તરોતાઝા

ઉઘાડી ચેલેન્જ – પ્રકરણ-9

કનુ ભગદેવ

અને એકાએક દિલાવરખાને ભયાનક રીતે સ્ટિયરિંગ વ્હિલને જોરથી ફેરવ્યું. સામેથી ભીમકાય એંજિનની માફક ધસી આવેલી વાયરલેસ વાન, તેની કારના બોનેટ સાથે અથડાય એ પહેલાં જ કાર એકદમ તીરછી થઈ અને એ જ પળના બીજા ભાગમાં ફૂટપાથ પર ધસી ગઈ.

(ગતાંકથી ચાલુ)
કાર ચલાવતાં ચલાવતાં એના હોઠ પર સ્મિત ઝબક્યું. પછી એની નજર સામેની દિશામાંથી પૂરપાટ વેગે ધસી આવતી બે વાયરલેસ કાર પર સ્થિર થઈ. પાછળની કાળી કાર પણ એકધારી ગતિએ ચાલી આવે છે એ વાત તેના ખ્યાલ બહાર નહોતી.
સામેની બંને વાયરલેસ કાર, એક જ ગતિથી બાજુ બાજુમાં જ દોડતી આવતી હતી. તેની હેડલાઈટો ઑફ હતી. માત્ર સ્મોલ સાઈડ લાઈટ જ સળગતી હતી.
દિલાવરખાને દૂરથી જ હોર્ન મારવાની શરૂઆત કરી, પરંતુ બંને ગાડીઓ સમાન ગતિમાં જ તેની સામે આવતી રહી…
તેઓની વચ્ચે હવે લગભગ દોઢસો-એક વારનું અંતર હતું. એ લોકોનો ઈરાદો સાફ નથી તે વાત તો દિલાવરખાન પહેલાંથી જ સમજતો હતો. ફરી એકવાર એના હોઠ પર સ્મિત ફરક્યું. પછી ગર્વભેર માથું ઊંચું થયું. એની આંખો ગર્વ અને અભિમાનથી ચમકવા લાગી. પ્રત્યેક પળે તેઓની વચ્ચેનું અંતર ઓછું થવા લાગ્યું હતું. એ લોકો પોતાને અટકાવવા માગે છે, તે વાત સ્પષ્ટ હતી.
ફાંસલો ઘટતો ગયો.
પંદર વાર…
તેઓની વચ્ચે ફક્ત પંદર વારનું અંતર બાકી રહ્યું…
અને એકાએક દિલાવરખાને ભયાનક રીતે સ્ટિયરિંગ વ્હિલને જોરથી ફેરવ્યું. સામેથી ભીમકાય એંજિનની માફક ધસી આવેલી વાયરલેસ વાન, તેની કારના બોનેટ સાથે અથડાય એ પહેલાં જ કાર એકદમ તીરછી થઈ અને એ જ પળના બીજા ભાગમાં ફૂટપાથ પર ધસી ગઈ. બીજી પળની સમાપ્તિમાં એણે ફરીથી સ્ટિયરિંગ ઘુમાવ્યું. કારની ડાબી સાઈટના આગલા અને પાછલા બન્ને વ્હિલ ફૂટપાથ પર ચડી ગયાં. એ સાથે જ કારને જોરથી આંચકો વાગ્યો. જમણી સાઈડનાં આગલાં-પાછલાં બન્ને વ્હિલ સડક પર હતાં અને એ જ પોઝિશનમાં તેની કાર અર્ધી ફૂટપાથ પર અને અર્ધા સડક પર આગળ ધસવા લાગી. ડાબી તરફથી ઊંચી થઈ ગયેલી કાર, જમણી દિશાએ આવેલી વાયરલેસ કારથી ફક્ત એક ફૂટ જેટલા અંતરેથી પસાર થઈ ગઈ.
ફરી એકવાર દિલાવરખાનની આંગળીઓ દિશાચક્ર પર ઘૂમી… એક આંચકો! અને કાર પુન: સડક પર દોડવા લાગી.
પાછલી કારમાં રહેલા દેશાઈભાઈએ દિલાવરખાનની ડ્રાઈવિંગ કુશળતાને મનોમન દાદ આપી.
ગજબ છે...આ માણસ...!' બમનજી બબડ્યો. બંને વાયરલેસ કાર આગળપાછળ ગોઠવાઈને ઊભી રહી ગઈ. રસ્તો મળતાં જ દેશાઈભાઈએ કારની ગતિ વધારી દીધી. આ સમય દરમિયાન દિલાવરખાનની કાર ફરી એકવાર તોપમાંથી છૂટેલા ગોળાની સ્પિડથી આગળ ધસમસતી હતી. પૂરી બે મિનિટ પછી તે પુન: દેશાઈભાઈની નજરે ચડી. વળાંક પર વળાંક... ડગલે ને પગલે મોત... દિલાવરખાને ઘડિયાળ જોઈ. રાતના આઠ વાગ્યા હતા. એ હવે કદાચ થાક્યો હતો. સહસા એની નજર ફરીથી વિન્ડસ્ક્રીન સામે ફેલાયેલી સડક પર સ્થિર થઈ. એ સ્થળે ઢોળાવદાર વળાંક હતો અને ત્યાં એક સાથે સાત સાત વાયરલેસો રસ્તો રોકીને ઊભી હતી. આગળ જવાનો માર્ગ જ બ્લોક થઈ ગયો હતો. એણે પાછળ નજર કરી. કાળી કાર પૂર્વવત્‌‍ ગતિએ આવી રહી હતી. એ વધુ વિચાર કરે તે પહેલાં જ કાર વળાંક પર આવી પહોંચી. એણે જોરથી બ્રેક મારી...શાંત સૂના વાતાવરણમાં બ્રેકના અવાજથી સડક ગર્જી ઊઠી...કાર પૂરેપૂરી ઊભી રહે એ પહેલાં જ એણે ડાબી તરફનું બારણું ઉઘાડ્યું અને પછી તે બહાર કૂદી પડ્યો. સડક પર આવીને એણે જોરથી સામેની ફૂટપાથ તરફ દોટ મૂકી. એક સાથે કેટલીએ ગોળીઓ તેની દિશામાં ધસી આવી. વાતાવરણ ગોળીબારનાં પ્રચંડ ધુમાડાથી ગાજી ઊઠ્યું. સડક પર ધુમાડો છવાઈ ગયો, અને સળગી ગયેલા દારૂની ગંધ ત્યાંના વાતાવરણમાં ફેલાઈ ગઈ. આ ધુમાડો જ તેને અશાંત રીતે મદદરૂપ થયો. કશુયે વિચાર્યા વગર તે એક ઈમારતમાં દાખલ થઈ ગયો... દેશાઈભાઈએ તેને એ ઈમારતમાં જતાં જોયો હતો. ગોળીબારના પ્રચંડ ધડાકાઓથી એ વિસ્તાર ગાજી ઊઠ્યો અને લોકોમાં જબરી નાસભાગ થઈ પડી હતી અને કીડિયારાની જેમ પોલીસના માણસો ઊભરાતા હતા. દેશાઈભાઈ કાર ઊભી રાખીને નીચે ઊતર્યો. એણે એકાદ-પળ થોભીને આમતેમ નજર કરી. પછી એ પણ દિલાવરની પાછળ ઈમારતમાં ઘૂસી ગયો. અંદર જતાં જ તેને એક તરફ લિફ્ટ દેખાઈ એની સામે જ સીડી હતી. એણે ઈન્ડિકેટરમાં નજર કરી. પાંચમા માળ પરથી લિફ્ટ પસાર થતી હતી. ક્રોધથી એણે દાંત કચકચાવ્યા અને પછી નિરુપાયે લિફ્ટને નીચે આવવાની રાહ જોવા લાગ્યો. એણે ખૂબ બેચેનીથી લિફ્ટને નીચે બોલાવવા માટે જોરથી બટન દબાવ્યું. થોડીપળો બાદ લિફ્ટ નીચે આવી. લિફ્ટમેને બારણું ઉઘાડ્યું. એ જ પળે બે પોલીસ ઈન્સ્પેક્ટરો ત્યાં ધસી આવ્યા. કેદીઓનાં વસ્ત્રો પહેરેલો એક માણસ કયા માળ પર ઊતર્યો છે? દેશાઈભાઈએ લિફ્ટમાં પ્રવેશતાં પૂછ્યું.
તમે કોણ છો મિસ્ટર?' બન્ને ઈન્સ્પેક્ટરો પણ લિફ્ટમાં આવ્યા અને બેમાંથી એકે દેશાઈભાઈને પ્રશ્ન કર્યો. કાનૂનના રક્ષકોને મારા જયહિંદ!’ કડવું સ્મિત ફરકાવતાં બોલ્યો… પછી એણે લિફ્ટમેન સામે જોયું.
સાતમા માળ પર...' એણે જવાબ આપ્યો. તો જલદી અમને પણ ત્યાં લઈ જા.’ પછી તે બન્ને ઈન્સ્પેક્ટરો સામે સ્મિત ફરકાવતાં બોલ્યો, સાહેબો, મારું નામ દેશાઈભાઈ છે, ચમકશો નહિ! મેં હવે સ્મગલિંગનો ધંધો જેલમાંથી છૂટ્યા પછી સદંતર બંધ કરી દીધો છે. તમારા લોકોની હાજરીમાં ધોળે દિવસે ભરી અદાલતમાંથી દિલાવરખાન નાસી છૂટ્યો એ મેં જોયું છે. અને આપની જાણ ખાતર સૂચનાર્થે નિવેદન છે કે મેં છેક કોર્ટથી જ તેનો પીછો અહીં સુધી કર્યો છે. કાનૂનને તથા તેના રક્ષકોને આ રીતે મદદ કરવાની, એક સભ્ય નાગરિક તરીકે મારી ફરજ છે, જે હું બજાવી રહ્યો છું.' એ ફરીથી હસ્યો. લિફ્ટ સાતમા માળ પર આવીને થોભી. બંને ઈન્સ્પેક્ટરો દેશાઈભાઈની સામે વિચિત્ર નજરે તાકી રહ્યા હતા. હવે તેઓને દેશાઈભાઈ તથા તેની ભૂતકાલીન પ્રવૃત્તિઓ બરાબર યાદ આવી ગઈ હતી. તેઓની પરવા કર્યા વગર દેશાઈભાઈ લિફ્ટની બહાર નીકળ્યો. પળભર તેણે આમતેમ નજર દોડાવી બંને ઈન્સ્પેક્ટરો પણ તેને ગણકાર્યા વગર લિફ્ટની જમણી તરફની લોબીમાં ઉતાવળા પગલે જવા લાગ્યા. આ દરમિયાન લિફ્ટ ઉપર જઈ ચૂકી હતી. અચાનક દેશાઈભાઈની નજર બાજુની સીડીનાં પગથિયાં પર પડી. ત્યાં પાણી અને ધુળથી ખરડાયેલાં બે માનવ પગલાં સ્પષ્ટ રીતે ઊપસી આવેલાં હતાં. પછી દેશાઈભાઈએ પોતાના પગ સામે જોયું. એને પગલાનું રહસ્ય સમજાઈ ગયું. દિલાવરખાન જે સડક પરથી ઈમારતમાં દાખલ થયો હતો ત્યાંની એમ ગંદા પાણીની ગટર ઊભરાયેલી હતી. અને ત્યાં ચારે તરફ પાણી ફેલાયેલું હતું એ વાત તેને યાદ આવી. એના પોતાના પગ પણ ગંદા પાણીથી ખરડાયેલા હતા. ચોક્કસ દિલાવરખાન લિફ્ટમાંથી ઊતરીને પગથિયાં ચડી ઉપર ગયો છે. એણે સીડી ચડીને પહેલાં વળાંક પરથી ગરદન ઊંચી કરીને ઉપરના ભાગમાં જોયું. એનું હૈયું પળભર માટે ધબકારા ચૂકી ગયું! એની માફક દિલાવરખાન પર સીડીની રેલીંગ પર નમીને એની સામે જોતો હતો. એની સફેદ કોડા જેવી આંખો ચમકારા મારતી હતી. દેશાઈભાઈની સાથે તેની નજર મળી. દેશાઈભાઈ…! જાણે ગોદળામાંથી પથ્થર છૂટ્યો હોય, એવો સુસવાટાભર્યો અવાજ દિલાવરખાનના ગળામાંથી નીકળ્યો.
હું તને બહુ સારી રીતે ઓળખું છું. અપરાધી આલમમાં પ્રવેશેલા એકેએક માણસો વિષે હું જાણું છું અને તેઓને ઓળખુ છું. બીજાઓની જેમ તારી પ્રવૃત્તિઓ પણ મારાથી અજાણ નથી. તું એક દાણચોર છે અને થોડા વખત પહેલાં જ જેલની સજા કાપીને છૂટ્યો છે. હું ન ચૂલતો હોઉં તો છેલ્લા પાંચ કલાકથી તું મારો પીછો કરતો આવ્યો છે. હું એ પણ જાણું છું કે તું હવે શરીફોની દુનિયામાં પાછો ફર્યો છે. મારી પાછળ પડીને તું કદાચ મને પકડવા ઈચ્છતો હોઈશ, જેથી પોલીસની આંખોમાં તારા પ્રત્યે ઈજ્જત અને માન ઊભરાય! પણ મારા દોસ્ત! મારી પાછળ પડવાથી તને કશો યે લાભ થવાનો નથી. હું તને મારી શક્તિનો પરચો બતાવું એ પહેલાં બહેતર છે કે તું તારી તથા તારાં બાલબચ્ચાંઓની સલામતી ખાતર અહીંથી ચાલતી પકડ...નહિ તો...' દેસાઈભાઈ પળભર માટે જડવત્‌‍ બની ગયો. એની આંખો અચરજથી ફાટી પડી. પોતાના વિષે આટલી બધી સચોટ માહિતી એ જાણતો હશે, એવી તો તેને સ્વપ્નેયે કલ્પના નહોતી; પરંતુ પછી એ સ્વસ્થ થઈ ગયો. દિલાવર!’ એ જોરથી બરાડ્યો, તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે, તેં મને ચેલેન્જ ફેંકી છે એટલે હવે તારી સાથે બબ્બે હાથ કર્યા વગર પાછા ફરવાની મારી ઈચ્છા નથી. હું કાયર નથી એ વાતનું તને મારે ભાન કરાવવું જ પડશે અને પછી તને પણ થશે કે ના, એક માથા ફરેલો મળ્યો હતો.' દેસાઈભાઈ…!’ દિલાવર બરાડ્યો, તું ચુપચાપ ચાલ્યો જા...મારા મામલામાં તારે માથું મારવાની જરૂર નથી. હજુ તારા મોંમાં દૂધ ગંધાય છે, મારા દોસ્ત!' સા…સુવર…’ અને દેશાઈભાઈ એકદમ છલાંગો મારતો સીડી પર ધસ્યો, એના બંને પગ હરણ જેટલી ચપળતાથી ઊછળી ઊછળીને એક સાથે ત્રણ-ત્રણ પગથિયાં વટાવતા હતા.
દિલાવરખાને પીઠ ફેરવી. અને પછી એ પણ એકદમ ઉપર જવા લાગ્યો…
આ ઈમારતમાં ફ્લેટ નહિ પણ વ્યાપારી પેઢીઓ હતી અને તેથી અત્યારે તે ઉજ્જડ હતી. લિફ્ટમેન પણ ગભરાટનો માર્યો લિફ્ટને ઉપર મૂકીને ક્યાંક ભરાઈ ગયો હતો.
હજુ પણ પાછો ફર દેસાઈભાઈ...' સીડી ચડતાં ચડતાં દિલાવર બરાડ્યો. હવે તે ઈમારતની છેલ્લી મંઝીલ પર હતો. સીડીનું છેલ્લું પગથિયું છતના દ્વાર પાસે પૂરું થયું, દિલાવરખાન છતમાં પ્રવેશી ગયો. તે એક ઘણી જ લાંબી-પહોળી અને ત્રણ ફૂટ ઊંચી પાળથી ઘેરાયેલી છત હતી. તે દોડીને એકદમ સામેની પાળ નજીક પહોંચ્યો. એણે ત્યાંથી નીચે નજર કરી. એ સડકવાળો ભાગ હતો. સડક પર કેટલીએ પોલીસવાન વાયરલેસ કાર સિપાઈઓનાં ટોળાં અને ઓછામાં ઓછા પાંચસો-છસો જેટલા રાહદારીઓ એકઠા થયાં હતાં. સેંકડો ફૂટ નીચે દેખાતી સડક પર આટલા બધા માણસોને એકઠા થયેલા જોઈને તેના ચહેરા પર કરચલી છવાઈ ગઈ. એ જ પળે વીફરેલા ગેંડાની જેમ દેસાઈભાઈ છતમાં પ્રવેશ્યો. દિલાવરખાન સામે જ ઊભો હતો. બંને આંખના પલકારામાં સામસામે આવી ગયા. દિલાવરખાનને જાણે કે એક પ્રચંડ ઠાંસો ધડામ કરતો દિવાકરની છાતીમાં ભયાનક વેગથી ટકરાયો. દિલાવરના બંને હોઠ આપસમાં ભીડાયા. તે સ્ફૂર્તિથી પાછળ ખસીને બોલ્યો,દેસાઈભાઈ, મારા હાથ તારા લોહીમાં રંગવા નથી માંગતો. ભગવાનને ખાતર તું અહીંથી ચાલ્યો જા મને પકડીને જશ ખાટવાનો ઈરાદો ત્યજી દે એમાં તારું જ ભલુ છે.’
તારી એવી તેવી સા...લબાડ...! અને વાક્ય પૂરું કરીને દેઈાઈભાઈએ પોતાના જમણા પગની લાત ખૂબ તાકાતથી વીંઝી... પરંતુ એનો પગ ખાલી હવા કાપીને રહી ગયો. દિલાવરખાન સ્ફૂર્તિથી ત્રણ પગલાં પાછળ ખસી ગયો હતો. દેસાઈભાઈ સમતુલા જાળવે એ પહેલાં જ દિલાવરખાને સહેજ નીચા નમીને પોતાના બંને હાથ તેની કમ્મર પર વીંટોળ્યા. પછી એક નાની બાળકની જેમ એણે દેસાઈભાઈને ઊંચકી લીધો અને એ જ સ્થિતિમાં તે પાળ તરફ ધસી ગયો. દેસાઈ એની પકડમાંથી છૂટવા માટે ભયંકર તરફડિયાં મારતો હતો. એ પોતાના હાથપગને જોરજોરથી આંચકા મારતો હતો. પરંતુ દિલાવરને તેની કશીએ અસર નહોતી થતી. દેસાઈભાઈ…’ દિલાવરખાન બરાડ્યો, મારી સાથે બાથ ભીડવી એ હાથે કરીને મોત નોતરવા જેવું છે. હું જો ઈચ્છું તો હમણાં જ તને અહીંથી નીચે સડક પર ફેંકી શકું છું. પરંતુ મેં કહ્યું તેમ હું તારા લોહીમાં હાથ રંગવા નથી માંગતો... તને છેલ્લી તક આપું છું, ચુપચાપ અહીંથી ચાલ્યો...' એ વાક્ય પૂરું કરે તે પહેલાં જ છતના ઉઘાડી હારમાંથી બે ઈન્સ્પેક્ટરો સિપાઈઓનાં ટોળાં અંદર ધસી આવ્યા. દિલાવરનો કદાવર દેહ દેસાઈભાઈના સંપૂર્ણ વજન સાથે તેની એડી પર અર્ધગોળાકારમાં વળ્યો. પછી વળતી જ પળે એના હાથમાંથી દેસાઈભાઈનો દેહ, ગોફણમાંથી છૂટેલા પથ્થરની જેમ છટકીને સામે ધસી આવતા પોલીસો પર ફૂટબોલની જેમ જઈ પડ્યો. વેગથી ધસી આવતો દેશાઈભાઈ દેહનો જોરદાર ધક્કો પોલીસોને વાગ્યો અને સૌ એકસાથે બેલેન્સ ગુમાવીને ત્યાં જ ગબડી પડ્યા. દેસાઈભાઈનું જડબું, ભાંગી ગયું. તીવ્ર પીડાથી તે હળવી હળવી ચીસો નાંદખતો હતો. આ દરમિયાન દિલાવરખાન છતની પાળ પર ચડી ગયો. એની નજર સામેની ઈમારત પર સ્થિર હતી. એ ઈમારત, આ મકાનથી સહેજ નાની અને આઠ માળની હતી. બંને ઈમારતો વચ્ચે એક ગલી હતી... અને બંનેની વચ્ચે લગભગ આઠ-દસ ફૂટનો ફાંસલો હતો. બંને ઈન્સ્પેક્ટરો એની સામે ધસ્યા. એમણે પોતાની રિવોલ્વર તેની સામે તાકી. દિલાવરના ગળામાંથી સાક્ષાત શયતાનને પણ બે ઘડી થરથરાવી મૂકે એવું પ્રચંડ અને ખડખડાટ અટ્ટહસ્ય હવાની સપાટી પર ફેલાયું. ધડામ…ધડામ…’ બે રિવોલ્વરો ગર્જી ઊઠી.
દિલાવરખાને પાળ પરથી નીચે કૂદીને બંને ગોળીઓને ચૂકવી દીધી. પછી એ ભયાનક જનૂનથી તેઓની સામે ધસ્યો. નજીક પહોંચીને એ ઊંચો હવામાં ઊછળ્યો અને ત્યાર પછીની પળે એના બંને પગની લાત એકસાથે બેઉ ઈન્સ્પેક્ટરોની છાતીમાં સ્ટિમ રોલરના તોતીંગ ફટાકાની જેમ ભીષણ પ્રહારના રૂપમાં ભયાનક વેગથી ઝીંકાઈ.
બંનેના દેહ પાછળના ભાગમાં ઊથલી પડ્યા!
એ જ પળે સ્વસ્થ થઈ ચૂકેલા પોલીસો ઊભા થયા…!
દિલાવરખાને ક્રોધમાં દાંત કચકચાવીને દોટ મૂકી. એની આ દોટ ખૂબ ભયંકર હતી. એક જ કૂદકે એ ફરીથી પાળ પર ચડ્યો, સામેની ઈમારતની છત તરફ નજર કરી, પછી એનો દેહ શિકારી ચિત્તાની જેમ સંકોચાયો. ત્યારબાદ એણે પોતાની હતી એટલી તમામ તાકાત એકઠી કરીને પોતાના દેહને જોરથી ઉછાળ્યો.
પળભર જાણે કે એનો દેહ હવાની સપાટી પર તરતો દેખાયો. ગલીના નાકે ઊભેલા સેંકડો માણસો ટ્યુબ લાઈટની રોશનીમાં એનું આ ભયાનક સાહસ જોઈને ધ્રુજી ઊઠ્યા.
માશાલ્લા...એ પાગલ બની ગયો લાગે છે...' ટોળામાંથી કોઈકનો ધ્રૂજતો અવાજ આવ્યો. દિલાવરખાનનો દેહ સરકસના કુશળ ખેલાડીની જેમ સામેની ઈમારતની છતમાં જઈ પડ્યો. ધડામ…ધડામ…’ આગલી ઈમારતની પાળ નજીક આવી પહોંચેલા સિપાઈઓએ બંદૂકમાંથી ગોળીઓ છોડી.
દિલાવરખાન છત પર સૂતો સૂતો જ અનેક પડખાં ફરી ગયો અને છેવટે સરકતો સરકતો તે બીજી દિશામાં પહોંચી ગયો. છત પર ત્રિશંકુ આકારનું એક ઘૂમટ હતુ. તે એ ઘૂમટની પાછળ પહોંચી ગયો. હવે તેને ઓથ મળી ગઈ હોવાથી ગોળી વાગવાનો ભય નહોતો.
છતમાંથી નીચે જવાની સીડી લોખંડી ગ્રીલ્સવાળા એક દરવાજામાં હતી અને જાળીવાળું એ મજબૂત દ્વાર બંધ હતું.
નીચે ઊતરવા માટે એણે છતમાં ચારે તરફ ચક્કર લગાવ્યાં, પરંતુ કોઈ જ માર્ગ તેને ન દેખાયો.
પોલીસોની ફોજ હવે તે ઈમારત પાસે નીચે સડક પર એકઠી થઈ હતી. અને થોડી પળોમાં જ તેઓ ઈમારતમાં દાખલ થઈને ઉપર આવી શકે તેમ હતા.
નીચે ઊતરવા માટે એકાદ નળ કે ટે્રન પાઈપ પણ નહોતો…
એણે પાળનું અવલોકન કર્યું. પાળની નીચે-(છતથી ત્રણ ઈંચ ઉપર) ડેકોરેશન માટે નાના નાના લંબચોરસ ગોખલાઓ બનાવવામાં આવ્યા હતા.
દિલાવરખાને પાળ પર નમીને નીચે નજર કરી. આઠમા માળની એક બાલ્કનીની બારી તેને ઉઘાડી દેખાઈ. પરંતુ ત્યાં સુધી પહોંચી શકાય તેમ નહોતું. છતની પાળ તથા એ બારીની વચ્ચે ઓછામાં ઓછું છ ફૂટનું અંતર હતું. બારીના કઠેડા અને છતની વચ્ચેની દીવાલ પર પગદી ગોઠવી શકાય એવો જ ખાંચો કે આધાર નહોતો.
અચાનક એના કાન સરવા થયા.
ખૂબ નીચેથી એકીસાથે કેટલાએ માણસોના ચાલવાનો હળવો અવાજ એના કાને ટકરાયો.
`-પોલીસ…! એ બબડ્યો. ટૂંક સમયમાં જ, બલ્કે વધુમાં વધુ ચાર-પાંચ મિનિટમાં જ પોલીસ અહીં ધસી આવશે, એ વાત તેના દિમાગમાં ઊતરી ગઈ. એણે સામેની ઈમારત તરફ નજર કરી. બંનેની ઊંચાઈ એકસરખી જ હતી. પરંતુ બેઉની વચ્ચે ઓછામાં ઓછું પંદર ફૂટનું અંતર હતું એટલે ત્યાં કૂદકો મારવો, એ મોતને ભેટવા બરાબર હતું. એણે છતમાં ફરી એકવાર નજર દોડાવી. પછી એની નજર પાળની નીચે, એટલે કે છતની સપાટીથી ત્રણ ઈંચ ઉપર પાળમાં બનેલા ડેકોરેશનવાળા નાના નાના ગોખલાઓની હારમાળા પર સ્થિર થઈ. એક તરફ એને લગભગ સાત-આઠ ગોખલા, બીજાઓ કરતાં પ્રમાણમાં થોડા નાની સાઈઝના લાગ્યા. એણે ત્યાં જઈને નીચે નજર કરી, એ ગોખલાની બરાબર નીચે પેલી ઉઘાડી બારી દેખાતી હતી, એના મગજમાં એક યુક્તિ સૂઝી આવી. જો કે તે ખૂબ જ ભયંકર અને જીવલેણ હતી. જો સહેજ પણ ગફલત કે ભૂલચૂક થાય તો તે સીધો જ સેંકડો ફૂટ નીચે જઈ પડે તેમ હતું…
અચાનક સીડી પર કેટલાંયે પગલાંનો અવાજ એના કાને અથડાયો.
વધુ વિચાર્યા વગર તે પાળ પર ચડ્યો અને બંને હાથ પાળ પર ગોઠવીને બીજી દિશામાં ઊતરી ગયો. બીજી દિશામાં ઊતર્યા પછી એણે લગભગ છ ઈંચના બહારના પ્રોજેકશન પર બંને પગ ગોઠવ્યા. પગને એણે સીધા નહિ પણ આડા રાખ્યા હતા. ત્યારબાદ એણે પેટ, છાતી વિગેરેને બીજી દિશાની પાળની દીવાલ સરસા સેટ-અપ કર્યા, એ પછી તે છાતી અને પેટને દીવાલ સરસો ધરાવતો નીચે નમતો ગયો.
એનો દેહ પસીનાથી નીતરતો હતો કોઈ પણ પળે તે બેલેન્સ ગુમાવીને નીચે ઊથલી પડે તેમ હતો એની છાતી ધમણની જેમ ઊછળતી હતી, જિંદગી અને મોતની વચ્ચે માત્ર વાળ જેટલું જ અંતર હતું. દિલાવરખાન કદાચ હિંમતની સાથે સાથે હૃદય પણ લોખંડી ધરાવતો હતો પૂરેપૂરી સભાનતાથી, ઉતાવળ કર્યા વગર તે પ્રત્યેક પળે બંને પગને ઘૂટણથી જ વાળતો જતો હતો એના પગની નસો અકડાઈ જવા આવી હતી. પગની એડી કે પંજાને ખસેડવાનો તો સવાલ જ નહોતો. કારણ કે એના દેહનું હલનચલન એડી તથા પંજા પર જ આધારિત હતું. એને તો ખસેડાય એમ હતું જ નહિ…
એના ઘૂંટણ, સાથળ દીવાલ સરસા કમાન આકારે ઘસાતાં હતાં.
છેવટે એનો પ્રયાસ સફળ થયો. એનો એક હાથ છતના ગોખલામાં ભરાયો. એના ચહેરા પર હર્ષની રેખાઓ છવાઈ ગઈ. પછી એણે બીજો હાથ પણ બાજુના ગોખલામાં ભરાવ્યો.
જિંદગી અને મોતના પહેલા તબક્કામાંથી એ પસાર થઈ ગયો હતો. પરંતુ હવે જ સાચી કટોકટી હતી.
એણે પોતાનો એક પગ એ ગોખલામાં ભરાવ્યો. પછી એક હાથ બહાર કાઢ્યો. ત્યારબાદ બીજો પગ પણ બાજુમાં ભરાવ્યો. હવે એના પગ એડી સુધી એ ગોખલામાં હતા. બંને પગના બંને પંજાને એણે આડા વાળ્યા. હવે આ સ્થિતિમાં પગ જ્યાં સુધી રહે ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં તે બહાર નીકળી શકે તેમ નહોતો.
બંને પગના પંજાની પોઝિશન જોઈને એણે છુટકારાનો શ્વાસ લીધો અને પછી વળતી જ પળે તેણે બંને હાથ પ્રોજેકશન પરથી છોડી દીધા, ત્યારબાદ એણે પોતાના દેશને અવળે માથે નીચે નમાવ્યો. થોડી પળમાં જ પોઝિશન બદલાઈ ગઈ. હવે એના પગ ઉપર તથા માથું નીચે લટકતું હતું. ગોખલામાં ભેરવા બેલા બંને પગ પર જ એનું બેલેન્સ જળવાતું હતું. એનું પેટ, છાતી વિગેરે ઊંધે માથે હવાની સપાટી પર દીવાલ સરસા લટકતા હતા, એનો ચહેરો બારી તરફ હતો, પછી એણે બંને હાથને બારી તરફ લંબાવ્યા.
સાચે જ એ કિસ્મતનો માલિક હતો. એના બંને હાથ ખૂબ સહેલાઈથી બારીના ઉંબરાને પહોંચતા હતા. એણે બંને હાથ બારી પર ગોઠવ્યા.
હવે એ જિંદગી અને મોતના બીજા તબક્કામાંથી પસાર થઈ ગયો.
છેલ્લો તબક્કો જો સહેજ પર ભૂલ થાય તો પછી મોત નિશ્ચિત હતું…
એણે ધીમે ધીમે હાથને બારીના વેન્ટીલેશનના સળિયાને બેહદ મજબૂત રીતે પકડી લીધા. એના હાથની આંગળીઓ પંજા સહિત જાણે સાક્ષાત્‌‍ લોખંડની બની હોય એ રીતે મડાગાંઠની માફક સળિયા પર જકડાઈ ગઈ હતી… હવે એની જિંદગીનો આધાર સળિયા તથા એના હાથની પકડ પર અવલંબતો હતો…
(વધુ આવતી કાલે)ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress