુશીના ભાવ નિહાળી રહી હતી.
એ જ પળે ફોનની ઘંટડી વાગી હતી. સામે છેડે કરણ હતો:
‘મમ્મી, આ આપણા જતીનકુમારનો રસ્તો કાઢવો પડશે. હવે તો એમણે બધી લિમિટ ક્રોસ કરી નાખી છે. લાગે છે કે એમના માટે ઘરના દરવાજા બંધ કરવા પડશે.’
અચાનક પ્રભાને ઊંડે ઊંડે ડર લાગતા માંડ્યો હતો: જગમોહન ક્યારે આવશે?
થોડા સમય પહેલાં જગમોહન અને ગાયત્રી વચ્ચે જે ન ધારેલી તંગદિલી સર્જાઈ ગઈ હતી એ હવે હળવી થઈ ગઈ હતી. એક વાત પર બન્ની ખડખડાટ હસી રહ્યાં હતા ત્યં અચાનક ડોરબેલ રણકી ઊઠતાં જગમોહન અને ગાયત્રી બંને એકમેકની સામે જોવા લાગ્યાં.
અત્યારે કોણ હશે?
બંને વિચારતાં જ હતાં કે બારણાં પર કોઈ હાથ પછાડવા લાગ્યું:
પ્લીઝ ઓપન ધ ડોર! દરવાજો ખોલો, પ્લીઝ! બહારથી કોઈ અજાણ્યો અવાજ બંનેને જાણે વિનવતો હતો.
‘કોનો અવાજ છે , ગાયત્રી?’ જગમોહને પ્રશ્ન કર્યો.
‘ડોન્ટ નો, પહેલીવાર આ અવાજને સાંભળું છું.’ ગાયત્રી ગભરાઈ ગઈ હતી.
‘મિસ્ટર દીવાન, પ્લીઝ, દરવાજો ખોલો’ આગંતુકનો અવાજ તરડાતો હતો.
જગમોહન ઝડપથી દરવાજા પાસે ગયો. ગાયત્રીના ઘરે આવીને કોઈ એના નામની બૂમ શા માટે પાડે ?!
જગમોહને દરવાજો ખોલી નાખ્યો.
સામે એક ત્રીસેક વર્ષનો યુવાન પેટ પર હાથ દબાવીને બેવડ વળીને બહારની દીવાલને ટેકે ઊભો હતો. એનું શર્ટ લોહીથી ખરડાયેલું હતું.
‘દીવાન સાબ , હું શિંદે છું- ઈન્સ્પેકટર શિંદે,.. મને ગોળી વાગી છે!’ (ક્રમશ:)