ત્રિફળા ગૂગળ

આયુર્વેદની એન્ટીબાયોટીક
આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’
સમયની સાથે ચાલતાં આયુર્વેદની ઔષધિઓનું જો આધુનિક તબીબી વિજ્ઞાનનાં હેડિંગ નીચે વર્ગીકરણ કરવામાં આવે તો એલોપથીનાં બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટી-બાયોટિક વર્ગમાં આયુર્વેદના અનેક યોગોને મૂકી શકાય છે.
એકથી વધુ તંત્ર (સિસ્ટમ) પર અસર કરતાં અને જીવાણુ (બેક્ટેરિયા)નો નાશ કરતાં ઔષધને એલોપથીમાં બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક કહે છે.
આવું જ એક અમોઘ ઔષધ ત્રિફળા ગૂગળ છે. ત્રિફળા ગૂગળ મૂત્રવહ સંસ્થાનનાં ચેપ (યુરિનરી ટ્રેક ઇન્ફેકશન), પાચનતંત્રનાં સંક્રમણ (ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ઇન્ફેકશન) વગેરે ઘણી સિસ્ટમનાં વિવિધ ઇન્ફેકશન પર અસરકારક છે, પરંતુ તેનું સૌથી વધુ કાર્મુકત્વ ચામડીનાં ચેપમાં જોવામાં આવ્યું છે.
કોઈપણ જગ્યાએ પાક, વ્રણ, સડો(ગેંગરીન), સોજો (ઇન્ફલેમેશન),ફીસ્ચ્યુલા (નાડીવ્રણ), અસ્થિવ્રણ (ઓસ્ટીયોમાયલાઈટીસ), ભગંદર(એનલ ફીસ્ચ્યુલા) વગેરેમાં ત્રિફળાગૂગળ ખૂબ જ અસરકારક ઔષધ છે. સારંગધર સહિતામાં તેને ભગંદર, ગુલ્મ, સોજા અને હરસ-મસાનું મહત્ત્વનું ઔષધ માન્યું છે.
ચિકિત્સાનાં અનુભવે ત્રિફળગૂગળ સાઇનસ, પાયોરીયા,ગર્ભાશયનો સોજો કંઠમાળ (ગોઈટર), થાઇરોઈડ ગ્રંથિનો સોજો, આંજણી, કાકડા(ટોન્સીલાઈટીસ) બામલાઈ, લસીકાગ્રંથિનો સોજો (લીમ્ફેડીનાઈટીસ), ગુમડા(એબ્સેસ), એપેન્ડીસાયટીસ, આમવાત, ટીબી(ક્ષય) વગેરેમાં પણ ઉત્તમ પરિણામ આપે છે.
સંક્રમિત રસોળી (ઇન્ફેક્ટેડ સિસ્ટ), કેન્સર, સ્તનશોથ (માસ્ટાઈટીસ)માં પણ તેનો ઉપયોગ ખૂબ જ લાભકારક જણાયો છે
રત્નાકર ગ્રંથમાં કહ્યું છે કે, ત્રિફળાગૂગળ શરીરમાં ક્યાંય પણ પરુ થયું હોય, સેપ્ટિક થયેલ હોય, પાક થયો હોય, સ્ત્રાવ થતો હોય, વ્રણમાં દુર્ગંધિત સ્રાવ થતો હોય, ભયંકર સોજા આવીને ખૂબ દુખાવો થતો હોય… વગેરે સ્થિતિઓમાં ખૂબ જ હિતાવહ છે
આમવાત, કટીવાત, જાનુવાત, રાંજણ(સાયટીકા), મણકા વચ્ચેની ગાદીનો સોજો (સ્પોંડીલાઇટીસ) વગેરે વાયુનાં રોગોમાં ત્રિફળાગૂગળ, મહારાસ્નાદી ક્વાથનાં અનુપાન સાથે આપવાથી વધુ સારાં પરિણામો જોવાં મળે છે.
ગૂગળમાંથી બનાવેલ કોઈપણ ઔષધ ભૂકો કરીને કે ચાવીને જ લેવું. જેથી તેની પચવાની અને શોષણની પ્રક્રિયા ઝડપી બને છે અને ત્વરિત પરિણામ પ્રાપ્ત થાય છે. ભુક્કાને ગરમ પાણીમાં કે મધમાં પણ લઈ શકાય છે. મધ સાથે મોટી માત્રામાં લેવાથી ત્રિફળાગૂગળ મેદને પણ ઘટાડે છે.
ત્રિફળા ગૂગળ સાવ સરળ, નિર્દોષ, સસ્તું અને સુપરિચિત ઔષધ હોવાથી સર્વત્ર મળે છે. ઘેર પણ બનાવી શકાય તેવું સ્વાવલંબી છે. સારી જાતની હરડેની છાલનું ચૂર્ણ, સારા આમળાનું ઠળિયો કાઢેલું ચૂર્ણ, બહેડાનું ચૂર્ણ અને ઉત્તમ ગુણવતાયુક્ત લીંડીપિપરનું ચૂર્ણ ૧૦-૧૦ ગ્રામ લેવું અને મેળવવું. સારો અસલી રસગૂગળ ૫૦ ગ્રામ લાવી તેને ચૂર્ણ કરી ચોખ્ખા ઘી સાથે ખાંડણીમાં ખૂબ કૂટવો. માખણ જેવો ઢીલો થતાં તેમાં ચૂર્ણ મેળવી સારી પેઠે ઘૂંટી તેની ચણા જેવડી ગોળી કરી લેવી. સારી રીતે બનાવેલાં ત્રિફળાગૂગળનાં ગુણો એક વર્ષ સુધી યથાવત જળવાઈ રહે છે. ત્રિફળા ગૂગળની સામાન્ય માત્રા બે થી ચાર ગોળી સવારે ને સાંજે છે. કોઈપણ ઔષધનો ઉપયોગ યોગ્ય વૈદ્યનાં માર્ગદર્શન નીચે જ કરવો.
આયુર્વેદનાં પટારામાં આવાં અનેક ચમત્કારિક ઔષધો ભરાયેલાં છે. જેને ખૂબ સહેલાઈથી આજનાં સમયને અનુરૂપ વાપરી શકાય છે.