તરોતાઝા

લકી!!

ટૂંકી વાર્તા – અનિરુદ્ધ પુનર્વસ અનુવાદક: લલિતકુમાર શાહ

આજે સરલાનું ઈન્ટર સાયન્સનું પરિણામ જાહેર થવાનું હતું. તે ચોક્કસ ફર્સ્ટ ક્લાસમાં આવવાની હતી. પણ ઘરના બધા માણસો જાણે કંઈ બનવાનું જ નથી તેમ શાંત હતા.

સવારથી જ બાપુજી ક્યાંક બહાર ચાલ્યા ગયા હતા. ઈન્દિરાબાઈ કંઈને કંઈ કામમાં વ્યસ્ત રહીને સરલાની નજર ચૂકવવાની ગડમથલ કરતાં હતાં. સરલા પણ પલંગમાં પડી પડી એક પુસ્તક વાંચવામાં મગ્ન બની ગઈ હતી. સવારથી અત્યાર સુધીમાં તેણે બે પુસ્તકો પૂરાં કર્યાં હતાં. વાંચી વાંચીને આંખો થાકી ગઈ હતી. તેમ છતાં તેણે ત્રીજું પુસ્તક વાંચવું શરૂ કર્યું. કુટુંબમાં ફક્ત ત્રણ જ સભ્યો હતા. પણ ત્રણે જણ જાણે એકબીજાના નજર ટાળવા પ્રયત્ન કરી રહ્યા હતા.

આજે તેઓ પરસ્પરની સામે જોવાની હિંમત કરતાં નહોતાં, કારણ કે આજે પરિણામનો દિવસ હતો.
સરુની બહેનપણીઓ હવે કોઈ પણ ઘડીએ આવશે અને `સરુ, પેંડા લાવ, ફર્સ્ટક્લાસ આવી. પેંડા લાવ, ફર્સ્ટક્લાસ આવી. પેંડા ક્યાં છે? હવે તો અમારી સરુ મેડિકલમાં જવાની!’ એમ કહીને શોરબકોર કરી મૂકશે કારણ કે પરિણામ યુનિવર્સિટીના બોર્ડ ઉપર સાંજે પાંચ વાગ્યે જ મૂકવામાં આવવાનું હતું. બધી છોકરીઓ સાઈકલ ઉપર એકાદ કલાકમાં જ અહીં આવી પહોંચવાની હતી. યુનિવર્સિટી તરફ જતાં જતાં એકબે બહેનપણી તો સરલાને ઘરે મળવા પણ આવી હતી. સરલાને તેમની સાથે યુનિવર્સિટી લઈ જવાના તેમના બધા પ્રયત્નો વ્યર્થ નીવડ્યા હતા.

હું નથી આવતી. ઘરમાં બા એકલાં છે, મારે ઘરે જ રહેવું જોઈએ? સરલાએ આવો મક્કમ જવાબ આપ્યો હતો. ઈન્દિરાબાઈએ રસોડામાં ઊભા ઊભાં આ શબ્દો સાંભળ્યા હતા અને આંખમાં આવેલાં આંસુ લૂછ્યાં. સરુ પાસે જવાનું કેમ ટાળતાં હતાં તેનું કારણ તેઓ જાણતાં હતાં. તેથી જ જ્યારે છોકરીઓએ તેમને પૂછ્યું, `સરુને અમે યુનિવર્સિટી લઈ જઈએ?’ ત્યારે તેમણે મક્કમતાથી ના પાડી હતી. સરુ બહાર ગઈ હોત તો તેમના માટે સારું જ હતું. કોઈની નજર ટાળવાનો પ્રયત્ન ન કરવો પડ્યો હોત. પણ ઈન્દિરાબાઈ જાણતાં હતા કે તે શા માટે તેની બહેનપણીઓ સાથે જવા રાજી ન હતી. આ કારણ ખાતર જ તેમણે પણ એ છોકરીઓને ના કહી હતી.

`અમે પાછા આવતી વખતે આવીએ છીએ. પેંડા તૈયાર રાખજો. કહેતી એ છોકરીઓ સાઈકલ ઉપર રવાના થઈ હતી. તેઓને પરત આવવાનો હવે સમય થઈ ગયો હતો.

અને તેથી જ મા અને દીકરી- બન્ને અસ્વસ્થ બની ગયાં હતાં. આખરે ઈન્દિરાબાઈએ મન મક્કમ કરી સરુ પાસે જઈ કહ્યું, `તારી બહેનપણીઓ હમણાં જ આવશે. પેંડા માટે બૂમાબૂમ કરી મૂકશે. તેમને પેંડા દેવા જોઈએ. બેટા, આનંદની હંમેશાં વહેંચણી કરવી જોઈએ. જા, સાઈકલ ઉપર જ ઉપર જઈને પેંડા લઈ આવ અને એક હાર લાવવાનું પણ ભૂલતી નહીં. આજે ગુરુવારનો દિવસ પણ ઘણો સારો છે. જલદી કરજે, તારી બહેનપણીઓ આવે તે પહેલાં પાછી આવજે.’

સરલા મૂંગા મોંએ ઊઠી. સ્કર્ટ સરખું કર્યું અને પગમાં ચંપલ પહેર્યા. ડબ્બામાંથી દસની નોટ લઈને તે સાઈકલ ઉપર પેંડા લેવા ગઈ. સરલા બહાર ગઈ કે તુરંત ઈન્દિરાબાઈ સુરેશના ફોટા સામે આવી ઊભાં રહ્યાં. તેમને ડૂમો ભરાઈ આવ્યો. `સુરેશ….સુરેશ, આપણી સરુ ફર્સ્ટ ક્લાસમાં પાસ થઈ છે. હવે અમે તેને મેડિકલમાં મોકલીશું. બેટા, તેં સરુને ડોક્ટર થવાનું કહ્યું છે ને? તે જરૂર ડૉક્ટર બનશે પણ તું ક્યાં છે? સુરેશ, કંઈ નહી તો અમને પત્ર તો લખતો જા. રોજ જમતી વખતે અમને બધાને તારી યાદ આવે છે. તેઓ ચિઢાયા હશે તારી ઉપર પણ જ્યારથી તું ગયો છે તેમણે રાતનું જમવાનું જ બંધ કરી દીધું છે, બેટા, આજે તો તું આવ. સરલાની સફળતાના પેંડા ખાવા તો આવ.’ ઈન્દિરાબાઈની આંખોમાંથી આંસુઓનો પ્રવાહ વહી રહ્યો હતો. બન્ને હાથ વડે તેઓ સુરેશના ફોટાને પસવારતા હતાં.

તેટલામાં કોઈએ બારણું ખખડાવ્યું. ઈન્દિરાબાઈએ ઝડપથી આંસુ લૂછી નાખ્યાં અને તેઓ દરવાજા તરફ ગયાં. બારણું ઊઘાડતાં જ સરલાની બે-ત્રણ સખીઓ `સરુ ક્યાં છે? પેંડા લાવો, પેંડા લાવો. કોલેજમાં પહેલો અને યુનિવર્સિટીમાં તેનો સત્તરમો નંબર આવ્યો છે! હવે મેડિકલમાં ચોક્કસ એડમિશન મળશે તેને.’ છોકરીઓએ ઘોઘાંટ કરી મૂક્યો.

અરે, બેસો તો ખરી, સરુ પેંડા લેવા જ ગઈ છે' ઈન્દિરાબાઈના આનંદનો પાર ન હતો. પણ એકાદ ક્ષણ બાદ તેમનો ચહેરો ઊતરી ગયો. છોકરીઓને ખબર ન પડે તે રીતે સુરેશના ફોટા પાસે પહોંચી ગયાં. તેમની આંખો આંસુથી ઊભરાઈ ગઈ. છોકરીઓથી આ બધું છુપાવવા માટે તેઓ રસોડા તરફ જતાં જતાં બોલ્યાં,તમે સૌ બેસજો હું ચા બનાવી લાવું.’
છોકરીઓ ખુરસીપલંગ ઉપર બેઠી. ઈન્દિરાબાઈ રસોડામાં ગયાં અને ભગવાનના ગોખલા સામે જઈ ઊભાં રહીને બોલ્યાં. `ભગવાન, એક આંખમાં આંસુ અને બીજી આંખમાં આનંદ, આવો ખેલ કેટલા દિવસ ચાલશે!’ પછી તેમણે દીવામાં ઘી પૂર્યું અને દીવો પ્રગટાવી ભગવાનની મૂર્તિ સામે હાથ જોડીને ઊભાં રહ્યાં.

તેટલામાં સરલાની સાઈકલનો અવાજ આવ્યો અને તેની સાથે છોકરીઓના બૂમાબૂમ સંભળાઈ- `કૉંગ્રેટ્સ સરુ! કોલેજમાં તું પહેલી આવી છો!’

શૂન્યમનસ્કે સરલાએ સાઈકલ ભીંતને ટેકવીને મૂકી અને પેંડાની થેલી બાના હાથમાં આપીને તે છોકરીઓ પાસે જઈ બેઠી. `સરલા, ચા થઈ ગઈ છે.’ ઈન્દિરાબાઈનો અવાજ આવ્યો અને સરલા બધી બહેનપણીઓ સાથે રસોડામાં ગઈ.

`આ લોકોને ચા પીવા દે. તું ભગવાનને પેંડાનો પ્રસાદ ચઢાવ.’ ઈન્દિરાબાઈએ સરલાને કહ્યું. સરલાએ ભગવાનને પેંડા ધર્યા અને પછી બધી બહેનપણીઓને આપ્યા.

અલી, તું ખાને પહેલાં.' બધી છોકરીઓએ આગ્રહ કર્યો અને સરલા ધ્રુજવા લાગી. તેની આંખો ભીની થઈ ગઈ. શું કરવું તેની તેને સમજ પડતી નહોતી. ઈન્દિરાબાઈ તેની વહારે ધાયાં.તેને આજે ગુરુવાર છે. આ દિવસે તે કંઈ જ ખાતી નથી. તમે ખાઓ. રાતે જમતી વખતે તે ખાશે.’ તેમણે છોકરીઓને સમજાવી અને આ વાત છોકરીઓ પણ માની લીધી. થોડા સમય પછી તે સૌ રવાના થઈ. ઘરમાં ફરી ઈન્દિરાબાઈ અને સરલાં એકલાં પડ્યાં. ફરી બન્ને પરસ્પરથી દૂર રહેવાનો પ્રયાસ કરવા લાગ્યાં.

સરલાએ પુસ્તક વાંચવાનું ફરી શરૂ કર્યું. ઈન્દિરાબાઈ ફરી રસોડામાં કંઈક કામ શોધવા લાગ્યાં. પણ હવે કરવા જેવું કંઈ બાકી જ રહ્યું ન હતું અને તેમનાથી કામ વગર બેસી શકાતું ન હતું. `હું મંદિરે જઈને આવું છું.’ આમ કહીને તેઓ રવાના થયાં.

ઈન્દિરાબાઈ ગયાં અને તરત જ સરલા પલંગ ઉપરથી ઊભી થઈ. પોતાનું ડિસેક્શન બોક્સ ઉઘાડીને તેમાંથી એક કવર બહાર કાઢ્યું. તે કવરમાંથી એક કાગળ લઈને તે સુરેશના ફોટા સામે ઊભી રહી. અને તેની આંખમાંથી અશ્રુધરા વહેવા લાગી. `નાના, નાના… હું પાસ થઈ ગઈ. કોલેજમાં પહેલી આવી. હવે હું મેડિકલમાં જઈશ. પછી ડોક્ટર બનીશ.

પણ તું ક્યાં છે, નાના? આમ શા માટે નાસી ગયો? અરે તું હોત તો મેં મારું ભણતર પૂરું કર્યું હોત. મને સ્કોલરશિપ મળી હોત. નાના, પાછો આવી જાને. કંઈ નહીં તો આજનો દિવસ તો આવ. તું નથી તેથી બધું ઝેર જેવું લાગે છે. આજે બધાને પેંડા વહેંચ્યા છે અને મેં એકપણ નથી ખાધો. બાએ સુધ્ધાં નથી ખાધો.

બાપુજી પણ ખાશે નહીં. ભાઈ, તું ગયો ને આ ઘરનો બધો આનંદ હણાઈ ગયો, તારી આ ચિઠ્ઠી મેં હજુ સાચવી રાખી છે. સરુ, તું ખૂબ ભણ, ડોક્ટર બન- બાપુજીનો હવે તું જ દીકરો છે, એવું લખ્યું છે તેં. ભાઈ, હું ડોક્ટર બનીશ પણ દીકરો કેવી રીતે થઈશ. તું આવ, સુર્ેશ, જલદી પાછો આવ!’ સરલા ગદ્ગદિત થઈને બોલતી હતી.
કોઈએ બારણે ટકોરા કર્યા. સરલો પેલી ચિઠ્ઠી ઝડપથી ડિસેક્શન બોક્સમાં સંતાડી દીધી અને મોં લૂછીને બારણું ખોલ્યું. બાપુજી, સવારથી જ?’ સરલાએ પૂછ્યું.
પલંગ ઉપર બેસતાં બાપુજી બોલ્યા, એક ખૂબ જરૂરી કામ હતું.' બાપુજી, હું કોલેજમાં પહેલી આવી.’ બાપુજીને પાયલાગણ કરતાં તે બોલી, નીચે નમેલી સરલાની પીઠ ઉપર પ્રેમથી હાથ ફેરવતાં ને સુરેશના ફોટા તરફ જોતાં બાપુજીએ આશીર્વાદ આપ્યા. હંમેશાં સફળતા મેળવ. નામના મેળવ અને મોટી બન!' બાપુજીએ પ્રેમથી તેનો હાથ પકડી પાસે ખેંચી પૂછ્યું.પછી મેડિકલમાં ક્યાં દાખલ થવાનું નક્કી કર્યું? અહીંની કોલેજમા ંજવું છે કે મુંબઈની ગ્રાંટ મેડિકલમાં?’

બાપુજી તમે મોકલશો ત્યાં હું જઈશ.' સરલાએ જવાબ આપ્યો. વારુ, તારી બા ક્યાં છે?’ બાપુજીએ પૂછ્યું.
દર્શને ગયાં છે.' આજે કંઈ વહેલા…?’
તમે આવો તે પહેલાં આવી જઈશ એમ કહી ગયાં છે.' પણ હું આવ્યો તે પહેલાં ક્યાં આવી છે?’ બાપુજીએ હસવાનો પ્રયત્ન કરતાં કહ્યું.
ચા કરી આપું?' સરલાએ પૂછ્યું. ના. હું જરા વિસામો ખાઉં છું. તારી બા આવીને કરી આપશે. તારે ફરવા જવું હોય તો જઈ આવ. આજે આનંદનો દિવસ છે તારા માટે! પલંગ ઉપર પડ્યાં બાપુજીએ કહ્યું. સરલા સમજી ગઈ કે તેમને એકાંત જોઈએ છે. તે બહાર નીકળી ગઈ.

બારણું બંધ કરજો, હું બહાર જાઉં છું' તેણે કહ્યું. સરલાના ગયા બાદ બાપુજી સુરેશના ફોટા સામે આવી ઊભા રહ્યા અને ગદ્ગદિત અવાજે બોલ્યા,સુરેશ, સરુ ફર્સ્ટ ક્લાસમાં પાસ થઈ. અરે ગાંડા, મેં તને ઠપકો આપ્યો હતો તે આ ઘરમાંથી ચાલી જવા માટે નહીં. તું ભણવામાં ધ્યાન રાખે એ જ કારણે હું તને ચિઢાતો હતો. તમને બન્નેને મેં ખૂબ ભણાવ્યા હોત, જો તું ચાલ્યો ન ગયો હોત તો. એકનો એક તું દીકરો છે મારો. મારો બધો આધાર તારા ઉપર હતો. સરલા તો બિચારી પારકું ધન. ડોક્ટર થયા પછી પણ બીજાને ઘરે જવાની. તું જ આ ઘરનો સાચો આધાર હતો. આજે એક વર્ષ થયું તને ગયાને. તે કંઈ ખબર જ આપ્યાં નથી. ક્યાં છે તું! તારા ગયા પછી તો મારું શરીર ખખડી ગયું છે. પણ આ વાત કોઈને કહી પણ નથી શકતો. જો હું જ ધીરજ છોડી દઉં તો તારી બા અને સરુનું શું થશે? તેમના માટે જ મારે ખોટી સખ્તાઈનો દેખાવ કરવો પડે છે. સુરેશ, તું તો આ ઘરના બાપની લાકડી હતો. પાછો આવ. તારા આવ્યા વિના આ ઘરમાં પહેલાં જેવો આનંદ નથી આવવાનો. દીકરા, તારો થાકી ગયેલો બાપ બોલાવે છે. જલદી પાછો આવ. ખૂબ જલદી!’ સુરેશનો ફોટો ભીંત ઉપરથી ઉતારીને છાતીસરસો ચાંપી બાપુજી હીબકાં ભરતા હતા. વર્ષ આખાની વ્યથાને આજે વાચા મળી હતી. હૃદયમાં ધરબી રાખેલી ભાવના પ્રગટ થતી હતી.

એક વર્ષ પહેલાંની જ વાત છે. ખરું કહીએ વર્ષ પહેલાંની પણ નહીં, પણ સુરેશ સ્કૂલ જવા લાગ્યો ત્યારની. સુરેશને સ્કૂલ પ્રત્યે અણગમો હતો. સરલા તેના પછી સ્કૂલે બેઠી હતી, છતાં પ્રગતિ કરી રહી હતી. તે સુરેશ કરતાં દોઢ વર્ષ નાની હતી તો પણ સુરેશ કરતાં હોશિયાર હતી. પોતાનું ઘરકામ તો તે કરતી જ પણ સાથે સાથે સુરેશનું પણ કરી નાખતી. પણ પરીક્ષામાં આ બધું કેમ શક્ય હતું. સરુ દર વર્ષે પહેલો નંબર મેળવતી અને સુરેશને જેમ તેમ ઉપરના વર્ગમાં ચઢાવવામાં આવતો. એસ.એસ.સી સુધી તો જોકે એકેય વર્ષ બગડ્યું નહોતું, પણ એસ.એસ.સી.માં સુરેશ નાપાસ થયો. તેને આથી ખૂબ લાગી આવ્યું. અભ્યાસ કરવા બેસતો પણ તેનું મન પુસ્તકમાં નહીં બીજે ક્યાંક ભટક્તું. આખરે થવાનું હતું તે થઈને જ રહ્યું. એસ.એસ.સી.માં સરલા સારા માર્ક સાથે પાસ થઈ અને સુરેશ બીજી વખતે નાપાસ થયો.

બાપુજી પરિણામને દિવસે ખૂબ ગુસ્સે થયા. સરલા તેની સ્કૂલમાં પહેલી આવી હતી, પણ બાપુજીએ પેંડા ન વહેંચ્યા. સુરેશ પાસ થશે ત્યારે જ પેંડા એમ તેમણે બધાને કહી દીધું.

સરલા કોલેજમાં દાખલ થઈ. સુરેશ ફરી એસ.એસ.સીની તૈયારીમાં પડ્યો. આ વખતે તેણે જરા પણ કચાશ રાખી ન હતી. પોતાની નબળાઈના કારણે બહેને મેળવેલા યશની પણ ઉજવણી આ ઘરમાં નથી થતી એ વાત તેને અસહ્ય લાગી, પરંતુ આ વરસે પણ તેને નસીબે યારી ન આપી. સરલા ફર્સ્ટ યરમાં ફરી પહેલા નંબરે આવી. સુરેશ ફરી નાપાસ થયો.
બાપુજીનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. `તારા કારણે આ છોકરીનું ભણતર મારે બંધ કરવું પડશે. તું તો સાવ ઠોઠ નીવડ્યો. તારો ખાવા-પીવાનો ખર્ચ પણ હવે મને ભારે પડે છે.’ તેમણે સુરેશને આવું ઘણું સંભળાવ્યું. અને પછી તેઓ ગુસ્સામાં બહાર નીકળી ગયા. સુરેશ નિરાશ અને ડઘાયેલા ચહેરે પલંગમાં પડ્યો રહ્યો. રાત્રે જમવા પણ ઊભો થયો નહીં અને સવારે બધા જાગ્યા ત્યારે સુરેશ ઘરમાં નહોતો ટેબલ ઉપર એક ચિઠ્ઠી પડી હતી- સરલાના નામે લખાયેલી.

`સરુ,
તું ખૂબ ભણજે. ડોક્ટર બનજે. તારી પાછળ ખર્ચો થઈ શકે તેથી હું ચાલ્યો જાઉં છું. તું યશ અને નામના મેળવજે. બાપુજી અને બાની પણ એ જ ઈચ્છા છે. બાપુજીને કહેજે હું જન્મ્યો જ નહોતો તેમ સમજે, તું જ તો તેમની દીકરી અને દીકરો છે. સૌને નમસ્કાર.
-નાનો.’
ને તે સવારથી એ ઘરમાં આનંદ અને ઉમંગ ખોવાઈ ગયાં. સુરેશ આવું કંઈ કરશે તેવું બાપુજીને પણ લાગ્યું ન હતું.

આ વાતને હવે વર્ષ થઈ ગયું હતું. સરુ ફર્સ્ટક્લાસ સાથે કોલેજમાં પ્રથમ આવી હતી. સુરેશ ક્યા હતો શું કરતો હતો, તે વિશે કોઈ માહિતી મળી ન હતી. વર્તમાનપત્રોમાં જાહેરાત પણ અપાઈ હતી. પોલીસે કરેલી તપાસ પણ વ્યર્થ ગઈ હતી.

બારણું ખખડ્યું. બાપુજી તંદ્રામાંથી બહાર આવ્યા. ઉતાવળે તેમણે ફોટો મૂળ જગ્યાએ ટાંગી દીધો. અને બારણું ઉઘાડ્યું. ઈન્દિરાબાઈ મંદિરથી પાછાં આવ્યાં હતાં. થોડી ક્ષણો બાદ સરલા પણ આવી. સૌ મૂંગા મોંએ જમ્યાં રાતે સરલા પથારીમાં પડી પડી કઈ કોલેજમાં એડમિશન લેવું તેનો વિચાર કરવા લાગી. સરલાને બા-બાપુજી પાસે રહેવું હતું, પણ ઈચ્છતાં હતાં કે તે મુંબઈ ભણવા જાય તો સારું. જો તે અહીં ભણે તો તેને રોજ સુરેશની યાદ આવશે અને અભ્યાસમાં મન નહીં લાગે છેવટે બન્નેના આગ્રહને વશ થઈ સરુએ મુંબઈ જવાનું કબૂલ કર્યું.
અને તે દિવસ આવ્યો. ભીની આંખોએ ઘરમાંથી નીકળી. પણ ટેક્સીમાં બેસતા પહેલાં તે ફરી એક વખત ઘરમાં આવી અને સુરેશના ફોટા સામે હાથ જોડી ઊભી રહીને બોલી. `નાના, હું ડોક્ટર થવા મુંબઈ જાઉં છું હવે ઘરમાં બા અને બાપુજી જ છે. તું આવ. જ્યાં હોય ત્યાંથી જલદી ચાલ્યો આવ!’ અને આટલું બોલીને આંખો લૂછતી લૂછતી સરલા ટેક્સીમાં બેઠી.

પૂનાની હોશિયાર છોકરી હોવાના કારણે સરલાએ મેડિકલ કોલેજમાં પણ સારો મિત્રવર્ગ ઊભો કર્યો. પ્રાધ્યપકોએ દાકતરી વ્યવસાયનું મહત્ત્વ સમજાવતાં વિષયોની શરૂઆત કરી. અને પછી પ્રત્યક્ષ મનુષ્યદેહ ઉપર છરી ચલાવવાના વિચાર માત્રથી સરલા ધ્રૂજી ઊઠી. પણ ડોક્ટર બનવા માટે આ જરૂરી હતું તેથી તેણે કાળજું કઠણ કર્યું.
નોટિસ બોર્ડ ઉપર `ફર્સ્ટ ડિસેક્શન’ની નોટિસ લગાડવામાં આવી હતી. સરલાના ગ્રુપમાં ચારેય છોકરીઓ જ હતી. ડિસેક્શન માટે શું મળશે તેની છોકરીઓએ શરત લગાવી હતી.

હું માનું છું વધારેમાં વધારે આપણને એક પગ મળશે.' હેમા કર્ણિક બોલી. તેં તો જાણે નવાઈની વાત કરી. પગ મળશે જ. પગથી જ શરૂઆત કરવાની હોય છે.’ કુંદા સાઠેએ કર્ણિકની ઉડાડી. મને નથી લાગતું કે આપણને ફુલ બોડી મળશે. કાલે સર કહેતા હતા કે ફક્ત ચાર ગ્રુપ્સને જ ફુલ બોડી આપવામાં આવશે.' શુભાંગી પ્રભાકરે ચશ્માંના કાચ લૂછતા કહ્યું. સરુ, તને શું લાગે છે. તું લકી છો ને? તું કહેશે તે સાચું જ પડશે!’ હેમાએ સરુને પૂછ્યું.

આપણને મળશે ફુલ બોડી!' સરેુ જવાબ આપ્યો. ઓ. કે ફુલ બોડી મળે તો હું સૌને કોલા પાઈશ નહીં તો સરુએ પિવડાવવાનું.’ કુંદાએ શરત લગાવી.
બીજે દિવસે સરુ કોલેજમાં આવી ત્યાર ઘણી ઉત્સાહિત જણાતી હતી. લેડીઝ રૂમમાં તેણે એપ્રન પહેર્યું અને અરીસામાં પોતાનું રૂપ નિહાળતી નિહાળતી તે ગણગણી.

નાના, આજે ખરેખર તારી જરૂર હતી. મારી આ પ્રગતિ જોઈને તું કેટલો આનંદ પામ્યો હોત. તેની આંખમાં આંસુ આવ્યાં. તેટલામાં કુંદા, હેમા અને શુભાંગી દોડતાં આવ્યાં,સરુ, યુ આર ગ્રેટ! અરે! આપણને ફુલ બોડી મળ્યું જ ! અમે હમણાં જ ડિસેક્શન હોલમાં જઈ આવ્યાં. પહેલાં આઠ ટેબલને પાર્ટ્સ અને આપણી સાથેનાં ચાર ટેબલને ફુલ બોડી વી આર લકી!’ ત્રણે બહેનપણીએ સરલાને આલિંગન કરતાં બોલી.

બેલ વાગ્યો. હાથમાં ગ્લવ્ઝ ચઢાવી ડિસેક્શન બોક્સ લઈ સરુ ચાલી. તેના પગમાં આજે વિશેષ ગતિ હતી. આઠ ટેબલ ઉપરના મનુષ્ય અવયવો તરફ તુચ્છ દૃષ્ટિથી જોતી તે ચાર છોકરીઓ નવ નંબરના ટેબલ પાસે પહોંચી. ચારે તરફ ફોર્મિલીનની ઉગ્ર વાસ ફેલાયેલી હતી. `જો, કેવો જુવાન છોકરો છે!’ કુંદાએ સરુને નવ નંબરના ટેબલ તરફ ખેંચતાં
કહ્યું.

અને ટેબલ ઉપરના એ નગ્ન મૃતદેહ તરફ જોતાં જ સરલાને ચક્કર આવવા લાગ્યાં. આખો હોલ, ટેબલ ઉપરના બધા મૃતદેહો, મનુષ્યદેહના તૂટેલા અવયવો તેની આસપાસ જાણે ફરતા દેખાયા. ટેબલ ઉપર સુરેશનો મૃતદેહ ડિસેક્શન માટે આવ્યો હતો. તેની ઉઘાડી ઝાંખી આંખો હાથમાં સ્કાલપેલ પકડીને ઊભેલી સરલા તરફ જોઈ રહી હતી. સરુ બેહોશ બની જમીન ઉપર ફસડાઈ પડી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?