આ છે એક સિક્કાની બે બાજુ…

ગૌરવ મશરૂવાળા
‘એક નચિંત રોકાણકાર મોટાભાગે વધુ જાણકાર, ધીરજવાન અને ઓછો ભાવુક અને મૂળભૂત સિદ્ધાંતોને સમજનારો હોય છે…’ આ વાત કરી છે વિશ્વભરમાં જાણીતા અને અતિ સફળ એવા ‘રોકાણકાર ગુરુ’ વોરેન બફેટે… એક ટીવી શો દરમિયાન મને રસપ્રદ પ્રશ્ન પૂછાયો હતો: મારે વધારે જોખમવાળું રોકાણ કરવું છે. શેમાં રોકાણ કરું? આવો સવાલ સાંભળીને મારે સામેથી પૂછવું પડ્યું: ‘તમારે વધારે જોખમ શું કામ લેવું છે?’ જવાબ મળ્યો: ‘વધુ જોખમ લઈએ તો વધારે વળતર મળતું હોય છે એટલે મારે વધારે જોખમવાળું રોકાણ કરવું છે…! ’વધારે જોખમ લઈએ તો વધારે વળતર મળે એમ કહેવાનું સાચું કે પછી વધારે વળતર મળતું હોય ત્યારે જોખમ વધારે હોય છે એમ કહેવું સાચું?
આમાં થોડા ઊંડા ઊતરવું પડે એમ છે. શું ઉપરોક્ત બન્ને વિધાન વચ્ચે કોઈ તફાવત છે ખરો? ‘વધારે જોખમ લઈએ તો વધારે વળતર મળે’ એવું જ્યારે આપણે બોલીએ ત્યારે આપણું મગજ વધારે વળતર પર ભાર મૂકતું હોય છે. હકીકત તો એ હોય છે કે વધારે વળતર મળતું હોય ત્યારે જોખમ પણ વધારે હોય છે. જો રોકાણમાં કોઈ જોખમ જ ન હોય અથવા તો ઓછું જોખમ હોય તો પછી કોઈ વધારે વળતર શું કામ આપે? આ વધુ જોખમ એટલે નાણાં ગુમાવવાં પડે એવી શક્યતા. વધારે વળતર આપનારાં રોકાણનાં સાધનોમાં નાણાં ગુમાવવાં પડે એવી સંભાવના વધારે હોય છે.
આપણે ‘વધારે વળતર’ એ શબ્દો સાંભળીએ ત્યારે બાકીની બધી હકીકત ગૌણ લાગવા માંડે છે. તેનું કારણ એ છે કે આપણને બધાને જલદીમાં જલદી વધારે પૈસા મળી જાય એવી ઇચ્છા હોય છે. આપણે ઝડપથી બાઇક ચલાવનારા યુવાનને પૂછશું તો એ કહેશે કે એને વધુપડતી ગતિને લીધે ઊભા થતા જોખમની ખબર છે, પરંતુ તેની સામે ઝડપી ગતિના રોમાંચને લીધે તે આ રીતે બાઇક ચલાવે છે : જાયયમ વિંશિહહત, બીિં સશહહત એવું સૂત્ર અનેક માર્ગો પર જોવા મળે છે. રોકાણને પણ આ વાત લાગુ પડે છે. આ જગતમાં જોખમમુક્ત રોકાણ કોઈ જ નથી. નાણાં આપણા હાથમાંથી છૂટા થાય એ ઘડીથી જ તેને જોખમ લાગુ પડે છે. તેનો અર્થ એવો જરાય થતો નથી કે આપણે રોકાણ કરવું જ નહીં. ખરું પૂછો તો રોકાણ ન કરવું એ પણ મોટું જોખમ છે.
રોકાણ પારદર્શક અથવા તો અપારદર્શક હોય છે. દાખલા તરીકે : આપણે જાતે અથવા તો મ્યુચ્યુઅલ ફંડ મારફતે ઈક્વિટી શૅરમાં રોકાણ કરીએ ત્યારે જોખમ પારદર્શક હોય છે. ધારો કે આપણે કોઈ ‘એબીસી લિમિટેડ’ના શૅર 575ના ભાવે ખરીદ્યા. શૅર ખરીદ્યા બાદ બીજા જ દિવસે તેનો ભાવ ઘટીને 545 રૂપિયા થઈ ગયો. આ ઉતર-ચડની સ્પષ્ટ માહિતી આપણને મળે છે. આમ, ઈક્વિટી શૅરના રોકાણમાં ભાવની હિલચાલને લગતી માહિતી સંપૂર્ણપણે પારદર્શક રીતે મળે છે. મ્યુચ્યુઅલ ફંડ મારફતે રોકાણ કર્યું હોય તો તેની એનએવી (નેટ ઍસેટ વેલ્યૂ) એ પણ પારદર્શક રીતે મળનારી માહિતી છે. સોનાના ભાવ પણ રોજેરોજ જાણી શકાતા હોવાથી એ રોકાણ પણ એવું જ પારદર્શક છે. આપણને ભાવની હિલચાલની માહિતી મળતી રહેવાથી તેમાં ખોટ થઈ કે ફાયદો થયો એ આપણે સ્પષ્ટપણે જાણી શકીએ છીએ. આમ પ્રત્યક્ષપણે કે મ્યુચ્યુઅલ ફંડ મારફતે ઈક્વિટીમાં કરાયેલું કે સોનામાં કરાયેલું રોકાણ જોખમી છે.
બીજી તરફ, આપણે જ્યારે ફિક્સ્ડ ડિપોઝિટમાં કે બોન્ડમાં નાણાં રોકીએ ત્યારે ફુગાવાની અસરને કારણે આપણને પરોક્ષ રીતે થતા નુકસાન વિશેની સાચી માહિતી મળતી નથી. આમ, અહીં પારદર્શકતા નથી. રિયલ એસ્ટેટનું પણ એવું જ છે. તેમાં થતા નફા કે નુકસાનની ગણતરી કરવા માટેનો કોઈ માપદંડ ઉપલબ્ધ નથી. અહીં પારદર્શકતા નહીં હોવાને લીધે નફા-નુકસાનની ખબર પડતી નથી અને પ્રથમ દૃષ્ટિએ આવાં રોકાણ જોખમમુક્ત દેખાય છે. યાદ રહે, જોખમ અને વળતર એક જ સિક્કાની બે બાજુ છે. હંમેશાં બન્ને એકસાથે જ હોય છે.
ગૌરવ મશરૂવાળા જાણીતા ફાઈનાન્શિયલ પ્લાનર છે. એમની કોલમ દ્વારા એ નાણાંકીય આયોજન વિશે સલાહ આપે છે. આ અગાઉ એમણે ‘મુંબઈ સમાચાર’ના વાચકોને ‘નિવૃત્તિ પહેલાં કેવું પ્લાનિંગ કરવું જોઈએ’ એ વિશે સઘન સલાહ -સૂચન પણ આપ્યા હતા, જે વાચકોએ વધાવ્યા હતા. આજથી શરૂ થતી એમની આ નવી કોલમમાં ગૌરવભાઈ રોકાણનાં અવનવાં જોખમ વિશે વાત કરશે અને આવાં જોખમ કઈ રીતે ટાળી શકાય એનાં પણ સલાહ -સૂચન આપશે.