તરોતાઝાસ્પોર્ટસ

નિવૃત્ત જીવનની જરૂરિયાત કેમ અલગ હોય છે ?

ગૌરવ મશરૂવાળા

અબ્રાહમ મેસ્લો નામના મનોવિજ્ઞાનીએ ૧૯૪૩માં ‘હાઈરાક ઑફ નીડ્સ’ નામની થિયરી રજૂ કરી હતી. તે ‘મેસ્લોસ લો’ તરીકે પણ ઓળખાય છે. મનુષ્યની અસ્તિત્વ ટકાવી રાખવાની સ્થિતિમાંથી આત્મબોધની સ્થિતિ સુધીની સફરને મેસ્લોસ લોમાં આવરી લેવામાં આવી છે,જેમકે..

આત્મબોધ – આત્મસન્માન-પોતાપણાની જરૂરિયાત- સલામતી માટેની જરૂરિયાત-મૂળભૂતિ જરૂરિયાત…..

મેસ્લો કહે છે કે મનુષ્યના જીવનમાં સૌથી પહેલાં મૂળભૂત જરૂરિયાતો સંતોષવાની હોય છે. અન્ન-જળનો તેમાં સમાવેશ થાય છે. આ જરૂરિયાતો સંતોષાઈ ગયા બાદ આપણે બીજી જરૂરિયાતો પૂરી કરવાની હોય છે. એ જરૂરિયાતોને એમણે સલામતી માટેની જરૂરિયાતો ગણાવી છે, જેમકે માથું ઢાંકવા માટે ઘર, સુરક્ષા માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, જીવનમાં સ્થિરતા લાવનારી વસ્તુઓ, વગેરે જરૂરિયાતો આપણે પૂરી કરવાની હોય છે.

આપણી મૂળભૂત અને સલામતી માટેની જરૂરિયાત પૂરી કરવા માટે નાણાંની જરૂર પડે છે. એ પૂરી થયા બાદ આપણને પોતાપણું, પ્રેમ, સ્નેહ, હૂંફ એ બધાની જરૂર પડે છે. પરિવારજનો, મિત્રો અને સમાજ એ જરૂરિયાતો પૂરી કરે છે.

એ પછી આવે છે આત્મસન્માન માટેની જરૂરિયાત. આપણને કોઈ માન આપે, આપણો સામાજિક મોભો હોય, ગૌરવ હોય એ બધી બાબતનો તેમાં સમાવેશ થાય છે. આ ત્રીજા અને ચોથા તબક્કાની જરૂરિયાતો નાણાં પૂરી કરી શકતાં નથી.

ઉપરોક્ત ચારે પ્રકારની જરૂરિયાતને ખાધ પૂરી કરવા માટેની ‘જરૂરિયાત’ કહેવાય છે. તેનો અર્થ એવો થયો કે એક તબક્કાની બધી વસ્તુઓ મળી જાય ત્યારે ખાધ પૂરી થઈ ગઈ કહેવાય અને પછી આપણે બીજા તબક્કા તરફ આગળ વધીએ છીએ. ઉદાહરણ તરીકે, અન્ન-જળની જરૂરિયાત પૂરી થયા બાદ આપણને વસ્ત્રો, ઘર, કાયદો, વ્યવસ્થા વગેરે જોઈએ છે. આ બંને તબક્કા બાદ પ્રેમ, હૂંફ જોઈએ છે અને પછી માન-સન્માન, ગૌરવ વગેરેની જરૂર પડે છે.

મનુષ્યની છેલ્લી અને અગત્યની જરૂરિયાત છે આત્મબોધની. કુદરત સાથે તાદાત્મ્ય સાધવાની એકરૂપ થઈ જવાની આ ઈચ્છા હોય છે. આ પ્રક્રિયા સતત ચાલતી હોય છે. આત્મબોધ નાણાંથી ખરીદી શકાતો નથી.

આ બધી વાતનો નિવૃત્ત જીવન સાથે શું સંબંધ છે? નિવૃત્ત લોકોની જરૂરિયાતો પણ આ જ ક્રમમાં હોય છે. નિવૃત્તિ બાદ સૌથી પહેલાં તો રોટી, કપડાં ઔર મકાનની જરૂરિયાત પૂરી કરવાની હોય છે. આપણા બધાની જેમ નિવૃત્ત લોકોને પણ અસ્તિત્વ ટકાવી રાખવા માટેની લડાઈ લડવાની હોય છે. પોતાના અવસાન સુધી નાણાં ટકશે કે નહીં એ સવાલ ઘણો મોટો હોય છે. નિવૃત્તિ માટેનું પૂરતું ભંડોળ એકઠું કરી લીધું હોય તો આ ચિંતાનો અંત આવી જાય છે.

આજકાલ વરિષ્ઠ નાગરિકો પર હુમલા, એમના ઘરમાં ચોરી, લૂંટફાટ, વગેરે પ્રકારના ગુનાઓ વધતા જાય છે. પોલીસ, સરકાર અને સમાજ ભેગાં મળીને આ સમસ્યાના હલ માટે પ્રયાસ કરી રહ્યા છે. નિવૃત્ત લોકોને પરિવારજનો, મિત્રો અને સમાજનાં સ્નેહ અને હૂંફની જરૂર હોય છે. ભારતીય સમાજમાં વડીલો પરિવારનો જ હિસ્સો ગણાય છે. એમનું માન સચવાય છે તથા એમની દેખરેખ રાખવામાં આવે છે. વળી, આજકાલ પરિવાર ઉપરાંત અનેક ઔપચારિક અને અનૌપચારિક વર્તુળો- કેન્દ્રો કાર્યરત છે. તેમાં વડીલો ભેગા મળીને સમય વ્યતીત કરી શકે છે. પોતાપણું તથા સ્નેહની જરૂરિયાત આવાં કેન્દ્રમાં પૂરી થતી જોવા મળે છે.

આગામી વર્ષોમાં વરિષ્ઠ નાગરિકો માટેની ખાસ વસાહતો રચવામાં આવશે. તેમાં મૂળભૂત આરોગ્યસેવા, દેખભાળ, ચોવીસે કલાકની સુરક્ષા, મનોરંજક પ્રવૃત્તિઓ જેવી સુવિધાઓ હશે. વસાહતોમાં મૂળભૂત જરૂરિયાતો, સલામતીની જરૂરિયાતો અને પોતાપણાની જરૂરિયાત સંતોષાશે.

આત્મસન્માન, ગૌરવ, વગેરે પ્રાપ્ત કરવા માટે વડીલો પોતાના જ્ઞાન, અનુભવનો લાભ પરિવારને, સમાજને કે સમુદાયને આપી શકે છે. એ ખુદ સ્વૈચ્છિક સંસ્થાઓ, આશ્રમો, જેવાં સ્થળે સેવા આપી શકે છે, વંચિત વર્ગનાં બાળકોને કે પ્રૌઢોને શિક્ષણ આપી શકે છે, નવી પેઢીને માર્ગદર્શન આપી શકે છે. જો કે, આ બધું કહેવા કરતં કરવું અઘરું છે. ઘણાં બધા લોકોને સ્વૈચ્છિક સંસ્થામાં જવાનો કે સામુદાયિક કાર્ય કરવાનો અનુભવ નથી હોતો. વળી, નિવૃત્તિ બાદ આવું કરે ત્યારે અહમ્ વચ્ચે નડે એવું પણ શક્ય છે. જો યુવાપેઢી તેમનું સાંભળે નહીં તો એમને નાહક મનદુ:ખ થઈ શકે છે. આથી મોટા ભાગના નિવૃત્ત લોકોને શું કરવું તે સમજાતું નથી.

આત્મબોધ માટે મેડિટેશન એ એક ઉપાય છે. મેડિટેશનનો અર્થ ટટ્ટાર બેસીને, પલાંઠી વાળીને કે આંખો બંધ કરીને બેસી રહેવું એ જ નથી. મેડિટેશન એટલે કે ચિંતન કરવાના અનેક રસ્તા છે. ભગવદ્ ગીતામાં તથા અન્ય ધર્મગ્રંથોમાં મેડિટેશનના અનેક વિકલ્પ દર્શાવવામાં આવ્યા છે.

આમ નિવૃત્ત જીવન માટે ફક્ત નાણાકીય વ્યવસ્થા કરી લેવાથી કામ પતી જતું નથી. નાણાંથી તો ફક્ત મૂળભૂત જરૂરિયાતો સંતોષાશે. બીજા તબક્કા બાદની જરૂરિયાતોને સંપૂર્ણપણે નાણાં સાથે સંબંધ નથી. આથી, તેના વિશે અલગથી વિચાર કરવો જરૂરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button