તરોતાઝા

મયૂરીની કળા

ટૂંકી વાર્તા – ડૉ. ભૂપેન્દ્ર રાવલ

મુનેય કામ આલોને સાબ્ય.' મસ્ટર રોલમાં અઢીસો નિયમિત મજૂરોની હાજરી પૂરીને, દોઢસો કામચલાઉ મજૂરોનાં નામ પૈકી આજ કોની હાજરી ભરવી અને કોની કોની ગેરહાજરી બતાવવી તેના સેટલમેન્ટની ગડમથલમાં પડેલા મસ્ટર કલાર્કના કાને કોયલના ટહુકા જેવો કર્ણ રમ્ય સ્વર પ્રવેશતાં જ, દસ વાર સાબ્ય સાબ્ય કરીને ઊભા રહેતા મજૂરોની અવહેલના કરતા મસ્ટર કલાર્કનામુનેય કામ આલોને સાબ્ય’ નો રણકો કાને પડતાં જ કામચલાઉ મજૂરોની હાજરી ભરતા હાથને બ્રેક લાગી ગઈ. સાથે જ એ અવાજની મધુરપે નજર ઊંચકાઈ ગઈ.
સામે જ સત્તરેક વર્ષની સહેજ શામળી, કુશળી શિલ્પીએ સહેજ શામલ ઝાંયના આરસમાંથી ઘડી હોય તેવી સુડોળ કાયાંગો ધરાવતી યુવતી પર નજર પડી.ક્ષણભર એ યુવતીની નમણાશ પર ઓઝપાઈ ગયો.
વક્ષયુગ્મને ચાતરી જતી ખભે નાખેલ ચૂંદડી, સહેજ વાંકડિયા વાળના ઢીલા ચોટલા ને ટેબલ પર બેઉ હાથના ટેકે સહેજ નમીને ઊભેલી એ યુવતીએ મસ્ટર કલાર્કની નજર ઊંચકતાં જ એક હાથ ઊંચકી ચોટલાને માદક અંગ મરોડ સાથે વાંસા પર ફંગોળી ફરી બેઉ હાથ ટેબલ પર ટેકવી ટહુકો કર્યો, મુનેયા કામ આલોને સાબ્ય.' કુદરતી કાજળઘેરી સ્વચ્છ હરિણીશી અક્ષ, શામળા વાનમાં ગાલ પર ઘૂંટાયેલી સિમલાના સફરજન જેવી સહેજ ગુલાબી ઝાંય.મુનેય કામ આલોને સાબ્ય’ કહેતાં મલકાયેલા ચહેરાના બેઉ ગાલે ખંજન પડ્યા. માસ્ટર કલાર્કના બદનમાં ઊની ઊની ઊંકરાટી ઊઠી.
શુ નામ છે તારું?' પૂછતાં મસ્ટર કલાર્ક એ ટ્રાઈબલ વિસ્તારની યુવતીને અવલોકવામાં પડી ગયો. પારિજાતના વૃક્ષની સવળોટી ડાળી જેવા જ સવળોટા બદન પર કટોરીવાળા બ્લાઉઝની કટોરી જાણે સાંકડી પડતી હોય તેવા ઉન્નત, વિકસિત વક્ષયુગ્મ. બ્લાઉઝ અને ઘેરવાળા ચણિયાની વચ્ચેના અંગમાં ઘુમ્મરીએ ચડેલા યૌવનની ઘૂમરી પડતી હોય તેવી નાભિ. ઘેરવાળા ચણિયાને લપેટાઈને નાભિ અને માત્ર બ્લાઉઝથી આવૃત્ત રહેલાં વક્ષયુગ્મને ચાતરીને ખભાની પછવાડે લટકતો નાજુક ચૂંદડીનો છેડો, જાણે કોઈ કલાકૃતિ સર્જતી હતી. શું નામ છે તારું?’
મસ્ટર કલાર્કના પ્રશ્નના જવાબમાં: મયૂરી. સાબ્ય મારું નામ મયૂરી.' યુવતી મયૂરી નામ બે વખત પુનરાવર્તિત કર્યું.મયૂરી’ નામ સાંભળતાં યુવતીના મોરપીંછ કલરના ચણિયાની સળેસળ જાણે સંકેલાયેલ મયૂરકળાના મોરપીંછ જેવી લાગી.
વારે વારે શું વિસારમાં પડી જાવ સો સાબ્ય? કહેતાં યુવતીએ મસ્ટર કલાર્કના હાથના પંજાને સ્પર્શ કર્યો ત્યારે એ યુવતીની ભાવ સમાધિમાંથી જાગ્રત થયો. હા, હા, તારું નામ મયૂરી. સાંભળ્યું મે,’ કહેતાં પ્રશ્નોત્તરી આગળ ચલાવી;
કોણ કોણ છો ઘરમાં?’
હું ને ડોહો.' ડોહો એટલે તારો બાપ?’
ના, મારા વરનો બાપ.' ત્યારે તું પરણેલી છો એમને?’ મસ્ટર કલાર્કના મનમાં નિરાશા ફરી વળી. આગળ પૂછ્યું. તું પરણેલી છો તો ઘરમાં તું ને ડોહો - બે જ કેમ? તારો વર..?' મારો વર… સેને સાબ્ય, વડોદરે કંપનીમાં વોસમેન સે.” (મયૂરીનો વર વડોદરે કંપનીમાં નોકરી કરે છે એ જાણી મસ્ટર કલાર્કને ફરી આશા બંધાઈ.) આકડે મધ.
લગન કર્યાંને કેટલાં વરસ થયા?' તણઈ પૂરાં.’
કેટલા છોકરા છે?' સોરા નથ્ય.’ કહેતાં મયૂરી શરમાઈ ગઈ. (આ બીજો પ્લસ પોઈન્ટ- મસ્ટર કલાર્કે વિચાર્યું.)
ત્રણ વરસ થયાં તોયસોરા’ નઈ?’ મસ્ટર કલાર્કે રમૂજ કરતો દાણો ચાંપી જોયો.
ઈ રાત્યે શ્યાં આંય રોકાય સે! કિયારેક રાત્યે હોય.' કહેતાં મયૂરી શરમાઈ ગઈ.પંદર દા’ડે, મયને કિયારેક રજા લઈને આવે તોય ધારિયા ને સરિયુની ધાર્યું ઘહ્યાં કરે કાં તીર કામઠા વાંહે લાગ્યો હોય.’
ટ્રાઈબલ વિસ્તારની પછાત ભીલ કોમના હથિયાર છરા, ધારિયા અને તીરનાં ઝેર પાયેલ ફણાં; ને એ કોમનું ઝનૂન, અજરડાઈ અને ખુન્નસની સાંભળેલ વાતોએ મસ્ટર કલાર્કના મનમાં ભયની ધ્રુજારી ફરી વળી.
સું થયું સાબ્ય?' ફરી મયૂરી પૂછી રહી. કંઈ નઈ, કંઈ નઈ.’ કહેતાં મસ્ટર કલાર્કે મનમાં વ્યાપેલ ભય પર કાબૂ મેળવ્યો.
તંઈ ધોળા શેતર જેવા કિમ થઈ જિયા?' બહુ ડાંપણ કરમાને, હવે નવા કોઈને કામ પર લેવાના નથી.’
ઈમ હું કરો સો સાબ્ય. મુને કામ આલોને! હંધુય તમારા હાથમાં સે.' કહેતાં મયૂરીએ મસ્ટર કલાર્કનો હાથ પકડી લીધો.હું ભણેલીય સું સાબ્ય.’ મસ્ટર કલાર્કને મયૂરીમાં રસ પડ્યો.
એ...મ? વાંચતા-લખતાં અવડે?' મારા વરગમાં અવ્વલ આવતી સાબ્ય.’
તને આ બધા મજૂરનાં નામ લખતાં-વાંચતાં આવડે?' હોવે.’
એની હાજરી પૂરતાં આવડે?' હોવે. અમારી નિહાળ્યમાં માસ્તર પૂરતાં.’ કહેતાં મયૂરીથી ઉત્તેજનામાં મસ્ટર કલાર્કના પંજા પર વધારે ભાર અપાઈ ગયો. મયૂરીના હાથના સ્પર્શનો કરન્ટ મસ્ટર કલાર્કના તન બદનને ઝણઝણાવી રહ્યો.
હું કહીશ એ બધુંય કામ કરવું પડશે, પછી તું ના પાડીશ તો નહીં ચાલે. સમજી' કહી મયૂરીના હાથને પંપાળ્યો. હોવે-હોવે.’ કહેતાં મયૂરી રાજી રાજી થઈ ગઈ.
ડોહા કામ કરે એમ છે? ઈનો તો એક ટોંટિયો ઠાઠડીમોં સી.’
તારા વરનું ને ડોહાનું નામ લખાવ. ત્રણેનું નામ ચોપડે ચડાવું છું.' પણ સાયબ, મારો વર ને ડોહો…’
ઈ તારે શું કામ છે? હું કરું એ જોયા કર્ય ને કહું એ કર્યા કર.' તયેં તો તમારા જેવો ભગવાનેય નય.’ કહેતાં મયૂરીએ ફરી મસ્ટર કલાર્કનો હાથ પકડી ઉરે ચાંપ્યો.
આ વર્ષે રાજ્યના છ જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થયા હતા તે પૈકી આ ટ્રાઈબલ વિસ્તાર પણ દુષ્કાળ-અછતગ્રસ્ત જાહેર થયેલો.
પ્રજાને રોજી-રોટી આપવા માટે સરકારે ઠેર ઠેર રાહત કામો શરૂ કર્યાં હતાં. પડતર જમીનમાં ચોકડીઓ ખોદવાની અને માટી નીકળે તેનાથી ખેતરોના પાળા બાંધવાના કે નાનાં તળાવો બાંધવાનાં. પ્રજાને રોજી રોટી મળે એ કરતાંયે રાહતકામો સાથે સંકળાયેલા નીચેથી ઉપર સુધીના સરકારી બાબુઓને ઘી-કેળાં થઈ જતાં. દરેક ગામના ઘેર ઘેર રાહતકામનાં કાર્ડ આપવાનાં અને દરેક ઘરની પુખ્ત, સશકત વ્યક્તિઓએ કામ પર જવાનું. જે જે વિસ્તારમાં રાહતકામ ચાલતું હોય તો ત્યાં ત્યાં સાચા મજૂરી પર આવતા મજૂર બસો જ હોય તો પણ મસ્ટરમાં ત્રણસો- સાડાત્રણસો ચાલતા હોય. ઉપરના સો-દોઢસો કામચલાઉ મજૂરોની સાચી, ખોટી હાજરી પુરાય એ સઘળી મજૂરીના પૈસા લાગતા-વળગતા સરકારી બાબુઓમાં વહેંચાય જાય.
બહાર વેરાન વગડામાં મસ્ટર કલાર્કનો મોટો તંબુ ત્રણ તરફ કનાત બાંધીને, સામે વગડાના તડકામાં મજૂરો ચોકડિયો ખોદતા હોય, પાળા બાંધતા હોય તેના તરફ નજર રહે તેમ ઊભો કરેલો. એક ટેબલ, બે ખુરશી તથા તંબુના એક ખૂણે પાણીનું માટલું તથા એક કાથી ભરેલ ખાટલો, ઓઢવા, પાથરવાનું જાડું પાગરણ જેના પર એકાદ મજૂર રાતભર ત્રિકમ, પાવડા ને તગારાની ચોકી કરવા સૂઈ રહે.
હવે તો ફરી ચોમાસું નજીક આવે, વાદળ ગોરંભાવાનું શરૂ થઈ પ્રથમ વરસાદનાં છાંટણાં થાય ત્યાં સુધી રાહતકામો ચાલવાનાં. ચાર- પાંચ મહિના તો ખરા જ.
આ વિસ્તાર આમ તો પાંચ, પંદર કે પચીસેક ઘરોનાં છૂટાં- છવાયાં ગામડાંનો જ; વળી નર્મદા ડેમ બંધાતાં ત્યાંના સ્થાનિક નિવાસીઓને ફાળવેલ વિસ્તારોની વસાહતો. આથી જુદાં જુદાં ગામના તથા વસાહતોના મજૂરો રાહતકામ પર આવે…
મોતીપુરા ગામે પણ રાહતકામ ચાલતું હતું. આ વિસ્તારનો તલાટીયે મોતીપુરાનો. સરકારે ઘરવિહોણા' ગરીબો માટે એક રૂમ, રસોડું તથા જાજરૂ-બાથરૂમ સાથેના બ્લોક (ઘર)આવાસયોજના’ હેઠળ ઊભા કરેલા અને તેમાં બે બ્લોક તો આ તલાટીએ હાથ' કરેલા અને તે પૈકી બ્લોક રાહતકામ ચાલે ત્યાં સુધી રાત- વરત રોકાવાના કામમાં આવે તેમ વિચારી મસ્ટર કલાર્કે ભાડે રાખેલો. મયૂરી ગોપાલપુરાની. મોતપુરાથી એક કિ.મી. જ થાય. મસ્ટર કલાર્ક ઘેર જતો રહ્યો હોય ત્યારે નોકરી પર મોડો આવે, એ દરમ્યાન જેમ જેમ મજૂરો આવતા જાય તેમ તેમ નામ શોધી હાજરીનો એકડો’ કરવાની જવાબદારી મયૂરી પર. ખાલી ખાનામાં કોની કોની હાજરી મૂકવી એ કામ મોડો આવીને મસ્ટર કલાર્ક કરે.
મયૂરી કામ પર લાગી ગઈ ત્યારથી મસ્ટર કલાર્કનું મોતીપુરામાં રહેવાનું વધી ગયું. બધા મજૂરોય હવે એકડો' પુરાવવા મયૂરી પાસે જ આવવા લાગ્યા. એ પૂરું થાય એટલે પ્રાઈમસ પેટાવી મયૂરી ચાનું પાણી ઉકાળવા મૂકે ત્યાં મસ્ટર કલાર્ક ગામમાંથી દૂધ લઈ આવી જાય. ચા થાય એટલે મયૂરી કપ-રકાબી લંબાવે, મસ્ટર કલાર્ક મયૂરીનું કાડું પકડી ચાનો કપ લેતાં સ્પર્શનો આનંદ મેળવી લ્યે. મયૂરી મજૂરને બદલે મદદનીશ બની ગઈ. હાજરી તંબુમાં જ રહેવા લાગી. ભણેલી મયૂરીની છાપ ગોપાલપુરાના મજૂરો પર સારી. કોઈ શંકા કરે નહીં. દર અઠવાડિયે મજૂરીનું ચુકવણું થાય. મયૂરીનું પહેલું અઠવાડિયું પૂરું થયું. મયૂરીએ પોતાના વાઉચરમાં સહી કરી. ડોહા વતી ડાબો અંગૂઠો અને વર વતી જમણો અંગૂઠો છાપી પગાર લીધો. ચુકવણું હોય ત્યારે એક કલાક વહેલું કામ છૂટી જતું. મજૂરો ગયા એટલે મસ્ટર કલાર્કે મયૂરીને કહ્યું:તારે ઉતાવળ નથીને?’
કિમ કાંય કામ હતું?' પૂછતાં મયૂરીએ નેણનો ઉલાળો માર્યો.ઘરે એક જોડી કપડાં મેલાં પડ્યાં છે તે ધોતીજાને!’
સાથે બ્લોક પર આવી કપડાં ધોઈ મયૂરીએ, સાબ્ય, લૂગડાં ધોય કાઢ્યાં સે. હું જાવ સું.' કહ્યું. અરે, અંદર તો આવ . હજી દિવસ ઘણો છે. જો હું તારા માટે શું લાવ્યો હું! લેતી જા.’
એ અંદર ગઈ એટલે મસ્ટર કલાર્કે પેકેટમાંથી મયૂરીને શોભે એવી ભાતગીળ ચૂંદડી ખુલ્લી કરી મયૂરીના દેહ પર વીંટી. નીરવ એકાંતે મયૂરીના યુવાન દેહસ્પર્શે યુવાન, કુંવારા મસ્ટર કલાર્કના શરીરમાં ઉત્તેજના વ્યાપી ગઈ. મયૂરીને આશ્લેષમાં જકડી લીધી. મયૂરીના કાઠા, ઉન્નત વક્ષદ્વય ચંપાતાં મદન વ્યાપી ગયો. આ જ તો ત્રણ પગાર વસૂલ કરી લેવા છે.' પણસાબ્ય, મુને જાવા દયો. મારા વરને ખબર પડહે તો મૂવો ધારિયે ઝાંટકે એવો…’ મયૂરી બોલવાનું પૂરું કર એે પહેલાં તો વર, ધારિયું ને ઝાટકો-કાને પડ્યાં. મસ્ટર કલાર્કનો કામાવેગ ઊતરી ગયો. આશ્લેષની પક્કડ ઢીલી પડી ગઈ. ચૂંદડી ખભે વીંટાળતીક મયૂરી અલવિદા કરી ગઈ.
સવારમાં એ જ ચૂંદડી પેરીને મયૂરી કામ પર આવી. તંબુમાં જઈ બોલી. જોવો તો સાબ્ય, સેવી લાગું સું?' ચૂંદડીમાં શોભતી મયૂરીને મસ્ટર કલાર્ક લોલુપ નજરે જોઈ રહ્યો: ત્યાંસાબ્ય, તમે સૂંદડી લાયા પણ આની મેસિંગ બંગડિયું નો લાવ્યા!’ કહી જાણે ઠપકો આપી રહી.
કાલે તું ભાગી ન ગઈ હોત તો બંગડી તો શું, તું કહે તે લાવી આપત.' તે દાડાના ક્યાં દુકાળે સે, લાવજ્યોને.’ કહેતાં અંગમરોડ લઈ તીરછી નજરનો ઉલાળો માર્યો. મસ્ટર કલાર્ક પાણી પાણી થઈ ગયો.
સા... લી. ભાવે છે પણ મોઢું બગાડે છે સાચી વાત છે. દાડાના ક્યાં દુકાળ છે. આજ નહીં તો કાલ.' મસ્ટર કલાર્ક ભાવિ યોજના વિચારી રહ્યો. બે મહિના નીકળી ગયા. મયૂરી હાથતાળી દેતી રહી. આજ અમાસનો અગતો (રજા) હતો. કામ બંધ હતું. મસ્ટર કલાર્કે મક્કમ નિર્ધાર કર્યો, આજ રાતે ગોપાલપુરા પહોંચવું છે. ડોહો તો મરવા પડ્યો છે, એ શું કરી લેવાનો! આજ તો એના જ ઘરમાં... ત્યાં મયૂરી મોતીપુરા આવી પહોંચી. કપડાંની થેલીમાંથી પેકેટ કાઢ્યું. શું લાવી?’
વડોદરાનો લીલો શેવડો!' તું વડોદરા ક્યારે ગઈ’તી?’
હું નથ્ય ગઈ. મારો વર આયો સે તી લેતો આવ્યો. લકાડીને (સંતાડીને) તમને દેવા આઈ.' સા…રું, ચા મૂક પછી આપણે સાથે ચા નાસ્તો કરીએ.’ મયૂરીને રોકી રાખવા ચા મુકાવી.
મોકો મળતાં મસ્ટર કલાર્કે મયૂરીને બાથમાં જકડી લીધી. જોવો સાબ્ય, હું આવું તંઈ તમારે આવું નઈ કરવાનું- તો હું આવિહ નય. તમે આવું કરો સો તઈ મુને કાંક થાય સે.' શું થાય છે?’ મારા દેઈમાં ઊનું ઊનું લાગવા માંડે સે!'આજ ભલે લાગે. જાવા નથી દેવી.’ કહી મયૂરીના ગાલે ચસચસતું ચુંબન લઈ લીધું.
સોડોને સાયબ, મારે મોડું થાહે તો ઈ મુવો મારો વર ધારિયું લયને આંય પુગહે.' સાંભળતાં જ મસ્ટર કલાર્કની પક્ક્ડ છૂટી ગઈ: જાણે સાચે જ પેલાએ ધારિયું માર્યું હોય. આમ ને આમ ઉંદર - બિલ્લીની રમતમાં મસ્ટર કલાર્કના ત્રણ મહિના કોરા નીકળી ગયા. આજ ચુકવણાનો દિવસ હતો. કેશ બોક્સ લઈ મસ્ટર કલાર્ક સાઈટ પર નીકળતો હતો ત્યાં જ મયૂરી આવીને રડી પડી.સાબ્ય, વડોદરાથી હંદેહો આયો સે. મારા વરને ઉપેનડીસ થયું સે, દવાખાને દાખલ કર્યો સે. ઉપરેસન કરાવવું પડસે. તરત ઉપરેસન નો થાય તો ઉપનેડીસ ફાટી જાહે ઈયેય કેવરાવ્યું સે ને મને પાંસ હજાર રૂપયા લઈને તરત બોલાવીસે.’ રડતાં રડતાં એકી શ્વાસે બોલી ગઈ મયૂરી ને મસ્ટર કલાર્કને બાથ ભરી, ખભે માથું નાખી વધુ રડતાં બોલી, તઈણેયના પગારમાંથી કાપી લેજ્યો પણ એટાણે પાંસ હજાર આલો. ગમે ઈમ કરો પણ એટલું કરી આલો.'ગળી’ ગયો મસ્ટર કલાર્ક. દોઢસો ડમી મજૂરના વધતા પૈસામાંથી પાંચ હજાર ગણી આપ્યાને જાણે સાંત્વન આપતો હોય તેમ ફરતો હાથ મયૂરીનાં વક્ષ તરફ વળ્યો. ન્યા મારો વર મરવા પડ્યો'સે ને આંય તમને નખરા હુજે સે. દિના કયાં દુકાળ સે! કહેતાં ફરતો હાથ દબાવીને ખસેડી દીધો. સમજી શકતો નથી મસ્ટર કલાર્ક કે આની હા છે કે ના. વડોદરેથી આવું ન્યા હુધી અમારો એકડો (હાજરી) પૂર જ્યો હોં.' કહેતી પાંચ હજાર લઈ મયૂરી નીકળી ગઈ. પંદરેક દિવસ મયૂરી કામે આવી નહીં.આજ તો હું જ ગોપાલપુરા પહોંચી જાવ. સા….લી ક્યાંક મને રમાડતી તો નથીને? વિચારતાં, કામ છૂટતાં મસ્ટર કલાર્ક સંધ્યા સમયે બાઈક લઈ ગોપાલપુરા પહોંચી ગયો. મયૂરીનું ઘર પૂછવાનું વિચારતો હતો ત્યાં જ સાંજના વાળુ માટે દૂધ લઈ મયૂરી જ સામે મળી. આવો આવો સાબ્ય. તમે ભૂલા પડ્યા?' ભૂલો નથી પડ્યો. પૈસા લેવા આવ્યો છું. મારેય સરકારમાં હિસાબ દેવાનો હોને! તું તો પાછી દેખાઈ જ નય.’
થઈ રેહે... આવ્યા સો તી હવે હવારે જ જાજો.' મયૂરીએ આંખના નખરે ઈજન આપ્યું. રાત રોકવાનું ઈજન મળતાં મસ્ટર કલાર્કના બત્રીસ કોઠે દીવા પ્રગટી ગયા. રાતભરની રંગીન કલ્પનામાં ખોવાઈ ગયો એ કલાર્ક.વળી પાસા વશારમાં ખોવાઈ ગયા? મારો વરેય ઉપરેસન પસે આરામ કરવા આયોસે. ઉળખાણ થાહે. એય… ને મજાના વાડામાં બે ખાટલા ઢાળી દહ્ય. બેય પડખે હૂઈ રેજ્યો.’
મયૂરીના વરનું નામ પડતાં જ ના. ના. રાત નથી રોકાવું, આ તો થયું કે તારું ગામ જોતો આવું અને પૈસાનું યાદ કરતો આવું.' કહેતાં મસ્ટર કલાર્કે બાઈકને કિક મારી.ફર્ય કિયારેક આવજો હોં સાબ્ય. દિના ક્યાં દુકાળ સે.’ મયૂરી બોલે બોલે ત્યાં બાઈક ગામ બહાર નીકળી ગયું. બીજા દિવસથી મયૂરી કામ પર આવી ગઈ. ફરી પાછું મસ્ટર કલાર્કનું મન કોળી ઊઠ્યું. ફરી પાછો મયૂરીની હાજરીનો ક્રમ શરૂ થઈ ગયો. બપોરે ખાવાનો સમય થાય એટલે મજૂરો પોતપોતાના ગામનાં ગુપ બનાવી ઘરેથી લાવેલ ભાથું' ભેગા મળીને ખાય. કેટલાક સમયથી તો મયૂરી બેવડું ખાવાનું લઈ આવતી અને તંબુમાં બેસીને મસ્ટર કલાર્કને તાણ કરીને ખવરાતી, રમૂજે પણ ચડતી. આજ તો મયૂરી બરોબરની ખીલી છે જાણી મસ્ટર કલાર્કે વાત છેડી.મયૂરી, લગન પહેલાં તે કોઈને પ્રેમ કરેલો?’
અમારાં તો લગન હમજણાં થયા પેલા જ થઈ જાય, ઈમાં પરેમ કરવાનો સમો જ ક્યાં મળે?' તારો વર તને કેવોક પ્રેમ કરે છે?’
ઈને તો ભલું વડોદરું. પંદર દાડે, મયને આવે તોય દારૂ પીયને રોયો કૂતરા જેમ...' કહી મયૂરી શરમાઈ ગઈ.સાબ્ય, તમારી બાયડી..?’ મયૂરીએ પ્રતિ પ્રશ્ન કર્યો. હજી લગ્ન જ નથી કર્યાં.' પરેમ?’
એક છોકરીને કરું છુ પણ એ સમજતી નથી.' ઈતો હંધુય હમજે પણ ક્યે નય. તમારા જેવો વર કોને ન ગમે?’
તને ગમું?' હોવે.’
તંઈ તું સમજતી કેમ નથી?' હંધુય હમજું સું પણ વરહાદ થાય નય તંઈ લગી ઊગે નય તેવું પરેમનું સે.’
માથે મૂવો મારો વર.’
મયૂરીના વરની યાદ આવતાં મસ્ટર કલાર્કના રંગનું સુરસુરિયું થઈ ગયું. જેઠ મહિનો બેસી ગયો. ખેડૂતોએ વાવણીના તૈયારી કરી લીધી. ભીમ અગિયારશ પછી તરત વરસાદ થાય તો વરસ સારું થાય અને એંધાણ પણ સારા દેખાવા લાગ્યાં, ત્યાં અચાનક વહેલી સવારે મયૂરી બ્લોક (મકાન) પર આવી. સાબ્ય, તમારે મારી ભેગું વડોદરા આવવું પડશે.' કહ્યું. કેમ? કલાર્કે પ્રશ્ન કર્યો.’
મારા વરે મવડો પીને કંપનીના એક માણહને માર્યો સે ને ફરયાદ થઈ સે. મારા વરને પોલીસ પકડી ગઈ સે. દહ હજારના જામીન દેવાના સે.' તે પોલીસ કેસમાં હું શું કરું?’
તમ જેવું ભણેલું માણહ મારી ભેગું હોય તો હરમત્ય (હિંમત) રે. ન્યાકણે અમારું કોણ? પૈસાય કુણ આલે?' એમાં મારાથી નો પડાય. હું સરકારી માણસ. એમ કર, લે દસ હજાર આપું, તારા કોઈ સગાને સાથે લઈ જા. પૈસા ભરી દઈશ એટલે જામીન મળી જશે.’ મસ્ટર કલાર્કે પીછો છોડાવવા અને પોલીસની પ્રશ્નોત્તરીથી બચવા રસ્તો કાઢ્યો? મયૂરી દસ હજાર લઈને ગઈ.
પાંચ દાડે મયૂરી કામ પર આવી. સારા વરસાદની આગાહી થઈ ગઈ. આવતા અઠવાડિયે મજૂરોની ચડત રોજીનું ચુકવણું કરીને રાહતકામો બંધ થવાનાં હતાં. હવે તો મસ્ટર કલાર્ક મરણિયો થઈ ગયો. મયૂરીને બોલાવીને કહી દીધું, તારે હવે સમજવું છે? ચોખ્ખી વાત કર. હા પાડ કે ના પાડ.' એવું પાપ મુથી નો થાય. મારો વર…’
તારો વર ગયો તેલ પીવા. હું એનાથી બીતો નથી. સમજી? નો સમજવું હોય તો પંદર હજાર આપી દે ને પગાર લેવા ડોહાને ને તારા વરને લેતી આવજે. તારા અંગૂઠા નહીં ચલાવું. એના વગર એ બેયનો પગાર નય મળે. મને અત્યાર સુધી ઉલ્લુ બનાવીને પણ ત્રણ જણાના પગાર લીધા. માથેથી પંદર હજાર લઈ ગઈ. પંદર હજારનું સાટું વાળવું હોય તો રાતે આવજે. વિચારી લે અને પગાર લેવા બેઉને બોલાવતી આવજે નહીંતર પગાર નહીં આપું જા હવે રાત સુધીમાં વિચારી લે.' વહેલી સવારથી જ ચુકવણું શરૂ થઈ ગયું હતું રાહતકામોનો આજે છેલ્લો દિવસ હતો. મયૂરી આવી ત્યાં સુધીમાં ગામ પ્રમાણે ગ્રુપની લાઈન થઈ ગઈ હતી. મયૂરી આવતાં જ મસ્ટર કલાર્કનો કાળ-ઝાળ ઓર્ડર છૂટ્યો.લાઈનમાં ઊભી રે, જા’ આજ સુધી મસ્ટર કલાર્કની મહેરબાની મેળવતી મયૂરી ગોપાલપુરાના મજૂરોની લાઈનમાં ઊભી રહી ગઈ.
મયૂરીનો વારો આવ્યો ત્યારે મયૂરીની સહી કરાવી પગાર ચૂકવી ગુસ્સાથી કહ્યું, ડોહાનો ને તારા વરનો પગાર લેવા એને મોકલ. જા, એને લઈને આવજે.' મયૂરીના ગયા પછી ગોપાલપુરાના બીજા મજૂરોનો વારો આવતાં એ મજૂરે કહ્યું:સાબ્ય, ઈ ક્યાં પૈણી જ સે. કવારી સે.’
ને મસ્ટર કલાર્કના માથામાં ઘણના ઘાની જેમ શબ્દો પડઘાઈ ઊઠ્યા: `સાબ્ય, ઈ ક્યાં પૈણી જ સે. કવારી સે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button