તરોતાઝા

વરઘોડાના આ તે કેવા ભગા-લોચા ને બફાટ…

મોજની ખોજ -સુભાષ ઠાકર

‘બાપુ, મારો અને ઘોડાનો ચહેરો ફૂલોની સેરથી ઢાંકી દો, બન્નેમાંથી કોઈનો ચહેરો દેખાય જ નઇ, નઇતર જાનૈયાઓને શંકા જાય કે આપણે ઘોડાના લગ્નમાં આવ્યા છીએ કે ચંબુના? ! ’

‘ના બેટા,તારો ચહેરો ઢાંકવો પડે ઘોડાનો નઇ…કારણ કે માણસ પાસે બે કે વધુ ચહેરા હોય છે. એક દેખાય ને બાકીના અદ્રશ્ય અંદર. બાકી પશુના તો જેવા બહાર એવા અંદર એથી ઢાંકો ન ઢાંકો નો ફરક. ચાલ, તારો ઢાંકી દઈએ’
(ત્યાં ગીત વાગ્યું ‘દિલ કો દેખો ચહેરા ન દેખો ’ ).. ‘અરે બાપુ, આ ઘોડાની આજુબાજુ ટ્રેનના લોકલ ડબામાં લટકતા ડાંડલા જેવુ શું છે?’ ‘એને પેગડું કહેવાય બેટા, કેટલાય માણસો અહંકારના એવા વહેમમાં ફસાયા છે કે એમને એમ છે કે એમના પેગડામાં કોઈ પગ ન નાખી શકે, પણ વરરાજા બન્યા તો ઘોડાના પેગડામાં પગ નાખ્યા પછી જ બેસી શકાય. ચાલ, તું ઘોડા પર બેસી જા વન .. ટુ .. થ્રી…’

જેવો ચંબુએ જમણી બાજુથી પેગડામાં પગ નાખ્યો તો ઘોડો જોરથી સ્પ્રિંગની જેમ ઉછળ્યો કે ચંબુ ધબ કરતો ડાબી બાજુ ભમ થઈ ગયો. માથામાંનો સાફો નીકળી ગયો : ‘પણ આ શું? ચંબુ ટકલો કેમ કરતા થયો? વાળ ક્યાં?’ જાનૈયા મુંઝાયા
માર્યાઠાર… બાપુ અંદરથી ગભરાયા, મૂંઝાયા, અકળાયા, અરે, આ સાફાની અંદર જ બધા વાળ ભરાયા હશે. ‘યારો સોરી, ચંબુના ઓરિજનલ વાળ ગાયબ છે. ગગાએ વિગ પહેરી હતી’ ચંબુના બાપુએ ભંડો ફોડ્યો પછી ચંબુને કાનમાં કીધું. ‘અક્કલમઠ્ઠા, હજાર વાર કીધું કે મારી વિગ ન વાપર, મોટી પડે ને પવનમાં ઊડી જાય.’ પછી સાફો પહેરાવી ચંબુને ઊભો કર્યો : ‘બાપુ .. ’ (સચ્ચાઈ છૂપ નહીં સકતી બનાવટ કે ઉસૂલોસે).. ‘તું બાપુ.. બાપુ ન કર દરેક નિષ્ફળતા સફળતા તરફ લઈ જાય છે. ચાલો, ફરી વન .. ટુ.. થ્રી..’ મિત્રો, બીજીવાર સ્કૂટરની જેમ બે-ત્રણ કીક મારી ફરતા ચગડોળની જેમ એક પગ હવામાં ઉછળ્યો કે એ ચોયણીમાં અધવચ્ચે જ એવો ભરાયો કે કૂતરું જાણે થાંભલા.. ‘છી.. છી..છી’ જાનૈયાનો પોકાર ‘સેમ સેમ ..’

‘બાપુ, હું શ્વાન જેવો લાગું છું? બધા મને સેમ સેમ કેમ કે છે?’ ‘અરે મારા ગગા, સેમ નઇ સેઇમ.. સેઈમ.. શરમ કર કહે છે. હવે બેલેન્સ રાખ.’ ‘છે બાપુ, બેલેન્સ તો છે બેન્કમાં 2947.45 પૈસા ‘અરે ટોપા, ઘોડાની લગામ પકડી બેલેન્સમાં બેસ… હે પ્રભુ આ એન્ટિક પીસનુ શું કરવું?’ બાપુએ વેદના વ્યક્ત કરી ‘તમે જલદી કરો’ ઘોડાવાળો ભડક્યો : ‘સમય જાય પછી મૂરત પણ જતું રહેશે.’ ‘એય ઘોડીના..’ ‘શું બોલ્યા? ખબરદાર, જો આવો અપશબ્દ.’

‘અરે, પૂરું સાંભળ..એ ઘોડીના માલિક. મૂરત જાય તો બીજું આવશે પણ મુરતિયો ઉપર ગયો તો તારા બાપુજીને બેસાડીશ.? ગગાએ 42 વર્ષ રાહ જોઈ તું 42 સેક્ધડ….’ ‘અરે બાપુ, એના બાપુ તો ગુજરી ગયા છે એટલે મારી જગાએ..’ ચંબુ બોલ્યો
‘અરે યાર, કોઈ આ ચંબુને પાન ખવડાવી શાંત કરો નઇતર બફાટ ચાલુ રહેશે.’ બાપુ ભડક્યા
એટલામાં ચંબુના મોઢામાં ઉપરાઉપરી 120 કિમામના બે પાન ખીચોખીચ ભરાવી દીધા ને ‘ચલીચલી રે પતંગ ચલી બાદલો કે પાર’ કરતી જાન ઉપડી.

હવે લોચો એ પડ્યો કે ચંબુની બોલતી બંધ, પણ મોઢામાં પાનરસનો કુંડ થવા લાગ્યો. જેમ ફુગ્ગો ધીરે ધીરે ફૂલાવીએ એમ મોં ફૂલતું ગયું ને ચંબુનો ચહેરો બિન વગાડતા મદારી જેવો થઈ ગયો. ‘સ્માઇલ પ્લીઝ’ ફોટોગ્રાફર બોલ્યો ને ચંબુથી પાનનુ વિસ્મરણ થઈ ગયું ને ગબ્બર જેવુ ખડખડાટ હસ્યો, ડેમ તૂટયો ને ફઉઉઉસ કરતો ફૂવારો ઊડ્યો રેલાથી ગાલ લાલ, શેરવાણી લાલ… ‘બાપુ ચંબુને લોહીની ઊલટી… જાન પહેલાં હોસ્પિટલ લઈ લો પછી વાડીએ’ કોઈ બોલી ઊઠ્યું .

ચંબુ બોલી ન શક્યો કે આ ઊલટી નથી પણ અંદરના પાનની દેન છે. વાતાવરણ તંગ બન્યું. ‘અરે આ તો પાનની પિચકારી છે. કોઈ કંકાવટી ધરી દો..ચાંલ્લા વખતે કંકુની જરૂર પડશે’ કોઈ બોલ્યું (યે લાલ રંગ કબ મુજે છોડેગા) સવારના લગ્ન ઠેઠ રાતે દસ વાગે પૂરા થયા. ઓવર ટુ સોહાગ રાત…. ‘ચંપા, તારા બાપુજીને ખબર તો છે ને કે તું અહીં રોકાવાની છે?’ ચંબુનો પ્રશ્ન ‘અરે મારા ભોળિયા રાજા, રાત- દિવસ પૂરું જીવન તારી સાથે.. તેરે મેરે સપને અબ એક રંગ હૈ, સમજ્યો?’

‘ચંપા, મારા બાપુજીએ હા શું કામ પાડી… ખબર છે? ભેદ એ હતો કે મારી બા તારા બાપુજીને ચાહતી હોવા છતાં લગ્નનું બલિદાન..’ ‘સોરી, ચંબુ ….આ ભ્રમ છે …ખરેખર તો તારી બાને આપણા બંનેના બાપુ ચાહતા હતા, પણ મારા બાપુ બધુ બોલ્યા પણ ‘આઇ લવ યુ’ ન બોલી શક્યા પછી સગાઈના દિવસે કીધું : ‘બેટા, ચંપા જિંદગીમાં બધા સપના સાકાર નથી થતાં. એક વિનંતી. મારા જીવનનું શ્રેષ્ઠ પાત્ર એટલે ચંબુની બા. એને મેળવવામાં નિષ્ફળ ગયો, પણ ચંબુને જમાઈ બનાવી પ્રેમનું ઋણ ચૂકવવું છે. છે મંજૂર બેટા .. ને મને થયું બાપુજીની મૃત્યુ પછી પ્રાર્થના રાખવી એના કરતા જીવતે જીવ કેમ ન સાંભળવી, ને આપણે મળ્યા ..’ ને ચંબુએ ચંપાને બાહોમાં સમાવી લીધી. શું કહો છો ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button