તરોતાઝા

ઉઘાડી બારી

ટૂંકી વાર્તા – ડૉ. નવીન વિભાકર

ક્યારેક સમુદ્રની ઉછળતી લહેરો ને ક્યારેક શાંત સ્થિર લહેરોને ઊભા ઊભા જોઈ રહેવાનું ઊર્મિને ખૂબ ગમતું. આ લહેરો પણ મન જેની જ છે ને? ક્યારેક શાંત તો ક્યારેક ખળભળાટ!

મંદ મંદ સમીર તેની લટોને ઉડાડી રહ્યો હતો. શું નો’ તું તેની પાસે? મલબાર હિલ પરનો રચરચીલાથી સજ્જ વૈભવશાળી બંગલો, પેટીયોના પાંચ પગથિયાં ઉતરતાં, પાણીનો ઠંડો સ્પર્શ નાની બીચ પર થતો. અપાર શાંતિ તેને મળતી. આમેય તે થોડી અંતમૂર્ખ તો હતી જ. જીવનમાં આમ સ્ત્રીને પામવું જોઈએ તેવું સુખ, ગાડી, બંગલા, પરિવાર, બધું જ હતું. દસ વર્ષનો હોશિયાર પુત્ર અક્ષત હતો ને કામદેવ જેવો પતિ મનોજ! કામદેવ!
હા, સોહામણા હતો. પ્રેમાળ પણ એટલો જ હતો. શરૂઆતમાં તેનો પડ્યો બોલ ઝીલી લેતો. અક્ષતને પણ એટલો જ પ્યાર કરતો, પોતાની કઈ એષણાઓ તેણે પૂરી નો’તી પાડી!

ગઈકાલે સાંજે મનોજ ઘરે આવ્યો. અક્ષત સાથે પ્યારભરી વાતો કરી છતાં જાણે તે મુંઝાયેલો હોય તેવું ઊર્મિને લાગ્યું. પણ તેનો સ્વભાવ શાંત હતો.પતિ થાક્યો પાક્યો આવ્યો હોય તો પ્રશ્નોની ઝડીથી તેને પરેશાન ન કરવો જોઈએ તે સમજતી હતી અને મનોજ પતિ થોડો હતો? પ્રિયતમ હતો. બંનેએ સ્નેહલગ્ન કર્યા હતા. આજે મિત્રવર્તુળમાં બંને પ્રેમની મિસાલ ગણાતા!

ડાઈનિંગ ટેબલ પર બેઠો. ચૂપચાપ ઊર્મિએ મહારાજને કહી બધું પીરસાવ્યું. “અક્ષત તેના રૂમમાં પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છે.” ઋજુ સ્વરે ઊર્મિ બોલી.

“હા! હું ગયો હતો તેની પાસે.” આગળ વાત બહુ ન ચાલી. હમણાં એવું જ થતું એ ઊર્મિ જોઈ શકી હતી. ડિનર લગભગ પૂરું થવા આવ્યું હતું. “હમણાં કંઈ પરેશાન રહો છો? ઓફિસે, બિઝનેસમાં કંઈ…”

“ના, એવું કંઈ નથી.” કહી નેપકીનથી તેણે મોં લૂછયું ને પછી આસ્તેથી- ઘણા વખત પછી- મનોજે ઊર્મિનો હાથ હાથમાં લીધો. સ્નેહ હતો એ હાથમાં? “ઊર્મિ! એક વાત કરવી છે.”ને ઝડપથી મનનો બોજ ઉતારી નાખતો હોય તેમ બોલી પડ્યો, “ઊર્મિ! મને ડાયવોર્સ જોઈએ છે.” તેણે ધરતીકંપની આશા રાખી હતી પણ શાંતિથી, ધીમા, ધ્રૂજતા સ્વરે બોલી. “શું કામ?”

મનોજ જવાબ ન આપી શક્યો. આખી સાંજ બંને કશું ન બોલ્યા, રાત્રે પલંગમાં સુવા ઊર્મિ ન આવી. મનોજ જાણતો હતો કે ઊર્મિ ન આવી. મનોજ જાણતો હતો કે ઊર્મિને જાણવું હતું `શું કામ?’ કેવી રીતે કહે કે તે પંદર વર્ષના લગ્નજીવન પછી મેનકાના પ્યારમાં પડ્યો હતો!
વાતાવરણમાં શાંતિ -રાતની શાંતિ હતી. પણ ઊર્મિના મનમાં જે કોલાહલ- ખળભળાટ થઈ રહ્યો હતો તે કોણ સાંભળે?

મનોજના કહેવાથી તેના દિલની ધડકન થંભી કેમ ન ગઈ? જીવનના આટલા ભરપૂર પ્યારની આપ-લે પછી આ શું થયું! આ ઉઘાડી બારીમાંથી એ પ્યાર-પ્રેમ સાવ ઊડી ગયો? ફક્ત પંદર જ વર્ષમાં? શું નો’ તું આપ્યું મનોજ ને! આ ભર્યુંભાદર્યું ઘર! સમાજમાં પ્રતિષ્ઠા, ન કહી કોઈ માગ, ગીલા કે શિકવા! તો? મનોજની કઈ એવી જરૂરિયાત તેણે સંભાળી-સતોષી નો’ તી? એ પ્રશ્ન તે ચમકી ગઈ. હા, અક્ષતના જન્મથી અત્યાર સુધી તેણે અક્ષતના ઉછેર પાછળ દિલ નીચોવી નાખ્યું હતું. મનોજ બિઝનેસમાં ગળાડૂબ રહેતો. અક્ષતના સંસ્કાર સિંચનમાં તેણે પોતાનું દિલ લગાવી દીધું. મનોજ – પુરુષની જરૂરિયાતો – શરીરધર્મ તરફ તે બેદરકાર નો’તી થઈ? તો મનોજ પણ તેના પ્રત્યે બેદરકાર નો’ તો થયો? જીવનમાં શરીર ધર્મ સિવાય બીજી કોઈ ફરજો ન હોઈ શકે? પુત્રના જીવનના ઉછેર તરફ તો મા- બાપ બંનેની ફરજ હોય ને!

હવે ઊર્મિને ખ્યાલ આવ્યો કે છેલ્લાં બે-ત્રણ વરસથી મનોજ તેના પ્રત્યે સાવ બેદરકાર હતો. પોતે માનો ધર્મ ને ક્યારેક પત્નીનો ધર્મ બજાવતી. પણ એવે વખતે મનોજમાં પહેલા જેવો સ્નેહ નો’તો રહ્યો, ઉપરાંત પોતાને, પોતાને… એ વાત તેણે કદી મનોજને ન કહી, તેને પરેશાન કરવા પ્રયત્ન નો’ તો કર્યો, એ તે જોઈ શક્યો નહીં હોય? જીવનના રાહમાં આવેલા સામાજિક કાંટાઓ સામે તે એકલી લડી હતી. તો?

બીજે દિવસે, મનોજે ડાઈવોર્સ પેપર્સ, તેની શર્તો સાથે ઊર્મિને આપ્યા. મનોજ ઊર્મિ સામે જોઈ રહ્યો. જે સ્ત્રીએ જીવનના પંદર વર્ષ તેની ને પુત્ર પાછળ નીચવો નાખ્યા તે એકાએક તેને અજનબી લાગી. ઊર્મિના મોંના ભાવો તેને સમુદ્રની લહરો જેવા લાગ્યા અને છેવટે વિસ્ફોટ થયો. તે ધ્રુસ્કે ધ્રુસ્કે રડી ઊઠી ને પેપર્સના ચીરચીરા કરી બીજા રૂમમાં જતી રહી.

આખી રાત બંને અણજાણ વ્યક્તિઓની જેમ એક જ છત નીચે અલગ સૂતા. બીજે દિવસે મનોજ ઘરે મોડો આવ્યો તો તેણે ઊર્મિને કશુંક લખતા જોઈ. કોલેજ મેગેઝિનોમાં વાર્તાઓ લખતી. એના એ વિચારોથી જ તે આકર્ષાયો હતો ને? આજે તેણે મનોજને ડિનર વિષે પૂછયું પણ નહીં. જોકે મનોજ તો મેનકા સાથે હોવાથી ડિનર કરીને જ આવેલો. તેણે ઊર્મિને જમી કે નહીં એ પણ ન પૂછયું તે સૂઈ ગયો.

સવાર પડી. કેટલા માનવીઓના અંધકાર દૂર કરતી સવાર પડતી હશે?
બ્રેકફાસ્ટ લેતી વખતે ચૂપચાપ તે આવીને તેણે તેના ડાઈવોર્સ પેપર્સ તેની શર્તો સાથે મનોજને આપ્યા. તેણે વાંચ્યા. એને મનોજ પાસે કશું જોઈતું નો’ તું. પણ ડાઈવોર્સ પહેલાં બે મહિનાની નોટિસ તેને જોઈતી હતી. એ બે મહિના બંનેએ પહેલાંની જેમ નોર્મલ લાઈફજીવન જીવવાનું. અક્ષતની પરીક્ષાઓ બે મહિના પછી હતી. ડાઈવોર્સનું ટેન્શન તેના કુમળા મગજને ઠેસ ન પહોંચાડે તે માટે બે મહિના તેણે માગ્યા હતા કે એથી વધુ બીજું કશું હતું?

વધુ તો એની બીજી શર્તે મનોજને ચમકાવી દીધો. એ બે મહિના સુહાગરાતે જેમ મનોજ ઊર્મિને બાહોમાં ભરી પલંગમાં લઈ ગયો હતો ને રોજ સવારે તેડી, બ્રેકફાસ્ટ ટેબલ પર દોરી લાવતો, એજ પ્રમાણે બે મહિના તેણે કરવાનું. ઊર્મિનું ચસકી તો નહીં ગયું હોય? પંદર વર્ષ પછી આવી માગણી? પણ મનોજે તે સ્વીકાર્યું. ફક્ત બે જ મહિનાની વાત હતી ને?

છેલ્લાં બે વર્ષોથી મનોજ ને ઊર્મિને શારીરિક સંબેધો તો હતા જ નહીં. પહેલે દિવસે મનોજ એ પ્રમાણે ઊર્મિને ઊંચકીને શયનખંડમાં લાવ્યો, થોડું વિચિત્ર લાગ્યું. સ્નેહ વગર આવું થઈ શકે? અક્ષતે એ જોયું. થોડો સમજણો થયો હતો. તે બંનેને એ રીતે જોઈ તેણે તેના બે નાના હાથોથી ખુશીની તાળીઓ પાડી.

“પપ્પા! તમે બંને કેવા સરસ આમ લાગો છો!”
એ સાંભળી ન જાણે મનોજના દિલમાં દર્દ ઊભરાઈ આવ્યું. ત્યાં ઊર્મિ ધીમા સ્વરે બોલી “પ્લીઝ ! અક્ષતને આપણા ડાઈવોર્સ વિશે કશું ન કહેતા સવારે પણ તેને બ્રેકફાસ્ટ ટેબલ પાસે લઈ આવી. તે ઓફિસે ગયો. પણ આજે તેનું મન બેચેન હતું.”

ઊર્મિએ ઘરકામ પતાવ્યું. અક્ષત સ્કૂલે ગયો. તે ઉઘાડી બારી પાસે ગઈ ને ક્ષિતિજને જોઈ રહી. ઉઘાડી બારી! લગ્ન કરી સ્ત્રી જ્યારે પોતાના ઘરમાં આવી, તેને સજાવે ને સ્વચ્છ હવા માટે બારીબારણા ખોલે, તેમાંથી જેમ પવન આવે તેમ એ જ પવન, સુંગધી હવાની સાથે ઘરનો, સ્ત્રી પુરુષનો પ્રેમ કાં તો ઘાયલ થાય કે કાં તો ફના થઈ જાય. આ જ ઊર્મિનો પ્રેમ ફના- તલતલ કરીને થઈ રહ્યો હતો. બે મહિના પછી..?

બીજે દિવસે જ્યારે મનોજે રાત્રે ઊર્મિને ઊંચકી તો એટલું અજુગતું ન લાગ્યું. ઊર્મિએ સ્નેહથી માથું મનોજની છાતીએ ઢાળ્યું. મનોજને પહેલાં તો ઊર્મિના દેહની સુગંધ આવી. આટલાં વર્ષો પછી મનોજે ધ્યાનથી ઊર્મિ તરફ જોયું. લગ્ન પછી પુરુષ સ્ત્રીને – પત્નીને `ટેકન ફોર ગ્રાન્ટેડ’ કરી લે છે.પ્રિયતમા પત્ની બનતા ઘરસંસારમાં અટવાઈ જાય છે. તેણ કદી ઊર્મિની ખુશીઓ તરફ ધ્યાન પણ નો’ તું આપ્યું. પોતે બિઝનેસ જમાવવામાં ખોવાઈ ગયો ને ઊર્મિ ઘર ને અક્ષતમાં! તેણે કદી ઊર્મિના નાનાં નાનાં કાર્યોની પ્રશંસા પણ નો’ તી કરી. પત્નીના ઋજુ સ્વભાવની નોંધ પણ નો’ તી લીધી. કદીક તેણે કહ્યું હોત કે “ઊર્મિ! આજે રસોઈ સુંદર બની છે? ઊર્મિ! આ સાડીમાં તું ખૂબ સુંદર લાગે છે! જીવનની નાની નાની ખુશીઓની પ્રશંસા કરવામાં પુરુષ કેમ આટલો બેદરકાર બની જતો હશે?”

આજે મનોજે જાણ્યું કે ઊર્મિના દેહમાંથી સ્નેહ નિતરી રહ્યો છે. આજે પિસ્તાલીસ વરસની ઉંમરે લમણા પાસે આછી સફેદી તેણે જોઈ પોતાને પણ હશે ને? એ વિચારે એ ચમક્યો. પહેલી વાર તેને લાગ્યું કે ઊર્મિનું વજન ઘટી ગયું છે. તે કૃશ લાગી. સંસારના તાપે? કે પછી પોતાના વર્તને? મનોજના દિલમાં અનુકંપા ઊપજી. થોડો ઊર્મિને અવગણવાનો અપરાધભાવ જાગ્યો.

ચોથા દિવસે મનેોજે ઊર્મિને ઊંચકી તો એક સ્વ'ની લાગણી તેનામાં ઊપજી અને વિચાર્યું આ જ સ્ત્રીએ તેને જીવનમાં પંદર વર્ષ સુખદ:ખમાં આપ્યા. બે ચાર દિવસો જતાં બંનેના શરીર ને મન જાણે `નજીકતા’ અનુભવવા લાગ્યા અને મહિનો થતાં જાણે પહેલાંની આત્માની એકતા ઉદ્ભવી ઘટ્ટ બનવા લાગી. પણ ઊર્મિના પોષાકો જાણે હવે તેના શરીર પર ઢીલા લાગતા હતા તે મનોજે જોયું. એટલે જ સાહજિકતાથી તેને ઊંચકી શકતો હતો તે? ના ના, મનોજને ખ્યાલ આવ્યો. તેના મનની ઉઘાડી બારીમાંથી તેણે જોયું કે પોતાના વર્તને ઊર્મિને ઘાયલ કરી હતી. તેનું દિલ આદ્ર થયું ને સ્નેહથી તેણે ઊર્મિનું માથું છાતી દબાવ્યું. અક્ષતે તે જોયું. તે માતાપિતા પાસે આવ્યો, ત્રણેએ એકબીજાને આલિંગન આપ્યું. ઊર્મિના મોં પર અપાર સ્નેહ ને શાંતિ હતા. તેણે તેના બંને હાથો મનોજના ગળે વીંટાળ્યા. મનોજે તેના દેહને સ્નેહથી ભીંસ્યો, જેમ લગ્નની રાતે ભીંસ્યો હતો તેમ જ !

પણ તેના કૃશ દેહથી મનોજ હવે ચિંતામાં પડ્યો. છેલ્લે દિવસે તે બોલ્યો, “ઊર્મિ! મને ખ્યાલ જ નો’તો કે સ્ત્રી ને પુરુષ બંનેને શારીરિક ને આત્મિક નિકટતાની જરૂર હોય છે. એમાંય આ ઉંમરે તો આત્મિક નિકટતાની તો ખાસ. અને સ્નેહથી ઊર્મિને તેણે પ્યાર કર્યો. સવારે જ બ્રેકફાસ્ટ કરતાં બંને ખુશી ખુશી વાતો કરી રહ્યા ને મનોજે ઓફિસે જવા કાર ચાલુ કરી. આજે તેના વર્તનમાં અધીરતા, ઉતાવળ હતી. પહોંચીને તેણે મેનકાને તુરત ફોન કર્યો, “મેનકા! હું ઊર્મિને ડાઈવોર્સ નથી આપવાનો! સોરી! આપણો સંબંધ પૂરો થાય છે.” ને મન બદલાઈ ન જાય તેથી તેણે ઝડપથી રિસિવર મૂકી દીધું. અનટીલ ડેથ ડુ અસ એપાર્ટ' જીવનભરના સાથના શપથ જે સાત ફેરા લેતી વખતે લીધા હતા તે મનોજે યાદ આવી ગયા. હવે તો ઊર્મિએ જ તેના મનનો કબજો લઈ લીધો હતો. કામના મન ન ચોંટ્યું. તે ઓફિસમાંથી નીચે ઊતર્યો નેફ્લોરીસ્ટ’ ની દુકાને ગયો. બુકે લીધો. ઊર્મિને ગુલછડી ખૂબ ગમતી. તેના દેહની જેમ ગુલછડીની સુગંધ પણ આખા બંગલામાં પ્રસરી જતી.


મનોજના જતાં પહેલીવાર ઊર્મિ ખુશીમાં ઉઘાડી બારી પાસે ગઈ. આજે જાણે એ ઉઘાડી બારીમાંથી ઊડી ગયેલો પ્રેમ પાછો આવતો લાગ્યો. બધું જ તેને પહેલાંની જેમ સુંદર સુંદર લાગવા માંડ્યું હતું. `હાશ! હવે અક્ષતને ડાઈવોર્સની પ્રતિક્રિયાઓ ઉઠાવવી નહીં પડે. હવે તે મોટો થઈ ગયો છે. જાતને સંભાળી જ લેશે. મનોજ પણ હવે આગળ શું કરવું તે સમજી જ શકશે. હવે તે ફના થવા તૈયાર હતી. હવે પોતાને શું થઈ રહ્યું હતું તેની જાણ ભલે મનોજને થાય. આ ઉઘાડી બારી… તે પાછી ફરી. બારીએથી ખસી, થાક લાગતો હતો. પલંગમાં જઈ તે સુતી. એક નિરાંતે તેના મોં પર ફરી વળી.


મનોજ ઉતાવળે બંગલામાં પ્રવેશ્યો. હાથમાં ગુલછડીનો બુકે હતો. “ઊર્મિ. ઊર્મિ! જો તારા માટે શું લાવ્યો છું?” તે શયનખંડમાં આવ્યો. ઊર્મિના કૃશ દેહને જોઈ રહ્યો. તે શાંતિથી સૂતેલી લાગી. ત્યાં પેલી ઉઘાડી બારીમાંથી પવનનું મંદ ઝોકું આવ્યું ને ટેબલ લેમ્પ પાસે પડેલો કાગળ ફરફરી ઉઠ્યો. મનોજે આસ્તેથી તે ઉપાડ્યો. ગાયનેકેોલોજિસ્ટનો રિપોર્ટ હતો.` તમારા આખા ગર્ભાશયમાં કેન્સર ફેલાઈ ચુકી, બીજા અંગોમાં પ્રસરવા લાગ્યું છે. બે ચાર મહિનામાં..”

હવે મનોજને ખ્યાલ આવ્યો કે ઊર્મિએ બે મહિના કેમ માગ્યા હતા જેથી પોતાના દીકરા અક્ષતના મનમાં તેની પ્રિય પિતાની છાપ ન ભુંસાય. તે ફસડાઈ પડ્યો, ઉઘાડી બારી તરફ નજર ગઈ, ઊર્મિનો સ્નેહ ને ઊર્મિ ખુદ તેમાંથી ઊડી ગયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…