તરોતાઝા

શ્ર્વાનાવતાર

ટૂંકી વાર્તા- જગદીપ ઉપાધ્યાય

બીજા હાર્ટએટેક પછી ક્યારેક ક્યારેક તે કથામાં જતો. એકવાર કોઇ કથામાં તેણે મહારાજના મુખેથી સાંભળેલું, “માણસને મરતા પહેલા એક સ્વપ્ન આવે છે ને તે સ્વપ્નમાં પોતે આગલા જન્મમાં જે બનીને અવતરવાનો હોય તે દેખાય છે અને તેને વિચાર આવી ગયેલો, પોતાને મરતા પહેલા સ્વપ્નમાં શ્ર્વાન દેખાય તો?’ બસ ત્યારથી તેનું ધંધાદારી મન રાત ને દિવસ માણસ અને શ્ર્વાનના જીવનના ફાયદા-ગેરફાયદાની તુલનામાં લાગી ગયેલું અને થયું પણ તેવું જ. એક રાત્રે તેને સ્વપ્નમાં શ્ર્વાન દેખાયો ને તરત જ આવેલો ત્રીજો હાર્ટએટેક જીવલેણ નીવડ્યો. માણસ ને શ્ર્વાનની તુલના કરતું મન લઇને એક આલ્સેશિયન કૂતરીને પેટે તે અવતર્યો ને થોડો મોટો થઇને કોઇ સુધી ઘરમાં ગયો.

એક દિવસ એ સુખી ઘરના આક્રમક ડ્રોઇંગ રૂમમાં કેટલાક ધનિક માણસો મુરતિયો લઇને ક્ધયા જોવા માટે આવ્યા. આમતેમ ફરતો, ગુચ્છાવાળી પૂંછડી પટપટાવતો, ચાઉ-ચાઉ કરતો જમર્ન શેફર્ડ-ડબલ -કોટિંગ- ફેમિલી આલ્સેશિયન એવો પોતે પણ સામેવાળા પક્ષના એક શ્રીમંત સંબંધીને ધ્યાનમાં આવી ગયો. સોફા પાસે લપાઇ ગયેલા તેણે આશ્ર્ચર્ય વચ્ચે પોતાના ભાવતાલની સાથે મુરતિયાના ભાવતાલ પણ નક્કી થતા સાંભળ્યાં. ઘડીભર માથું પગ પર લંબાવી, આંખો મીંચી તેણે વિચાર્યું કે આમ તો કંઇ ફરક નથી. અહીં શ્ર્વાન પણ વેચાય છે અને માણસ પણ.

નવા ઘરમાં એ બહુ ઝડપથી જૂનો થઇ ગયો. કોણ જાણે કેમ પણ આ ઘર તેને મજબનું પરિચિત લાગતું હતું. આ હરિયાળી લોન, વરન્ડો, ડ્રોંઇગ રૂમ, દીવાલ પર લગાવેલી દિવંગત મોટા શેઠની રંગીન તસવીર, પેલું ડાઇનિંગ ટેબલ, તેના પર રૂઆબદાર મોટા શેઠાણીની સાથે બેસીને ખાતા માણસો… બે હાથો વડે ખાતા માણસો જોઇ તેને થયું, શું પોતે પણ બે હાથે ખાઇ શકે ખરો? તે પોતાની ડીશ પાસે પાછલા પગે. આગલા બન્ને પગને હાથ બનાવીને બેઠો. હાથ સૂંઘ્યા પછી તેણે તે સ્થિતિમાં ટોસ્ટનો ટુકડો પકડવાનો પ્રયત્ન ફરી ફરીને કરી જોયો. થોડા પ્રયત્ન પછી તે તેમ કરી શક્યો. તેને જોઇ રહેલા ઘરના સભ્યોમાં હાસ્યની ચિચિયારીઓ ઊઠી. ઘરનાં નટખટ શિશુઓએ હાથમાં રોટીનો ટુકડો લઇ તેને બે પગ પર ઊભો કરવાનો, થોડા થોડા પાછળ ખસી તેને તે સ્થિતિમાં જ ચલાવવાનો અને હાથને ઊંચે ઊંચે લઇ જઇ તેને કૂદકો મારવા લલચાવ્યો. તે બધું કરતા બધું જ કરી શક્યો. તેણે કાન ખંખેર્યા, આનંદમાં આવી જઇ ગલોટિયું ખાધું. તેને થયું તે પણ ખાવાની ક્રિયા સહિત માણસ જેવી ઘણી ક્રિયાઓ કરી શકે છે.

એ માલિક સાથે કંપનીની ઓફિસે જતો. વિશાળ બારીના કાચમાંથી બહારની દુનિયા, તેની ગતિવિધિઓને જોયા કરતો. બહાર દેખાતા રસ્તાઓ, વાહનો, માણસો ને તેની વચ્ચે ફરતા પોતાના શ્ર્વાનબંધુઓને જોતો. તેમાંના કેટલાંક કાળા તો કેટલાંક રાતા, કેટલાંક સુંવાળા તો કેટલાંક ખરબચડા, કેટલાંક દૂબળાં તો કેટલાંક ડાઘિયાં હતાં. ઝાડને છાંયે ટિફિન ખાતાં કામદારો વધેલો ટુકડો તારની વાડમાંથી બહાર ઊભેલાં તેમાંના શ્ર્વાનો તરફ ફેંકતા તો તરત ડાઘિયો ‘હા’… ઉ…’ કરીને દૂબળા પાસેથી પડાવી લેતો. તે ટગર ટગર પ્રશ્ર્નાર્થ નજરે માલિક સામે જોતો. તેનો માલિક પણ પોતાની પ્રવીણ વાક્પટુતાથી પોતાની કંપનીની ભળતી વસ્તુઓ, કમિશન, આકર્ષક ભેટો, વેચાણ પછીની સેવાઓ, નવી સ્કીમો વગેરે દ્વારા પોતાનાથી નાના વેપારીઓને પધરાવી દઇ એડવાન્સ રૂપે મોટી રકમ પડાવી લેતો તેને જોવા મળતો. તેનેય અજબની ચળ ઊઠતી કોઇનું પડાવી લેવાની. કદાચ રીતો જુદી પણ પડાવી લેવાનું માણસ અને શ્ર્વાનમાં સમાન હતું.

તેના મનમાં ચકરીઓ આવતી. અંગઅંગમાં ઘૂમરીઓ ઊઠતી. દિવસથી તે રાત સુધી તે કોઇ જગ્યાએ સ્થિર બેસી ન શક્તો. આમથી તેમ બસ નિરર્થક દોડ્યા જ કરતો. ઘરમાં વરંડામાં, ફળિયામાં ને તક મળે તો કંપનીના પટાંગણમાં. મોડી બપોરે ખાધા પીધા વિના ધંધામાં વ્યસ્ત પોતાનો માલિક ઇઝી ચેરમાં લગભગ ફસડાઇ પડેલ હાલતમાં પેકેટમાંથી બે-ચાર બ્રેડ કે બિસ્કિટના ટુકડા પોતાના તરફ ફેંકી હાંફતો હાંફતો માંડ નાસ્તો કરતો ત્યારે તેને તેના પર દયા આવતી. તે વિચારતો કે તેઓ બન્ને આટઆટલું દોડવા છતાં. હાંફી જવા છતાં હજુ વિકાસમાં બ્રેડ ને બિસ્કિટથી ક્યાં આગળ વધી શક્યા છે? તેને જીવન સફરની આ ચવાઇ ગયેલી જોક પર હસવાને બદલે રડવું આવતું વાઉં… વાઉં… વાઉં…!

તે સૂતો પણ ઊંઘમાંથી જાગી જતો. તેને ઘણી વાર થતું કે અહીં કેટલું બધું છે! આળ, પંપાળ, ખુલ્લી પરસાળ, બ્રેડ-બિસ્કિટ, માલિકની યુવન સ્ત્રીનો સુંવાળો સ્પર્શ, ફરવા માટે એ.સી. કાર છતાં જાણે કાંઇ નથી. દૂર દૂર એકમેકને પડકારતા કૂતરાંઓનો અવાજ, મુકત રીતે ગાતાં-રોતાં કૂતરાંઓનો અવાજ, ગલી, શહેર, વન-વગડે સ્વચ્છંદ રીતે ભમતાં કૂતરાંઓનો આઘેથી આવતો અવાજ સાંભળીને તેને થતું કે તે પોતાનો અવાજ ખોઇ બેઠો છે. પોતે વિખૂટો પડી ગયો છે. પરતંત્ર, અસહાય ને સાવ એકાંકી બની ગયો છે. એક છાનો આવેશ તેના લોહીમાં ઊઠતો ને પોતાની પૂંછડીને તે કરડી લેતો એકવાર.. બે વાર.. તેનાથી ચીસાઇ જવાતું ચૂં… ઉં… ઉં… ચૂં… ઉં… ઉં…! પોતાની તો ઠીક પોતાના માલિકની સ્થિતિએ ક્યાં સારી હતી! પથારીમાં સળવળતા સુંવાળા સાપોલિયાથી ત્રાસી જઇને રાત્રે બાર-એકના સુમારે તે એના મિત્રને ફોન કરતો. ‘મિત્ર, આવને વાર…! ખૂબ એકલું લાગે છે. અજંપો ઘેરી વળ્યો છે, ભીતર ખાલી થઇ ગયું છે. આપઘાત કરવાનું મન થાય છે. પ્લીઝ! આવને કંઇ વાતો કરીએ.’ પછી મિત્રની રાહ જોતા રૂમમાં આમતેમ આંટા મારતા માલિકને જોતો તે, પાંપણ ઢાળીને અજંપ નિદ્રામાં પડ્યાં પડ્યાં વિચારતો, ‘માણસ હોય કે શ્ર્વાન એકલું સુખ જીવનને કોરી ખાંય છે.’

તે વારંવાર પોતાના માલિકના સ્વર્ગસ્થ પિતાની મોટી રંગીન તસવીરને જોયા કરતો. તેને પોતાનામાં અને એનામાં અજબનું સામ્ય લાગતું. તેને થતું પોતે આનો બીજો જન્મ તો નહીં હોય? આ તસવીરની માફક પોતાને પણ ઘરની ક્રિયા-પ્રતિક્રિયાઓ નિર્લેપ ભાવે જોવાની હતી. એક દિવસ ત્યાં ઝૂલા પર બેઠેલા ઘરના વિધવા મોટા શેઠાણી પાસે જવાની તેને અદમ્ય ઇચ્છા થઇ આવી. તેના મુખમાંથી જીભ બહાર સરકી આવી. હજુ કેટલાં નાના લગતાં હતાં તેઓ! તેના પગમાં ગોરી સુંવાળપ હજીય જીવતી હતી. તે દોડીને તેની પાસે ગયો અને લળીને તે સુંવાળપને ચાડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તે સૂગવાળાં મોટાં શેઠાણીએ ગુસ્સે થઇને પૌત્રને બૂમ પાડી, ‘પિન્ટુ! આનગ બાંધ અથવા ઘરમાંથી કાઢી મૂક. આવો શોખ ન પોસાય આપણેને!’ ધુત્કારથી છેડાયેલા અને બન્ને કાન ઊંચા થઇ ગયા છે તેવા એણે ઉપરના માળે જતા જતા જોયું કે મોટા શેઠાણી ત્યાં આવી ચડેલા લાડકા પૌત્રને પાસે બેસાડી, તેનું માથું ખોળામાં લઇ તેના માથે સ્નેહથી હાથ ફેરવવા લાગ્યાં. ઉપરના માળે મોડી નહાવા જતી માલિકણ તેને બાથરૂમમાં પોતાની સાથે લઇ ચાલી. બાથરૂમમાં પત્ની સાથે સ્નાન ક્રિડા કરવાની ઇચ્છાથી માલિક આવી ચડ્યો. પણ માલિકણ માલિકને ભયંકર રીતે ધુતકારવા અને ભાંડવા લાગી. બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ. ડ્રોઇંગ રૂમમાં હસતા પતિ-પત્ની બાથરૂમમાં એકબીજાને ભસતાં હતાં. બારણું પછાડી માલિક ચાલી ગયો. એજ ગુસ્સામાં માલિકણે બાથનું દ્વાર બંધ કરી દીધું. નિર્વસ્ત્ર માલિકણે પોતાની ઊંચકી લઇ ટબમાં લંબાવ્યું અને ‘સાલ્લા!’ તારા કરતાં તો શ્ર્વાન સારા! એમ કહી પોતાને છાતી સરસો ચાંપી ચૂમીઓ ભરવા લાગી. એને જ્યારે તેણે નીચે મૂક્યો ત્યારે કાન અને શરીર ખંખેરતા તે વિચારવા લાગ્યો કે અહીં કોઇ શ્ર્વાનને ધુત્કારે છે અને માણસને વહાલ કરે છે. તો કોઇ માણસને ધુત્કારે છે અને માણસને વહાલ કરે છે.

શ્ર્વાન સંવનન માસ આવી ચડ્યો. કોઇ અકળ ચળ તેના શરીરમાં આવતી હતી. ગાત્રો રોમાંચથી ઊભરતા હતા સાવ અકારણ. પોતે કેટલો નિરૂપાય હતો? પણ પોતાના સુખદ આશ્ર્ચર્ય વચ્ચે આજે એને અચાનક તક મળી ગઇ. પત્નીને છળતો પોતાનો માલિક પોતાને લઇને તેની સેક્રેટરી મીસ લીઝાને ત્યાં ગયો. બહાર ઓસરીમાં જ મીસ લીઝાની આલ્સેશિયન માદા હતી. મસ્ત, અલ્લડ, મીસ લીઝાની જેવી જ ભૂરી આંખો વાળી, ભસવા કરતી તેને મીસ લીઝાએ, ‘પોપચૂ… પોપચૂ… અલુ… અલુ… બસ… બસ. ચુપ’ કહી થોડા પ્રેમ અને થોડા ગુસ્સાથી વારી. ‘આપણે કાલે મળવાનું હતું. આજે કેમ આવ્યા? પ્લીઝ! આજે નહીં, ના… ના… એવું કહેતી મીસ લીઝાને ઊંબકીને અધીર, કામાસક્ત માલિક પગેથી બારણું હડસેલતો રૂમમાં લઇ ચાલ્યો. પોતે બહાર રહી ગયો, માદા આલ્સેશિન પાસે, થોડી શ્ર્વાનગત અળવીતરાઇ તેણે કરી પણ પછી પોતે માદાને પટાવી લેવામાં સફળ થયો. ઘડીભર ગેલમાં આવી જઇ તે વિચારવા લાગ્યો. કેવી મજા! ખુલ્લી હવા, ખુલ્લું આકાશ, કોઇની પરવા નહીં, કોઇ છોછ નહીં ને આ માણસ? કેવો છળ? કેવો દંડ! લપાતું છુપાતું પ્રેયસીને મળવું, અધ્ધર શ્ર્વાસે બે-ચાર પળો સુખની માણવી! બિચ્ચારો માણસ…! પણ તેનો આ વિચાર બહુ લાંબો ન ટક્યો. તેણે માદાને હજુ તો માંડ કેડથી પકડી ત્યાં જોતજોતામાં ત્રીજો આલ્સેશિયન નર ત્યાં આવી ચડ્યો ને બેધડક માદાના મુખ, કાન, માથું શરીર વગેરેને સુંઘવા લાગ્યો. પોતાના મનમાં રોષ ભભૂકી ઊઠયો. તેના લોહીમાં જંગલી ખુન્નસ ઊભરાઇ આવ્યું. તેને થયું કે આને ફાડી ખાઉં! ‘હા… ઉ…’ કરીને તેણે દાંતિયા શરૂ કર્યા અને હુમલા માટે બે પગ પાછળ લઇ જઇ જોસથી ભસવાનું શરૂ કર્યું. સામે પેલો શ્ર્વાન ધૂરકિયા કરતો હતો. તેવામાં તેનું ધ્યાન રૂમ તરફ ગયું. અર્ધ વસ્ત્રધારી તેનો માલિક બારણે ધસી આવ્યો હતો. પાછળ મીસ લીઝા જેમ તેમ ઢાંકેલ શરીરમાં ઊભી હતી ને સામે ઊભો હતો. માલિકનો મિત્ર તેની કંપનીના ભાગીદાર જે.કે.! પોતાની માફક માલિક પણ ભસતો હતો. ‘હટ! સાલા! મિત્ર થઇ મારો લાડવો તું જમી જવા નીકળ્યો છે? બ્લડી… ડેમ ફૂલ…!’ સામે જે.કે.ની આંખો પણ ઘૂરકિયા કરતી હતી. સમાન વિડંબના હતી બન્ને જાતિઓમાં. એ રાત પોતાની અને પોતાના માલિકની કારમી પીડાની રાત હતી પણ આવેલો શાંત થયે નિરાંતે વિચારતા તેને એક પ્રકારની રાહત થઇ. એક કાયમનો વસવસો તેના મનમાંથી નીકળી ગયો. તેને હંમેશાં થતું પોતે વસ્ત્ર પહેરી શક્તો નથી. કોઇ તેને વસ્ત્ર પહેરાવતું નથી પણ આજે તેને ખ્યાલ આવ્યો કે આ કહેવાતા સભ્ય સમાજના માણસો પણ કેટલા વસ્ત્રહીન છે!

હવે તેને થતું કે નાહક પોતે આખી જિંદગી માણસ સાથે પોતાની સરખામણી કરવામાં’ વેડકી. કાંઇ જુદું નથી. એક જ કૂતરીને પેટે અવતરેલા કૂતરાઓને પોતે પોતાની શેરી, બખોલ અને સ્વાર્થ હતા તેમ અહીં એક જ ઘરનાં સભ્યોને પોતાપોતાના સેપરેટ રૂમ, બૅન્ક બેલેન્સ અને અહમ્ હતા. હવે તેને બહુ ચમતું નહીં. તે નિશ્ર્વેતન થઇ ને પડી રહેતો ઘરના સભ્યો પરસ્પર વાત કરતા કે પોતે હમણાં હમણાં આમ કેમ કરે છે?

એક દિવસ સવારમાં મોટા શેઠાણી મોટેથી શાસ્ત્ર વાંચતા હતાં. તેમાં આવ્યું ‘મનુષ્ય અવતાર જેવો કોઇ અવતાર નથી.’ તેને થયું શું ધૂળ શ્રેષ્ઠ છે માનવ અવતાર? ક્યાંય સુધી પડ્યાં પડ્યાં વિચાર કર્યા પછી તે નિર્ણય પર આવ્યો, ‘બધા માણસ માણસ કરે છે એટલું જ બાકી માણસમાં એવું કાંઇ જ વિશેષ નથી.’ પણ પોતાના નિર્ણય પર અંતિમ મહોર મારે તે પહેલા તેના માલિકે તેને એ.સી. કારમાં ઉપાડ્યો. કોઇક લતાના રસ્તા પર કાર ઊભી રાખી કાચની બારીમાંથી તે બહાર ડોકું કાઢી ને તેના કોઇ કામદારના લતા અને ઘરનું સરનામું પૂછતો હતો. તેને યાદ આવ્યું કે ગઇકાલે કોઇ કામદાર તાતી જરૂર હોવાથી માલિક પાસે ઘર ગીરવે મૂકીને પણ નાણાં વ્યાજે લેવા મગતો હતો. પોતાની પાસે સીટ પર પડેલી રૂપિયાની ભરેલી સૂટકેસ જોતાં તેને સમજાયું કે માલિક મકાન ચેક કરી, તેનો દસ્તાવેજ લઇને કામદારને નાણાં ધીરવા માટે આવ્યો હતો.

થોડા આગળ જતા તે લત્તો દેખાયો. રસ્તા પર કાર પાર્ટ કરી, પોતાને અને સૂટકેસને લઇને પોતાનો માલિક કામદારના ઘેર આવ્યો. પોતે કામદારનું ઘર જોયું. સાદું પણ શીતળ ઘર. નાનકડું ફળિયું, ફળિયામાં ઝાડ, ઝાડની શીતળ છાંયડીમાં ઝૂલતા પંખી ને પંખીનાં ટહુકા જેવા માણસો, સૌ પ્રસન્ન, તેને થયું કે ઘર ગીરવે મૂકવાનું છે તોય બધા આવા પ્રસન્ન? ખુશીથી છલકાતા? બહુ કહેવાય?
માલિક કહેતો હતો ‘અરે! આતો તમારા ભાઇબંધની ઘરવાળી બીમાર છે ને એના માટે તમે મકાન ગીરવે મૂકવા તૈયાર થયા? તમેય ગજબ કરો છો મારા ભાઇ!’

કામદારની પત્ની બોલી ‘શેઠ? આના ભાઇબંધ અમારા બધાય સારા માઢા પ્રસંગે રહ્યા છે. આજે તેની ઘરવાળીને હદયના વાલ્વની બીમારી આવી છે. ઓપરેશનની તાતી જરૂર છે. મોળા વરસ અને છોકરીઓવાળું ઘર! ક્યાંથી પહોંચે? આવા વખતે આપણી કોઇ ફરજ બને કે નહીં? ઘર તો કાલ પાછું આવશે પણ ગયું માણસ થોડું પાછું આવે? જુઓ, આના ભાઇબંધ કોઇ પૂછે તો કહેતા નહીં કે અમે ઘર ગીરવે મૂક્યું છે. તે બહુ સ્વમાની છે. માણસનો ખરો ધર્મ એની માણસાઇ છે. ખરું કે નહીં ભાઇ?

પોતાને થયું અરે, આ કેવા અજવાળા છે! એક માણસનું ઘર ટકાવવા બીજો માણસ પોતાનું ઘર કશી જ આનાકાની વગર ત્યાગી દે છે. આજે તેણે નવો શબ્દો સાંભળ્યો. ‘માણસાઇ તેને થયું ‘હા, માણસમાં કંઇક વિશેષ છે અને તે છે માણસાઇ!’ તેને વિચાર આવ્યો, શ્ર્વાન જાતિમાં આવી કોઇ ‘શ્ર્વાનાઇ’ ખરી?

એટલામાં તેણે એક આશ્ર્ચર્યકારક ઘટના જોઇ. એક શ્ર્વાન કામદારના આંગણામાં આવ્યો. કામદારની દીકરીએ તેને રોટલાનો ટુકડો નાખ્યો તો તેણે ખાધો નહીં પણ તે મોંમાં ઊંચકીને ચાલ્યો. તે તેની પાછળ ચાલ્યો. એણે શેરીમાં જોયું તો એ કૂતરો રોટલાનો ટુકડો લઇને એક બીમાર કૂતરા પાસે ગયો. રોટલાનો ટુકડો એની પાસે મૂકી એ કૂતરો દૂર ઊભો રહ્યો. તે આ સુખદ ક્ષણને એક પગ નાક પર મૂકીને માણી રહ્યો. તેને થયું, ‘છે, શ્ર્વાન પાસે શ્ર્વાનાઇ છે. તે માલિક પાસે આવ્યો, તે આજે ખૂબ ખુશ હતો. તેનામાં શ્ર્વાનાઇ જાગૃત થઇ આવી.

માલિક ધિરાણનો વિધિ પતાવી તેને લઇને રસ્તા પર પાર્ક કરેલી કાર પાસે આવ્યો. તે કારનું ડોર ખોલતો હતો એ જ સમયે તેના ધંધાકીય હરીફોએ રોકેલા મારાઓને તેના પર નિશાન તાક્યું. પોતે પળમાં શ્ર્વાનાવતાર સફળ કરવાનું નક્કી કરી લીધું. તે દૂર ઊભેલા મારાઓ તરફ જોઇને ભસી પડ્યો. માલિક કાંઇ સમજે વિચારે એ પહેલા તેના પર ગોળી છૂટી અને કૂદકો લગાવીને એ ગોળી પોતે ઝીલી લીધી. માલિકને સાવધ થવા મોકો મળી ગયો. હત્યારાઓ ભાગ્યા ને પોતે ઢળી પડ્યો. તેણે છેલ્લીવાર જગત જોઇ લેવા નજર ફેરવી. તેણે જોયું માલિકની શુષ્ક આંખમાંથી કરુણાનું ઝરણું વહી રહ્યું હતું. રસ્તા પરના સામેના ઝાડ પર એક પંખિણી તેના બચ્ચાને મોઢામાં ચણ આપી રહી હતી. આજે તેણે પોતાના આત્માની ઉચ્ચ અવસ્થાને અનુભવી. પશુ હો, પંખી હો કે માણસ હો ઇશ્ર્વરે સૌને સુખ, આનંદ અને આત્માની પરમ અનુભૂતિ આપી છે. બધા જ અવતારો શ્રેષ્ઠ અને સુંદર છે એવા પરમ સંતોષ સાથે તેણે આંખો મીંચી દીધી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button