તરોતાઝા

તોરણ

ટૂંકી વાર્તા – નાનાભાઈ હ. જેબલિયા

“ઓહો! આવો આવો, ભાભી!” જશુભાભીને જોઈને હીરાલાલ અડધા અડધા થઈ ગયા: “મને ખબર હતી કે જશુભાભી આવશે જ” હીરાલાલે હાથમાં રાખેલાં સૂડી-સોપારી, ઝૂલા પર રાખેલી ચાંદીની નકશીદાર પાનપેટીમાં મૂકતાં આછું, આત્મીયતાભર્યું હસીને ઝૂલાને પગનો હળવો ઠેલો માર્યો. ઝૂલાની મૂલ્યવાન સાંરળોના મોર, પોપટ, હાથી, ઘોડા ખણખણી ઊઠયાં. હીરાલાલ વળી પ્રસન્ન થયા: “બેસો ભાભી.”

જશુબેનને આનંદ થયો… સૂર્ય ઈન્ડસ્ટ્રીઝના કરોડપતિ એવા હીરાલાલ ખુદ ઊભા થયા અને જશુભાભી માટે પાણીનો ગ્લાસ લઈ આવ્યા.
જશુબેન રળિયાત થઈ ગયાં: “દુનિયા ગમે તે બોલે, બાકી હીરાલાલ અમારા કુટુંબ માટે હીરો જ છે… આટલો બધો પૈસો છતાં, નોકરને બદલે ખુદ પાણી ભરવા ઊભા થયા! અમારા કુટુંબ માટે કેટલો આદલ કેવી મમતા? આટલો વૈભવ હોવા છતાં હજી પણ એમની માયા એવી ને એવી જ છે. નસીબ હશે તો નીલાના લગ્ન સુંદર રીતે ઉજવાશે. એના હીરાકાકા ઉદ્યોગપતિ છે, કે વાતો? નીલાના લગ્નનાં કપડાં, દાગીના અને ચીજવસ્તુઓ હીરાભાઈ તરફથી થઈ જ જશે. હું હીરાલાલ કુમળાઈ જશે:” “આનંદ કરો ભાભી! નીલા મારી પુત્ર છે.

મારા પરમ મિત્ર રમણભાઈની પુત્રીનાં લગ્નમાં હું કચાશ રાખીશ? વાત કરો મા ભાભી! મારે તો સારો પ્રતાપ મારા એ દિવંગત મિત્રનો. એની સલાહથી હું મુંબઈ આવ્યો. એણે બતાવેલો બિઝનેસ કર્યો અને એની જ ભલામણથી મને મોટા – મોટા માણસોનો સાથ મળ્યો. મારી ઈન્ડસ્ટ્રીઝ આજે ધમધમે છે… શું કહું ભાભી? ભગવાને ઘણો પૈસો આપ્યો છે. હું અત્યારે કરોડપતિ છું પણ અફસોસ એ વાતનો કે મારા મિત્ર આજે હાજર નથી. જો થોડાં વરસ જીવ્યા હોત તો મારી રખાવટ એ જોઈ શકત, પણ…”

“ચાલ્યા કરે, ભાઈ!” જશુબેન ગળગળાં થયાં: “હરિના હાથની વાત. તમે અમારું આમ તો ખૂબ રાખ્યું છે. આજે મારા બે દીકરા અને દીકરી નીલા, સૌ કોલેજ સુધી ભણી શક્યાં એમાં તમારી મદદ, વગ અમને મળ્યાં જ છે ભાઈ!” પળ રહીને જશુબેને ઉમેર્યું: “અને હીરાભાઈ! હવે તો મારું નાવડું ઢબઢબીને કાંઠે આવ્યું છે. નીલા નોકરી કરે છે. જમાઈ પણ નોકરીમાં છે. મારો આ પ્રથમ પ્રસંગ છે. સૌ હાથ હાથ કરશે તો મારા બે પુત્રોનાં લગન પણ આ પછી થઈ જશે.”

“બેસો, હું આવ્યો” કહીને હીરાલાલ જશુભાભીના આગમનના સમાચાર આપવા અંદર ગયા.
જશુબેને હીરાલાલના વૈભવથી ઝળહળતા આખા ખંડમાં નજર ફેરવી…
“બા! વૈભવી માણસોને તું ઓળખતી નથી.” જશુબેન ઘેરથી નીકળ્યા ત્યારે પુત્રીએ એમને સાવધાન કરેલાં: “આપણી પાસે પૈસા નથી એ બરાબર, પણ એથી કરીને આપણે કોઈ ભિખારી નથી… હીરાકાકા પાસેથી પૈસા વ્યાજે લાવજે, અમે ચૂકવી દઈશું.”

“એવું ય કશું કામ?” નીલાનો ભાઈ શ્રેણિક બોલ્યો:
“બા પાસે આઠ-દસ તોલા સોનું છે, એ લેતી જાય. ગીરો મૂકીને રૂપિયા લઈ લેવાના. દાગીના હું છોડાવી લઈશ. મારી તો ભલામણ છે કે હીરાકાકાને જ દાગીના પર નાણાં આપવાની ભલામણ કરવી એટલે એમની મૂંઝવણ મટે.”

“જો શ્રેણિક!” પુત્રના માથા પર હાથ મૂકીને જશુબેન બોલ્યાં: “હીરાકાકા એવું કરવા ન દીએ. તારા પિતાના પ્રતાપે એ કરોડપતિ બન્યા છે. ભાઈબંધની પુત્રીને એ બધું જ આપશે. એનેય સમાજની વાહ વાહ મળે ને!”
“ના.. બા!” નીલા બોલી. “તને ત્યારે નવા જમાનાની બદલાયેલી હવાની ખબર જ નથી. ઉપકાર, રખાવટ, માયા, મમતાના જૂનાં એ મૂલ્યો બદલાઈ ચૂક્યાં છે. જે માણસ પૈસાદાર થાય છે. એ આખેઆખો નક્કર થઈ જાય છે. એનામાં પ્રેમ, દયા, કરુણા, રખાવટ જેવી બાબતો સમાઈ શકતી નથી. આ બધા માટે માણસમાં થોડુંક પોલાણ જોઈએ.

પૈસાદારોમાં આવા પોલાણ હોતા જ નથી. માટે સો વાતની એક વાત, તું દાગીના લઈને જ જા. જે વાત કરવાની એ દાગીના ઉપર જ કરવાની.
“ઓહ! દાગીના ગીરો મૂકી દઉં, પછી?” અત્યારે હીરાલાલના ખંડમાં બેઠેલા જશુબેન મનોમન વલોવાતા હતાં: “હજી તો બંને પુત્રોના લગ્ન બાકી છે. બે લગ્નનો સાધારણ ખર્ચ પણ એકાદ લાખ થાય. આ પછી વાલની વીંટી પણ ઘરમાં નથી રહેતી!”

“બેટા”! જશુબહેને શ્રેણિકને વાર્યો હતો: “તું એકવાર મને હીરાકાકા પાસે તો જવા દે! છેવટે, તારા પિતાના એ મિત્રને આમંત્રણ આપવા મારે પોતે જવું જોઈએ.”

“હા… જા બા” પુત્રી નીલાએ બાને વળી પાછી સાવધાન કરી હતી: “પણ હીરાકાકા પાસે આપણી કોઈ ગરીબી ન ગાવી.” એમને તારે પ્રથમથી જ કહેવું કે હીરાભાઈ! મારે તો દાગીના ઉપર જ પૈસા જોઈએ… અને બા, એક કાંકરે બે પક્ષી મરશે.” નીલા હસી પડી: “જો હીરાકાકા આપણને મદદ કરવા ઈચ્છતા હશે તો દાગીના નહીં માગે…” અને જો માગે તો તું સમજી લે જે કે મારા પિતાની ગાઢ મૈત્રીને એમણે એમની ઈન્ડસ્ટ્રીઝની ભઠ્ઠીમાં નાખીને ઓગાળી નાખી છે અને એવા માણસ પાસે પછી લાગણીવેડા કરવાની જરૂર નથી.”

“ઓહ! નીલા કેટલી બુદ્ધિશાળી છોકરી છે?” જશુબહેન હીરાલાલના ખંડમાં બેઠાં બેઠાં મનોમન ગર્વ લઈ રહ્યા હતાં: “ચતુર પણ કેવી!”
જશુબેન ઘરેણાંની પોટલી લઈને જ હીરાલાલને બંગલે પહોંચ્યા હતા. હીરાલાલે સાચા દિલનો ઉમળકો ભરીને સુંદર આવકાર આપ્યો હતો એનાથી જસુબહેનને થયું હતું કે, અરે, નોકરચાકર હોવા છતાં ખુદ પાણીનો ગ્લાસ લઈ આવ્યા. એ માણસે મૈત્રીનું ઝરણું હજી પણ ખળખળતું રાખ્યું છે!

હીરાલાલ ખંડમાં આવ્યાં એટલે જશુબહેને ખુશી સમાચાર આપ્યા: “મારી નીલાના લગ્ન છે હીરાભાઈ.”

“મને ખબર છે ભાભી”! હીરાલાલ માયાળુ હસ્યા: “તમારા સંતાનોના શુભપ્રસંગો મારી નજરમાં જ હોયને?” જશુબહેન મનોમન ઉલ્લાસી ઊઠ્યા: “આવા હીરાભાઈ મારા દાગીના ગીરો મૂકવા દેશે? ન જ બને.”
“હીરાભાઈ! તમારા મિત્રના ગામતરા પછી મારે ત્યાં આ પ્રથમ જ શુભપ્રસંગ છે.”

“જુઓ ભાભી! જરાય ઓશિયાળાં ન બનશો… ના ના…! હું એવું ઈચ્છું પણ નહીં. મારા મિત્રના પત્નીની ખુમારી અને ગૌરવ અકબંધ રહેવા જોઈએ.”

જશુબહેન પળભર ભાવસ્થ બની ગયા. પતિના એક સાચા મિત્રની ગરવાઈને અહોભાવથી સંવેદી રહ્યાં. “જુઓ ભાઈ” પળ પછી સ્વસ્થ બનીને જશુબેન બોલ્યા: “હું શું કામ ઓશિયાળી થાઉં” દસ તોલા સોનું લઈને આવી છું. એના પર પચ્ચીશ ત્રીસ હજાર લઈ લઈ લેશું. વહેવાર તો કોડીનો હોં હીરાભાઈ. ” અને જશુબહેને દાગીનાની પોટલી હીરાલાલના પગ પાસે મૂકી. “આના ઉપર જ…”

“હા બરાબર… બરાબર!” દાગીનાની પોટલી હાથમાં લઈને હીરાલાલ બોલ્યા. “આના ઉપર આપણને એટલી રકમ તો રમતાં રમતાં મળી જશે.” અને પોટલી લઈને હીરાલાલ બાજુના રૂમમાં ફોન કરવા ગયા. દસેક મિનિટમાં વેપારી જેવો લાગતો એક માણસ આવ્યો. દાગીના જોયા, તપાસ્યા અને પચ્ચીસ હજાર આપીને દાગીના લઈ ગયો.

રૂપિયા લઈને જશુબહેન ઘેર આવ્યાં ત્યારે આંસુથી લગભગ નાહી ઊઠ્યા હતાં. એમણે સંતાનોને કહ્યું: “બેટા! હીરાકાકાએ આપણું રજભાર ન રાખ્યું. અરેરે” મારાં પાલવડાં ગયાં.
“બા! રડ નહીં” શ્રેણિક બોલ્યો: “અમે બે ભાઈ, તારા બે લાખના ચેક છીએ. પછી મુંઝાશ શાની…?”
પણ જશુબેનના આંસુ સૂકાતાં જ નહીં. આડોશપાડોશ અને સગાસંબંધીઓને જશુબહેન પાસે આક્રોશ ઠાલવ્યો કે, ફટ્ય કહેવાય હીરાલાલને…! રમણભાઈનો જીગરી મિત્ર, એક કાવડિયે પણ કામ ન લાગ્યો? દાગીના ઉપર પૈસા આપ્યા?!”

જાન આવી ગઈ. ઉતારો અપાઈ ગયો. વરઘોડો પણ માંડવે આવી ગયો અને “ક્નયા પધરાવો સાવધાન”નો ગોર મહારાજનો આદેશ સંભળાયો કે એ જ વેળા ચોકલેટ કલરની એક કાર જશુબહેનને દરવાજે આવીને ઊભી. ઝડપથી બારી ખુલી અને એટલી જ ઝડપથી હીરાલાલ બહાર આવ્યા.
“ભાભી!” ઓસરીમાં પગ મૂકીને હીરાલાલે જશુબહેનને કહ્યું: “નીલાને બોલાવતા આવો એક મિનિટ!” અને હીરાલાલ અંદરના રૂમના એકાંતમાં જઈને ઊભા રહ્યાં, નીલાની વાટે.

નીલાએ ભારે મને કાકાને નમસ્કાર કર્યા. હીરાલાલે દાગીનાની પેલી પોટલી નીલાને આપી: “લે બેટા! તારી બાને આ પાછી આપી દે.”
“શા માટે કાકા?” નીલાના અવાજમાંથી રોષ ટપકતો હતો: “અમે કોઈના ઓશિયાળા બનવા નથી માગતા કાકા!”

“નીલા! બેટા! તું મને શું શીખવીશ?” હીરાલાલ ભાવ છલકતા અંતરે બોયા: “તમે કોઈના ઓશિયાળા નથી એ હું જ સિદ્ધ કરવા માગતો હતો અને આશા સમાજને પણ એ બતાવવા માગતો હતો, તે બતાઈ ગયું.”
નીલા આશ્ચર્યથી કાકાને જોઈ રહી.
“નીલા! એ વેળાએ મેં પૈસા આપીને મદદ કરી હોત તો તમે સૌ ઓશિયાળા દેખાત! લોકો વાતો કરત કે, હીરાલાલના પૈસાથી રમણલાલની દીકરી પરણી! બિચ્ચારાંની કેવી હાલત? પણ… નીલા! હું મારા દિવંગત મિત્રને ગરીબ દેખાડવા માગતો નહોતો. હું બેઠો છું અને તમે સૌ ઓશિયાળા સાબિત થાઓ?! મારે તો સમાજ પાસે એ જ બોલાવવું હતું કે, રમણલાલનો જિગરી ભાઈબંધ હીરાલાલ, પાણીમાં બેસી ગયો અને એક પાઈની મદદ કરી નહીં. ફટ્ય છે હીરાલાલને. બસ, મારે એ જ કામ હતું. મારી કીર્તિ માટે મારા મિત્રના કુટુંબની ખુમારી મારે આંચકવી નહોતી.”

જશુબહેન રડી પડ્યાં. “ભાઈ, મેં તો તમને નગુણા ધારી લીધા’તા.’
“ભાભી મારે નગુણા જ દેખાવું હતું.”
ખડખડાટ હસીને હીરાલાલે પગ ઉપાડ્યો અને ઉમેર્યું.

“સમાજની નજરે મને એવો જ રહેવા દે જો ભાભી! આ વાત ખાનગી ન રાખો તો તમને વહાલા તમારા આ દિયરની સોગંદ છે.”

  • અને નીલાએ પ્રફૂલ્લા ચહેરે માંડવામાં પગ મૂક્યો ત્યારે માંડવા પક્ષની છોકરીઓ ગાતી હતી.
    “વાદલડી વરસી રે…
    સરોવર છલ્લી વળ્યાં…”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button