તરોતાઝા

અદમ્ય ઈચ્છાઓ

ટૂંકી વાર્તા – અજય સોની

એ ચાલતાં ચાલતાં અટકી ગઇ. અજાણી જગ્યાને જોતી હોય એમ આમ-તેમ જોવા લાગી. જાતે સ્મૃતિમાંથી એકાએક આ જગ્યા સાથે જોડાયેલું બધું કપાઇ ગયું હોય એવું લાગ્યું. એણે પાછળ વળીને જોયું. ઘેરી વનરાજીથી ઘેરાયેલી કેડી થોડે દૂર જઇને ફંટાતી હતી. એને વિશ્ર્વાસ ન આવ્યો કે પોતે આ જ કેડી પર ચાલીને અહીં આવી છે.

નીતિની દરેક સાંજ આ જગ્યાએ વીતતી. એને અહીં આવવું બહુ ગમતું. એના ઘરથી અડધાએક કલાકનું અંતર હતું. વચ્ચેનો રસ્તો પણ એટલો જ રમણીય હતો. રોજ કેડીની ધાર પણ, ધીમા દબાતા પગલે પાંદડા કચડતી ચાલી આવતી. ભાગ્યે જ એને કોઇ સામે મળતું. એણે જ્યારથી આ જગ્યા વિશે જાણ્યું છે ત્યારથી એની ઉત્સુકતા વધી હતી. એ દરરોજ સાંજે બહાર ફરવા નીકળતી. મનોમન નક્કી કરતી કે આખું જંગલ જોઇ લેવું છે. કેડી પસાર કરીને સામે છેડે જવું છે. બધા કહેતા કે જંગલમાં જેમ અંદર જઇએ તેમ અંધારું વધવા લાગે છે. ગીચ ઝાડી આવે છે. એ નિબીડ અંધકારને પસાર કર્યા પછી એક સોનેરી પાણીવાળું સરોવર આવે છે. એના સ્થિર પાણીમાં હીરા જેવી ચમક છે. સૂર્યને ઝાંખો પાડી દે એવું તેજ અને ચંદ્રને પાછો પાડે એવી શીતળતા છે. આવું સાંભળ્યા પછી નીતિની એ સરોવર જોવાની ઘેલછા વધી ગઇ હતી. એ દરેક સાંજે સરોવરની શોધમાં જંગલમાં પ્રવેશતી, પરંતુ પોતાની નિયત કરેલી જગ્યાથી આગળ ન વધી શકતી. એને લાગતું ઉપર ઝળુંબતાં તાડના ઝાડ એની ઉપર આવી પડશે. એ ગભરાઇ જતી. શ્ર્વાસ ફુલાવા લાગતો. આમતેમ નજર દોડાવતી પરંતુ ક્યાંય સોનેરી પાણી કે સરોવર ન દેખાતું. અને એ પાછી વળી જતી.

એના પગ અટકી ગયા. આકાશમાં ભૂલા પડેલા પક્ષીની જેમ આમતેમ જોવા લાગી. ઊંચા ઝાડ, ઝળુંબી રહેલું આકાશ, સામે વિસ્તરેલી સાપ જેવી કેડી, ચારેબાજુ પથરાયેલી ચિરશાંતિ, ક્યાંકથી આવી જતા નિશાચરોના અવાજ, સૂકાં પાંદડાનો ખળભળાટ અને અજીબ ગંધ. બધું એજ હતું પણ નીતિને અજાણ્યાપણાનો ભાવ જાગતો હતો. છેલ્લા ઘણા સમયથી એ જંગલને જોતી-અનુભવતી આવી હતી. અહીંની કેડી, ઝાડ, વળાંકોથી પરિચિત હતી. પણ આજે એ પરિચિતતા અળગી થઇ ગઇ હોય એવું લાગતું હતું. એને થયું થોડીવારમાં એ પણ ભુલાઇ જશે કે કઇ દિશાએથી આવી હતી અને કઇ બાજુ જવું છે. એના મગજમાં વિચારોની જગ્યાએ શૂન્યાવકાશ ભરાઇ ગયો. તમરાંના અવાજની પેઠે જંગલનો એકધારો સૂનકાર મગજમાં ઘુમરાવા લાગ્યો. સુધ ખોઇ બેઠી હોય એમ ઝાડના થડનો ટેકો લઇ પથ્થર પર ફસડાઇ પડી. બે વ્હેંત ઊંચા પથ્થર પર ઊભડક બેઠી. ઊંડા ચાલતા શ્ર્વાસનો લય ખોડંગાતો હતો. એમે સમજાતું ન હતું કે અચાનક આવું કેમ થાય છે. સોનેરી પાણીવાળું સરોવર જોવાની ઘેલછા પણ ભૂલાઇ ગઇ. કેમ કે ત્યાં લઇ જનારી કેડી જ એને ગૂંચવી રહી હતી.

એ દરરોજ સાંજે ઘરેથી ઉત્સાહ સાથે નીકળતી. જેમ જંગલમાં આગળ વધતી તેમ એનું ધ્યાન જંગલના ઊંચા ઝાડ અને કેડી પર સ્થિર થતું જતું. જંગલનું બિહામણું સૌદર્ય માણવામાં પેલું સરોવર ભુલાઇ જતું. જ્યારે યાદ આવતું ત્યારે એ એવી જગ્યાએ આવી પહોંચતી જ્યાંથી આગળ જવાની હિંમત ન ચાલતી. જંગલના સૌદર્ય પર કાળી છાયા ઝળુંબી રહી હોય. ચામાચીડિયાનો ફફડાટ સંભળાતો હોય. એવામાં એને સોનેરી પાણીનો ઝગમગાટ યાદ આવતો. પણ એની શોધમાં આગળ ન જઇ શકતી. એના પગ પાછા પડવા લાગતા. જે રસ્તે આવી હોય એજ રસ્તે પાછી વળી જતી.

પરંતુ આજે ન તો રાત પડી છે કે ન પોતાની રોજની જગ્યાએ પહોંચી છે. એ વચ્ચે જ પગ અટકી ગયા. સરોવર તરફ જવાના બદલે પાછા વળવાનું મન થતું હતું. એકાએક મનમાં જાગેલા આ વિચારનું કારણ સમજાતું ન હતું. રોજ સરોવરનું પાણી જોવાની ઝંખના સાથે એક જ દિશામાં આગળ વધવું એને રોજ વળાંકથી પાછા વળવું. નીતિ જાણતી હતી કે જંગલમાં વધુ આગળ નથી વધી શકતી. તેમ છતાં રોજ જંગલમાં જતી અને ઉત્સાહથી આગળ વધતી. જંગલની કેડી પર પગ મૂકે ત્યારે એના ચિદાકાશમાં સોનેરી પાણી ઝગમગતું હોય. નીતિને દિવસ-રાત સોનેરી પાણીનો ચળકાટ દેખાતો. સરોવરના સ્થિર પાણીમાં તરતાં હંસલાની જોડ અને ખીલેલા કમળ દેખાતા. જાણે નજરે જોયું હોય એમ બધું આંખ સામે ખડું થઇ જતું. એક સ્વપ્નીલ સૃષ્ટિ રચાઇ જથી. નીતિ એમાં રાચવા લાગી. એની આંખમાં સરોવરના પાણીનો ચળકાટ દેખાવા લાગતો. એને સ્થિર, ચળકતા પાણીમાં કાંકરી નાખવાનું મન થતું. પછી તો વમળ અને વમળ પર વમળ સર્જાતા જતા. જે ચાલ્યા જ કરતા. નીતિની આંખમાંથી ખરેલા ખારા મોતી પણ એ પાણીમાં ભળી જતાં. અને એ સૃષ્ટિની સુંદરતામાં ભંગાણ પડતું.

સુકેતને પહેલી વાર સોનેરી પાણીવાળા સરોવરની વાત કરી ત્યારે એ હસી પડેલો. ત્યારે નીતિ કોલેજના પહેલા વર્પમાં હતી. એને એવા સરોવરના સ્વપ્નમાં એ ક્યાંય દૂર ચાલી જતી. પાછી વળતી ત્યારે એને લાગતું જાણે સ્વપ્ન જ ચાલી રહ્યું છે. જીવાતી ક્ષણો પણ સ્વપ્નનો એક ભાગ હોય એવું અનુભવતી. વાસ્તવ સાવ ગાયબ થઇ જતું. સુકેતને આ બધું સમજાતું નહીં. નીતિ ગંભીરપણે સમજાવવાનો પ્રયત્ન કરતી. પણ સુકેતને ગળે ન ઊતરતું. અંતે એ નિરાશ થઇ જતી.

સુકેત સાથેનો સબંધ આગળ ચાલ્યો. બન્ને લીવઇનમાં રહેવા લાગ્યાં. નીતિ દરેક વાત ઉત્સાહથી શેર કરતી, પરંતુ નીતિ પેલા સરોવરની વાત ન કરી શક્તી. જ્યારે નીતિ આનંદમાં આવી જતી ત્યારે એને સરોવર અને એનું ચળકતું પાણી યાદ આવતું હોઠ સુધી આવી જતું પણ બોલી ન શક્તું. કેમ કે સુકેત નથી સમજી શક્વાનો. એ હસી પડશે. અથવા સમજાવશે.

  • વાસ્તવમાં એવું કોઇ સરોવર ન હોય, તું કહે છે એવું ચળકતું પાણી હંસલા, કમળ એ બધું શક્ય જ નથી. સ્વપ્નને આટલું સાચું માની લેવાનું ન હોય. સ્વપ્ન અને વાસ્તવ બન્ને જુદા છે. સ્વપ્નમાં આપણે આકારમાં ઊડી શકીએ છીએ પણ વાસ્તવમાં નહીં. નીતિને સુકેતની દલીલોમાં રસ ન પડતો. ક્યારેક એ વિચારતી કે એ સરોવર ફક્ત પોતાને જ કેમ દેખાય છે. સુકેત આવી દલીલો કરતો ત્યારે એને પેલું સરોવર દેખાતું. જેના અરેકાંત કિનારે પોતે બેઠી છે. કોઇ અવાજ નથી. નીતિને થતું કે સુકેત પણ પોતાની સાથે સરોવરના કાંઠા સુધી આવે, પરંતુ એવું ન થતું. નીતિની ઇચ્છા અધૂરી રહી જતી. સુકેત કેડી પર ચાલતો પણ અંધારું ઘેરાઇ આવતાં એના પગ અટકી જતાં. સરોવર દૂર રહી જતું. નીતિને મનોમન થતું કે સુકેત એને પૂરેપૂરો પામી લે તો કદાચ સરોવર જોઇ શકે. પણ એના માટે સુકેતને નીતિના ચિત્તના તળિયે ઊતરવું પડે. ઉપરછલ્લા છબછબિયાં ન ચાલે. સુકેત થોડા ઝાપઝપાટા કરીને ઘોરવા લાગી જતો. નીતિ તંદ્રામાં જાગતી પડી રહેતી. ત્યારે એને સોનેરી પાણીવાળું સરોવર દેખાતું શરીરમાં આછી કંપારી ફરી વળતી. એ એનો અંતિમ મુકામ હોય એમક આનંદમાં આવી જતી. એ ભૂલી જતી કે પોતે કોણ છે, ક્યાં છે અને ક્યો સમય ચાલી રહ્યો છે. એના ચહેરા પર અજાણ્યો આનંદ લીંપાઇ જતો. જાણે પોતે સરોવરના પાણીમાં ઊતરી રહી છે. પાસેથી હંસ યુગલ ક્રીડા કરતાં પસાર થઇ રહ્યું છે. એ સ્મિત કરતી ચારેબાજુ જોઇ રહેતી, પરંતુ ત્યાં પોતાની હાજરીની કોઇ અસર ન જણાતી. સરોવરના સ્થિર પાણીમાં હાથ પછાડતી પણ કોઇ આવર્તન ન થતાં. પાણી ઉડાડતી પણ એકેય ટીપું ન ઉડતું. કમળ સૂંઘતી પણ સુગંધ ન આવતી. એ સરોવરના કાંઠે હાજર છે છતાંય દૂર હોય અવું લાગતું. એની હયાતીમાં સતત કશુંક ઘટી રહ્યું છે. સમય આગળ ચાલી રહ્યો છે, પરંતુ એ સ્થિર થઇ ગઇ હોય એવું અનુભવતી. એ કિનારા પરથી ઊભી થઇને ચાલવા લાગતી. ત્યાં જ એને સુકેત એક પથ્થર પર બેઠેલો દેખાતો. એના હાથમાં કાંકરીઓ છે. એક પછી એક કાંકરી સોનેરી પાણીમાં નાખી રહ્યો છે, પરંતુ એનું એકેય વર્તુળ પોતાના સુધી નથી પહોંચતું. જાણે કોઇ અડક્યું જ ન હોય એમ પાણી સ્થિર છે. બહારથી દેખાતો સરોવરનો સોનેરી ઝગમગાટ અકબંધ છે.

નીતિને સુકેત પર ખીજ ચડી આવતી. દરરોજ સરોવરની પાળે આવીને બેસે છે. છતાંય એને કશું નથી દેખાતું અથવા એમ પણ હોઇ શકે કે એ કશું જોવા જ નથી માગતો. નીતિ મુંઝાઇ જતી. એની સામે દૃશ્યોની લીલા આવીને ચાલી જતી. મનમાં થઇ આવતું કે, સરોવરની પાળે શા માટે બેસે છે, અંદર ઊતરીને જોને ? પણ સુકેત કશું નથી સમજી સમજવાનો. પોતાનું રોજનું લેક્ચર શરૂ કરી દેશે. – સાયકોલોજી ભણીને તારૂ મગજ બગડી ગયું છે. એક દિવસ ચસકી જવાનું, આવી વાત કરતો સુકેત બહુ દૂરથી બોલી રહ્યો હોય એવું લાગતું.

રાતે એ સુકેતના પહોળા ખભા પકડીને એને ઢંઢોળી નાખતી. જાણે પોતે સરોવરના પાણીમાં છે અને સુકેત કાંઠે બેઠો બેઠો છબછબિયાં કરે છે. એનો હાથ પકડીને અંદર ખેંચવા મથે છે, પણ સુકેતે કોઇ મજબૂત વસ્તુનો સહારો શોધી લીધો છે. નીત થાકીને ઢળી પડતી. સુકેતનું શરીર પાણી જેવું થઇને ઢળી પડતું. ત્યારે નીતિને સોનેરી પાણીવાળું સરોવર દેખાતું. અને દરેક વખતે લાગતું કે અંદર કોઇ નહાઇ રહ્યું છે. પોતે અંદર ઊતરતી. ક્યાંય સુધી શોધ્યાં કરતી પણ કઇ ન મળતું. અજાણ્યાપણાનો ભાવ જાગતો. સમયથી કપાઇ ગયા જેવું લાગતું. બધું એની રીતે ઘટી રહ્યું છે, ફક્ત પોતે જ ક્યાંક અંદરથી ડંખતી. એમાંથી બહાર આવવું મુશ્કેલ બની જતું. સરોવરના પાણીમાં ઊતર્યા બાદ બહાર આવવાનું કોઇ કારણ પણ ન મળતું.

એ અજાણી સ્થિરતા ક્યારે બન્નેના સંબંધમાં ઊતરી આવી એ ન સમજાયું. નીતિ જાણતી હતી કે એક દિવસ આવું થશે. ચાર વરસ ચાલેલો સંબંધ સ્થિર થઇ ગયો હતો. નીતિ અને સુકેત બન્ને સમજી ચૂક્યાં હતાં કે હવે કશું નહીં થઇ શકે. ફરી ન મળવાના ઇરાદા સાથે બન્ને છુટ્ટા પડી ગયાં. કોઇ લાગણીવેડા નહીં. સુકેત ક્યાં ચાલ્યો ગયો એ નીતિને ખબર ન હતી. જાણવા પણ માગતી ન હતી. નીતિ એક અજાણી જગ્યાએ આવીને અજાણ્યાની જેમ રહેવા લાગી ગઇ. ધીરે ભીરે સુકેત સાથે ગાળેલો સમય ભુંસાઇ રહ્યો હતો. એની જગ્યાએ જંગલનું બિહામણું સૌદર્ય છવાઇ ગયું હતુ. નીતિ દિવસ-રાત જંગલના વિચારોમાં ખોવાયેલી રહેતી. સોનેરી પાણીવાળું સરોવર આંખ સામે તરવર્યા કરતું. રાતે જંગલ પર બિહામણી રાત ઊતરી આવતી ત્યારે નીતિને પેલું સરોવર અને તેનું ચળકતું પાણી યાદ આવતાં. જંગલ પ્રદેશ પર રાતનો સન્નાટો છવાઇ જતો. નીતિ માટે રાત પસાર કરવી અસહ્ય થઇ જતી. રાત પડતાં ભુખાળવાં પ્રાણીઓ સરોવરના કાંઠે પાણી પીવા આવતા. નીતિ અંદરથી ઠૂંઠવાયા કરતી. શિકારી પ્રાણીની આંખમાં દેખાતી ચકમ જોઇને એને ઝનૂન ચડતું, જે કેમેય શાંત ન પડતું. એની આંખમાં લાહ્ય ભડકે બળતી. નીતિ હાંફતી છાતીએ કિનારે બેસીને જોયા કરતી. પરસ્પર ભીડાઇ ગયેલા દાંતની પકડ ઢીલી પડતી અને એ ઢળી પડતી. પેલી સ્વપ્નીલ, સુંદર સૃષ્ટિનું રૂપ હવે નીતિ માટે બદલાઇ ગયું હતું. સરોવારના પાણીને પામવાની ઘેલછા તો એવી જ હતી, પરંતુ એ સિવાયનું ઘણું બધું બદલાઇ ગયું હતું.

જંગલનું સૌદર્ય અને આકર્ષતું. કશુંક નવું જોવા મળશે એ આશાએ જંગલમાં ઊંડે સુધી જવાનું મન થતું. એને આશા હતી કે એક દિવસ આ કેડી એને પેલા સોનેરી પાણીવાળા સરોવર તરફ લઇ જશે. જ્યારે રોજની જગ્યાએથી પાછી ફરતી ત્યારે મનમાં પેલું સરોવર ચકરાયા કરતું. ગળામાં અટકી ગયેલી તરસ સળવળતી. એ જાણતી હતી કે સરોવરનું સોનેરી પાણી પોતાના ગળાની તરસ નહીં છીપાવી શકે, તેમ છતાં અંદરથી ધક્કો આવતો. સરોવર શોધવા મન ફાંફા માર્યા કરતું.

અંધારું ઊતરવા લાગ્યું હતું. જંગલ પર રાતનો કાળો ધાબળો ઢંકાઇ રહ્યો હતો. નીતિ પથ્થર પરથી ઊભી થઇ. ઝાંખા થતા આકાશ તરફ જોયું. જાણે હમણાં જ જાગ્યા હોય એમ પક્ષીના ઓળા ઊડી રહ્યા હતા. રાતના અવાજો આવી રહ્યા હતા. એણે ચારે તરફ જોઇ લીધું. એ ક્યારે્ય આટલો વખત જંગલમાં નથી રહી. એને લાગ્યું જાણે કોઇ શિકારી પ્રાણી સરોવરમાં પોતાની તરસ છીપાવવા આવી રહ્યું છે. એક કાન થઇ અવાજો સાંભળવા લાગી. પગરવ સંભળાતો હતો. દબાતા પાંદડાનો અવાજ નજીક આવતો જતો હતો.
પ્રાણીના હાંફતા શ્ર્વાસ સંભળાતા હતા. આંખમાં લાલ સૂરજ ધખતો હતો. શિકારની શોધમાં બહાર લટકતી જીભમાંથી લાળ ટપકતી હતી. નીતિ ત્યાંથી ખસી ન શકી. શિકારી પ્રાણીના નજીક આવવાની રાહ જોતી હોય એમ એકધ્યાન થઇને બેઠી રહી. સુકેતના પહોળા, પોકળ ખભા યાદ આવ્યા. સખ્ખત પકડતાં જ ફસકી જતાં. જાણે બરફ હોય એક જરા વારમાં એનું શરીર ઠંડું પડી જતું. પછી એ મડદા જેવો બની જતો. ગમે તેટલો ઢંઢોળો પણ જાગતો નહીં. એને અલગ જ ગંધ આવવા લાગી. ઊંડો શ્ર્વાસ લઇ આખા શરીરમાં એ ગંધ પ્રસરાવી લીધી. એ જરાય ચૂકવા માગતી ન હતી. સાવ પાસેથી ઘુરકિયાં સંભળાતા હતાં. જાણે શિકારી પ્રાણી એને બોલાવી રહ્યું હોય એવું લાગતું હતું. એણે પાછળની ગીચ ઝાડી બાજુ ડોકું ઘુમાવ્યું. એ બાજુથી ગંધ આવતી હતી. નાનકડી અજાણી કેડી હમણાં જ બની હોય એવું લાગ્યું.

નીતિએ ઝડપથી એ કેડી બાજુ પગ ઉપાડ્યા. જાણે પોતાને બોલાવવા કેડી સરોવરથી અહીં સુધી લંબાઇ હોય એક નીતિએ પગ માંડતા જ પાછળનો રસ્તો ઝાડીથી ઢંકાઇ ગયો. જેમ કેડી પર આગળ વધતી જતી હતી તેમ પાછળનો રસ્તો ઢંકાતો જતો હતો. નીતિ કોઇ અલગ જ નશામાં ચૂર હતી. કેડીની બન્ને બાજુ ફૂલોથી લચી પડેલી જંગલી વેલ હતી. મજાની સુગંધ આવતી હતી. એને વિશ્ર્વાસ હતો કે એ કેડી આગળ જતા સોનેરી પાણીવાળા સરોવર બાજુ લઇ જશે, જ્યાં હીરા જેવું ચમકતું સ્થિર પાણી હશે. કમળ ખીલ્યાં હશે. હંસ યુગલ પોતાની ક્રીડામાં મસ્ત હશે. નીતિ એમાં તૃપ્તિથી નહાઇ રહી હશે. એના કિનારે કાંકરીચાળો કરનાર સુકેતૂ નહિ હોય છતાંય તૃપ્તિનો આનંદ હશે. વરસોથી ધખતી અગ્નિ એ સરોવરના પાણીમાં નહાવાથી શાંત પડી જશે. ત્યાં સમયનું કોઇ અસ્તિત્વ નહીં હોય. એ આનંદ યુગો સુધી ચાલશે. તૃપ્તિનો ઓડકાર ગળા સુધી આવશે. આખું ચિત્ર એમ જ ચાલ્યા કરશે. ચળકતા પાણીમાં કોઇ ગમે તેટલા કાંકરા નાખે પણ ક્યારેય વમળ નહીં સર્જાય. પાણીની સપાટી અચલ રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત