તરોતાઝા

વેર- વિખેર પ્રકરણ ૨૩

કાકુ, તમે ઉતાવળ કરો છો એવું નથી લાગતું? હું તમારી સાથે રહું તો તમારા પ્રોબ્લેમ્સ વધી જશે.

કિરણ રાયવડેરા

ગઈ કાલે સવારે એ પોતાના બેડરૂમના વરંડામાં આત્મહત્યાની જુદી જુદી પદ્ધતિઓ પર વિચારતો હતો અને આજે સવારે એ ગાયત્રીના ઘરે સૂતો હતો.

૨૪ કલાકમાં જિંદગી ખૂબ જ ઝડપથી દોડી હતી. જાણે એક દિવસમાં મહિનાઓ, વર્ષો દાયકાઓ ભરી દીધા હોય એવું લાગતું હતું.

કેટકેટલું બની ગયું હતું. ઘણું બધું અને ઘણી ઝડપથી. પરમ દિવસની રાતે એણે સૂસાઇડ નોટ લખી. પરમ મિત્ર રિટાયર્ડ પોલીસ કમિશનર કબીરનો ફોન આવ્યો. સવાર સુધી આપઘાતની વિવિધ રીત વિચારી. પછી તો જાણે ઘટના-દુર્ઘટનાની વણઝાર ચાલી.

જોકે, એ બધા વચ્ચે ગાયત્રી સાથેનો મેળાપ જિંદગીની એક જબરદસ્ત ઘટના હતી. ગઈકાલે સુધી જેને એ ઓળખતો નહોતો એના વગર એ આજે રહી શકતો નહોતો.
કેટલો ફરક હતો ગઈકાલ અને આજની સવારમાં!

સૂર્યોદય એ જ હતો. પક્ષીઓનો કલરવ એ જ હતો પણ છતાં કેટલું બદલાઈ ગયું હતું!

ગઈકાલે એ હારી ચૂક્યો હતોઆજે એને જીવવાની ઇચ્છા હતી. ગઈકાલે એ મરવાના વિચાર કરતો હતોઆજે એને મારવાના વિચાર આવતા હતા. ગઈકાલ સુધી જિંદગી ખૂબ જ પાછળ રહી ગઈ હોય એવું લાગતું હતું આજે એ જિંદગીનો હાથ પકડીને દોડવા થનગની રહ્યો હતો.

ગઈકાલે બેડરૂમમાં પ્રભા સૂતી હતી. આજે આસપાસ ગાયત્રીની હાજરીનો અહેસાસ છે. એ આગળ વિચારતાં અટકી ગયો.

વિચારોના ઘોડા પર ઉંમરનો અંકુશ હોવો જોઈએ કે નહીં એ વિશે એ મનમાં વધુ તર્ક કરે એ પહેલાં જ એને સાદ સંભળાયો, જાણે મંદિરમાં ઝાલર વાગતી હોય-
‘ગુડમોર્નિંગ, કાકુ, કેમ વહેલા ઊઠી ગયા?૩૯; ગાયત્રી બારણાં પાસે ઊભી હતી. ચહેરા પર એ જ તાજગી, એવું જ તેજ, એવી જ ચમક.

ગઈકાલનો થાક જાણે ગાયબ થઈ ચૂક્યો હતો. આ છોકરી આટલી એનર્જી ક્યાંથી લાવે છે એવું પૂછવાની ઇચ્છા થઈ આવી.

જોકે ૨૩ વર્ષની ઉંમરે આવી સ્ફૂર્તિ શક્ય છે એવો વિચાર આવતાં એણે પ્રશ્ન પૂછવાનું માંડી વાળ્યું. બંનેની ઉંમર વચ્ચેના તફાવતનો ઉલ્લેખ થાય એવું એ નહોતો ઇચ્છતો.
‘કાકુ, મેં તમને કહ્યું હતું ને કે નિરાંતે સૂજો. મારે ત્યાં કોઈ નથી આવતું’ ગાયત્રીનો સ્વર જાણે ટહુકા જેવો ભાસતો હતો.

‘તો… તો સારું, ગાયત્રી, તને જ્યારે જોઈએ ત્યારે એકાંત મળી શકે ’ ગાયત્રીને જોઈને જગમોહન સંકોચાઈને પથારીમાં બેસી ગયો.

‘જ્યારે કોઈ આવે નહીં એવું ઇચ્છીએ ત્યારે એકાંત મળે, પણ જ્યારે કોઈની હાજરીની, કોઈના સંગાથ માટે તરફડતા હોઈએ ત્યારે એકલતા મળે ! ’ આટલું કહીને એ પછી ફરી ખડખડાટ હસી પડતાં બોલી, ‘અરે, કાકુ મેં સવાર સવારના વાતાવરણ ગંભીર કરી નાખ્યું. તમતમારે સૂઈ જાઓ, હું તો ફક્ત જોવા આવી હતી.’

ગાયત્રી જવા માટે ફરતી હતી પણ જગમોહનના અવાજે એને રોકી દીધી. :
‘નહીં ગાયત્રી, હવે ઊંઘ નહીં આવે, તું બેસને!’

જગમોહનને લાગ્યું કે એનો અવાજ અકારણ ભીનો થઈ ગયો હતો. બારીમાંથી સવારનો પહેલો તડકો કમરાના અજવાળામાં વધારો કરતો હતો. વધતા જતા ઉજાસમાં કમરાની વસ્તુઓ ઝાંખો આકાર ધારણ કરતી હતી.

ગાયત્રી રૂમમાં દાખલ થઈને ખૂણામાં પડેલી એક ખુરશી પર બેસી ગઈ:
‘કાકુ, થાક ઊતર્યો? ’ બીજું કંઈ ન સૂઝતાં ગાયત્રીએ પૂછ્યું.’ શારીરિક રીતે હજી થાકેલો હોઈશ પણ માનસિક સ્તર પર વરસો બાદ હળવાશ અનુભવતો હોઉં એવું લાગે છે, થેન્ક્સ ટુ યુ, ગાયત્રી.’ જગમોહનના અવાજમાં નિષ્ઠા અને સચ્ચાઈનો રણકો હતો.

‘ગુડ, મને શ્રેય નહીં આપો તો ચાલશે પણ એક વાતની ખુશી છે કે ૨૪ કલાકમાં તમારામાં આવું પરિવર્તન આવ્યું. આઇ એમ વેરી હેપી, કાકુ.’
‘ગાયત્રી, આ મારો પુનર્જન્મ છે. કદાચ તું ન હોત તો મારું શબ હમણાં ગવર્નમેન્ટ હોસ્પિટલના મોર્ગમાં સડતું હોત. એટલે હવે
મારી આ જિંદગી પર મારા કરતાં તારો અધિકાર વધુ છે. હવે ફક્ત બે જ વ્યક્તિ નક્કી કરશે કે મારે મારા આ જીવનનું શું કરવું: તું અને ઈશ્વર.!’ જગમોહનનો અવાજ તૂટતો હતો.
‘કાકુ, એક વણમાગી સલાહ આપું? આ જિંદગી તમારી જ છે અને તમારે જ નક્કી કરવાનું છે કે એનું શું કરવું. હા, તમારે એ પણ નક્કી કરવાનું છે કે તમારા દુશ્મનની જિંદગીનું શું કરવું.!’

‘જેવી તમારી આજ્ઞા… મેરે આકા… પણ ગાયત્રી, કાલે રાતના તો દુશ્મનોની યાદીમાં વધારો થયો. બાબુ, ઇરફાન અને આલોક જીવનભર કાલની ઘટના નહીં ભૂલાય..’

‘ના કાકુ, ફરક છે.’ ગાયત્રી બારીની બહાર જોઈને બોલતી હતી, જે દુશ્મનો સાથે તમે રૂપિયા આપીને સંધિ કરી શકો એને દુશ્મનો ન કહેવાય. બાબુ કે ઇરફાન જેવાને વળતર આપીને સમજાવી લેવાશે, પણ જેણે પૈસા આપીને તમને મારવાની સુપારી આપી એ વધુ ખતરનાક છે તમારા માટે. એની સાથે કોઈ સંધિ, સમાધાન કે સમજૂતી નહીં થઈ શકે. કાં એનો ઘા પહેલો રહેશે. કાં તમારો!’ ગાયત્રી એકશ્વાસે બોલી ગઈ.
‘ગાયત્રી, તું દિવસના કોઈ પણ સમયે આટલું જ સ્પષ્ટ વિચારી શકે છે? સવાર સવારના જો તારું દિમાગ આટલું ક્લિયર રહેતું હોય તો કમાલ કહેવાય. તું મોટા બિઝનેસ ગ્રુપમાં કામ કરવા લાયક છો. વેરી ગુડ.’
ગાયત્રીએ કદાચ સાંભળ્યું ન હોય એવું લાગતું હતું. એ પોતાના જ વિચારોમાં ખોવાયેલી હતી. ‘ગાયત્રી, લાઈટ કરને. હજી અંધારું લાગે છે, તારો ચહેરો દેખાતો નથી.’

‘વાત કરતી વખતે ચહેરો જોવાની શું જરૂર પડે. આમેય કાલે રાતના કિડનેપરના અડ્ડામાં રહ્યા બાદ અંધકારમાં જોવાની ટેવ પડી ગઈ હશે.’ ગાયત્રીએ ટીખળ કરી.

‘લાવ, મને કહે કે સ્વીચ ક્યાં છે! હું જ લાઈટ કરી લઉં ’ જગમોહન ઊભો થવા ગયો.

‘રહેવા દો કાકુ, હું કરું છું!’ ગાયત્રીએ ઊભા થઈને સ્વીચ ઓન કરી. નાનકડો રુમ પ્રકાશથી જાણે ભરાઈ ગયો. રૂમમાં બધું અસ્તવ્યસ્ત પડ્યું હતું. જ્યાં નજર નાખો ત્યાં કપડાં અને પુસ્તકો, નોટબુકની ઢગલીઓ દેખાતી હતી. ત્યાં એક બેડ ઉપરાંત એક જૂનો સોફો અને બે ખુરશી હતી. બારી પર કપડાં ટીંગાતાં હતાં. ખૂણામાં એક બારણાને જોઈને જગમોહને અનુમાન કર્યું કે એ કદાચ બાથરૂમ હશે.
ઘરનું અવલોકન કર્યા બાદ જગમોહનથી અનાયાસે ગાયત્રી સામે જોવાઈ ગયું.

ગાયત્રી નીચું જોઈ ગઈ.

‘ગાયત્રી, તું ગરીબ હોઈશ, પણ તું ગરીબડી નથી એ તારું મોટું જમા પાસું છે. તું ભલભલા વ્યક્તિને એમનું સ્થાન દેખાડી શકે એટલી સમર્થ અને શક્તિશાળી છો. તારે નીચું જોવાની જરૂર ન હોય.’
‘કાકુ, ગમે તેટલો આત્મવિશ્વાસ રાખો પણ ગરીબીનો કોઈ બચાવ નથી, એને કોઈ માફી પણ નથી. ચહેરો પર ભલે હિંમત કે બેફિકરાઈનો મુખવટો પહેરો પણ ટૂંકી ચાદરમાંથી પગ બહાર દેખાઈ જાય એમ દરિદ્રતા છુપાઈ શકતી નથી. મને ખબર છે કે બે-ત્રણ વરસમાં આ સમસ્યાનો ઉકેલ પણ મળી જશે પણ હમણાં તો આ એક ઊંડો જખમ છે.’

ગાયત્રી નીચું જોઈને બોલી.

થોડી વાર પહેલાંની ગાયત્રી અને હમણાંની ગાયત્રી વચ્ચે કેટલો ફરક હતો. બોડી લેંગ્વેજમાં જ પરિવર્તન આવી ગયું હતું. સંકોચથી જાણે એનું શરીર સંકોચાઈ જતું હતું.
‘કાકુ, કમાલ છે આ ગરીબી. ધીરે ધીરે આવે અને ધીરે ધીરે બધી વસ્તુઓને નાની કરતી જાય. ઘર નાનું થઈ જાય. સાબુની ગોટી અને ટૂથપેસ્ટ પણ નાનાં થઈ જાય. એટલી હદ સુધી કે કાકુ, ઘણી વાર લાગે કે આપણું મન પણ નાનું થઈ ગયું છે.’

‘એ વાત હું માનવા તૈયાર નથી. તારું મન સંકુચિત ન હોઈ શકે.ગાયત્રી, તારા પપ્પા શું કરતા હતા?’

‘મારી નજરે મારા પપ્પા દુનિયાના સૌથી મહાન માણસ હતાઅને એટલા જ મહાન પ્રોફેશનમાં હતા. એમના પ્રોફેશનની તોલે તો રાજકારણી, વેપારી, ડોક્ટર, આર્કિટેક્ટ, એન્જિનિયર કે ધર્મગુરુનાં કાર્યક્ષેત્ર પણ ટૂંકાં પડે ’

‘ઓહ, ગ્રેટ, પણ એ શું કરતા હતા?’
‘મારા પપ્પા શિક્ષક હતા’
જગમોહન અવાક થઈ ગયો. આ છોકરી શિક્ષકની કારકિર્દીને કેટલો ઊંચો દરજ્જો આપી રહી છે. એક શિક્ષકની પુત્રી જ આટલી ગહન વાત કરી શકે.
‘ગાયત્રી, હવે સમજાય છે કે તું નાની વયે આટલી સમજદાર કેવી રીતે થઈ. આમ જોઈએ તો તું પણ તારા પપ્પાનું જ કાર્ય આગળ વધારી રહી છો. મને પણ તો તેં જ શિક્ષા આપીને!’
ગાયત્રીની આંખો છલકાતી હતી.

‘આખી જિંદગી પપ્પાએ બીજાનો જ વિચાર કર્યો. મારી શાળા, મારાં બાળકો, મારા મિત્રો… પણ ‘હું’ કદી બોલ્યા જ નહીં. છેલ્લે મારી મા પાછળ બધી બચત ખરચી નાખી, પણ કોઈ દિવસ પોતાને માટે એક વસ્તુ ખરીદી નહીં.’

જગમોહન મૌન રહ્યો. ગાયત્રીના મનનો ભાર હળવો થઈ જાય તો સારું. કાલે આખો દિવસ એ પોતે જ બક… બક કરતો રહ્યો હતો અને ગાયત્રીને બોલવા જ નહોતી દીધી.
‘કાકુ, તમારી જેમ મને પણ મારો શત્રુ મળી ગયો છે.’
‘અરે,તારા જેવી નિર્દોષ છોકરીનો કોણ શત્રુ હોઈ શકે.’
‘ગરીબી, કાકુ. અમારા જેવાનો મોટો દુશ્મન. મારે આ શત્રુને હંફાવવાનો અને હરાવવાનો છે.’ ગાયત્રીના અવાજમાં ફરી આત્મવિશ્વાસ છલકાતો હતો.
‘ગુડ, આમેય આપણી રમત તો હજી ચાલુ જ છે. યાદ છે ? પંદર દિવસની રમત?’

ગાયત્રી હસી પડી:
‘કાકુ, તમે કિડનેપરો સામે જોરદાર રમત રમ્યા. બિચારાઓને ક્લિન બોલ્ડ કરી નાખ્યા’
જગમોહનને પ્રશંસા સાંભળવી ગમી. એના ચહેરા પર સ્મિત પથરાઈ ગયું.
‘કાકુ, તમારા માટે ચા બનાવી આવું!

ગાયત્રી ઝડપથી ઊભી થઈને પાસેના રૂમમાં ચા બનાવવા ગઈ.
જગમોહને ફરી એક વાર કમરા પર દૃષ્ટિ ફેરવી.

ભેજવાળી દીવાલનાં ધાબાં ઠેર ઠેર દેખાતાં હતાં. પણ જગમોહનને લાગ્યું કે એના દરિયા જેવડા બેડરૂમ કરતાં આ નાનકડા કમરામાં વધુ હૂંફ છે. કોઈ એવી દૈવી શક્તિ છે જે એને આ રૂમ સાથે બાંધી રાખે છે. આ ઘરની દીવાલો આત્મીય લાગે છે અને જાણે એની સાથે વર્ષો જૂનો નાતો હોય ગાયત્રીના ઘરના વાતાવરણમાં અભાવની ઘુટન નથી, સંસ્કારની મહેક અને મોકળાશ છે. દરિદ્રતાની વેદના નથી, સમજની સમૃદ્ધિ છે.

આ એક શિક્ષકનું ઘર છે એટલે એક રાજાના મહેલ કરતાં વધુ વિશાળ અને વિરાટ છે અને આ ઘરને વિશાળતા એક માસ્તર અને એની પુત્રીએ બક્ષી છે.જગમોહન વિચાર્તો રહ્યો.

ગાયત્રી એક ટ્રેમાં ચા અને બિસ્કિટ લઈ આવી, ‘લ્યો કાકુ, ચા પીઓ, મને તો ભૂખ લાગી છે, એટલે હું તો બિસ્કિટ પણ લઈશ.’ ગાયત્રીએ બિસ્કિટને મોઢામાં મૂકતાં કહ્યું.

જગમોહને કપને મોઢે લગાડ્યો. ગરમ ચાની ચૂસકી લીધી.

જગમોહનના હોઠ પર સ્મિત ફરકી ગયું.
‘શું થયું? કેમ હસો છો?’

‘ના… એમ જ. જોને ગઈકાલ સુધી હું
‘સોગિયું ડાચું’ હતો. આજે એટલીસ્ટ હસતો તો થયો!’

જગમોહને ગંભીર થઈને ઉમેર્યું :
‘ગાયત્રી, હવે મૂળ વાત પર આવીએ. હવે નો ગેમ, નો રમત. કાલથી તું મારી સાથે રહીશ. મારા ઘેર. મારી સાથે કામ કરીશ, મારી ઑફિસમાં. કોઈ દલીલ નહીં. કોઈ પ્રશ્ન નહીં. ઓ. કે. ડન?’
ગાયત્રી વિચારમાં પડી ગઈ.

‘કાકુ, તમે ઉતાવળ કરો છો એવું નથી લાગતું? હું તમારી સાથે રહું તો તમારા પ્રોબ્લેમ્સ વધી જશે.’ ગાયત્રી ચિંતિત સ્વરે બોલી.

‘હું ઇચ્છું છું કે પ્રોબ્લેમ્સ વધે. કોઈ પણ પરિવર્તન શરૂઆતમાં બધાને ખટકે એટલે સમસ્યા વધતી હોય એવું લાગશે પણ સાચું કહું તો મારા ઘરને એક શિક્ષકની જરૂર છે.’

‘ઓહ, તો મારે ટ્યુશન આપવાનું છે એમ કહો ને!’ ગાયત્રી હસતાં હસતાં બોલી.

‘તારે જે સમજવું હોય એ, પણ હકીકત એ છે કે મારા ઘરમાં શિસ્તની જરૂર છે. ટૂંકમાં મારામાં જે બદલાવ લાવી શકી એવું જ પરિવર્તન તું મારા ઘરની વ્યક્તિઓમાં લાવ એવી મારી ઈચ્છા છે.’
‘કાકુ, તમે આગ સાથે રમી રહ્યા છો. કોઈ પણ ઘરમાં અજાણી વ્યક્તિની દખલગીરીને બરદાસ્ત ન કરવામાં આવે. વળી, તમે મારો પરિચય શું આપશો? તમારી પત્ની પ્રભા, તમારા દીકરા વિક્રમ અને કરણને… કાકુ, હાથે કરીને એવી સમસ્યા ન સર્જો કે છેલ્લે પાછા તમારે મેટ્રો સ્ટેશનનો રસ્તો પકડવો પડે.’

‘નહીં ગાયત્રી, હું હવે બહુ સ્પષ્ટ છું. આ વખતે કોઈ ભૂલ નહીં થાય. તું મારી મિત્ર છો એવો પરિચય હું આપીશ. પણ ગાયત્રી, મારા ઘરમાં પણ એ જ આત્મીયતા, એ જ હૂંફ ભરી દેજે જે અહીં તારા ઘરમાં છે.’

‘કાકુ, એ શક્ય નથી. કોઈના ઘરનું વાતાવરણ રાતોરાત બદલી ન શકાય. મને લાગે છે કે તમે મારી પાસેથી વધુ પડતી અપેક્ષા રાખી રહ્યા છો. આઇ એમ સોરી, કાકુ, હું તમને મદદ કરવા ઈચ્છું પણ તમારી કોઈ પણ ઓફર હું સ્વીકારીશ નહીં!’
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button