તરોતાઝા

લો, આ વેલેન્ટાઈન્સ તો વેલ- ઇન-ટાઇમમાં પલટાઈ ગયો!


મોજની ખોજ -સુભાષ ઠાકર

‘તમે ઊંધાં લાલના એક્કા જેવા આકારના ‘આઈ લવ યુ ઓન્લી ડાર્લિંગ’ છાપેલા કાર્ડ રાખો છો? ને રાખતા હો તો એક ડઝન આપો’ હમણાં વીતેલી 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન્સ-ડે ના દિવસે ચંબુએ દુકાનદારને પૂછ્યું હતું: દુકાનદાર બોલ્યો : ‘સોરી, વીસ હતા, પણ હમણાં દસ મિનિટ પહેલાં એક લલ્લી બાર લઈ ગઈ. આઠ બચ્યા છે. આપુ?’ ‘ઠીક છે, આઠ તો આપો’ કાર્ડ લઈ નક્કી કર્યા મુજબ ચંબુ ચંપાને બગીચામાં મળ્યો. ત્યાં અચાનક બોમ્બ ફૂટ્યો. બન્યું એવું કે ચંબુના બાપુ બગીચા બાજુથી પસાર થતા હતા ત્યારે ચંબુના ખભા ઉપર ચંપાની ડોકી ઝૂકેલી જોઇ ભડકીને બરાડયા :

‘ચંબુડાઆઆઆ….આ આપણી સંસ્કૃતિ છે?ે’ ‘શું બાપુ, તમે પણ?’ ચંબુ ઠંડે કલેજે બોલ્યો : ‘અરે, આ તો ચંપાની ચંપા છે?’ ‘વોટ ચંપાની ચંપા? ટોપા સમજાય એવું બોલ’ બાપુ થોડા વધુ ઉકળ્યા અરે, પાડોશી ચંપકલાલ પારેખ(ચં.પા.)ની દીકરી ચંપા.. સમજાયું?’ ‘અચ્છા,એમ?’ બાપુની વધુ છટકી :

‘તમે બંને અહિયાં શું કરો છો?’ ‘અમે પત્તા રમીએ છીએ, લંગડી રમીએ છીએ, ઝાડ ગણીએ છીએ, નીચે મંકોડા ગણવાની તૈયારી.. અરે બાપુ, અમે બે એકલા અહી શું કરીએ છીએ એટલી સમજ આ ઉંમરે પણ ન હોય તો મારા પિતા ને બાના પતિ તરીકે રાજીનામું આપી દેવું જોઈએ…!’ ‘અરે ટોપા, મગજની જ નઇ તારી તો આખા શરીરની નસો ખેંચી લેવી જોઈએ’
બાપુની નસ નસમાં ખુન્નસ ભરાયું ને પગ પછાડતા નીકળી ગયા. પછી એક કાર્ડ આપી ચંબુ બોલ્યો:

‘ચંપા બકા, આ મારા તરફથી ભેટ, હવે તું મને ભેટ…’ ‘ડિયર’ ચંપા ચંબુને ગળે વળગતા બોલી : ‘લગ્ન પછી તું મને આટલો જ પ્રેમ કરીશને?’ ‘યસ,પણ તારા વરને વાંધો ન હોય તો’ ચંપા જરાય ચમક્યા વગર ઠંડે કલેજે બોલી : ‘સાલુ, તમે બધા પુરુષોનો એક જ જવાબ ‘તારા વરને વાંધો ન હોય તો..’ ‘એટલે આ પહેલાં ..’ ચંબુ ચમક્યો. ‘યસ વ્હાલા, તારો પાંચમો નંબર છે, પણ પ્રોમિસ. મારો વર વાંધો નઇ ઉઠાવે, કારણકે ગયા વર્ષે મારા વરે જગત છોડ્યું, પણ લગ્ન પછી પતિ તરીકે તો માત્ર અભિનય જ કર્યો.

જિંદગીનું અદ્ભુત નાટક. એને બીજી સાથે પ્રેમ હતો એટલે મેં તેને પકડ્યો. ‘ચંપા હવે હદ થાય છે’ ચંબુ ઉગ્ર બન્યો. ‘તો તું કયો મોટો સરહદમાં છે’ બંને જણા કેજરીવાલ ને રાહુલની જેમ સામસામે આવી ગયા. ‘ચંપા,તે મારુ દિલ તોડ્યું છે’ ‘અરે વાહ, મે તારું દિલ તોડ્યું? સાલું તારા વરને વાંધો નઇ હોય ને? એવું પૂછી મારા દિલને તોડવાની શરૂઆત તો તે કરી છે. કોઈ પ્રેમી પોતાની પ્રેમિકાને આવું કહેતો હશે?’

‘જો, તું નહીં તો ઓર સહી. મને તો ઘણી મળશે, સમજી?’ પછી કાર્ડ બતાવતાં બોલ્યો: ‘મારી પાસેના આ આઠમાંથી એક તને આપ્યું છે. હજી સાત બાકી છે. તારા પર કઇ સિક્કો નથી માર્યો, સમજી?’ ‘હું તો સમજી, હવે તું સમજ. આ જો, જોઈ લે અગિયાર કાર્ડ. ડઝનમાંથી એક જ તને આપ્યું અને તે જ્યાંથી આઠ ખરીદ્યા હતા એ જ દુકાનમાંથી મેં ડઝન ખરીદેલા. તું સાતને શોધીશ તો હું બીજા અગિયારને… ‘છી.. વેરી બેડ. શરમ આવવી જોઈએ? મારી સાથે જે કર્યું એ પણ હવે મને ભૂલી જજે ને બીજા કોઈપણ સાથે..’ ચંબુ તો રડવા જેવો થઈ ગયો.

‘અરે વાહ, તને રડતા આવડે છે? અરે, રડવાનું ને ગાવાનુ તો મારે હોય તને મેળવવા મે પાછા પગે અંબાજી જવાની બાધા રાખેલી ખોટું બોલતી હોઉ તો મારી બાને પૂછી જો. તારા માટે હું બધુંજ છોડવા તૈયાર થઈ ને તું મને જ છોડવા તૈયાર
થયો. એક તરફ આખી દુનિયા ને એક તરફ એકલો તું એવું હું માનતી. હવે મારે શું કરવાનું? મારે તો સમાજમાં દેખાડવા
પૂરતો પણ વર નથી.’ ચંપાની આંખમાં પણ આંસુએ ડોકિયું કર્યું.

‘તો મેં પણ તને મેળવવા કુંભમેળામાં ત્રિવેણી સંગમમાં 108 ડૂબકી મારવાની બાધા રાખેલી પણ બીજા ચારે તને પૂછ્યું તારા વરને વાંધો ના હોય તો ..’ ‘અરે છોડ, ચારને માર ગોળી. હું કોઈની પાસે ગઈ જ ન્હોતી પણ તું મને કહે કે તારા વરને વાંધો ન હોય તો…. તો અંદરથી સળગી ન જઉ?. અરે, તું જ મારો શ્વાસ ને તું જ મારો વિશ્વાસ, તું જ મિત્ર ને તું જ મારુ ચિત્ર ..આ ડઝન કાર્ડ જો બધામાં અલગ અલગ સંબોધન. ડિયર ચંબુડા, ચંબુપ્રસાદ, વ્હાલા ચંબુ’

‘અરે તો તું પણ આ આઠ જોઈ લે વાંચ ડાર્લિંગ ચંપા, ચંપલી.’ એટલું બોલી ચંપાને બાહોમાં લઈ પૂછ્યું : ‘લગ્ન પછી તું આટલો જ પ્રેમ કરીશને?’ ‘આનાથી વધારે જો તારી વહુને વાંધો ન હોય તો ..’ ‘જરાય નઇ છતાં એકવાર પૂછી જોઉ ‘હે ચંપાવહુ, હું આ ચંપાને પ્રેમ કરી શકુંને?’ એટલું બોલી ચંપાને વધુ ભીસ ભરી. -ને આમ વેલેન્ટાઈન્સ – ડે વેલ-ઇન ટાઈમમાં પલટાયો .. શું કહો છો?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button